(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. શ્રી હર્ષદભાઈ પટેલે ભાષાંતર કર્યુ છે. -સં)
શ્રીરામકૃષ્ણે તોતાપુરી પાસેથી સંન્યસ્ત સ્વીકાર્યું, વિરજાહોમ કર્યો અને પરમહંસ સંન્યાસી બન્યા, પરંતુ જીવનપર્યંત પાતળી લાલ કિનારવાળી સફેદ ધોતી અને સફેદ પહેરણ પહેરતા. માત્ર કેટલાક વિશેષ પ્રસંગોએ ભક્તોની ઇચ્છાને માન આપી ભગવાં વસ્ત્ર પહેરતા. શ્રીમાએ સંન્યાસ લીધો ન હતો. પરંતુ તેમણે આદર્શ સંન્યાસિની રૂપે જીવન વિતાવ્યું. તેઓ હતાં કૌશામ્બી અર્થાત્ દુર્ગા, જેઓ વિવાહિત હોવા છતાં અખંડ બ્રહ્મચારિણી હતાં. તેઓ પણ લાલ કિનારવાળી સાડી પહેરતાં. તેઓએ શ્રીરામકૃષ્ણની જેમ મંત્રદીક્ષા, બ્રહ્મચર્યદીક્ષા અને તેમના કેટલાક શિષ્યોને અનૌપચારિક સંન્યાસદીક્ષા પણ આપી હતી. જો કે ભગવાં વસ્ત્રો આપ્યા પછી શ્રીમા પોતાના શિષ્યોને ઔપચારિક સંન્યાસ વ્રત અને સંન્યસ્ત નામ ઠાકુરના શિષ્યો પાસેથી ગ્રહણ કરવાનું કહેતાં.
શ્રીમાનો ઉપદેશ ત્યાગસભર રહેતો. એક વાર એક સ્ત્રીભક્તે શ્રીમાને એની પુત્રીને લગ્ન કરવાનો આદેશ કરવાનું કહ્યું. શ્રીમાએ પ્રત્યુત્તરમાં જણાવ્યું, “આજીવન અન્યના તાબામાં રહેવું અને નિરંતર તેના ઇશારે નાચ્યા કરવું એ શું દુઃખજનક બિના નથી? જો કે બ્રહ્મચારિણી રહેવામાં થોડુંક જોખમ અવશ્ય છે, પરંતુ જો કોઈ લગ્નજીવન વ્યતીત કરવા માગતું ન હોય તો તેને તે માટે બળજબરી ન કરવી જોઈએ, આજીવન સાંસારિકતામાં ધકેલી દેવી જોઈએ નહીં.જે છોકરીઓ સંપૂર્ણ ત્યાગમય જીવન પ્રતિ પ્રતિબદ્ધ છે તેમને બ્રહ્મચારિણી તરીકેનું જીવન વ્યતિત કરવા પ્રોત્સાહિત કરવી જોઈએ.”
શ્રીમાએ સ્વયં ત્યાગપૂર્ણ જીવન વ્યતિત કરવાની સાથે સાથે પત્ની અને માતા તરીકેની ફરજો બજાવી હતી. સ્વામી નિખિલાનંદે નોંધ્યું છેઃ
શ્રીમાએ અનુપમ રીતે પત્ની, માતા અને સંન્યાસિની તરીકેની ફરજો બજાવી હતી. આ પૂર્વે આદર્શ પત્ની, આદર્શ માતા અને આદર્શ સંન્યાસિનીનાં સ્ત્રી-પાત્રો ઇતિહાસનાં પૃષ્ઠોમાં જોવા મળે છે. પરંતુ ત્રણેય આદર્શોનો એક સ્થાને સુભગ સુમેળ ખરેખર દુર્લભ છે. પાંચ વર્ષની વયે શ્રીમાનાં શુભલગ્ન શ્રીરામકૃષ્ણ સાથે થયાં અને તેઓ જીવ્યાં ત્યાં સુધી તેમની સાથે રહ્યાં તેમજ હિન્દુ પત્નીરૂપે શ્રેષ્ઠ પરંપરા અનુસાર તેમની વૈયક્તિક સેવા કરી. શ્રીમા શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક પથનાં નિરંતર સંગિની હતાં. શ્રીમાએ પ્રદર્શિત કરી બતાવ્યું કે એક સ્ત્રી પોતાના પતિ પાસે દૈહિક સંતુષ્ટિની માગ કર્યા વિના પતિ-ભક્તિ અને પતિ-પ્રેમ પ્રસ્તુત કરી શકે છે. વિવાહિત હોવા છતાં શ્રીમા સંન્યાસિની રૂપે જીવ્યાં; દેહ-મનથી વિશુદ્ધ અને ઈશ્વર સાથે અવિરોધ્ય તાદાત્મ્ય. તેમને દેહજન્ય સંતાનો ન હતાં પરંતુ તેમને આત્મજ સંતાનો અનેકાનેક હતાં. સાંસારિક માતાની જેમ તેઓ પોતાનાં સંતાનોની સુખસગવડનું પૂર્ણ ધ્યાન રાખતાં. પરંતુ સાંસારિક માતાથી વિપરીત, શ્રીમાનો સંતાનો પ્રત્યેનો પ્રેમ સંપૂર્ણતઃ અનાસક્તિ ભર્યો હતો અને તેઓ પાસેથી બદલામાં કશાયની અપેક્ષા રાખતાં ન હતાં. શ્રીરામકૃષ્ણના શબ્દોમાં શ્રીમા એટલે ભારતીય નારીત્વની પરાકાષ્ઠા!
શ્રીમાની વાણીનું કોઈ રેકોર્ડિંગ આપણી પાસે ઉપલબ્ધ નથી પરંતુ તેમનાં ઉપદેશ-વચનો અને સંસ્મરણો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે શ્રીમા કોલકાતાના ભક્તો સાથે ઔપચારિક બંગાળી ભાષામાં વાતચીત કરતા અને પોતાનાં સગાં તેમજ ગામડાના લોકો સાથે ગ્રામ્ય બંગાળી ભાષામાં વાતચીત કરતાં. શ્રીમાએ શાળાકીય શિક્ષણ મેળવ્યું ન હતું. તેમની ભાષા સરળ અને મધુર હતી, પ્રયુક્ત શબ્દો સ્પષ્ટ અને મોહક હતા, ઉદાહરણો પ્રસંગાનુરૂપ અને સુંદર હતાં, વર્ણન કાવ્યાત્મક અને તાદૃશ્ય હતાં, વાતચીતના મુદ્દા અર્થસભર અને ગહન હતા, બોલચાલની લઢણ મૌલિક અને મુગ્ધકારી હતી. તેમનાં ઉચ્ચારણો બાંકુડા જિલ્લા જેવાં હતાં. જેમ કે શ્રીમા ‘લ’ ને સ્થાને ‘ન’ બોલતાં. ઉદાહરણરૂપે લાટુને બદલે નાટુ, લલિત સ્થાને નલિત અને કાંજીલાલને બદલે કાંજીનાલ બોલતાં. આ ક્ષતિપૂર્ણ ઉચ્ચારણો લોકોને પસંદ પડતાં. તેઓ યોગેન મહારાજને છેલે જોગેન, યોગિન માને મેયે જોગેન, ગૌરીમાને ગૌરદાસી કહીને બોલાવતાં. તેઓ પુરુષ શિષ્ય અને ભક્તને બાબા તેમજ સ્ત્રી શિષ્ય અને ભક્તને મા કે મેયે કહીને સંબોધતાં. તેઓ પોતાના સંન્યાસી શિષ્યને તેમના પૂર્વાશ્રમના નામે બોલાવતાં.
2 Comments
Leave A Comment
Your Content Goes Here
્્શ્રી્્શ્રી્્શ્રી્્શ્્્શ્રી્્શ્રી્્શ્રી્્શ્રી માની ભાષાની લઢણ વિશે પ્રથમ વખત જાણવા મળ્યું. ધન્યવાદ.
શ્રી માની ભાષાની લઢણ વિશે પ્રથમ વખત જાણવા મળ્યું. ધન્યવાદ.