પરિક્રમા દરમ્યાન રામાનંદ સંત આશ્રમમાં રહેતાં રહેતાં સંન્યાસી ત્યાંનાં વિધિ-વિધાન શીખવા લાગ્યા. એક વાર ભોજનપ્રસાદ વખતે સંન્યાસીએ ડાબા હાથે જળ પીધું. ત્યારે તો કોઈએ કંઈ કહ્યું નહિ, પરંતુ એક વૃદ્ધ રામાયતી સંત આ બધાંનું બારીકાઈથી નિરીક્ષણ કરતા હતા. તેમણે પછીથી સંન્યાસીની બાજુમાં બેઠેલા બીજા એક વૃદ્ધ સંન્યાસીને કહ્યું, “આ સંન્યાસીને કહી દે જો કે તે પ્રસાદ વખતે ડાબા હાથનો ઉપયોગ ન કરે, નહિ તો પાછળના ખંડમાં પ્રસાદ લેવા બેસે (ગૃહસ્થો સાથે). સંન્યાસીએ બોધપાઠ લીધો કે પ્રસાદ વખતે સમજવાનું કે ડાબા હાથને દોરડીથી બાંધેલ છે. વળી, એક બીજો પાઠ શીખવાનું થયું. મંદિરમાં આરતી પછી બધા ચરણામૃત-પ્રસાદ ગ્રહણ કરે. સંન્યાસીથી ચરણામૃત લેતી વખતે એક ટીપું ભૂમિ પર પડી ગયું. ત્યાં તો રાડારાડ થઈ ગઈ! એક સંતે મોટા અવાજે કહ્યું, “ચરણામૃત લઈએ ત્યારે તમારા કાપડના ખેસને નીચે રાખવાનો જેથી ચરણામૃત પડે તો કાપડમાં શોષાઈ જાય.” સંન્યાસીને આ વાત યોગ્ય લાગી. પણ સંન્યાસી ચબરાક. સંન્યાસીએ જોયું કે દરરોજ આરતી વખતે પૂજારી શંખમાં રહેલું જળ ભક્તો પર છાંટે અને તેમાંથી ઘણું બધું જળ તો ભૂમિ પર નીચે પડે. સંન્યાસીએ આનું નિરીક્ષણ કર્યું.

આશ્રમના મહંત મહારાજ પ.પૂ.અભિરામદાસ ત્યાગીજી મહારાજ દરરોજ સવારે ભોજનપ્રસાદ પહેલાં પ્રવચન કરે અને જે કોઈએ કાંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો રૂબરૂ અથવા કાગળની ચબરખીમાં લખીને પણ પૂછી શકાય. સંન્યાસીએ ચબરખી દ્વારા પૂ.મહારાજને પ્રશ્ન પૂછ્યો, ‘મહારાજ, ચરણામૃત લેતી વખતે એક ટીપું નીચે પડે તો સાધુ લોકો રાડારાડ કરે અને પૂજારી મહારાજ આરતી વખતે શંખનું જળ બધા પર છાંટવા જતાં ઘણું બધું જમીન પર નીચે પડે છે, ત્યારે તો કોઈ કશું બોલતા નથી! તો શું બન્ને જળની પવિત્રતામાં કંઈ ભેદ છે? શું બાબત છે?’ પૂ.મહારાજે એકદમ નિષ્પક્ષભાવે જવાબ આપ્યો, ‘બન્ને જળ પવિત્ર છે, શંખનું જળ જે નીચે પડે છે તેને પૂજારીએ તરત જ લુછાવી નાખવું જોઈએ, જેથી કોઈના પગમાં ન આવે.’

હવે, સંન્યાસી સમક્ષ ચાતુર્માસ ક્યાં કરવો તે યક્ષપ્રશ્ન હતો. એપ્રિલનો અંત સમય હતો. ૨૧ મે પછી સમુદ્ર પાર કરવા નૌકા ચાલશે નહીં એવા સમાચાર આવ્યા. હવે જો સામેના તટે—ઉત્તરતટમાં આવેલ માલસર, નારેશ્વર કે ચાણોદમાં ચાતુર્માસ કરવા હોય તો માત્ર ૨૧ દિવસમાં ૩૦૦ કિ.મી.નો પથ કાપવો પડે! વચ્ચે આવતાં ગુજરાતનાં કેટકેટલાંય તીર્થસ્થાનો છોડી દેવાં પડે! એટલે સંન્યાસીએ નક્કી કર્યું કે આ તટે અર્થાત્‌ દક્ષિણતટ પર જ ચાતુર્માસ કરશે. તે માટે મણિનાગેશ્વર, જગદીશ મઢી અને હનુમાન ટેકરી—દક્ષિણતટ પરનાં આ ત્રણ સ્થાનોનાં નામ ચાતુર્માસ કરવા માટે સંભળાતાં હતાં. હનુમાન ટેકરીનું સ્થાન સમુદ્રથી વિશેષ દૂર નહોતું, તેથી સંન્યાસીને એમ કે હનુમાન ટેકરી પરથી દૂર દૂર સુધી સમુદ્રનાં દર્શન કરતાં કરતાં ચાતુર્માસ અત્યંત આનંદપૂર્વક પસાર થશે. પરંતુ ખબર પડી કે હનુમાન ટેકરી માત્ર નામ છે, ટેકરી જેવું કંઈ જ નથી! અને જેમ ગંગામૈયા સમુદ્રની નજીક જાય તેમ તેની પહોળાઈ વધતી જાય અને ડાયમંડ હાર્બર પાસે તો ગંગાનાં સુંદર મજાનાં દર્શન થાય તેમ દક્ષિણતટથી નર્મદાનાં દર્શન થતાં નથી. લગભગ ૫૦ કિ.મી. પહેલાં જગદીશ મઢીથી જ નર્મદાતટ છોડી દેવો પડે. સમુદ્રની વિશાળ ભરતી-ઓટથી દક્ષિણતટ પર કળણ થઈ જાય. તેમાં માણસ ચાલે તો ખૂંપી જાય. નર્મદાના દક્ષિણતટના અંતે વિમલેશ્વર કે કતપોરથી ચાલતી નૌકામાં, જ્યારે ભરતી આવે ત્યારે કેનાલ જેવી ખાડીમાં ૩૦-૪૦ કિ.મી. અંતર કાપ્યા પછી સમુદ્રદેવનાં દર્શન થાય!

સંન્યાસી ઘણાંને ચાતુર્માસ અંગે પૂછતા ફરતા હતા. તેવામાં રામાનંદ સંત આશ્રમના પૂજારી મહારાજ સાથે ચાતુર્માસ અંગેની વાતો થઈ. તેમણે કહ્યું, ‘મહારાજજી, તમે જેમ જેમ સમુદ્ર નજીક જશો તેમ તેમ મચ્છરોનો ત્રાસ વધતો જશે. અહીં આ આશ્રમમાં જ ચાતુર્માસ કરો. એવું હોય તો નર્મદાતટે આ આપણી ૨૪ કુટિયા છે, તેમાંની કોઈ એકમાં ચાલ્યા જાઓ.’ પૂ. પૂજારી મહારાજની વાત સંન્યાસીને થોડી ગળે ઊતરી અને તક મળતાં ૨૧ નંબરની કુટિયામાં સંન્યાસીએ આસન ગોઠવી દીધું.

સામે નર્મદામૈયાનાં પાવન દર્શન, ફળફૂલોથી શોભતો આશ્રમ, શાંત નિર્મળ વાતાવરણ—સંન્યાસીના આનંદની તો કોઈ પરિસીમા જ રહી નહીં. સંન્યાસી હવે વિશેષ મન-પ્રાણથી આશ્રમના નીતિનિયમો અને વિધિવિધાન જેટલાં બની શકે તેનું પાલન કરી પરમ આનંદમાં ચાતુર્માસ પસાર કરવા લાગ્યા.

માનવ જાતિગત લુચ્ચું પ્રાણી કહેવાય (અપવાદ હોય છે). સંન્યાસી ચબરાક ખરા, ચાલાક નહિ. રામાનંદ સંત આશ્રમમાં સંન્યાસી અને બીજા મોટાભાગના સાધુઓ શાકભાજી સમારવાની સેવા કરે. તેમાં મરચાં અને આદુ કાપવાની સેવા કઠિન. એકાદશી કે બીજા કોઈ પ્રસંગે ક્યારેક શાકભાજી સમારવાનાં ન હોય તોય મરચાં અને આદુ સમારવાની સેવા તો ચાલુ જ હોય. એટલે આ સેવાનો કોઈ ધણી ન થતાં, ફરતી ફરતી આ સેવા સંન્યાસીને માથે આવી પડી. પરંતુ સંન્યાસીએ મરચાં-આદુ સમારવાની આ સેવાને પ્રેમપૂર્વક સ્વીકારી લીધી. હવે સ્વીકારી તો લીધી, પણ જેમ શ્રીઠાકુર કહે છે,‘મરચાં ખાવાથી તીખાં તો લાગે’ તેમ સવાર-સાંજ આટલાં બધાં મરચાં કાપવાથી શરૂઆતમાં તો ખબર ન પડી. પણ થોડા દિવસમાં તો અનુભવ થયો કે હાથનાં આંગળાંમાં ખૂબ જ બળતરા થવા લાગી. બળતરા વધતાં બ્લીચીંગ પાવડરથી સવાર-સાંજ હાથ ધોયા પણ વળી કોઈએ કહ્યું કે દરરોજ આવી રીતે બ્લીચીંગ પાવડરથી હાથ ધોવાથી ગંભીર બીમારી થઈ શકે એટલે આ રીતે હાથ ધોવાનું બંધ કર્યું. શાકભાજી સમારવા માટેની છરીઓ પણ ધારવાળી ન હતી. એક-બે છરી ધારવાળી હતી તેને પાવરધા સાધુઓ સંતાડી રાખતા. સંન્યાસીને કોઈએ કહ્યું કે મરચાં સમારતી વખતે પ્લાસ્ટિકનાં મોજાં પહેરવાથી આંગળાંમાં બળતરા નહી થાય. હવે સંન્યાસીને અહીં ચાતુર્માસ કરવાના હોવાથી નાની-મોટી કેટલીક વસ્તુઓની આવશ્યકતા જણાઈ—જેવી કે, પ્લાસ્ટિકની થેલી, છરી, સોય, પ્લાસ્ટિકના બે-ત્રણ ડબ્બા. આમ, નાની નાની વસ્તુઓનું મોટું લિસ્ટ બનાવી વડોદરા આશ્રમના ઉદારચિત્ત-દયાપરાયણ દર્પહાનંદજીને મોકલી દીધું અને તેમણે કુંવરબાઈના મામેરાની જેમ બધી વસ્તુઓ ખૂબ જ કાળજીપૂર્વક પહોંચાડી દીધી.

મંદિરમાં દરરોજ બે વાર આરતી, બની શકે તો બે વાર નર્મદાસ્નાન, જપધ્યાન, ભાગવત-રામાયણ-કથામૃતનો સ્વાધ્યાય; કેરી, કેળાં, જામફળ, આમળાં, લીંબુ વગેરે આશ્રમમાં જ થતા ફળોનું રસાસ્વાદન અને સંતો દ્વારા તૈયાર થતું અમૃત સમાન ભોજન, સુંદર આશ્રમ પરિસર, શ્રીમંદિરમાં પોતીકા રામ-જાનકીના જાગ્રત વિગ્રહ—સંન્યાસીનું મન પરમાનંદમાં વિચરવા લાગ્યું. વળી, ચોમાસામાં ઘણી વાર સાપદાદા અને ભૂખરા-કાળોતરા વીંછીદાદાનાં પણ દર્શન થઈ જાય! જોગાનુજોગ સંન્યાસીને પોતાના સંઘના મુખ્ય મથકે પત્રવ્યવહાર થયો અને એમાં સંન્યાસીએ મુખ્ય સ્વામીજીને ચાતુર્માસ પછી પરિક્રમા પૂર્ણ કરીને શીઘ્રાતિશીઘ્ર મુખ્ય મથકે પહોંચવાનું લેખિત વચન આપ્યું.

Total Views: 510

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram