અમેરિકામાં વેદાંત પ્રચાર સ્વામી વિવેકાનંદ માટે સહજ ન હતો. એક તો ભારત ગુલામ દેશ, એમાં પણ જો એક ભારતીય વિશ્વના સહુથી સમૃદ્ધ દેશમાં આવીને એમ કહેવા માંડે કે અમારા ગુલામ દેશની આધ્યાત્મિક શક્તિ તમારાથી પણ ચઢિયાતી છે, તો શું એ લોકો આ વાત વિના વિરોધે સ્વીકારી લેશે? પશ્ચિમી સભ્યતા ધનાઢ્ય બની છે જ એશિયા અને આફ્રિકાને લૂંટીને. સ્વામીજીની અમેરિકા મુલાકાત દરમિયાન તેઓએ સુસભ્ય થવાની શરૂઆત કરી હતી અને વિશ્વ-નાગરિકત્વની વાતો કરવા લાગ્યા હતા. પણ તેઓનો એક વર્ગ એવો હતો કે જો એમનો નાણાકીય સ્વાર્થ ક્યાંય પણ અટવાતો હોય તો તેઓ પોતાના રાક્ષસી સ્વરૂપમાં પાછા ઊતરી આવતા. સ્વામીજીના વેદાંત પ્રચારથી ઘણી મિશનરી સંસ્થાઓને ભારતમાં ધર્મ-પરિવર્તન કરાવવા માટેનું ભંડોળ મળવું અઘરું થઈ ગયું હતું. તેઓ તાકીને જ બેઠા હતા કે ક્યારે સ્વામીજીને ભોંઠા પાડી, એમની પોલ ખોલી દે. પણ શું શિવસ્વરૂપ સ્વામીજી સામે આવાં કાવતરાં કામ કરવાનાં હતાં? ક્યારેય નહિ.

સ્વામીજી કેલિફોર્નિયા રાજ્યના પાસાડેના શહેરમાં નિવાસ કરી રહ્યા હતા એ સમયની આ ઘટના છે. 18 જાન્યુઆરી,1899ની સાંજે સ્વામીજી ‘શેક્સપિયર ક્લબ’ નામક એક મહિલા મંડળમાં પ્રવચન આપવા ગયા હતા. અહીં બધાને વેદાંત ઉપરનું પ્રવચન અઘરું લાગશે એમ વિચારીને તેઓએ કહ્યું કે એમને જે વિષય આપવામાં આવે એની ઉપર બોલવા તેઓ તૈયાર છે. અહીં કેટલાક મહિલા અને પુરુષ મિશનરીઓ એકઠા થયા હતા. એમણે નક્કી કર્યું કે સ્વામીજીને ફસાવવાનો આ જ મોકો છે.

એમાંના એક ભાઈએ ઊભા થઈને પૂછ્યું: “અમે જાણવા માગીએ છીએ કે તમારી શ્રેષ્ઠ આધ્યાત્મિકતા અને દર્શન પ્રણાલીએ તમારા દેશનું શું ભલું કર્યું છે. શું એનાથી તમારી નારીઓ અમારી નારીઓ કરતાં વધુ ઉન્નત બની શકી છે?”

સ્વામીજી સમજી ગયા કે એમને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એમણે ઉત્તર આપ્યો: “આ એક ભડકાઉ પ્રશ્ન છે. હું તો અમારી સ્ત્રીઓને પણ સન્માન આપું છું અને તમારી સ્ત્રીઓને પણ સન્માનું છું.”

એ ભાઈએ કહ્યું: “શું તમે તમારી સ્ત્રીઓને લગતી સામાજિક પ્રથાઓ, તેઓનું શિક્ષણ, અને પરિવારમાં તેઓના સ્થાન વિશે બોલશો?” એમણે વિચાર્યું હતું કે એક ગુલામ પ્રજાની સ્ત્રીઓમાં શું વળી સંસ્કારિતા અને વિદ્વત્તા હોવાની. પણ ભારત તો મા સીતા, સતી પાર્વતી, અને દેવી શારદાની પુણ્યભૂમિ છે. આપણી સ્ત્રીઓની રગેરગમાં પવિત્રતા અને કરુણાની ગંગા વહે છે.

વળી, શ્રીરામકૃષ્ણના શિષ્યોમાં સ્વામીજી જ હતાને કે જેમણે મા શારદાની મહત્તા સર્વપ્રથમ અનુભવી હતી! એમણે જ શંખનાદપૂર્વક કહ્યું હતું કે, “ભૂતકાળનું દુનિયાનું સાહિત્ય બધું ફેંદી વળો અને હું તમને ખાતરી આપું છું કે બીજી સીતા મળે તે પહેલાં તમારે ભવિષ્યની દુનિયાનું સાહિત્ય પણ ફેંદીને ખલાસ કરવું પડશે. સીતા અપ્રતિમ છે; એ ચરિત્ર તો એક જ વાર અને કાયમને માટે આલેખાયેલું છે. રામ કદાચ અનેક થયા હશે, પરંતુ સીતા તો એક જ થઈ છે! … ખુદ પવિત્રતા કરતાં વધુ પવિત્ર, ધૈર્ય અને સહનશીલતાની મૂર્તિ, આ મહિમામંડિત, સીતા સદાસર્વદા ટકી રહેવાની છે. એક શબ્દ સરખોય ઉચ્ચાર્યા સિવાય કષ્ટમય જીવન વિતાવનારી, સદા પવિત્ર અને સદાચારિત્ર્યશીલ પત્ની, લોકોનો આદર્શ, દેવતાઓનો આદર્શ, એ – મહાન સીતા, આપણી રાષ્ટ્રદેવતા સીતા, હંમેશને માટે ટકી રહેવી જ જોઈએ.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૧૪૦)

મિશનરી દળનો પડકાર સ્વીકારી લઈ સ્વામીજીએ પોતાની વિચક્ષણ શૈલીમાં ભારતીય નારી વિશે અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રવચન આપ્યું. તેઓએ કહ્યું:

“ભારતમાં નારીત્વનો આદર્શ છે પહેલી માતા અને છેલ્લી પણ માતા. સ્ત્રી શબ્દ હિંદુના મનમાં માતૃત્વની ભાવના ખડી કરે છે; ખુદ ઈશ્વરને માતા તરીકે સંબોધવામાં આવે છે! અમે જ્યારે નાના છોકરાઓ હતા ત્યારે દરરોજ અમારે સવારના પહોરમાં પ્યાલામાં પાણી લઈને માતા પાસે જવું પડતું; અમે પ્યાલો માતા પાસે ધરીએ અને માતા તેમાં પોતાના પગનો અંગૂઠો બોળે એટલે અમે માનું એ ચરણામૃત પી જઈએ.

પશ્ચિમમાં સ્ત્રી એ પત્ની છે; ત્યાં સ્ત્રીત્વનો આદર્શ પત્ની તરીકે જ મૂર્ત થાય છે; ભારતમાં સામાન્ય માનવીને મન સ્ત્રીત્વનું સમસ્ત બળ માતૃત્વમાં એકઠું થયેલ છે. પાશ્ચાત્ય કુટુંબમાં પત્નીનું રાજ ચાલે છે, ભારતીય કુટુંબમાં માતાનું ચલણ હોય છે.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૮ પૃ. ૩૪૦)

સાથે જ સ્વામીજીએ એમને તિરસ્કારપૂર્વક કહ્યું:

“ભારતીય પ્રજાનો આદર્શ આત્માની મુક્તિનો છે. આ જગત નકામું છે; એ ભ્રમ છે, સ્વપ્ન છે. આ જીવન પણ તેના જેવાં કરોડો જીવનમાંનું એક છે. આ સમગ્ર પ્રકૃતિ માયા છે, એક ભ્રમ છે, કલ્પનાનાં જાળાંનું એક રોગઘર છે. ભારતની ફિલસૂફી આ છે. બાળકો જિંદગીને જોઈને રાજી થાય છે અને માને છે કે જીવન બહુ જ સુંદર અને સરસ છે, પરંતુ, થોડાં વરસોમાં જ તેમને જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા આવવું પડે છે; તેમના જીવનની શરૂઆત રુદનથી થાય છે અને રુદનમાં જ તેનો અંત આવે છે. જુવાનીના શક્તિકાળમાં પ્રજાઓ મનમાં માને કે આપણે બધું કરી શકીશું; ‘પૃથ્વી પરના દેવો આપણે છીએ. ઈશ્વરની માનીતી પ્રજા આપણે છીએ.’ તેઓ માને છે કે સર્વશક્તિમાન પરમેશ્વરે આખી દુનિયા પર રાજ કરવાનો, ઈશ્વરની યોજનાઓને આગળ ધપાવવાનો, પોતાને ગમે તે બધું કરવાનો, અરે, આખી દુનિયાને ઊંધીચત્તી કરી નાખવાનો પરવાનો તેમને જ આપ્યો છે! લૂંટવાનો, ખૂન કરવાનો, મારીને કચડી નાખવાનો ઇજારો તેમને જ મળ્યો છે; ઈશ્વરે તેમને જ આ બધું સુવાંગ આપેલ છે એમ માનીને તેઓ આ બધું કર્યા કરે છે, તેનું કારણ કે તેઓ માત્ર અણસમજુ બાળક છે. એવી રીતે તો કેટલાંય ભવ્ય અને પ્રભાવશાળી સામ્રાજ્યો ઊભાં થયાં અને આથમી પણ ગયાં, અત્યારે તેમનો પત્તો ય નથી; એ બધાં ક્યાં ઊડી ગયાં તેની કોઈને માહિતી નથી. બેશક તેનો વિનાશ પણ અસાધારણ હશે.

नलिनी-दल-गत-जलमति तरलम्।
तद्वद्‌-जीवितमतिशय-चपलम् ।।

‘કમળપત્ર પરનું જળનું બિન્દુ જેમ એક ક્ષણમાં નીચે દડી પડે છે તેવું જ આ ક્ષણભંગુર જીવનનું પણ છે.’ જ્યાં જ્યાં આપણે નજર નાખીએ ત્યાં વિનાશ જ દેખાય છે. આજે જ્યાં અફાટ જંગલો ઊભાં છે ત્યાં એક વખતે વિરાટ શહેરોવાળાં મહાપ્રભાવશાળી સામ્રાજ્યો હતાં. આ છે ભારતીય માનસનો મુખ્ય વિચાર, મુખ્ય સૂર, આગળ તરી આવતો રંગ. અમે જાણીએ છીએ કે તમે પશ્ચિમના લોકોની નસેનસમાં જુવાનીનું લોહી દોડી રહ્યું છે; અમે જાણીએ છીએ કે માનવીની પેઠે પ્રજાઓને પણ પોતાનો ચડતીનો કાળ હોય છે. પણ આજે ગ્રીક ક્યાં છે? રોમ ક્યાં છે? થોડા સૈકાઓ પહેલાંનો પેલો બળવાન સ્પેનવાસી આજે ક્યાં છે? આ બધું જોતાં કોને ખબર છે કે ભારતનુંય શું થશે? આ રીતે સામ્રાજ્યો અસ્તિત્વમાં આવે છે અને આ રીતે જ તેમનો વિનાશ પણ થાય છે; તેમની ચડતી થાય છે તેમ પડતી પણ થાય છે. જે મોગલ આક્રમણકારીઓનાં લશ્કરોને અટકાવવાની દુનિયામાં કોઈની તાકાત ન હતી, જેમણે તમારી ભાષામાં ભયંકર (Tartar) ‘ટાર્ટર’ – તુરક શબ્દ આપ્યો છે, તે મોગલોને હિંદુઓ નાનપણથી જ ઓળખે છે. હિંદને બોધપાઠ મળી ગયો છે. તે આજનાં બચ્ચાંઓની પેઠે બક બક કરવા નથી માગતો. ઓ પશ્ચિમના લોકો! તમારે જે કહેવું હોય તે કહી લો; આજે તમારો વખત છે. આગળ વધો, હાંક્યે રાખો, બચ્ચાંઓ! તમે તમારે બડબડાટ કર્યે જાઓ. આ જમાનો બચ્ચાંઓને બડબડ કરવાનો છે. અમે અમારો પાઠ શીખી ગયા છીએ એટલે અમે ચૂપ બેઠા છીએ. આજે તમારી પાસે થોડીક સમૃદ્ધિ છે, એટલે તમે અમારી અવગણના કરો છો; કરી લો, આજે તમારો વખત છે. બડબડ કરી લો, બચ્ચાંઓ! બડબડ કરી લો. હિંદુની મનોવૃત્તિ આ છે.

વધુ પડતા વ્યર્થ વાણીવિલાસથી ઈશ્વરની પ્રાપ્તિ થવાની નથી. એ દેવાધિદેવ પ્રખર મેધા શક્તિથીયે મળવાનો નથી. વિજયો પ્રાપ્ત કરવાની પ્રચંડ તાકાતથી પણ તે હાથમાં આવે એવો નથી. પરંતુ જે માનવી વસ્તુમાત્રના ગૂઢ કારણને જાણે અને એ ઈશ્વર સિવાયની વસ્તુમાત્રને ક્ષણભંગુર માને, તેની પાસે જ તે આવે છે, બીજા કોઈ પાસે નહિ, બીજા કોઈ પાસે નહિ. યુગયુગાંતરોના અનુભવ પછી ભારત આ પાઠ શીખ્યું છે. તેણે પોતાનું મુખ ઈશ્વર પ્રત્યે વાળ્યું છે. તેણે ઘણીયે ભૂલો કરી છે; ભારતીય પ્રજા પર ગંદવાડના ટોપલે ટોપલા નાખવામાં આવ્યા છે. કંઈ પરવા નહિ; એથી શું થઈ ગયું? તમારા આ કચરા કાઢવા, આ શહેરો સાફ રાખવાં વગેરેથી શું વળે છે? શું તે જીવન આપી શકે એમ છે? જેમની પાસે સુંદર સંસ્થાઓ છે, તેઓ પણ નાશ પામે છે અને સંસ્થાઓ, પેલી ડબલાં જેવી પશ્ચિમની સંસ્થાઓ, જે પાંચ દિવસમાં ઊભી થાય અને છઠ્ઠે દિવસે કડડભૂસ થઈ જાય, એમનાથી વળ્યું શું? તમારી ક્ષુદ્ર મૂઠીભર પ્રજાઓમાંની એક પણ પૂરી બે સદી સુધી જીવતી રહી શકતી નથી; જ્યારે અમારી સંસ્થાઓ તો કાળની કારમી કસોટીમાંથી પાર ઊતરી ચૂકેલ છે. હિંદુ કહે છે: ‘અવશ્ય, પૃથ્વી પરની સઘળી પ્રાચીન પ્રજાઓને અમે દફનાવી છે અને નવી પ્રજાઓને પણ દાટી દેવા માટે અમે ઊભા છીએ, કારણ કે અમારો આદર્શ ઇહલોક નથી, પરલોક છે. તમારું ભાવિ તમારા આદર્શ પ્રમાણેનું જ હશે; તમારો આદર્શ જો ક્ષણભંગુર હશે, તમારો આદર્શ જો આ મર્ત્યલોકનો હશે, દુન્યવી હશે, તો તમે તેવા જ થશો. તમારો આદર્શ જો જડ હશે તો તમે જડ થશો. જરા જુઓ, અમારો આદર્શ છે ચૈતન્ય આત્મા. જગતમાં કેવળ એક એનું જ અસ્તિત્વ છે, બીજા કોઈનું નહિ અને અમે તે ચૈતન્યની પેઠે, સદાકાળ જીવંત છીએ.”(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૮ પૃ. ૩૫૪)

હવે ભારતીયોને ધર્માંતરિત કરવા ઉદ્ધત થયેલ મિશનરીઓથી આવી વાતો કેમ સહન થાય! તેઓ તો સ્વામીજી ઉપર આક્ષેપોનાં તીર પર તીર ચલાવવા લાગ્યા, જેમ કે—ભારતમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય છે, તેઓનું બાળપણમાં જ લગ્ન કરી દેવામાં આવે છે, નાની ઉંમરમાં જ તેઓ ગર્ભવતી બની જાય છે, ‘દીકરી તો સાપનો ભારો’ સમજી ઘરમાં જો છોકરીનો જન્મ થાય તો તેનાથી છુટકારો મેળવવા માટે તેને નદીમાં મગરમચ્છની સામે ફેંકી દેવામાં આવે છે વગેરે.

મિશનરીઓમાંની એક મહિલા ઘાંટો પાડી પાડી ને સ્વામીજી સાથે ઝઘડવા લાગી અને કહેવા લાગી કે અંગ્રેજો ભારતનું નવનિર્માણ કરી રહ્યા છે, ભારતને આધુનિક બનાવી રહ્યા છે. હવે સ્વામીજી પોતે તો સ્ત્રીઓનું અસન્માન કરી શકે નહિ માટે એમણે ધૈર્યપૂર્વક ઉત્તર આપ્યો કે તેઓ પોતે તો સાધુ છે, એમને વળી રાજકારણ વિશે શું સમજમાં આવવાનું છે? લગ્ન-સંસ્કાર વિશે એમણે કહ્યું કે ભારતમાં પતિ-પત્નીના સંબંધનો આધાર પશ્ચિમની જેમ દૈહિક સુખ નથી હોતો, માટે જ મિશનરીઓ ક્યારેય ભારતીય લગ્નપ્રથાને સમજી શકશે નહિ.

પણ જ્યારે એ મહિલા સ્વામીજી ઉપર સતત આક્રમણ કરવા લાગી ત્યારે સ્વામીજી સમજી ગયા કે મિશનરીઓ ભારતીય સંસ્કૃતિ અને દર્શન વિશે જાણકારી મેળવવા નહિ પણ ભારતનું અપમાન કરવા માટે જ અહીં આવ્યા હતા. સાથે જ ભારતના રક્ષક મહાશિવ સ્વામીજીના અંતર-મનમાં જાગ્રત થઈ ગયા અને તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા. ટેબલ ઉપર જોરથી મુક્કો મારીને એમણે ત્રાડ પાડી કે, “વાસનાલિપ્ત રાત્રીના અંધકારમાં શિશુને ચોરીછૂપી જન્મ આપે એ પ્રકારનો પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ભારતમાં અસ્તિત્વ જ ધરાવતો નથી.”

છેવટે એ મહિલાએ સ્વામીજી ને કહ્યું કે તમે જુઠ્ઠાબોલા છો. સ્વામીજીએ કહ્યું, “બહેન, તમે ભારત વિશે મારા કરતાં પણ વધુ જાણતાં લાગો છો. હું પ્લેટફોર્મ પરથી ઊતરી જાઉં છું, હવે તમે જ આવીને વક્તાનું સ્થાન ગ્રહણ કરો!” આમ કહી તેઓ ઊભા થઈ ગયા.

સ્વામીજીની સાથે મિસિસ હેન્સબ્રો આવ્યાં હતાં. તેઓ હવે ગભરાઈ ગયાં. એમને લાગ્યું કે મિશનરીઓ કદાચ ધમાલ મચાવે કે પોલીસને બોલાવે. હવે સ્વામીજીને બચાવીને ઘરભેગા થઈ જવું એ જ એમને શ્રેયસ્કર લાગ્યું. તેઓ સ્વામીજીને દોરીને સભાગૃહમાંથી બહાર નીકળવા લાગ્યાં.

પણ એ મહિલાએ આવીને સ્વામીજીનો રસ્તો રોકી લીધો અને ઝઘડાવાનું ચાલુ રાખ્યું. એનો મનસૂબો હતો કે જો સ્વામીજી અભદ્ર ભાષામાં ઉત્તર આપે તો એમની વિરુદ્ધમાં ફરિયાદ થઈ શકે. આમ પણ એ જમાનામાં ગોરાઓના દેશમાં એશિયનો અને આફ્રિકનોનો હક નહીં, એમાં પણ જો એક ગોરી મહિલા ફરિયાદ કરે કે એક એશિયને એનું અપમાન કર્યું છે તો જેલની લાંબી સજા થઈ શકે. પણ ક્રોધાન્વિત હોવા છતાં જ્યારે સ્વામીજીએ સભ્યતા જાળવી રાખી ત્યારે એ મહિલા મિસિસ હેન્સબ્રોને ઉશ્કેરવા લાગી અને કહ્યું:

“નાદાન મૂરખાઓ! તમને સમજાતું નથી કે એ (સ્વામીજી) તમને ધિક્કારે છે?” અર્થાત્‌, સ્વામીજી મોઢા ઉપર ભલે એમને પોતાના શિષ્ય બનાવે અને એમની પાસેથી રૂપિયા પડાવે પણ મનમાં ને મનમાં તો એ બધા અમેરિકનોને ગાળો જ આપે છે.

મિસિસ હેન્સબ્રો સ્વામીજીનાં નિષ્ઠાવાન ભક્ત હતાં. એમણે ઉત્તર આપ્યો: “ના, હજી સુધી તો મને એ જણાયું નથી.”

છેવટે મિસિસ હેન્સબ્રો સ્વામીજીને સભાગૃહમાંથી બહાર લાવવામાં સફળ થયાં અને નિર્વિઘ્ને ઘરે પાછાં ફર્યાં.

પરંતુ મિશનરીઓ આટલાથી શાંત થયા નહીં. એમણે નક્કી કર્યું હતું કે સ્વામીજીને ગમે એમ કરીને કલંકિત કરવા. એમણે એવી અફવા ફેલાવી કે સ્વામીજી ચરિત્રભ્રષ્ટ છે. એક દિવસ સ્વામીજીના કેટલાક શિષ્યોએ આ વાત સ્વામીજી સમક્ષ ઉખેડી અને કહ્યું કે તેઓ તો આમાં વિશ્વાસ કરતા નથી પણ આ અફવાનો કોઈ ઉત્તર તો આપવો જ જોઈએ. સ્વામીજીએ કહ્યું: “હું જે છું, એ મારા કપાળ ઉપર લખાયેલું છે. જો તમે એ વાંચી શકો તો તમે ધન્ય છો, અને જો ન વાંચી શકો તો નુકસાન તમારું જ છે, મારું નહીં.”

(સંદર્ભ ગ્રંથ: New discoveries 5.269)

Total Views: 464

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.