(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં પ્રસ્તુત છે. ચેતનાબહેન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રાધ્યાપક અને જનીનવિદ્યા તથા પાક-સંવર્ધન વિભાગના વડા તથા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા ભક્ત છે. -સં.)

પ્રસ્તાવના

બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતાં આઇરીશ ભગિની નિવેદિતા (માર્ગારેટ નોબલ) સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત થઈને ઈ.સ. ૧૮૯૮ની શરૂઆતમાં ભારત આવ્યાં. ત્યાર પછીનાં પોતાના જીવનનાં ૧૩ વર્ષો તેમણે ભારતની સેવામાં ‘નિવેદિત’ કરીને સ્વામી વિવેકાનંદે આપેલ નામ ‘નિવેદિતા’ સાર્થક કરી દીધું.

અંગત સુખોપભોગનો ત્યાગ તથા ભારત દેશને સમર્પિતતા ઉપરાંત નિવેદિતાનું સર્વોચ્ચ પ્રદાન એ ગણી શકાય કે સ્વામી વિવેકાનંદની વિચારધારાને બરાબર સમજી, તેને પોતાના જીવનમાં સાંગોપાંગ આત્મસાત્‌ કરી તેમણે દર્શાવ્યું કે ધાર્મિકતા-આધ્‍યાત્મિકતા અને દુન્યવીપણા વચ્ચે કોઈ ભેદ નથી; નિઃસ્વાર્થતા  એજ ધર્મ છે, એ જ આધ્‍યાત્મિકતા છે.

ભગિની નિવેદિતાના પત્રોમાં તેમની આધ્‍યાત્મિકતા, કલાસૂઝ, ઇતિહાસ, સાહિત્ય, વિજ્ઞાન, સમાજવિદ્યા અને રાજકારણ તો દૃશ્યમાન થાય છે જ, પરંતુ સ્વામી વિવેકાનંદ પણ ખૂબ સરસ રીતે વ્યક્ત થાય છે. તેથી પ્રસ્તુત સંકલનમાં તેમના પત્રોમાં જ્યાં જ્યાં સ્વામીજી વિશેનો વૃત્તાંત છે, તે તે અંશોનું ગુજરાતી ભાષાંતર પ્રસ્તુત કરેલ છે.

પત્ર 1

કલકત્તા, ગુરુવાર, ફેબ્રુ. ૧૦ (૧૮૯૮)
મારી પ્રિય નેલ અને મિ. હેમન્ડ,

હવે અહીંના કાર્યવિસ્તારની વાત કરું. ભારતના તેમજ પશ્ચિમના યુવાનોને શિક્ષણ આપી શકાય તે હેતુથી સાધુઓના પ્રશિક્ષણ માટે એક કોલેજ સ્થાપવાની સ્વામીજી તીવ્ર ઇચ્છા ધરાવે છે. મને લાગે છે કે આ વાત આપણે હંમેશ માટે વીસરી ગયા છીએ. ધાર્મિક જીવન પર વેદાંતની અસર અને તેના મહત્ત્વથી મારી જેમ તમે પણ સારી રીતે વાકેફ છો, એ હું ચોક્કસપણે સમજું છું, પરંતુ જે હકીકત એકદમ પ્રકાશમાં આવતી નથી તે એ છે કે અહીં (ભારતમાં) વેદાંત મૂળત: એક જ જાતિના કબજા છે- અને તેનો ફેલાવો કરવાને બદલે તેમણે નિમ્ન જાતિના લોકો તો ઠીક, પોતાની જાતિના લોકો સુધી પણ પહોંચવા દીધું નથી! એટલે જ આપણે- ઇંગ્લૅન્ડમાં વસનારાઓએ આવી નિમ્ન જાતિના લોકોની આર્થિક જરૂરિયાત પૂરી કરવી પડશે. સ્વામીજી આ ચળવળ ચલાવવા માગે છે. તેને આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં જોવા જઈએ તો તે એક સામ્રાજ્યનું ગઠન કરવાથી કમ નથી.

જ્યાં સુધી સ્વામીજી ભારતમાં છે, ત્યાં સુધી આ ચળવળનો હિંદુઓ તરફથી લેશમાત્ર વિરોધ થાય તેની કોઈ શક્યતા નથી, બરાબર છે? અને ઇંગ્લૅન્ડની વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મપ્રચારકોને મોકલનારા લોકો સિવાય બાકીના જનસમુદાય ઉપર આ ચળવળ હકારાત્મક અસર કરશે; વિશેષત: બધા મહિલા આગેવાનો તો આના સમર્થનમાં હશે જ.

આ ફક્ત મારો દૃષ્ટિકોણ છે. આ પ્રકારનું કામ ખૂબ આનંદદાયી હશે, તેમાં શંકાને સ્થાન નથી.

સપ્રેમ,
તમારી માર્ગોટ

પત્ર 2

અલમોડા, રવિવાર, જૂન પ, ૧૮૯૮
મારી પ્રિય, શ્રીમતી હેમન્ડ,

ગઈકાલનો દિવસ અમારા માટે શોકજનક બની રહ્યો, કારણ કે મિ. ગુડવિનના મૃત્યુના સમાચાર અમને તારથી મળ્યા. છેલ્લે હું તેમને મદ્રાસમાં મળી હતી. સાલસતા અને સારપ તો એમની જ! રાજા (સ્વામીજીનો ઉલ્લેખ ઘણી વખત નિવેદિતા આ રીતે કરતાં) હજી સુધી બહારથી પાછા આવ્યા નથી, અને સવારે આવીને આ જાણશે ત્યારે તેમને ખૂબ આઘાત લાગશે.

(સોમવાર સવાર) સ્વામીજી ગઈકાલે મોડી સાંજે આવ્યા અને ખૂબ ૠજુ એવા તેમને આજ સવાર સુધી ગુડવિનના મૃત્યુના સમાચાર આપ્યા નહોતા. આજે સવારે તેઓ અહીં આવ્યા ત્યારે મિસ મેક્લાઉડે આ સમાચાર તેમને આપ્યા. ખૂબ શાંતિથી સાંભળ્યા બાદ તેઓએ વાતો કરી અને વર્તમાનપત્ર વાંચ્યું. તમારા પત્રને તેમણે આનંદપૂર્વક સાંભળ્યો અને હવે તેઓ તમારી કવિતાનો ઇંતજાર કરી રહ્યા છે. ઓ! નેલ, ભારત ખરેખર પવિત્ર ભૂમિ છે.

(નોંધઃ ૧૧ મે, ૧૮૯૮ના રોજ સ્વામી વિવેકાનંદ તેમની ત્રણ શિષ્યાઓ—ભગિની નિવેદિતા, જોસેફાઈન મેક્લાઉડ તથા શ્રીમતી બુલ (બન્ને અમેરિકન) અલમોડા જવા રવાના થયાં હતાં. તેઓની સાથે મેરીયન પેટરસન (અમેરિકન કોન્સુલ જનરલનાં પત્ની), સ્વામી તુરીયાનંદજી, સ્વામી નિરંજનાનંદજી, સ્વામી સદાનંદજી, સ્વામી સ્વરૂપાનંદજી પણ સામેલ હતા.

ગુડવીનઃ જે. જે. ગુડવીન (સ્ટેનોગ્રાફર), જેમણે સ્વામી વિવેકાનંદનાં ભાષણોને સંપૂર્ણ તૈયાર કરી, આપણા સુધી પહોંચાડ્યાં. તેઓ સ્વામીજીના પ્રખર પ્રશંસક હતા. ૨ જૂન, ૧૮૯૮માં ઊટીમાં ફક્ત ૨૭ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું, જે બાબતનો ઉલ્લેખ ભગિની નિવેદિતાના પત્રમાં છે.)

પત્ર 3

ઇસ્લામાબાદ અને શ્રીનગર વચ્ચે,
જેલમ નદી ઉપર, કાશ્મીર
રવિવારની સવાર, ઓગસ્ટ-૭ (૧૮૯૮)
મારી વહાલી નેલ (શ્રીમતી એરીક હેમન્ડ)

‘પ્રેમ અને ભક્તિ’નો તમારો સંદેશ મેં સ્વામીજીને આપ્યો. તમારો ફોટો જોઈને તેઓ આનંદિત થયા. (તે કેટલો સરસ છે! તેને મેળવવો તે પણ કેટલું સરસ! આ ક્ષણે જાણે તમારા ઘરમાં હું ડોકિયું કરી રહી છું!) સ્વામીજીએ પણ તમને પ્રેમ અને ભક્તિ પાઠવ્યાં છે. તેઓ તમારા બંને માટે વિચારતા હોય છે. એક વખત મને લાગ્યું કે સ્વામીજી ખરેખર હવામાં મહેલ બાંધી રહ્યા હતા; એટલે કે, ખૂબ ઓછી વસ્તી ધરાવતા બિહારના જિલ્લામાં ખેડૂતો માટેની એક વિશિષ્ટ કોલોની બાંધવાનું સ્વપ્ન તેઓ જોઈ રહ્યા હતા અને પોતાના આ સ્વપ્નનું સમાપન તેમણે આમ કહીને કર્યું, “હા, શ્રી અને શ્રીમતી હેમન્ડ તેમજ બીજા ઘણા અંગ્રેજ કાર્યકરોને હું અહીં બોલાવીશ અને તેઓ મારા આ સ્વપ્નને સાકાર કરશે!”

શ્રીમતી બુલ સ્વામીજી માટે વિશેષ આદર ધરાવે છે. અહીં વિવિધ લોકોના વલણને જોવાની અને તેમની સાથે સંયોજિત થવાની મને મજા આવે છે. તમારા માટે સ્વામીજી ગુરુ છે, મારા માટે રાજા અને શ્રીમતી બુલ માટે સંતતુલ્ય બાળક! શું આ સુંદર વિચાર નથી?

અને હવે, તમને ચોંકાવનારી વાત કહું—એક અઠવાડિયા માટે હું હિમાલયનાં ૧૮,૦૦૦ ફૂટ ઊંચાં શિખરો ઉપર ગઈ હતી. હકીકતમાં એ અમરનાથ ગુફા તરફ જવા માટેની યાત્રા હતી, જ્યાં સ્વામી મને ‘શિવ’ ને નિવેદિત કરવા ઉત્સુક હતા.

સ્વામીજી માટે ગુફામાં શિવનું દર્શન તે અદ્‌ભુત ગૌરવપૂર્ણ ક્ષણ હતી. ગુફામાં તેઓ ફક્ત બે મિનિટ માટે ઉપસ્થિત રહ્યા. ભક્તિની ઊર્મિઓનું પ્રદર્શન ન થાય તે હેતુથી તેઓ તરત જ ખસી ગયા, પરંતુ એ બે મિનિટ દરમ્યાન તેઓ સંપૂર્ણ ધ્યાનમગ્ન હતા. તેઓ અત્યંત શ્રમિત હતા, કારણ કે પર્વત પર અમે અત્યંત દુર્ગમ ચઢાણ કર્યું હતું અને તેમનું હૃદય નબળું છે. આમ છતાં સમગ્ર યાત્રા દરમ્યાન તેમનાં શ્રદ્ધા, હિંમત અને નિર્ભેળ આનંદ જોવા જેવાં હતાં!

તેમના કહેવા મુજબ શિવે તેમને ‘અમરત્વ’ આપ્યું છે અને તેમની પોતાની ઇચ્છા સિવાય તેમનું મૃત્યુ થઈ શકશે નહીં. આ (યાત્રા) ચિરસ્મરણીય રહેશે, ખરુંને? તેમની સાથે મને ત્યાં જવા મળ્યું તેનો મને આનંદ છે અને તેમણે મને શિવજીનાં ચરણોમાં નિવેદિત કરી! આ હિંદુ રીતરસમ નથી, તેવું તેમણે મને જણાવ્યું પછી તો અસાધારણ ઝડપથી હું હિંદુ બનવા લાગી!

તેમને થયેલા શિવજીના સાક્ષાત્કારથી હું અત્યંત હર્ષ અનુભવું છું, પરંતુ વહાલી નેલ, જેમને તમે પૂજતાં હો તેમની અંતર્મુખતાનો સામનો કરવો તે ખૂબ જ પીડાદાયક છે. (શિવજીનાં દર્શન બાદ) સ્વામીજી બાહ્ય આવરણને ભેદીને પોતાના અંત:સ્થળમાં પ્રવેશ કરી ચૂક્યા છે, પણ આ સાથે બાહ્ય પરિબળોથી તેઓ વિમુખ થઈ ગયા છે.

એક વખત હું તેમના પર ગુસ્સે થઈ ગઈ હતી. તેઓ બોલી રહ્યા હતા, પરંતુ હું સાંભળવા તૈયાર નહોતી. હજુ પણ એ ક્ષણને યાદ કરું છું ત્યારે મારી જાતને તીવ્ર માનસિક સંતાપ અને નિરાશાની ઊંડી ગર્તામાં ડૂબેલી અનુભવું છું. હું જાણું છું કે મારી ભૂલ હતી, કારણ કે રાજા (સ્વામીજી)એ મને પૂર્ણ માફી બક્ષી છે અને આ યાત્રા થકી કોઈ અકળ રીતે હું તેમની તથા ઈશ્વરની વધુ નજીક આવી છું. પરંતુ એ ક્ષણે—તેઓ બોલી રહ્યા હતા અને હું તેમની વાત સાંભળવા તૈયાર નહોતી—એ હકીકત હજુ મારા મનમાં ચચરાટ ઉત્પન્ન કરે છે.

તમને ખબર છે, ખરેખર શું બન્યું હતું? મેં એમને કહ્યું હતું કે તેઓ ‘ગુરુ’ શબ્દને વધારે મહત્ત્વ ન આપે, અને એ હકીકત હંમેશાં ધ્યાનમાં રહે કે અમારા બંનેના સંબંધમાં અમે સામાન્ય સ્ત્રી અને પુરુષ જ છીએ. ખરેખર તો આવું કહીને મેં તેમનું અપમાન કર્યું હતું અને મારી જાતને એક દુર્બોધ કવચમાં બાંધી દીધી હતી.

આ સમગ્ર વાતને તેમણે ખૂબ હળવાશથી લીધી, જરા પણ ગુસ્સે થયા વગર મને સમાધાન થાય તે રીતે. તેમને લાગ્યું હશે કે હું થાકેલી છું—કદાચ તેઓ પોતાના વિશે વધુ કહી શક્યા નહીં અને બીજે દિવસે અમે અમારા ઉતારા—હાઉસબોટ પર પહોંચ્યાં, ત્યારે તેમણે કહ્યું, “માર્ગોટ, તારા માટે હું વધુ કરી શકું તેમ નથી. હું રામકૃષ્ણ પરમહંસ નથી.” ક્યારેય જોઈ ન હોય તેવી સૂક્ષ્મ નમ્ર સમજ, એકદમ યોગ્ય!

અમુક અંશે તો આવા દુ:ખનું કારણ અલગ અલગ દેશોના લોકોની અલગ અલગ રાષ્ટ્રીય ટેવો છે. મારો આઇરીશ સ્વભાવ બધું જ સ્પષ્ટપણે વ્યક્ત કરી દે છે, અને સ્વામીજી એક ધર્મોપદેશક હોવાને નાતે ખૂબ સંકોચશીલ છે. જો કે, હું પણ એવી બનવા ઇચ્છું છું.

(નોંધઃ કાશ્મીર – જૂન (૧૮૯૮)ની આખરમાં સ્વામીજી ત્રણેય શિષ્યાઓ સાથે કાશ્મીર જવા રવાના થયા હતા. ૮ ઓગસ્ટના રોજ તેઓ સૌ શ્રીનગર પહોંચ્યાં અને બધાં ઓક્ટોબર, ૧૮૯૮માં પાછાં આવ્યાં હતાં.
કાશ્મીરની આ યાત્રા દરમ્યાન સ્વામીજી નિવેદિતાની સાથે અમરનાથની ગુફાનાં દર્શને ગયા હતા.)

Total Views: 440
By Published On: October 21, 2022Categories: Bhagini Nivedita1 CommentTags: , , ,

One Comment

  1. રસેન્દ્ર અધ્વર્યુ November 24, 2022 at 11:13 am - Reply

    કેવાં આદર્શ ગુરૂ અને શિષ્ય? નિવેદિતા માટે સ્વામીજી અને સ્વામીજી માટે શ્રી રામકૃષ્ણ!!!!

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram