સ્થાપિતથી અલગ, સ્વાભાવિકથી કંઈક ભિન્ન, હંમેશના કરતાં જુદું, અલગ જ પરિણામની સંભાવનાવાળુ, વહેતા પ્રવાહની બહારની વસ્તુ, નક્કી થયેલા નિયમોને આધિન ન હોય તેવું, સમન્વિત થયેલ બાબતોથી બહારની ઘટના—અપવાદની આવી કંઈક ભૂમિકા છે.

તે એક રીતે જોતા વિજાતીય ઘટના છે. એક પછી એક, એમ ક્રમમાં આવતી બાબતોથી વિમુખ થયેલી બાબત છે. તે સમીકરણમાં આવેલ એક વિઘ્ન સમાન પણ ગણાય છે. જેનો સ્વીકાર કરતાં ચોક્કસ ખચકાટ અનુભવાય છતાં પણ તે સ્વીકાર માન્ય રાખવો પડે, તેને પણ અપવાદ કહી શકાય. મનના આંતરિક વિરોધ સાથે પણ તેને માન્યતા મળે—આ એક રીતે જોતા મનના સામ્રાજ્યમાં આકાર લેતી વિલક્ષણ ઘટના છે.

અપવાદ માટે પ્રારંભિક તબક્કામાં તો અસ્વીકૃતિની જ ભાવના હોય છે. પછી તેને ખલેલ પહોંચાડતી ઘટના તરીકે સ્વીકારી લેવાય છે, અને ક્યાંક તેને ગૌણ બનાવવાના પ્રયત્નો થાય છે. અપવાદજનક બાબત પ્રવેશ ટાણે જ—ધ્યાનમાં આવતાની સાથે જ અચંબો પમાડે છે, જેને કારણે નિર્ણય તથા અમલીકરણમાં વિલંબ પણ આવી શકે. અતિ દૃઢતાથી સ્થાપિત થયેલ બાબતથી જ્યારે આવી વિપરીત ઘટના ઘટે, ત્યારે આઘાત પણ અનુભવાય. અપવાદ એ ક્યાંક સતત ચાલતી ઘટનાનો આકસ્મિક અંત પણ બની રહે!

અપવાદજનક બાબત પ્રવાહની બહારનો વિષય હોવા છતાં તે મુખ્ય ધારાનો ભાગ પણ બની રહે છે, જેને કારણે અનુભૂતિમાં રોમાંચક વિવિધતા આવી શકે; પણ આમાં તેમાં રહેલા અલગાવપણાંની ચકાસણી જરૂરી બને. તે અલગ હોવા છતાં તે જ “કુટુંબ”નું સભ્ય હોય તે જરૂરી છે. તેમાં જુદાપણાંની સાથે કંઈક સમાનતા પણ હોવી જરૂરી છે. તે એ જ સમૂહના ઘટક સમાન હોય છે કે જે સમૂહ સાથે તેનામાં કંઈક સામ્ય હોય. સાવ જ—સંપૂર્ણતામાં ભિન્ન બાબત અપવાદ નહિ પણ “આક્રમણ” છે.

અપવાદ એ નિયમબદ્ધ પરિસ્થિતિમાં આવેલ ખલેલ છે. પણ જો આ ખલેલમાં પણ નિયમિતતા આવતી જાય તો અપવાદ પણ જે તે પરિસ્થિતિ સાથે સંવાદજનક બની રહે. આમ પણ અપવાદના પણ નિયમો હોય છે—તે ક્યારે, કેટલી માત્રામાં, ક્યા પ્રકારે તથા કેટલી સ્વીકૃતિ સાથે અસ્તિત્વમાં આવે, તે પણ ક્યાંક નિયમિત તથા રસપ્રદ પ્રસંગ બની રહે. પણ લાંબા ગાળાની ફરજ એ છે કે અપવાદ ત્યારે જ અસ્તિત્વમાં આવે, જ્યારે પરિસ્થિતિના અન્ય ઘટકો એકસૂત્રતામાં બંધાયેલાં હોય.

ચોક્કસ પરિસ્થિતિમાં અપવાદ પણ નિયમ બની રહે છે. ફેબ્રુઆરીના ૨૮ કે ૨૯ દિવસ અપવાદ પણ છે અને નિયમ પણ છે. આવા અપવાદમાં નરમ કે કોમળ અપવાદ કહી શકાય. આની સામે ઘણા અપવાદ તીવ્ર પણ હોય છે. જેને સ્વીકારવા કઠિન અને જે તે કક્ષાની હાનિ પહોંચાડે તેવા હોય છે. અતિ વૈભવી તથા મજબૂત ટાઇટેનિકનું ડૂબી જવું એ તીવ્ર અપવાદની શ્રેણીમાં આવી શકે, કારણ કે સામાન્ય રીતે આવા જહાજો વિવિધ વિઘ્નોને પાર કરી લાંબા સમય સુધી સેવારત રહે તેવાં જ બનાવાય છે.

નરમ અપવાદ એ પ્રવાહમાં ભળી જનાર ઘટના સમાન જ હોય છે. કદાચ તેમની “નિયમબદ્ધતા” માટે હજુ કારણો નથી બંધાયા; કે પછી આ કારણો ગૌણ ગણાતા હોય છે. તે બહાર છે તથા અંદર છે. તે ભિન્ન છે છતાં સંમલિત છે. તેનો સ્વીકાર કરવામાં એટલી તકલીફ નથી પડતી. તે અમાન્ય જણાય છતાં માન્ય બની રહે છે. સમગ્રતામાં પણ તે એક વણાયેલ ઘટક સમાન બની રહે છે. વયસ્કોના ગરબામાં વચ્ચે ઘુમતું નાનું બાળક રસિક તથા નરમ અપવાદ છે—જેને સામાન્ય સ્થિતિમાં બધાં જ માન્ય રાખે છે.

લાંબુ વિચારતાં એમ જણાશે કે સામાજિક જીવનમાં અપવાદ કંઈક સારું પરિણામ પણ લાવી શકે. તેનાથી “સંકુચિત વિચારધારા”ની બહારની સંભાવના વધી જાય છે. તે નવી તકો, નવા પડકાર સાથે નવો રોમાંચ આપી શકે. તેનાથી જ વિવિધતાની સંભાવના આવે અને વિવિધતા પાછી કાળક્રમે નિયમબદ્ધ થતી રહે. ઘણા અપવાદ નવા દૃષ્ટિકોણ માટેનું કારણ બન્યા છે. અપવાદ એ રૂઢિગતતાથી આગળ તથા અલાયદા હોય છે. આ અપવાદ નવી બારી સમાન હોઈ શકે, જ્યાંથી આકાશનો નવો જ ભાગ નજરે ચઢે અને ત્યાં આગળ જતાં ઉડાન શક્ય બને.

વિચારોની સીમા વિસ્તરતી હોવાથી અપવાદ એ સુખદ રમત બની રહે. તેનાથી લીધેલ બાબતોમાં પણ સુધાર સંભવી શકે. અહીં દૃષ્ટિ તેમજ ક્ષિતિજનો વિસ્તાર થાય. નવી આશા જાગે- નવી સંભાવનાઓ ઉભરે- નવાં વિશ્લેષણોની જરૂરિયાત સમજાય; અને આ બધું એક પ્રેરક ઘટના સમાન બની રહે.

‘ગુણા ગુણેષુ વર્તન્તે’ના ન્યાય પ્રમાણે પ્રકૃતિનું દરેક તત્ત્વ નિયમાધિન હોય છે. અહીં ક્યાંય અપવાદ નથી અને જો અપવાદની પ્રતીતિ થતી હોય તો હજુ નિયમ સંપૂર્ણતાથી સમજાયો નથી, તેમ કહેવાય. જે તે બાબત ધ્યાનમાં આવેલ ન હોવાને કારણે તેની ગણતરી અપવાદમાં કરવાની આદત ખોટી છે. ખબર ન પડવી એ બુદ્ધીની મર્યાદા છે—બાકી બધું જ નિયમબદ્ધ છે. 

અધ્યાત્મમાં જણાતો અપવાદ પણ નિયમ છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે એમ કહેવાય છે કે કરેલાં કર્મો ભોગવવા જ પડે. પરંતુ ગીતામાં જ્યારે સ્વયં ભગવાન કહે કે “ક્ષિપ્રં ભવંતિ ધર્માત્મા” ત્યારે અહીં અપવાદ નથી પણ નવો નિયમ લાગુ પડે છે. પ્રભુ પોતે જ એક નિયમની સમક્ષ બીજો નિયમ મૂકે છે. ઊંડાણપૂર્વક આ વાત સમજતા એમ જરૂર પ્રતીત થશે કે અપવાદ કહી શકાય એવી કોઈ ઘટના જ નથી. આ તો આપણી મર્યાદાને કારણે સમગ્રને સમગ્રતામાં સંચાલિત કરનાર પરિબળોને આપણે સમગ્રતામાં સમજ્યા નથી. 

છતાં પણ એક તબક્કે એમ કહી શકાય કે ચૈતન્યના પ્રભુત્વથી પ્રકૃતિના પરિણામોમાં અપવાદ લાવી શકાય. પથ્થરની અંદર પણ પ્રવેશ કરી શકાય; જો નિર્વિકલ્પતાના શિખરે કોઈ પહોંચી જાય!

(લેખક પરિચય: શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત અન્ય ૨૦ જેટલી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય માટે જોડાયેલા છે. તેઓ લેખનકાર્યમાં પણ તેટલી જ રુચિ ધરાવે છે. કુમાર, અખંડ આનંદ, વિશ્વવિહાર, શબ્દસર જેવાં સામયિકો અને દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, જયહિંદ, કચ્છમિત્ર જેવાં નામાંકિત સમાચારપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. આ લેખોમાં અધ્યાત્મ, ભારતીય ચિંતન, સ્થાપત્ય તથા કળાને લગતા વિષયોનો સમાવેશ થતો રહ્યો છે. )

Total Views: 289
By Published On: November 5, 2022Categories: Hemantbhai Wala0 CommentsTags:

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram