(વિમલ વ. દવે મકરન્દભાઈના ભત્રીજા તથા મકરન્દભાઈ અને જાણીતાં સાહિત્યકાર કુન્દનિકા કાપડીઆ દ્વારા સંસ્થાપિત ‘નંદિગ્રામ’ આશ્રમના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તેમજ સ્વામીજીના સાહિત્યનો તથા વેદાંતમાં એમનો  ઊંડો અભ્યાસ છે. -સં.)

ગુજરાતના પ્રસિદ્ધ કવિ અને અધ્યાત્મપુરુષ મકરન્દ દવે કિશોરાવસ્થાથી જ રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા પ્રત્યે આકર્ષિત હતા. જીવનપર્યંત એમનું ચિત્ત ગીતા, ઉપનિષદો તેમજ શ્રીરામકૃષ્ણદેવ તથા વિવેકાનંદ દ્વારા નિરૂપિત વેદાંત-દર્શનમાં ડૂબેલું રહેતું. આવી જ કોઈ મનઃસ્થિતિમાં એમણે ‘પૃથ્વીને ઊગતી ભાળું’ કાવ્યની રચના કરી હતી. અમેરિકાના અવકાશયાત્રી એડગર મિશેલે ચંદ્ર પરથી પૃથ્વીને ઊગતી નિહાળી, તેનું વર્ણન વાંચીને તેમજ ઊગતી પૃથ્વીની છબી જોઈને મકરન્દભાઈને આ કવિતાની સ્ફુરણા થઈ હતી. હું તો મારા ઘરમાં, મારા સંકુચિત, મારા માની લીધેલા સંસારમાં જાણે કે સંકોચાઈને બેઠો છું! જો હું આ મારા માની લીધેલા વિશ્વથી થોડી અલગતા કેળવી, તટસ્થ ભાવે, સાક્ષીરૂપે  તેને જોઉં, તો મારા આ મર્યાદિત વિશ્વનાં મનોકલ્પિત બંધનો, દીવાલો સહુ તૂટી પડશે. 

‘ક્યાંક પૃથ્વીને ઊગતી ભાળું તો ભાઈ,
મારા ઘરની દીવાલ સહુ તૂટે.’

અહીં સ્વામી વિવેકાનંદ અંગેનાં સ્મરણોના  પુસ્તક ‘Reminiscences of Swami Vivekananda’માંથી શ્રી મન્મથનાથ ગાંગુલીનાં સ્મરણોનો એક અંશ ટાંકવાનું મન થાય છે. શ્રી ગાંગુલીએ સ્વામીજી બેલુર મઠમાં હતા, ત્યારે એક વખત એમને  માયાના સ્વરૂપ વિશે પ્રશ્ન પૂછ્યો. સ્વામીજી બોલતા હતા, ત્યારે શ્રી ગાંગુલીને  જે અનુભવ થયો એ એમના જ શબ્દોમાં જોઈએ. (પૃષ્ઠ નં. ૩૫0-૩૫૧)

“મારો મારી જ્ઞાનેન્દ્રિયો સાથેનો સંબંધ જાણે કે છૂટી ગયો. આ  દૃશ્ય જગતથી અત્યંત સુંદર સૂક્ષ્મ- જગત મેં અનુભવ્યું. મારી સામેનો મઠ, વૃક્ષો બધું જ જાણે કે આંદોલિત થવા માંડયું…! ચોતરફના આ આંદોલનમાં સ્વામીજી પણ અદૃશ્ય થયા, એમનો અવાજ માત્ર સંભળાતો હતો. સ્વામીજી સામે આમ તો કશું બોલવાની પણ કદી હિંમત ન થતી, પરંતુ અત્યારે તો માયાના સમુદ્રમાં હું એક બુદ્‌બુદ, પરપોટો માત્ર હતો, જ્યારે સ્વામીજી જાણે કે એક બીજો પરપોટો હતા! એ ક્ષણે અમારી વચ્ચે જાણે કોઈ ભેદ જ ન રહ્યો. સ્વામીજીનું વિરાટ વ્યકિતત્વ અને સર્વ કાંઈ જેને સ્વામીજી ‘માયા’ કહેતા હતા, એમાં જાણે પ્રસંગોપાત્ત જ હોય, એવું જણાયું. અહીં તો હવે અભિન્ન વૈશ્વિક ચૈતન્ય જ અનુભવાતું હતું.”

પરંતુ, આ એક માત્ર, અદ્વિતીય સચ્ચિદાનંદ ચૈતન્ય જ અંતે તો અંતિમ સત્ય છે, છતાં અત્યારે તો મારા આ સીમિત, મર્યાદિત જગતનો પાયો જાણે કે ખૂબ નક્કર, ખૂબ જ ઊંડો ધરબાયેલો હોય એવું જણાય છે. એવું લાગે કે જાણે આ મારું જગત એક મજબૂત, પાકા પાયા પર ઊભું છે. પરંતુ એનો પાયો ખરેખર તો જાણે કે ‘આકાશ’માં છે. અંતહીન, નિઃસીમ ચૈતન્ય જ એનું અધિષ્ઠાન છે. આ દેખીતી રીતે પ્રતીત થતા નક્કર પાયાની ખરેખર તો કોઈ સાચી ભૂમિકા જ નથી. મારા આ પાયાના અને તે પાયા પર રચાયેલા, મારા ઘરના પથ્થર તો પરપોટા, ફીણ જેવા તકલાદી, પોકળ, ક્ષણિક છે. જો હું મારી આ માની લીધેલી દુનિયામાંથી જરાક અલાયદો થઈ, એને નિહાળી શકું તો મારા અંતરમાં જે અજ્ઞાનનો, અવિદ્યાનો અંધકાર છે, તે અંધારી ખીણ મને તેજના, પ્રકાશના, જ્ઞાનના, સાચી સમજના દરિયામાં તરતી દેખાશે. મને કહેવાતી નક્કર દુનિયાના સાચા સ્વરૂપનું જ્ઞાન થશે અને પ્રકાશના, તેજના, જ્ઞાનના અસીમ સમુદ્રમાં આ અંધારી ખીણ તો જાણે તરવા લાગશે! જરૂર છે, મારે મારા આ કહેવાતા દેહ-પરિચ્છિન્ન, ઇન્દ્રિય-પરિચ્છિન્ન, મન-બુદ્ધિથી પરિચ્છિન્ન વ્યક્તિત્વથી છૂટવાની, તેનાથી અલગ પડીને, તેને નિહાળવાની. અને તો પછી મારું આ પડછાયા જેવું, અનિત્ય, ખોટું, માની લીધેલું, સીમિત વ્યક્તિત્વ છૂટી જશે. મારું સાચું સ્વરૂપ તો અનંત ચૈતન્ય સાથે તદ્રૂપ છે. આ અત્યારે પ્રતીત થતું મર્યાદિત વ્યક્તિત્વ તો મારા સાચા સ્વરૂપનો પડછાયો માત્ર છે. હવે આ કાવ્યની આગળની પંક્તિઓ જુઓઃ 

‘ઊંડે ધરબેલ મારો પાયો આકાશમાં
ને પથ્થર તો પરપોટા, ફીણ;
તેજ કેરા દરિયામાં તરતી નિહાળું
મારા અંતરની અંધારી ખીણ,
કયાંક આઘે આઘેથી મને ભાળું તો
ભાઈ, મારા પડછાયા પંડના છૂટે!   

અહીં સ્વામીજીના જીવનના એક પ્રસંગની યાદ આવી જાય છે. શ્રીરામકૃષ્ણદેવે જ્યારે એમને અદ્વૈત વેદાંતનો ઉપદેશ કર્યો, ત્યારે પ્રથમ તો એમનું પ્રખર બૌદ્ધિક વ્યક્તિત્વ એ સત્ય સ્વીકારી શક્યું નહીંઃ હાજરા મહાશયને નરેન્દ્ર કહે, ‘ તો તો પછી આ વાટકો બ્રહ્મ, થાળી બ્રહ્મ, ચમચો બ્રહ્મ!’ તે સમયે શ્રીઠાકુર પ્રસંગોપાત્ત ત્યાં આવ્યા, અને તેઓ શું ચર્ચા કરે છે, એ પૂછ્યું. એમની વાત સાંભળીને ઠાકુરે નરેન્દ્રને સ્પર્શ માત્ર કર્યો, અને સમગ્ર જગત જાણે કે ઓગળી ગયું!

‘सर्वं खल्विदं ब्रह्म’, ‘वासुदेव: सर्वं’ની એમને અપરોક્ષ અનુભૂતિ થઈ, જેની અસર કેટલાક દિવસો સુધી રહી. પરંતુ આપણા જેવા સામાન્યજનોની બાબતમાં તો આપણી અધખૂલી આંખમાં સાચી સમજનું પ્રભાત ઊગે ન ઊગે, ત્યાં અજ્ઞાનની નિદ્રા પાછો  આપણો કબજો લઈ લે છે. આપણી જાગૃતિ, સાક્ષીભાવ આવે તો પણ પ્રારંભમાં ઝાઝો ટકતો નથી. જરાક દૃષ્ટિ ખૂલે અને પ્રભાતનો, જ્ઞાનનો પ્રકાશ નજરે ચડે, ત્યાં તો અજ્ઞાનની નિદ્રાનું ઘેન પાછું ઘેરી વળે છે. આમ તો, આ નિર્લેપતા, આ સાક્ષીભાવનો સ્વાદ જ અનેરો હોય છે, સાવ નિરપેક્ષ, સદૈવ ટકતું સાચું સુખ તો એમાં જ છે, અને એક વખત તેનો સ્પર્શ જરા પણ મળે, તો તો પછી તેના માટે મન ઝંખે છે. પરંતુ આને ઝીલું ન ઝીલું ત્યાં મારા પૂર્વ સંસ્કારો (Past Impressions), મારી વાસનાઓ એ ઝંખેલા રૂપને પળભરમાં વિરૂપમાં, મારા રાગદ્વેષ વગેરે અનેક પ્રકારના દ્વંદ્વોની વિરૂપતામાં વિખેરી મૂકે છે. મને એક એવા જ્ઞાનની, પ્રકાશની ઝંખના છે, જેનો ઉજાસ મારાં નયનોમાં આંજવાથી ફરી અજ્ઞાનનો અંધકાર મને સ્પર્શે જ નહીં, અને મારા આત્મસ્વરૂપનું, મારા સાચા સચ્ચિદાનંદ સ્વરૂપનું જે કમળ અત્યારે બીડાઈને, સુષુપ્ત અવસ્થામાં  જાણે કે સૂઈ રહ્યું છે, તેનું ખરું સૌંદર્ય ખીલી ઊઠે, તેની બીડેલી પાંદડીઓ વિકસિત બની ઊઠે, મારાં સૂતાં કમલદલ ફૂટે. કાવ્યની અંતિમ પંક્તિઓઃ

‘અધખૂલી આંખમાં ઊગે સવાર,
વળી નિંદરનું ઘેન મને ઘેરે,
ઝંખેલા રૂપને ઝીલું ઝીલું ને કોઈ
રૂપને વિરૂપમાં વિખેરે,
કયાંક એવો ઉજાસ લઈ આંજું કે
ભાઈ, મારાં સૂતાં કમલદલ ફૂટે.’

Total Views: 439

One Comment

  1. Dinubhai D Parel December 3, 2022 at 3:15 am - Reply

    Excellent. !!! Namaskar.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.