(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં પ્રસ્તુત છે. -સં.)
4. શ્રીમતી એરીક હેમન્ડ
બેલુર મઠ, હાવરા, કલકત્તા.
(શ્રીનગર, કાશ્મીરનો અહેવાલ)
સપ્ટે. ૨, ૧૮૯૮
મારી વહાલી નેલ,
સ્વામીજી ફરીથી પોતાના એકલ પ્રવાસે નીકળી પડ્યા છે. જ્યારે જ્યારે તેઓ આવા પ્રવાસથી પરત આવે છે, ત્યારે ત્યારે ખૂબ સૌમ્ય અને સ્નેહાળ છતાં ખૂબ વિનોદી બની ગયા હોય છે અને અમારી સાથે ફરીથી મુલાકાત થવાથી ખૂબ આનંદિત હોય છે. આ ખૂબ જ આનંદપ્રદ છે. મારા માટે ઉનાળાના આ ત્રણ મહિનાઓ એટલે સંપૂર્ણ સુહૃદયતાપૂર્ણ સમયગાળો અને મને આશા છે કે તેઓ પણ હંમેશાં આ સમયને યાદ રાખશે.
નિવેદિતા.
અરે! હું લખવામાં આટલી બધી કૃપણ ક્યાંથી થઈ ગઈ? રાજાની ગઈકાલની ચેતનવંતી મુલાકાત વિશે તો મેં કંઈ તમને કહ્યું જ નહીં. તેઓ કાલે આવ્યા, મારા લેખને વાંચ્યો અને ભારતના ઇતિહાસ વિશે વાતો કરી; પોતે લખેલા લખાણની કાપલીઓ અમને બતાવી, જેથી તેમાં અમારી મંજૂરીની મહોર લાગે— કેટલું બાળસહજ!
રામપ્રસાદે લખેલ બંગાળી કાવ્યનો અનુવાદ અહીં પ્રસ્તુત છે:
‘કાશી જવાનું શું પ્રયોજન છે?
મારી માના પવિત્ર ચરણોમાં જ લાખો લાખો તીર્થસ્થળો છે.’
5. શ્રીમતી એરીક હેમન્ડ
કાશ્મીર
ગુરુવાર, ઓક્ટોબર ૧૩, ૧૮૯૮
સ્વામીજી વિશે હું તમને વધુ જણાવવા માગું છું પણ શરૂઆત ક્યાંથી કરવી તે સમજાતું નથી. તેઓ કાલે ગયા અને હવે કાં તો લાહોરમાં અથવા તો કલકત્તા પહોંચીને જ મળવાનું બનશે.
તેઓ પંદર દિવસ પહેલાં એકલા ગયા હતા અને પાછા આવ્યા, તેના આઠ દિવસ થયા છે અને એવું લાગે છે કે તેઓ આધ્યાત્મિક રીતે વધુ ઉન્નત અને ઉદાત્ત ભાવનાથી પ્રેરિત થઈને આવ્યા છે. તેમની આ અવસ્થાને શબ્દોથી સમજાવી શકાશે નહીં.
એક નાના નિખાલસ શિશુની જેમ તેઓ ‘મા’ વિશે વાતો કરે છે, પરંતુ તેમનો આત્મા અને અવાજ ઈશ્વરનો છે, ગાંભીર્ય તથા ઉલ્લાસયુક્ત તેમની હાજરી જાણે મને એક એકાંત પ્રદેશમાં મોકલી આપે છે, જ્યાં હું હંમેશાં મૌન આરાધના કરતી રહું.
જેમણે ઈશ્વરનાં દર્શન કર્યાં છે અને જેમનાં ચક્ષુ કાયમ તે દર્શનમાં જ રમમાણ છે, તેમનું સામીપ્ય હું અનુભવું છું.
આ ક્ષણે (બીજાનું) ‘ભલું કરવું’ —એ એમને યોગ્ય લાગતું નથી. તેમના મુજબ ‘મા’ જ સર્વ કાંઈ કરી રહ્યાં છે. તેઓ ઘેર આવ્યા, ત્યારે બોલ્યા હતા કે, “દેશભક્તિ એક પ્રકારની ભૂલ છે. અરે! આ બધું એક પ્રકારની ભૂલ જ છે.” આગળ તેઓએ ફરીથી કહ્યું હતું, “દેશભક્તિ એક ભૂલ છે. અરે! આ સર્વ કાંઈ એક પ્રકારની ભૂલ જ છે.” સચરાચરમાં ‘મા’ જ છે. બધા મનુષ્યો સારા છે, ફક્ત આપણે બધા સુધી પહોંચી શકતા નથી. હવે હું કાંઈ જ શીખવવા માગતો નથી. બીજાને શિક્ષણ આપનાર હું તે વળી કોણ?”
મૌન, તપસ્યા અને એકાંતવાસ—આ જ હાલની તકે તેમના જીવનનું સત્ય છે અને આપણે સ્પર્શી પણ ન શકીએ તે હદે તેમનો એકાંતવાસ પવિત્ર છે. જાણે કે ‘મા’ (જગન્માતા) સાથે ન વિતાવી હોય, તેવી પ્રત્યેક ક્ષણ એમના માટે એક પ્રકારનો વેડફાટ છે.
આ અદ્ભુત ગ્રીષ્મને જ્યારે યાદ કરું છું, ત્યારે મને આશ્ચર્ય થાય છે કે આટલી અસામાન્ય ઊંચાઈને હું કઈ રીતે સ્પર્શી શકી છું! ગ્રીષ્મના આ મહિનાઓ દરમ્યાન અમે મહાન ધાર્મિક આદર્શોના પ્રકાશમાં રહેતાં હતાં, શ્વસતાં હતાં અને સામાન્ય મનુષ્યો કરતાં ઈશ્વર અમારા માટે વધુ યથાર્થ, વધુ વાસ્તવિક હતો અને ગઈ કાલની સવારના છેલ્લા કલાકોમાં જ્યારે તેમણે ‘મા’ વિશેનું ભજન ગાયું અને અમારી સાથે વાતો કરી, ત્યારે અમારા શ્વાસ થંભી ગયેલા, હલનચલન કરવાનું જાણે અમારું સાહસ નહોતું!
હવે તેઓ પૂર્ણપણે ‘પ્રેમ-સ્વરૂપ’ બની ગયા છે. ખોટું કરનાર કે વિરોધ કરનાર માટે તેમની પાસે કોઈ ઉગ્ર શબ્દ નથી; છે તો ફક્ત શાંતિ, આત્મ-વિલોપન અને હર્ષોલ્લાસ. “સ્વામીજી હવે મૃત્યુ પામ્યા છે અને પાછા આવશે નહિ” —મેં તેમની પાસેથી સાંભળેલા આ અંતિમ શબ્દો (તે દિવસની મુલાકાત વખતના) છે.
6. અજાણી વ્યક્તિને
કાશ્મીર
૧૩-૧૦-૧૮૯૮
‘કાલી— ધ મધર’ કાવ્ય લખ્યું તે દિવસથી સ્વામીજી વધુને વધુ અંતર્મુખ થતા જાય છે. આખરે કોઈને જાણ કર્યા વગર તેઓ ‘ક્ષીરભવાની’ નામના સ્થળે કે જ્યાં તેઓ આ પહેલાં થોડો સમય રહ્યાં હતા, ત્યાં ચૂપચાપ જતા રહ્યા.
તેઓએ ત્યાં જે આઠ દિવસો ગાળ્યા હતા, તે વિશે લખવું એ જાણે તે દિવસોની પવિત્રતાનો ભંગ કરવા બરાબર છે. ચોક્કસપણે તેમને વિશિષ્ટ આધ્યાત્મિક અને ભૌતિક અનુભવો થયા હશે, કારણ કે તે બપોરે તેઓ પરત ફર્યા, ત્યારે તેમનો ચહેરો અત્યંત તેજસ્વી જણાતો હતો— તેઓ ‘મા’ની સાથે વાતો કરી રહ્યા હતા અને તાત્કાલિક કલકત્તા જવાની વાત કરતા હતા.
એ પછી અમે તેમને ભાગ્યે જ મળ્યાં છીએ. ‘મા’ના ખોળામાં બાળક રહે તેમ ‘મા’ ઉપર નિર્ભર થઈને તેઓ એકાકી રહેતા હતા. આ વાત તેમણે જ અમને કરી હતી. વધુ તો તમને શું જણાવું? તમારી અહીં હાજરી હોય અને તમે જે અનુભવો, તે રીતે તમને આ બધું જણાવવા ઇચ્છું છું. હું એ સારી રીતે જાણું છું કે આ હકીકતને એક સમાચાર કે માહિતીના પરિપ્રેક્ષ્યમાં જોવાને બદલે એક પરમપાવન હકીકત તરીકે તમારી પાસે સંગોપિત રાખશો.
મને એવું લાગે છે કે (જો કે, એ ફક્ત અહેસાસ જ છે.) તીવ્ર વૈરાગ્ય અને વિરક્તિના ભાવમાં તેઓ એટલા મગ્ન છે કે હવે પછી ક્યારેય તેઓ પશ્ચિમમાં જઈને પોતાનો સંદેશ આપી શકશે નહીં. તેઓ મૌનમાં સરી પડે કે હંમેશ માટે પોતાની જાતને અળગી કરી દે, તો તેમાં કોઈ આશ્ચર્ય નહીં લાગે. જો કે, સત્ય હકીકત એ પણ હોઈ શકે કે તેમના કિસ્સામાં આ એક પ્રકારની શક્તિનું પ્રદર્શન નહીં, પરંતુ આત્મ-રતિ હશે અને હું કલ્પી શકું છું કે તેઓ આ ભાવથી પર થઈને સંસાર માટે જ્ઞાન અને ભવરોગને મટાડનાર મહાન પ્રેરણાસ્રોત બની રહેશે, અને તેને પરિણામે માનવજાતના જીવનમાંથી તકરાર, બેપરવાઈ અને મોજશોખ માટેની ઝંખના ગાયબ થશે. જ્યારે તેઓ પ્રશ્નોના ઉત્તર આપે છે, ત્યારે તે થકી બ્રહ્માંડની વિશાળતા, શ્રેષ્ઠતા, પ્રેમ અને સૌમ્યતા ધરાવનાર મહામાનવનાં દર્શન થાય છે. તેમના વિશે કંઈ પણ અભિપ્રાય આપવો એ જાણે પવિત્રતાનું ખંડન છે. આશ્ચર્યજનક રીતે તેમની હાજરીમાં યોગ્ય લાગે તેવી એક માત્ર ભાષા એ રમૂજી ટુચકાઓ અથવા વિનોદી વાર્તાલાપ છે, જે અમને બધાને હસાવે છે. બાકી તો પ્રત્યેક ક્ષણની પવિત્રતા જાળવવા માટે જાણે શ્વાસ પણ મૌન ધારણ કરી લે છે!
બીજી એક વાત કહું? તેમની પાસેથી છેલ્લે (મુલાકાત વખતે) સાંભળેલા શબ્દો આ છે— ‘સ્વામીજી મૃત્યુ પામ્યા છે અને ચાલ્યા ગયા છે; યાતનાઓમાં પરમ સુખ છે.’ કોઈના પણ માટે તેમની પાસે કઠોર શબ્દ નથી. ઈશુ ખ્રિસ્તના બધાને સમાવી લેતા તેમના આવા ભાવ વચ્ચે જ તેમને વધસ્થંભ ઉપર ચડાવવામાં આવ્યા હતા.
ફરીથી તેમણે કહ્યું કે, તેમના કાવ્ય ‘કાલી- ધ મધર’ ના એક એક શબ્દને તેઓ આત્મસાત્ કરીને તે શબ્દોના અનુભવમાંથી પસાર થવા માગે છે અને ગઈ કાલે તે કાવ્યના કેટલાક અંશોનું તેમણે મારી પાસે પઠન કરાવ્યું.
તેઓ વાતો કરતા રહ્યા અને આ વાતો ‘મા’ની હોવાથી શબ્દો જાણે વિશાળ, બૃહત્ બની ગયા! તેઓ ગયા એ પહેલાંની ક્ષણોમાં અમને ‘મા’ની હાજરીનો અનુભવ કરાવતા ગયા. ગઈ કાલની મુલાકાતે જાણે મારો શ્વાસ થંભાવી દીધો અને તેમને ‘ઈશ્વર’ કહ્યા સિવાય હું રહી શકી નહીં.
આ સૃષ્ટિના લયના આપણે—તમે અને હું અંશ છીએ. આપણા આ સ્થાન માટે ઈશ્વરે આપણને યોગ્ય બનાવ્યાં છે. તેઓ ગાતા હતા, “દુનિયાની બજારમાં ‘મા’ પતંગ ચગાવી રહી છે અને લાખોમાંથી ફક્ત એક કે બેની દોરી તેઓ કાપે છે. આપણે ધૂળમાં આળોટતાં બાળકો છીએ અને આ ધૂળના ચળકાટથી આપણી આંખો અંજાઈ ગઈ છે.”
રવિવારે તેમણે અમને કહ્યું, “ઈશ્વરની આ કૃતિઓ (સૃષ્ટિ) સૂર્ય તથા પ્રકૃતિને સંબંધિત દંતકથાઓ કરતાં વધુ સત્ય છે. આવું દર્શન શુદ્ધ ભક્તિ કરાવી શકે છે અને તે ખરેખર સત્ય છે.”
(નોંધ: કાશ્મીરની યાત્રા દરમ્યાન જ સ્વામીજીનું મન ‘શિવ’માંથી બ્રહ્માંડની દિવ્ય મા- ‘કાલી-મા’ તરફ વળ્યું અને ત્યાં જ ઓગસ્ટ મહિના દરમ્યાન તેમણે કાવ્ય ‘Kali—The Mother’ની રચના કરી, જે પૂર્ણ થતાં જ તેઓ જમીન પર પડી, ભાવ-સમાધિમાં સરી પડ્યા હતા.
આ સમગ્ર યાત્રા દરમ્યાન વચ્ચે વચ્ચે સ્વામીજી પોતાના સહયાત્રીઓને છોડી, થોડા થોડા દિવસો માટે એકાંતવાસમાં ચાલ્યા જતા. એટલે ‘છેલ્લી મુલાકાત’ એવો ઉલ્લેખ છે.)
Your Content Goes Here