પ્રશ્નની એક મજા છે. પ્રશ્નો મૂંઝવી નાંખે છે. તે ક્યાંય ચેન ન પડવા દે. સમયાંતરે પાછા સામા આવીને ઊભા રહે. રોજબરોજ નવાં નવાં સર્જાતાં જાય છે. ક્યાંક જવાબો મળે અને ક્યાંક પ્રશ્નો પ્રશ્નો જ રહી જાય છે. જ્યાં જવાબ મળી ગયા એમ લાગે, ત્યાં ક્યારેક જવાબ જ પ્રશ્ન સમાન બનીને નવો પડકાર આપે! પણ આ બધાથી જીવંતતાનો અહેસાસ થાય છે. આથી જ પ્રશ્નની એક મજા છે.

રોજ આકાર લેતી ઘટનાઓ મનમાં ક્યારેક વમળો સર્જી જાય છે. આવા પ્રસંગો બને ત્યારે તેનું પ્રાસંગિક તેમ જ અ-સાપેક્ષિત મૂલ્યાંકન જરૂરી બને. આ માટે આપણા વ્યક્તિગત ઉદ્દેશ્ય અનુસાર આપણે જરૂરી તારણ કાઢીએ. આવાં મૂલ્યાંકનના મૂળમાં જે પ્રશ્નો મનમાં ઉદ્‌ભવ્યાં હોય, તેમાં પ્રશ્નને જે તે પ્રકારે આલેખવાની વૃત્તિ અગત્યની બની જાય છે. પ્રશ્ન જે રીતે નિર્ધારિત થાય, તે પ્રમાણે તે પ્રત્યેનો પ્રતિભાવ ઊભરે છે. આમાં તટસ્થતા કે નિષ્પક્ષતા પણ સાંદર્ભિક બની રહે. વ્યક્તિ મોટેભાગે તેના મનમાં ઉદ્‌ભવતા પ્રશ્નોની તેના પ્રકાર અનુસાર તરફદારી કરતી હોય તેમ સામાન્યત: જણાય છે. પ્રશ્નોના જવાબ ગોતવામાં ક્યાંક આપણો સ્થાપિત તેમ જ સ્વાર્થી તર્ક મહત્ત્વનો બની રહે છે. વ્યક્તિ સમયાનુસાર તર્કમાં બદલાવ પણ લાવતી હોય છે. પ્રશ્નની ભૂમિકા પર તર્કનો પ્રકાર અવલંબે છે.

પ્રશ્નના મૂળમાં ક્યાંક કુતૂહલ, ક્યાંક ઉત્કંઠા તો ક્યાંક જિજ્ઞાસા છુપાયેલી હોય છે. પ્રશ્નની પાછળ ક્યારેક જ્ઞાનપિપાસા પણ હોય છે. કેટલાક પ્રશ્નો જીવન-મરણની બાબત સમાન હોય છે. રણમાં કલાકો-દિવસોથી રઝળતો માણસ જ્યારે પાણી વિશે પૃચ્છા કરે, ત્યારે તે બાબત તેની માટે જીવન-મરણનાં પ્રશ્ન સમાન હોય છે. નાના બાળકની પાણી માટેની પૃચ્છા મહદ્‌અંશે કુતૂહલ પ્રેરિત ગણાય; તો મુસાફરે કરેલ પાણીની પૃચ્છા જિજ્ઞાસા કે ભવિષ્ય માટેની જરૂરી માહિતી સમાન રહે છે. કેટલાક પ્રશ્નો માત્ર પૂછવા માટે જ હોય છે. જેનો જવાબ સામાન્ય રીતે સામાન્ય માનવીના જીવનમાં કોઈ બદલાવ નથી લાવતો. પૃથ્વી અને સૂર્ય સિવાયના સૌથી નજીકના તારા વચ્ચેના અંતર બાબતનો પ્રશ્ન આ શ્રેણીમાં આવે. 

આનાથી એમ જાણી શકાય કે અમુક પ્રશ્નો જિંદગીને લાગતા-વળગતા હોય છે. જ્યારે અન્ય કેટલાક માત્ર શૈક્ષણિક હેતુ માટે જ હોય છે. કેટલાક પ્રશ્નો કાલ્પનિક બાબતો પર આધારિત હોય છે તો કેટલાક નરી વાસ્તવિકતા પર. ક્યાંક પ્રશ્નો અનુમાનિક તો ક્યાંક પ્રાસંગિક રહે છે. કેટલાક પ્રશ્નો વ્યવહારુ-સામાજિક બાબતોને આધારિત હોય છે તો કેટલાક સાવ વ્યક્તિગત! કેટલાક પ્રશ્નોના જવાબ ગોતવામાં શ્રૃંખલાબદ્ધ તર્કની જરૂર પડે તો અન્ય કેટલાક પ્રશ્નો માટે તેની સંભાવના ચકાસાતી હોય છે. મૂળમાં, પ્રશ્ન જ્ઞાન અને સમજનો આધાર છે. 

ક્યારેક એમ જણાય છે કે જીવનમાં જવાબો સુધી પહોંચવા કરતાં પ્રશ્નોમાં ગૂંચવાયેલા રહેવાથી પરિપક્વતા પામવાની સંભાવના વધી જાય છે. જવાબો મેળવવાની પ્રક્રિયામાં જે જે મુકામ આવે, તે તે મુકામ પર થોડો સમય વિરમીને તે પરિસ્થિતિને નિરખવાથી વૈકલ્પિક જવાબોની સમજ વિકસી શકે. વળી, પ્રશ્નમાં અટવાયેલા રહેવાથી વૈચારિક ક્ષિતિજો વિસ્તરવાની સંભાવના પણ વધી શકે અને હા, ધીરજ તો વધે જ. ક્યારેક પ્રશ્નમાં રચ્યાપચ્યા રહેવાથી જીવનની ઘણી વાસ્તવિક્તાઓ પણ સમજાવા લાગે. પ્રશ્નોના જો ઉત્તર મળી જાય તો પણ ક્યાંય અસમંજસતાની ભાવના થોડી ઘણી પણ કાયમ રહી જતી જોવા મળે છે. જવાબ જરૂરી છે પણ પ્રશ્ન પણ ક્યારેક પોતે જ મુકામ બની જાય છે. કદીક એમ પણ લાગતું હોય છે કે એક પ્રશ્ન એ બીજા પ્રશ્નનો જવાબ બની જાય છે. પ્રશ્નોનું જાળું જટિલ છે. પ્રશ્નને પ્રશ્ન તરીકે ન લેતાં માત્ર એક પરિસ્થિતિ તરીકે લેવાની પણ એક મજા છે.

પ્રશ્ન એક વાસ્તવિક્તા છે- હકીકત છે. તે પ્રેરક તેમજ ચાલકબળ છે. ક્યારેક તે વિકાસ માટેની ઊર્જા સમાન છે. તે જ્ઞાનનો આધાર તો ગણાય જ છે, સાથે સાથે તે જાત સાથે સંવાદ સ્થાપવા માટેનું અગત્યનું પરિબળ પણ લેખાય છે. જીવંત વ્યક્તિના મનમાં જ પ્રશ્ન ઉદ્‌ભવે; તેથી પ્રશ્ન એ જીવંતતાની સાબિતી છે.

જિંદગી એક પ્રશ્ન છે કે કોઈ એક પ્રશ્નનો જવાબ; આ બાબતનો નિર્ણય કરવાના ઘણા પ્રયત્નો થયા છે. તેમાં ક્યાંક વિરોધાભાસી મંતવ્યો પણ છે. કોઈકને જિંદગી પ્રશ્ન સમાન જણાય છે, તો કોઈકને પ્રશ્નના ઉત્તર સમાન! લાંબે ગાળે વિચારતા એમ માનવા મન પ્રેરાય છે કે જિંદગી આપણા જ પ્રશ્નોના આપણે જ આપેલા જવાબ છે અથવા આપણા માની લીધેલા જવાબોને કારણે ઊભા થયેલ પ્રશ્નો છે. હકીકતમાં જીવનમાં પ્રશ્નો પણ આપણા અને જવાબ પણ આપણા જ. રોજબરોજ ઉદ્‌ભવતા નાના-મોટા, નવાં નવાં પ્રશ્નોનો જવાબ આપણે જ આપણને આપીને ઉકેલ મેળવ્યાનો સંતોષ લઈએ છીએ. કેવી સરસ ઘટના! આપણા જ પ્રશ્નો, આપણા જ જવાબ અને આપણો જ સંતોષ!

પ્રશ્નથી જવાબ તરફના પ્રવાસ કરતાં શું શૂન્યથી પ્રશ્ન તરફનો પ્રવાસ જીવનનાં ઘડતરમાં વધુ મહત્ત્વનો છે? નાના બાળકો શૂન્યમાંથી પ્રશ્નો સર્જે છે અને જવાબ માટે તેઓ ક્યારેય અતિ આગ્રહી નથી હોતાં. જ્યાં પ્રશ્નનો ઉદ્‌ભવ થાય ત્યાં બીજ હોય જ છે. પ્રશ્નની ગુણવત્તા પરથી આ બીજની સઘનતા અને તેમાં રહેલી સંભવિતતા સૂચિત થાય છે. તે બીજનો જવાબ મળે ત્યારે તે વૃક્ષ બની રહે છે. પ્રશ્ન જ્યાં સુધી બીજ સ્વરૂપે હોય ત્યાં સુધી ‘શું ઊગશે’ તે બાબતે અજંપો રહે છે. જ્યારે બીજ વૃક્ષમાં રૂપાંતરિત થાય છે, ત્યારે આવી અનિશ્ચિતતાનો અંત આવે છે. પરિણામે વિચારો અને તત્કાલિન જિંદગી ‘સ્થિર’ થતી જણાય છે. ઘણી વાર ચંચળતા વગરની આ સ્થિર જિંદગી કઠિન-કંટાળાજનક લાગવા માંડે છે, અને પ્રશ્નોનું મહત્ત્વ સમજાય છે. પ્રશ્નોથી જ જાણે જિંદગીનો રસ જળવાય છે. એક વિચારધારા પ્રમાણે જ્યારે બધાં જ પ્રશ્નો લુપ્ત થાય, ત્યારે જાણે મુક્તિનાં દ્વાર ખુલ્લે છે. સાથે સાથે એમ પણ કહેવાય છે કે પ્રશ્નો ન હોવા એ પૂર્ણ અજ્ઞાનતાની નિશાની છે—જે મુક્તિનું કારણ ન બની.

તત્ત્વજ્ઞાનના એક સિદ્ધાંત પ્રમાણે વિરોધી બાબતો એક સાથે અસ્તિત્વમાં આવે છે. પ્રશ્ન ઉદ્‌ભવતાની સાથે જ જવાબનો જન્મ થાય છે. એમ પણ કહેવાય કે દરેક પ્રશ્નમાં ગર્ભિત જવાબ છુપાયેલો હોય છે. પ્રશ્ન ક્યારેક પોતે જ એક જવાબ સ્વરૂપે પણ હોય છે. અહીં કાર્ય-કારણનો સંબંધ દેખાય છે. પ્રત્યેક પ્રશ્ન એ એક ચોક્કસ જવાબ માટે નિમિત્ત છે અને પ્રત્યેક જવાબમાં એક નવા પ્રશ્નનું મૂળ હોય છે. બ્રહ્મ-સંપૂર્ણતાને લગતી બાબતો સિવાય એક પણ જવાબ એવો નહિ હોય કે જેમાં નવા પ્રશ્નોના મૂળીયા દટાયેલાં ન હોય—કોઈ જવાબ એવો નહિ હોય કે જે નવા પ્રશ્નોનું ઉદ્‌ભવસ્થાન ન બને. હા, તે સમયે કદાચ નવા પ્રશ્નો ન દેખાય પણ સમયાંતરે તેમાંથી પ્રશ્નોની હારમાળા પ્રગટશે. વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતો આ વાતનું પ્રમાણ છે. જ્યારે તે સિદ્ધાંતો પ્રકાશમાં આવ્યા ત્યારે જાણે એમ લાગ્યું કે બધા જ પ્રશ્નોનું શમન થઈ ગયું, પણ પાછળથી તે સિદ્ધાંતમાં જ પ્રશ્નો ઉભા થતા ગયા.

ઘણાને તો બ્રહ્મ સંબંધે ઉપનિષદો-વેદોમાં કરાયેલાં વિધાનોમાં પણ પ્રશ્નો દેખાય! આમાં બુદ્ધિની રમત છે. ઘણા પ્રશ્નો બુદ્ધિના પ્રપંચથી ઉભા થાય છે, તો ઘણા બુદ્ધિની નિર્દોષતાથી! પ્રશ્નો ઉભા થવામાં બુદ્ધિની ભૂમિકા અગત્યની છે. નાદાન તથા શુદ્ધ બુદ્ધિમાં ઉદ્‌ભવતા પ્રશ્નો નિરુપદ્રવી તથા સાત્ત્વિક હોય છે. કર્મઠ બુદ્ધિનાં પ્રશ્નો સ્થાપિત બાબતોથી જ વિપરીત હોય તેમ જણાય છે.

પ્રશ્નોના પ્રકાર તથા તેને પૂછવાની પદ્ધતિમાં જીવનનાં મૂલ્યો પ્રતિબિંબિત થતાં જોવા મળે છે. ઘણા માત્ર મુદ્દો ઉછાળવા માટે જ પ્રશ્નો સર્જે છે. કેટલાંક માટે પ્રશ્નોએ ‘ટાઈમ-પાસ’ છે. તો કેટલાંક લોકો માટે પ્રશ્નો પ્રગતિનો માર્ગ છે. અમુક લોકો પ્રશ્નોને ‘પ્રવાસ’ તરીકે લેખે છે તો અમુક લોકો તેનો ‘છટકબારી’ તરીકે ઉપયોગ કરે છે. આ બધાંથી કંઈ પ્રશ્નોનું મહત્ત્વ ઓછું નથી થતું; તેથી જ પ્રશ્નની એક મજા છે.

(લેખક પરિચય: શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત અન્ય ૨૦ જેટલી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય માટે જોડાયેલા છે. તેઓ લેખનકાર્યમાં પણ તેટલી જ રુચિ ધરાવે છે. કુમાર, અખંડ આનંદ, વિશ્વવિહાર, શબ્દસર જેવાં સામયિકો અને દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, જયહિંદ, કચ્છમિત્ર જેવાં નામાંકિત સમાચારપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. આ લેખોમાં અધ્યાત્મ, ભારતીય ચિંતન, સ્થાપત્ય તથા કળાને લગતા વિષયોનો સમાવેશ થતો રહ્યો છે. )

Total Views: 449

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.