(સ્વામી આત્મરૂપાનંદજીએ નાની ઉંમરમાં અમેરિકાની વેદાંત સોસાયટીમાં સંન્યાસીરૂપે યોગદાન આપ્યું હતું. તેઓએ વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, હોલીવૂડ; જ્યાં સ્વામી વિવેકાનંદે પોતાના ઘનિષ્ઠ શિષ્યો સાથે કેટલાક મહિના વિતાવ્યા હતા એ ‘રિજલી મેનર’ આશ્રમ; કેલિફોર્નિયાની ટ્રેબૂકો મોનેસ્ટરી; તથા ટેક્સાસ સ્થિત હ્યુસ્ટન સેન્ટરમાં પોતાની સેવાઓ આપી છે.

તેઓ માયાવતીમાં ‘પ્રબુદ્ધ ભારત’ માસિકના સહસંપાદક તથા બેલુર મઠમાં ગઠિત ‘Complete Works of Swami Vivekananda’ની પુનઃ સંપાદના સમિતિના સદસ્ય હતા. હાલ તેઓ ફ્રાંસના ગ્રેટ્ઝ નગર સ્થિત ‘રામકૃષ્ણ વેદાંત સેન્ટર’ના વડા છે. તેઓએ આ ઇતિહાસ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત ‘The Story of Ramakrishna Mission’માં લખ્યો હતો. જેના કેટલાક અંશોનો અનુવાદ અહીં સાભાર ગૃહિત છે. અનુવાદક છે સેજલબહેન માંડવીયા. – સં.)

૧૯૬૦ બાદની અમેરિકન સોસાયટી અને વેદાંત ચળવળ

૧૯૬૦થી પાશ્ચાત્ય જગત, ખાસ કરીને અમેરિકા ક્યારેય એક સમાન રહ્યું નથી. વેદાંત સોસાયટીના ઇતિહાસની ચર્ચા કરવા માટે ૧૯૬૦ના દાયકાને સમજવો આવશ્યક છે. તો ચાલો, આપણે ૧૯૬૦ના દાયકા પછીના દાયકાઓ પરના પ્રભાવને શોધવા થોડી ક્ષણો આપીએ. અમેરિકન સમાજમાં જે કંઈ પણ પછી આવ્યું છે, તે કાં તો ૧૯૬૦ના દાયકાના પરિણામ સ્વરૂપે, ૧૯૬૦ના પ્રભાવ હેઠળ અથવા ૧૯૬૦ના દાયકાની પ્રતિક્રિયામાં આવ્યું છે. આ જ વસ્તુ રામકૃષ્ણ સંઘના વેદાંતકાર્યને પણ લાગુ પડે છે. જો કે, વેદાંત સોસાયટીમાં બે અલગ પરિબળો કામ કરી રહ્યાં છે. પોતીકી સંસ્કૃતિ અને ભારતના સ્વામીઓ જેઓ આ સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે, કાર્યકારી સ્વામીજીઓને વેદાંત સોસાયટીઓની સ્થાપનામાં ૧૯૬૦ પહેલાંની અસર થવા પામી નહોતી. આમ છતાં તેઓના કાર્યમાં તેમને ૧૯૬૦ પછીનાં પરિણામોનો સામનો કરવો પડ્યો હતો અને તે રીતે તેઓ પ્રભાવિત પણ થયા હતા. તો હવે આપણે ૧૯૬૦ પછીના દાયકાઓ દરમ્યાન વેદાંતનાં કાર્ય પર શું અસર થઈ હતી, તેની ચર્ચા કરીશું. 

સૌથી પહેલું મહત્ત્વ હિપ્પી-ચળવળનું છે. જે ૧૯૬૦ની મધ્યથી શરૂ થઈ અને ૧૯૭૦ના મધ્ય સુધી ચાલી. જો કે, અવાસ્તવિક અને શિસ્ત વગરની છતાંયે આ હિપ્પી ચળવળમાં યુવા આદર્શવાદમાં અગાઉ ન જોયેલા જુવાળનો સમાવેશ હતો. પરંપરાગત મૂલ્યોનો તેમાં નકાર હતો, છતાં તેના કાર્યનો વ્યાપ અને નિષ્ઠા અસાધારણ હતાં. યુવા લોકો જીવનમાં અર્થ શોધે છે અને તેઓએ અનુભવ માગ્યો, જીવનના સિદ્ધાંતો નહીં. તેઓએ તેમનાં માતા-પિતાની પેઢીમાં જોયેલા ભૌતિકવાદને નકારી કાઢ્યો અને જ્યાં પણ વચન આપવામાં આવ્યું હતું, ત્યાં આધ્યાત્મિક પોષણની માગ કરી, પછી ભલે તે સાયકાડેલિક દવાઓ હોય અથવા ઈસુના આમૂલ જીવનના નમૂનાવાળુ જીવન હોય. (સંસ્થાકીય ધર્મની રૂઢિગત પરંપરાને પૂરેપૂરી રીતે નકારી)

સ્વામી વિવેકાનંદ એ પહેલાં હિન્દુ શિક્ષક હતા, જેમણે સમુદ્રના ‘કાળા પાણી’ ને પાર કરીને પશ્ચિમનાં વિશ્વમાં વેદાંતના ઉપદેશનો પ્રચાર કર્યો હતો. તેમના પછી સ્વામી રામતીર્થ જેવા બીજા કેટલાંક પ્રચારકો આવ્યાં. ૧૯૨૦ના દાયકામાં પરમહંસ યોગાનંદે ‘સ્વ-અનુભૂતિ ફેલોશિપ’ની સ્થાપના કરી, ત્યાં સુધી કોઈ લાંબા ગાળા સુધી નોંધપાત્ર રીતે સફળ થયું નહોતું. હઠયોગના શિક્ષકો અને સ્વ-અનુભૂતિ ફેલોશિપના અપવાદ સિવાય ૧૯૬૦ના દાયકા સુધી વેદાંત સોસાયટીઓ બીજા હિન્દુ પ્રચારકો સાથે ખૂબ ઓછી સ્પર્ધા ધરાવતી હતી. પરંતુ ૧૯૬૦ના દાયકાએ બધા માટે દરવાજા ખોલ્યાં. ઘણા બધા હિન્દુ પ્રચારકોએ આવવાનું શરૂ કર્યુ. ભારતમાંથી ગુરુઓ અને સ્વામીઓએ પ્રવાહ શરૂ કર્યો, જે હજુ પણ ઓછો થયો નથી.

૧૯૬૦માં ધ્યાન ખેંચે તેમાંના પરિણામોનું એક એ હતું કે, પૂર્વ તરફના ધર્મોમાં રસ વધ્યો હતો જે ૧૯૭૦ના પ્રારંભ સુધી ચાલુ રહ્યો હતો. દાખલા તરીકે હોલીવૂડ અને સાંતા બાર્બરા મંદિરમાં સંખ્યા એટલી વધી ગઈ હતી કે, નિયમિતપણે લોકોની ભીડ માટેની વ્યવસ્થા કરવી પડતી હતી. હોલીવૂડમાં બીજા મકાનમાં એક મોટો ઓરડો (ગ્રીન હાઉસ લીવીંગ રૂમ) લોકોને સમાવવા માટે રવિવારે બંધ સર્કિટ ટેલિવિઝન સાથે ખોલવામાં આવ્યો હતો.

મઠ અને કોન્વેન્ટ્‌સ (બહેનોના મઠ) નવા આગંતુકોથી ભરાવા લાગ્યા અને શિકાગો, સેન્ટ લુઈસ અને ન્યુયોર્કના પૂર્વ તરફના કેન્દ્રો કે જયાં મઠ નહોતા, ત્યાં કેન્દ્રો શરૂ થયાં. વાસ્તવમાં ૧૯૬૦ની સરખામણીએ ૧૯૭૦માં મઠોનો વિકાસ વધુ ઝડપથી થયો. કારણ કે, હિપ્પી ચળવળ દવાઓ (ડ્રગ્સ) અને મુક્ત અવૈધ સંબંધને કારણે ક્ષીણ થવા લાગી હતી. હિપ્પી લોકોએ જે ખાતરી આપી તે ન કરી શક્યા, તેથી આધ્યાત્મિક રસ ધરાવતા લોકોએ શિસ્તબદ્ધ જીવનની શોધ કરી. પૂર્વ તરફના બિન વૈજ્ઞાનિક સર્વેક્ષણ દર્શાવે છે કે, આજે ત્રીજી સહસ્ત્રાબ્દીની શરૂઆતમાં પૂર્વીય પરંપરામાં મોટા ભાગના અમેરિકન હજુ પણ ૧૯૬૦ની પેઢીમાંથી આવે છે. જે આપણને પૂછે છે કે, ૧૯૭૦ના મધ્ય દાયકા પછી શું થયું? 

અમેરિકામાં ૧૯૭૦નાં મૂલ્યોનું નિરસન

૧૯૭૦ના ઉત્તરાર્ધમાં પૂર્વીય વિચારોમાં રસ ઘટવા લાગ્યો. વેદાંત સેવાઓમાં ઓછી હાજરી અને મઠના પ્રતિનિધિઓની ઘટતી સંખ્યામાં આ જોવા મળ્યું હતું. આ વલણ એંસી અને નેવુંના દાયકામાં વધુ સ્પષ્ટ થયું હતું. એંસીના દાયકાના ઉત્તરાર્ધ સુધીમાં મઠોને તેમાં જોડાનારા મળતા નહોતા અને અમુક વ્યક્તિઓ કે જેઓ ભાગ્યે જ જોડાયા હતા, તેઓ ત્યાં સુધી ટકી શક્યા, જ્યાં સુધી દીક્ષા લઈ શકે. ૧૯૬૦ અને ૧૯૭૦માં મઠોમાં જોડાનારા લોકોની નોંધપાત્ર સંખ્યા હતી, પણ ટકી ન શકતા. બે વલણો—મઠમાં બહુ ઓછા નવા અરજદારો આવે અને મઠ છોડીને જતાં સંખ્યાબંધ સંન્યાસીઓએ—આપણા મઠનાં કેન્દ્રોને ગંભીર મુશ્કેલીમાં મૂકી દીધાં. પશ્ચિમના મઠના સંન્યાસીઓની સરેરાશ ઉંમર વધીને ઉચ્ચ મધ્યમ વય અને તેનાથી પણ આગળ વધી છે અને અમારા તમામ કેન્દ્રો કે, જેઓ કામમાં મદદ કરવા માટે મઠ પર આધાર રાખતાં, તેઓ ખેંચતાણ અનુભવે છે અને કોઈ સમુદાય કે જે આવનાર નવી વ્યક્તિ પર ભાર રાખે છે. 

આ ફેરફારો માટે શું જવાબદાર છે? એક મુખ્ય પરિબળ સમાજમાં આવેલું પરિવર્તન છે. ૧૯૬૦ના અંતમાં કોલેજના પ્રખ્યાત સર્વેક્ષણમાં વિદ્યાર્થીઓને જીવનનાં વિવિધ ધ્યેયોને મહત્ત્વ આપવાનું કહેવામાં આવ્યું હતું. તેમાંથી જીવનમાં અર્થપૂર્ણ ફિલોસોફી શોધવી, યોગ્ય સાથી શોધવો, સારી નોકરી મેળવવી, પુષ્કળ પૈસા કમાવવા અને બીજાની સેવા કરવી, જેવી બાબતો હતી. ૧૯૬૦ના અંતમાં વિદ્યાર્થીઓ માટે ગણતરીમાં લેવાય તે રીતે સૌથી મહત્ત્વપૂર્ણ ધ્યેય જીવનમાં અર્થપૂર્ણ ફિલોસોફી શોધવાનું હતું. પૈસા કમાવવા જેવી વિચારણા નિમ્ન હતી. એંસી અને નેવું દરમિયાન સમાન કસોટીનાં પરિણામો નીચે આવી ગયાં હતાં. જીવનમાં મહત્ત્વની ફિલોસોફી શોધવી તે ઓછું મહત્ત્વનું ગણાયું, જ્યારે પૈસા કમાવા અને સારી નોકરી મેળવવી તે વધુ મહત્ત્વનું ગણાતું. ૧૯૬૦ના અંતમાં અને ૧૯૭૦ની શરૂઆતમાં અમેરિકાની યુનિવર્સિટીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને ફાઇનાન્સના વિભાગો ખાલી હતા, જ્યારે ફિલોસોફી, મનોવિજ્ઞાન અને ધર્મના વર્ગો ભરેલા હતા. એંસી અને નેવુંના દાયકા દરમ્યાન આનાથી વિપરીત રહ્યું. 

ઊલટા મૂલ્યો શા માટે? તે નક્કી કરવું મુશ્કેલ છે. છતાં અમેરિકન સમાજ ક્રિયા અને પ્રતિક્રિયાના ઝડપી ચક્રમાંથી પસાર થતો જણાય છે. એક પેઢી ગમે તે દિશામાં જાય, તેમનાં બાળકો તેમની સ્વતંત્રતાનો દાવો કરવા વિરુદ્ધ દિશામાં જાય છે. આનાથી કાર્ટૂન કરવાવાળાને સારી થીમ મળી જાય છે. દાખલા તરીકે એક લાંબા વાળવાળું હિપ્પી જોડું એક સમયે તેમનાં દેખાવ અને વર્તનથી તેમનાં માતા-પિતાને ચોંકાવી દેતાં હતાં. હવે તેઓ તેમનાં પોતાના બાળકોનો સામનો કરે છે કે, જેઓ સુંદર પોષાક પહેરે છે તેમજ યોગ્ય છે અને પછી એકબીજાને પૂછે છે, ‘આપણે કયાં ખોટા હતા?’

(ક્રમશઃ)

Total Views: 486

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.