(‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.)

બુદ્ધની આધ્યાત્મિક લોકશાહી

ભારતમાં લોકોના આધ્યાત્મિક હક્કોનું ઉન્મૂલન સમાજની અંદરની પ્રતિક્રિયા વિના ક્યારેય પસાર થયું નથી. પુરોહિતની પ્રચલિત સખતાઈને ધ્યાનમાં લેતાં બૌદ્ધ ધર્મનું ઊડીને આંખે વળગતું બાહ્યરૂપદર્શન તેના ઇતિહાસમાં અનિવાર્ય હતું. સ્વાર્થી પુરોહિતોએ બળજબરીપૂર્વક સામાન્ય લોકોને શાશ્વત ધર્મનું પાલન કરતા અટકાવ્યા હતા અને ધર્મના ક્ષેત્રમાં લોકશાહીની ભાવનાને અનિશ્ચિત કરી હતી. બુદ્ધે તેવા બાકાત કરાયેલા તેમજ નીચલી જાતિમાં જન્મેલા લોકોને ફરી સમાન તક આપી. તેમણે જૂના ધર્મને નવું સરળ સ્વરૂપ આપ્યું અને માનવ-વેદનાનો જડમૂળથી નાશ કરવા માટે પ્રયોજિત કર્યું. તેમણે કફનમાં લપેટાયેલા ધાર્મિક વિધિને લગતાં ચિરસ્થાયી અટપટાં આધ્યાત્મિક મૂલ્યોનો બચાવ કર્યો અને માનવતાની નૈતિક પ્રગતિને માટે ઉપયોગી બનાવ્યા. તેમના ઉપદેશોએ કળા, સાહિત્ય અને ફિલોસોફીને નવો વળાંક આપ્યો. જો કે તેઓ ભગવાનમાં ઉન્મત હોવાથી તેમણે પોતાની જાતને વ્યક્ત કરવા માટે શબ્દો પર આધાર રાખ્યો ન હતો. 

બુદ્ધના અનુયાયીઓ પછીથી તેમને ભગવાન તરીકે પૂજવા લાગ્યા અને મુક્તિ મેળવવા તેમણે ચીંધેલા રાહ પર જીવન વ્યતીત કરવા લાગ્યા, જે અલબત્ત, તેમના પુરોગામીઓ દ્વારા પાછળ છોડવામાં આવેલા રાષ્ટ્રીય વારસાને અનુરૂપ હતું.

શ્રીરામકૃષ્ણની વિશિષ્ટતા 

જેમ બુદ્ધ ભારતીય સંસ્કૃતિના સૌથી આધ્યાત્મિક રીતે સિદ્ધ માનવકૃતિમાંના એક હતા તેમ અન્ય પણ ઘણા ભગવદ્‌-પુરુષો હતા. શ્રીરામકૃષ્ણ તેમનામાંના સૌથી છેલ્લા પુરુષ હતા. તેમના પોતાના અનુભવો દ્વારા તેમણે ભારતીય સંસ્કૃતિનો હેતુ બહુ ટૂંકમાં એક વાક્યમાં કહ્યો: ‘માનવજીવનનો એકમાત્ર ઉદ્દેશ છે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો.’ એ સાંભળવામાં સરળ લાગે છે, છતાં તે ભારતીય સંસ્કૃતિની પરિપૂર્ણતાના સંદર્ભે સૌથી ઉચિત નિષ્કર્ષ છે. 

ઈશ્વર સાથે નિરંતર વાર્તાલાપ એ જ શ્રીરામકૃષ્ણનું જીવન હતું. સાથે સાથે તેઓએ વિવિધ કલાઓમાં પણ અસાધારણ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. બાળપણથી જ તેઓ ગાયન, નૃત્ય, અભિનય, વાર્તાકારી, માટીની મૂર્તિઓની બનાવટ વગેરે કલાઓમાં નિપુણ હતા. તેઓ જીવનના પ્રશ્નોને આધ્યાત્મિક વાતોમાં વણી લઈ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા. આ બધાની સાથે વારંવાર થઈ આવતી ભાવસમાધિએ તેમને એક અસાધારણ વ્યક્તિત્વની અલગ કક્ષામાં મૂક્યા હતા અને તેઓએ તેમના ચરિત્રમાં ભારતીયતાનાં શ્રેષ્ઠ તત્ત્વોને મૂર્તિમંત કર્યાં હતાં. એક સમયે જ્યારે હિંદુઓ તેમની સાંસ્કૃતિક ઓળખના દૃષ્ટાંતના અભાવમાં હિંદુ ધર્મના પાયાને જ ભૂલવા લાગ્યા ત્યારે તેમના આગમને એ હિંદુ સંસ્કૃતિમાં એક નવીન આત્મવિશ્વાસ રેડ્યો હતો. હકીકતમાં શ્રીરામકૃષ્ણે હિંદુ ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાન માટે એક ચિનગારી ચાંપી હતી. રોમાં રોલાંએ જેમ કહ્યું હતું તેમ, ‘તેમનું જીવન ત્રીસ કરોડ લોકોના બે હજાર વર્ષના આધ્યાત્મિક જીવનનું નિદર્શન હતું.’

શ્રીરામકૃષ્ણ શાશ્વત ધર્મનું મૂર્તસ્વરૂપ હતા. તેમના પોતાના જીવનમાં તેમણે ‘આ ધર્મની વૈશ્વિક ભાવના અને ચારિત્ર્યનો સંચાર કરી’, પોતાની જાતને આધુનિક માણસ માટે એક પદાર્થપાઠ બનાવ્યો.’ સ્વામી વિવેકાનંદ દાંડી પીટીને તેમના જીવન અને ઉપદેશ વિશે કહે છે: 

પરંતુ આ નવીન આધ્યાત્મિક પુનરુત્થાનના બળે શક્તિશાળી બનેલા લોકો આ વેરવિખેર પડેલા અને અલગ થઈ ગયેલા આધ્યાત્મિક આદર્શોને ફરીથી સંકલિત કરીને તથા તેમને સમજીને પોતાના જીવનમાં ઉતારવામાં તેમજ ભુલાઈ ગયેલાઓને વિસ્મૃતિ પ્રદેશમાંથી પાછા શોધી કાઢવામાં પણ સફળ બનશે. આપણા આ ઉજ્જવળ ભાવિની નક્કર ખાતરીરૂપે ઉપર કહ્યું તેમ પરમ કૃપાળુ ભગવાન અત્યારના યુગમાં પ્રગટ થયા છે અને આ વેળાનો અવતાર પ્રાગટ્યની પૂર્ણતાની દૃષ્ટિએ તમામ આદર્શોના સંયોજનપૂર્ણ સમન્વયમાં તેમજ આધ્યાત્મિક સંસ્કૃતિના દરેક ક્ષેત્રનો વિકાસ સાધવામાં ભૂતકાળના તમામ અવતારોને વટાવી જાય છે.

ઈશ્વર વિશેનો ઉત્કૃષ્ટ ખ્યાલ

શ્રીરામકૃષ્ણની વિશ્વના બધા મુખ્ય ધર્મોની સાધના, ભારત જેનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે તે  સહિષ્ણુતાના સિદ્ધાંતનું વ્યવહારુ નિદર્શન છે. તે સાધના પછી તેમની ધર્મોની સંવાદિતાની પ્રતિજ્ઞા એ માનવજાત માટે એક કીમતી વસિયત છે. ઈશ્વર એક છે પરંતુ તેમને પામવાના રસ્તાઓ જુદા જુદા છે. વૈશ્વિક સંસ્કૃતિને ભારતનું આ સાંકેતિક યોગદાન, આ સત્ય દરેક દેશને માટે એકસરખું ઉપયોગી છે. શ્રીરામકૃષ્ણે દરેક સંપ્રદાયોના લોકો માટે એક અનુકરણીય દાખલો બેસાડ્યો છે.

એક ઉત્કૃષ્ટ સંસ્કૃતિએ ભારતીયોને એક ઉત્કૃષ્ટ ધારણા આપી છે, અને તેમાં તેઓ સમગ્ર વિશ્વને એક એકીકૃત પરિવારના રૂપે લાવવાની આશા રાખે છે.

Total Views: 535

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.