કામ-કાંચન જ યોગમાં વિઘ્ન
શ્રીરામકૃષ્ણ: અંતરમાં શું છે જાણવા સારુ જરા સાધના જોઈએ.
માસ્ટર: શું સાધના આખર સુધી કરવી જોઈએ?
શ્રીરામકૃષ્ણ: ના, શરૂઆતમાં જરા ખંતપૂર્વક લાગવું જોઈએ, ત્યાર પછી બહુ પરિશ્રમ કરવો ન પડે.
જ્યાં સુધી મોજાં, વાવાઝોડું, તોફાન અને વળાંકની પાસે થઈને જવાનું હોય, ત્યાં સુધી વહાણના સુકાનીને ઊભા રહીને સુકાન પકડી રાખવું પડે. એ પાર થઈ જાય એટલે પછી નહિ. જો વળાંક પાર થઈ ગયો અને અનુકૂળ પવન વાય, તો સુકાની આરામથી બેસે અને સુકાનને હાથ લગાડી રાખે; ત્યાર પછી સઢ ચડાવવાનો બંદોબસ્ત કરીને હોકો ભરવા બેસે. કામકાંચનનું વાવાઝોડું, તોફાન વટાવી ગયા પછી શાંતિ.
કોઈ કોઈમાં યોગીનાં લક્ષણ જોઈ શકાય; પરંતુ તેમણે પણ સાવધાન રહેવું ઉચિત. કામ-કાંચન જ યોગમાં વિઘ્નરૂપ છે. યોગભ્રષ્ટ થયેલા સંસારમાં આવી પડે; કાં તો ભોગની વાસના કંઈક રહી હોય. એ પૂરી થઈ ગયા પછી ઈશ્વર તરફ જાય, વળી પાછી એ યોગની અવસ્થા. ‘છટકી-કળ’ જાણો છો?
માસ્ટર: જી ના, જોઈ નથી.
શ્રીરામકૃષ્ણઃ અમારા દેશમાં એ હોય છે. વાંસ નમાવી રાખે, તેને બરૂનો ટુકડો લગાડેલી દોરી બાંધેલી હોય, એ બરૂની સાથે માછલીને લલચાવવા સારુ કંઈક ખાવાનો ટુકડો ભરાવેલો ગલ હોય. માછલું જેવું એ ખાય કે તરત જ સટાક કરતોને છટકીને વાંસ ઊંચો થઈ જાય, વાંસનું મોઢું ઉપરની બાજુએ, અગાઉ હોય તેમ જ થઈ જાય.
જેમ કે સોનીનું ત્રાજવું. તેમાં એક બાજુ વજન પડે તો નીચેનો કાંટો ઉપરના કાંટાની સાથે એક થાય નહિ. નીચેનો કાંટો એ મન, ઉપરનો કાંટો ઈશ્વર. નીચેના કાંટાનું ઉપરના કાંટાની સાથે એક થવાનું નામ યોગ.
મન સ્થિર ન થાય તો યોગ થાય નહિ. સંસારરૂપી પવન મનરૂપી દીવાને હંમેશાં ચંચળ કરે છે. એ દીવો જો જરાય હલે નહીં તો બરાબર યોગની અવસ્થા થઈ જાય. કામ-કાંચન જ યોગમાં વિઘ્ન. વસ્તુવિચાર કરવો જોઈએ કે સ્ત્રીના શરીરમાં છે શું? રક્ત, માંસ, ચરબી, આંતરડાં, કૃમિ, મૂત્ર, વિષ્ટા વગેરે. એવા શરીર પર પ્રેમ શા માટે?
હું રાજસિક ભાવનો આરોપ કરતો, ત્યાગ કરવા સારુ. મને ઇચ્છા થયેલી કે સાચી જરીનો પોશાક પહેરવો, આંગળિયે વીંટી પહેરવી, લાંબી નળીવાળો હોકો પીવો. મેં સાચી જરીનો પોશાક પહેર્યો—મથુરબાબુએ મગાવી આપ્યો. થોડીવાર પછી મનને કહ્યું, ‘મન, આનું નામ સાચી જરીનો પોશાક!’ ત્યાર પછી એ બધું કાઢીને ફેંકી દીધું, પછી એ ગમ્યું નહિ. મનને કહ્યું કે મન, આનું નામ શાલ, આનું નામ વીંટી! આનું નામ નળીવાળો હોકો પીવો. અને એ બધાં ફેંકી દીધાં. પછી ફરીથી મનમાં ઇચ્છા ઊઠી જ નહિ.
વિદ્યાનો સંસાર
શ્રીરામકૃષ્ણ (મણિને): નિષ્કામ કર્મ કરવાં. વિદ્યાસાગર જે કર્મો કરે છે એ સારું કામ, નિષ્કામ કર્મ કરવાનો પ્રયાસ કરે છે.
મણિ: જી હા. વારુ, જ્યાં કર્મ હોય ત્યાં શું ઈશ્વરને પામી શકાય? રામ અને કામ શું એકી સાથે રહે? હિંદીમાં એક વાત તે દિવસે વાંચીઃ
‘જહાં રામ વહાં કામ નહિ, જહાં કામ વહાં નહિ રામ.’
શ્રીરામકૃષ્ણ: કર્મ તો સૌ કોઈ કરે. ઈશ્વરનું નામ લેવું, તેનાં ગુણગાન કરવાં એ પણ કર્મ; સોઽહમ્ વાદીઓનું ‘હું ઈશ્વર’ એવું ચિંતન એ પણ કર્મ; શ્વાસ લેવો એ પણ કર્મ; કર્મત્યાગ કરી શકાય નહિ. એટલે કર્મ કરવાં, પણ ફળ ઈશ્વરને સમર્પણ કરવાં.
મણિ: જી, જેનાથી આવક વધે એવો પ્રયાસ શું કરી શકાય?
શ્રીરામકૃષ્ણ: વિદ્યાના સંસાર સારુ કરી શકાય. વધુ કમાવાનો પ્રયાસ કરવો, પણ સદુપાયે. દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી; ઈશ્વરની સેવા કરવી એ જ ધ્યેય, પૈસાથી જો ઈશ્વરની સેવા થાય તો એ પૈસામાં દોષ નહિ.
મણિ: જી, કુટુંબીજન પ્રત્યેનું કર્તવ્ય કેટલા દિવસ?
શ્રીરામકૃષ્ણ: એમને અન્નવસ્ત્રનો અભાવ ન રહે. પરંતુ સંતાન પોતે સમર્થ થાય તે પછી એમની જવાબદારી લેવાની જરૂર ન રહે. પક્ષીનું બચ્ચું પોતે દાણા ચણતાં શીખે એ પછી ફરીથી માની પાસે આવે તો મા ચાંચ મારે.
મણિ: કર્મો ક્યાં સુધી કરવાં જોઈએ?
શ્રીરામકૃષ્ણ: ફળ આવે એટલે ફૂલ રહે નહિ. ઈશ્વરપ્રાપ્તિ થાય તો પછી કર્મો કરવાનાં રહે નહિ. તેમાં મન લાગે નહિ.
પીધેલ માણસ વધુ પીએ તો હોશ ઠેકાણે રાખી શકે નહિ. એક-બે આનાનો લીધો હોય ત્યાં સુધી કામકાજ ચાલી શકે. ઈશ્વર તરફ જેટલા આગળ વધશો તેટલાં તમારાં કર્મો ઈશ્વર ઓછાં કરી નાંખશે, બીઓ મા. ગૃહસ્થની વહુ બે જીવવાળી થાય એટલે સાસુ ક્રમે ક્રમે તેનાં કામ ઓછાં કરી નાખે. દસ માસ થાય, એટલે પછી બિલકુલ કામ કરવા દે નહિ. છોકરું થાય એટલે વહુ માત્ર એને લઈને જ ફેરવ્યા કરે.
જે કાંઈ કર્મો છે એ બધાં પૂરાં થઈ જાય એટલે નિશ્ચિંત. ઘરવાળી ઘરનું રાંધણું વગેરે બધાં કામથી પરવારીને નદીએ જાય પછી પાછી વળે નહિ. ત્યારે બોલાવો તોય પાછી વળે નહિ.
Your Content Goes Here