15 ડિસેમ્બર, 2022ના રોજ શ્રીમા શારદાદેવીનો જન્મતિથિ મહોત્સવ છે. આ શુભ અવસરે આવો, આપણે ભારતમાં નારી સશક્તીકરણનું એક આકલન કરીએ.
ભારતની નારીઓ
આજના ભારતમાં આપણે સ્ત્રીઓની બે પ્રકારની પરિસ્થિતિઓ જોઈએ છીએ. એક તો છે આધુનિક શિક્ષણપ્રાપ્ત, સ્નેહમય પરિવાર દ્વારા રક્ષિત અને પરિવર્ધિત, તથા પોતાની જવાબદારીઓ અને હક્કો વિશે જાગૃત સ્ત્રીઓ કે જે સમાજમાં સન્માનનીય સ્થાન ધરાવે છે; જેમ કે શિક્ષિકાઓ, પ્રોફેસરો, ડોક્ટરો કે વકીલો. હાલમાં જ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પરિસરમાં ડો. કિરણ બેદીનું આગમન થયું હતું. આપણને ખબર છે કે તેઓ કેવી રીતે પુરુષ-પ્રધાન પોલીસખાતામાં મહત્ત્વના સુધારા લાવ્યા છે.
પણ સાથે જ સ્ત્રીઓ વિશે બે ચિંતાજનક પરિસ્થિતિઓ પણ જોવા મળે છે.
પ્રથમ, છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતીય અર્થવ્યવસ્થામાં સ્ત્રીઓનો ફાળો સતત ઘટી રહ્યો છે. 2010થી લઈ 2020ના દાયકા દરમિયાન રોજગાર કરતી સ્ત્રીઓનું પ્રમાણ 26% થી લઈ 19% સુધી ઘટી ગયું છે. કોવિડ લોક-ડાઉન દરમિયાન લગભગ 10 કરોડ ભારતીયોએ પોતાની નોકરી ગુમાવી હતી. હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે છતાં પણ સ્ત્રીઓ હવે ક્યાં તો રોજગાર શોધતી નથી કે એમને રોજગાર મળતા નથી. એક અનુમાન અનુસાર 2022માં રોજગાર કરતી સ્ત્રીઓનું પ્રમાણ માત્ર 9% છે.
ભારતની 140 કરોડની જનસંખ્યામાં 48% સ્ત્રીઓ છે. પણ GDPમાં તેઓનું અવદાન માત્ર 17% છે. ચીનની GDPમાં સ્ત્રીઓનું અવદાન 40% છે. ભારતમાં સ્ત્રીઓ કરતાં 58% વધુ પુરુષો રોજગાર કરે છે. જેટલા પુરુષો રોજગાર કરે છે તેટલી જ સ્ત્રીઓ પણ રોજગાર કરતી હોય તો ભારતનો GDP એક તૃતીયાંશ જેટલો અર્થાત્ 6 ટ્રિલિયન ડોલર જેટલો વધી જાય.1
દ્વિતીય, સામાજિક રૂઢિચુસ્તતા. જેમ મધ્યમ વર્ગના પરિવારોમાં સમૃદ્ધિ વધતી જાય છે તેમ દીકરીઓ ઘરની બહાર જઈ રોજગાર કરે એ પ્રતિ એક અણગમો ઊભો થતો જાય છે. આદર્શરૂપે દેશની જનસંખ્યામાં સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ 50% – 50% હોવું જોઈએ પણ ‘દીકરી એ સાપનો ભારો’ જેવી તદ્દન ભૂલ ભરેલી માન્યતાઓને કારણે ભારતની જનસંખ્યામાં સ્ત્રીઓ માત્ર 48% છે.
બ્રિટન, જર્મની, તથા અમેરિકા જેવા વિકસિત દેશોમાં પ્રતિ 100 સ્ત્રીઓની સામે 97 થી 98 પુરુષો છે, અર્થાત્ પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે. ભારતમાં પ્રતિ 100 સ્ત્રીઓની સામે 108 પુરુષો છે. અર્થાત્ સ્ત્રીઓ કરતાં પુરુષોની સંખ્યા વધુ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભારત સરકારે દીકરીઓના લગ્નની કાયદાકીય ઉંમર 18 થી લઈ 21 વર્ષ કરી દીધી છે.
એક તરફ જોઈએ તો આજે ભારતના સર્વોચ્ચ સંવૈધાનિક પદ પર એક દલિત નારી વિરાજમાન છે, અને બીજી તરફ જોઈએ તો રૂઢિચુસ્તતાની જાળમાં ફસાયેલ અનેક સ્ત્રીઓ છે કે જેઓ સ્વતંત્ર કારકિર્દી ઘડવાના સ્વપ્ન માત્ર જાેઈ શકે છે.
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ અમેરિકામાં નારી સશક્તીકરણ
આજે તો છતાં પણ સામાજિક જાગૃતિના પરિણામે ભારત સરકારથી માંડી ઘર ઘરમાં સ્ત્રીશિક્ષણ અને નારી સશક્તીકરણ વિશે બધે સભાનતા આવી ચૂકી છે. પણ આજથી સવાસો વર્ષ પૂર્વ સ્વામી વિવેકાનંદ ભારત-ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ કેટલાક કુરિવાજો જોઈ ખૂબ નારાજ થઈ ગયા હતા. બીજી બાજુ જ્યારે એમણે અમેરિકન સ્ત્રીઓને જોઈ ત્યારે પ્રભાવિત પણ થયા હતા. એમણે પોતાના પત્રોમાં લખ્યું હતું:
“આ દેશમાં જેવી કુતૂહલવૃત્તિ દેખાય છે તેવી બીજે તમે નહિ જુઓ. આ લોકોને બધી વસ્તુઓ જાણવાની ઈંતેજારી હોય છે; ને અહીંની સ્ત્રીઓ તો જગતમાં સૌથી વધુ પ્રગતિશીલ છે… એશિયાએ સંસ્કૃતિનાં બીજો વાવ્યાં, યુરોપે પુરુષનો વિકાસ સાધ્યો અને અમેરિકા સ્ત્રીઓનો તેમજ આમજનતાનો વિકાસ સાધી રહેલ છે, સ્ત્રીઓનું તેમજ મજૂરવર્ગનું એ સ્વર્ગ છે.”2
“આ દેશની (અમેરિકાની) સ્ત્રીઓ જેવી સ્ત્રીઓ દુનિયામાં બીજે ક્યાંય નથી. કેટલી પવિત્ર, સ્વતંત્ર, આત્મશ્રદ્ધાવાળી અને માયાળુ! સ્ત્રીઓ જ આ દેશનું જીવન અને આત્મા છે. તેઓમાં બધી વિદ્યા અને સંસ્કાર કેન્દ્રિત છે.”3
“या श्रीः स्वयं सुकृतिनां भवनेषु ‘પુણ્યશાળીઓના ઘરમાં જે સાક્ષાત્ લક્ષ્મીરૂપે હોય છે’ વાળું કથન (અમેરિકા) માટે સાચું છે. જ્યારે अलक्ष्मीः पापात्मनाम् ‘પાપીઓના ઘરમાં દુર્ભાગ્યરૂપે રહે છે’ વાળું કથન આપણા દેશને લાગુ પડે છે, આ વિચારવું જોઈએ. હે ભગવાન! અમેરિકાની સ્ત્રીઓ જોઈને હું આશ્ચર્યથી મૂક થઈ જાઉં છું. त्वं श्रीस्त्वमीश्वरी त्वं ह्री: ‘તું જ લક્ષ્મી છો, તું જ ઈશ્વરી છો અને તું જ લજ્જા છો.’
“या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता- ‘જે દેવી બધાં પ્રાણીઓમાં શક્તિરૂપે નિવાસ કરે છે તે.’ આ બધું અહીં (અમેરિકામાં) સાચું ઠરે છે. અહીં હજારો સ્ત્રીઓ એવી છે કે જેમનાં મન આ દેશના બરફ જેવાં શુભ્ર અને પવિત્ર છે અને બીજી બાજુ પૂરાં તેર વર્ષ થાય ન થાય ત્યાં તો મા બની જતી આપણી છોકરીઓ જુઓ. હે ભગવાન! આ બધું મને હવે સમજાય છે. ભાઈ! यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ‘જ્યાં સ્ત્રીઓનું માન જળવાય છે ત્યાં દેવો ખુશ રહે છે’ એમ મનુ કહે છે.
“આપણે ભયંકર અપરાધી છીએ. સ્ત્રીઓને ‘હલકું પ્રાણી’ ‘નરકનું દ્વાર’ વગેરે કહેવાથી જ આપણું પતન થયું છે. દયાળુ પ્રભુ! સ્વર્ગ અને નરકમાં ઘણો ફેર હોય છે! याथातथ्यतोऽर्थान् व्यदधात् – દરેકના ‘ગુણ પ્રમાણે તે દરેકને દાન આપે છે.’ વ્યર્થ વાતો કરવાથી ઈશ્વરને બનાવી શકાશે? વેદ ભગવાને તો કહ્યું છે त्वं स्त्री त्वं पुमानसि कुमार उत वा कुमारी- તું જ સ્ત્રી છો, તું જ પુરુષ છો, છોકરો અને છોકરી પણ તું છો (શ્વેતાશ્વતર ઉપનિષદ).
“જ્યારે આપણે બૂમો પાડીએ છીએ. दूरमपसर रे चाण्डाल। (હે ચંડાળ! આઘો ખસ) केनैषा निर्मिता नारी मोहिनी- ‘માયારૂપી આ નારી કોણે સર્જી?’ વગેરે.”4
“એ ખરેખર સાચું છે કે ‘પુણ્યશાળી માણસોના ઘરમાં સ્વયં જગદંબા લક્ષ્મી બનીને વસે છે.’ અહીં (અમેરિકામાં) મેં એવી હજારો સ્ત્રીઓ જોઈ છે કે જેમનાં હૃદય સ્ફટિક જેવાં શુદ્ધ અને નિષ્કલંક છે. અહો! અહીં તેઓ કેટલી સ્વતંત્ર છે! સામાજિક અને નાગરિક કર્તવ્યોનું તેઓ જ નિયમન કરે છે. અહીં શાળાઓ અને કોલેજો સ્ત્રીઓથી ભરેલાં છે, જ્યારે આપણા અભાગિયા દેશમાં તો સ્ત્રીઓને રસ્તાઓ ઉપર સલામતીથી ફરવા પણ નથી મળતું.”5
સવાસો વર્ષ બાદ આપણે ઘણા આગળ વધી ચૂક્યા છીએ અને છતાં પણ આપણી સામે સામાજિક ઉદારીકરણની એક લાંબી યાત્રા બાકી છે.
શ્રીમાનું રૂઢિચુસ્ત જીવન
આપણે સહજે વિચારીએ કે શ્રીમા શારદાદેવીનું જીવન આ બાબતમાં આપણને શું શીખવે છે. ઉપલક દૃષ્ટિએ જોઈએ તો શ્રીમાનું જીવન અનેક રૂઢિ અને નિયમોના બંધનમાં બંધાયેલું હતું.
જયરામવાટી ગ્રામમાં માતાપિતાની સાથે રહેવાના સમયે શ્રીમા શાળામાં જતાં હતાં. માત્ર 6 વર્ષની આયુમાં 23 વર્ષના શ્રીરામકૃષ્ણદેવ સાથે તેઓનો વિવાહ થયો હતો. વિવાહ બાદ, સંભવતઃ ૧૮૬૭ની આસપાસ, ઠાકુરના પિતૃગૃહ કામારપુકુરમાં રહેવાના સમયે શ્રીમા ઠાકુરની ભત્રીજી લક્ષ્મી સાથે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કૃત બાળપોથીનો અભ્યાસ કરતાં હતાં. પરંતુ ઠાકુરના ભાણેજ હૃદયને આ ગમ્યું નહિ.
શ્રીમા કહે છેઃ “હું મારા ભાઈ પ્રસન્ન અને ભત્રીજા રામનાથ સાથે અમારા ગામની પ્રાથમિક શાળામાં જતી અને બારાખડી શીખી. કામારપુકુરમાં હું અને લક્ષ્મી વર્ણ પરિચયઃ ભાગ-૧ વાંચતાં. હૃદયે ત્યારે મારી ચોપડી ઝૂંટવી લીધી. તેણે કહ્યું, ‘છોકરીઓએ લખતાં-વાંચતાં શીખીને શું કરવું છે? છેવટે શું નાટક-નોવેલ વાંચશો?’”6
શ્રીમા સહજે લજ્જાશીલાં હતાં, ઉપરથી ઠાકુરની સાથે રહીને ‘ઈશ્વરપ્રાપ્તિ જ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ છે’ એ ભાવ દૃઢ થયો. ઠાકુર દક્ષિણેશ્વર કાલીમંદિરમાં રહેતા હતા. શ્રીમા દક્ષિણેશ્વર રહેવા આવતાં ત્યારે તેઓ પુરુષોની સમક્ષ ક્યારેય આવતા નહીં. મંદિરના ખજાનચીએ (મુખ્ય વ્યવસ્થાપકે) શ્રીમા વિશે એક દિવસ કહ્યું હતું કે ‘તેઓ મંદિરમાં રહે છે એ સાંભળ્યું છે પણ તેમને ક્યારેય જોયા નથી.’
એક દિવસ કાલીમંદિરમાં ભવતારિણીની મૂર્તિને શ્રીમાએ ગૂંથેલ માળા દ્વારા સજાવવામાં આવી હતી. શ્રીરામકૃષ્ણદેવ ભવતારિણીની શોભા જાેઈ ભાવવિભોર થઈ ગયા અને કહ્યું કે શ્રીમાને પણ દર્શન માટે બોલાવવામાં આવે. શ્રીમા કહે છે:
“વૃંદા-દાસી ગઈ અને મને બોલાવી લાવી. હું મંદિરની નજીક આવી ત્યારે મેં ત્યાં બલરામબાબુ અને સુરેનબાબુને જોયા, તેઓ મંદિર તરફ આવતા હતા. અને હું એટલી તો શરમાળ હતી કે મારે ક્યાં છૂપાવું તે હું જાણી ન શકી! હું વૃંદા-દાસીનાં છેડાની પાછળ સંતાઈ ગઈ અને પાછલી બાજુનાં પગથિયાં ચડવા જતી હતી ત્યારે ઠાકુરે આ જોયું અને બૂમ પાડીને કહ્યું, ‘એ રસ્તે ન જાઓ, હોં! એક દિવસ એક માછીમારની સ્ત્રી પડી ગઈ હતી અને ગંભીર ઈજા પામી હતી! આગળની સીડીએથી જ આવો!’ જ્યારે બલરામબાબુ અને બીજાઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ એક બાજુ ખસી ગયા. હું અંદર ગઈ અને જોયું તો ઠાકુર પ્રેમોન્મત્ત અવસ્થામાં દેવી પાસે ઊભા રહીને ગાતા હતા!’”7
અન્ય એક પ્રસંગે શ્રીમા કહે છે:
“જ્યારે પ્રથમ હું કલકત્તા આવી ત્યારે મેં કદી પાણીના નળની ચકલી જોયેલ નહીં. એક દિવસ હું નહાવાની ઓરડીમાં ગઈ અને જોયું તો નળમાંથી સાપના સીસકારા જેવો અવાજ આવતો હતો. ગભરાટમાં હું બીજી સ્ત્રીઓ તરફ દોડી ગઈ અને બૂમ પાડી, ‘આવો, અને જુઓ, નળમાં સાપ છે!’ તેઓ હસ્યાં અને કહ્યું, ‘ના, ના, તે સાપ નથી. ડરો નહીં. પાણી વહેતા પહેલાં નળમાં એવો સીસકારા જેવો અવાજ થાય છે.’ પછી તો મને પણ ખૂબ હસવું આવ્યું.”8
એક દિવસ શ્રીમા જયરામવાટીથી દક્ષિણેશ્વર આવ્યાં. થોડા દિવસ પહેલાં ઠાકુર ભાવાવસ્થામાં પડી ગયા હતા અને એમને હાથે ફ્રેકચર થયું હતું. શ્રીમાએ ઠાકુરના ઓરડામાં પ્રવેશ કરી કપડાંનું પોટલું જમીન પર મૂકીને પ્રણામ કરતાં વેંત જ ઠાકુરે પૂછયું, ‘કયારે નીકળ્યાં હતાં?’ જ્યારે ઠાકુરે જાણ્યું કે તેઓ ગુરુવારે બપોરે નીકળ્યાં હતાં ત્યારે, અશુભ ચોઘડિયામાં નીકળ્યાં છે એ જાણી તેમણે કહ્યુંઃ ‘જુઓ, તમે ગુરુવારે બપોરે નીકળ્યાં એટલે મારો હાથ ભાંગી ગયો, તમે પાછાં જાઓ, ને ફરી શુભ ઘડી જોઈ નીકળજો.’ શ્રીમાની તે જ દિવસે ચાલી જવાની ઇચ્છા હતી પણ ઠાકુરે કહ્યુંઃ ‘આજનો દિવસ રહી જાઓ, કાલે જજો.’ બીજે જ દિવસે શ્રીમા યાત્રાનું મુહૂર્ત બદલવા જયરામવાટી પાછાં ગયાં.9
1886માં ઠાકુરની મહાસમાધિ બાદ ઠાકુરના આદેશ અનુસાર માતૃભાવનો પ્રચાર કરવા શ્રીમા પોતાની ભત્રીજી રાધૂની માયાનું અવલંબન કરી ધરાતલે નિવાસ કરી રહ્યાં હતાં. 1919ની સાલની વાત છે. શ્રીમા નશ્વર દેહે માત્ર એક વર્ષ જ પૃથ્વી પર રહેવાના હતા. રાધૂ અત્યંત બીમાર હતી અને શ્રીમા આકુળ-વ્યાકુળ થઈ એના ઉપચાર માટે જેટલા ઉપાય હતા એ બધા જ અજમાવી રહ્યાં હતાં. છેવટે એક ધૂતારા તાંત્રિકને પણ બતાવવાનું બાકી ન રાખ્યું. સ્વામી ઇશાનાનંદ શ્રીમાના સેવક હતા. તેઓ તાંત્રિકને મળવા ગયાં હતાં. તેઓ લખે છેઃ
“તાંત્રિક સાધકની પાસે જતાં જ તેણે સરસવના દાણા થોડા અમારા શરીર પર ફેંક્યા અને થોડા એની નિત્યપૂજિત વેદી ઉપર ફેંક્યા અને કહ્યું, ‘હા, હું બધું સમજી ગયો છું. મને આદેશ મળ્યો છે કે બે દિવસમાં જ મારે તમારે ત્યાં આવવું પડશે.’”
એ જ્યારે જયરામવાટી આવ્યો ત્યારે માએ અતિ વિનીતભાવે એને ભૂમિષ્ઠ થઈને પ્રણામ કર્યા અને સજળ-નયને રાધૂની બીમારીનું એવી રીતે વર્ણન કર્યું, કે જાણે તાંત્રિક સિવાય હવે કોઈ મદદ કરવાવાળું રહ્યું નથી. ચાલાક તાંત્રિકે સારી એવી દક્ષિણા તો મેળવી લીધી, પરંતુ ઔષધ બનાવવા માટે એવા ચિત્રવિચિત્ર ઘટક-દ્રવ્યોની માગણી કરી કે એ ક્યારેય ભેગા ન થાય અને ઔષધ ન બને અને એની છેતરામણી પકડાઈ ન જાય.10
સમસ્યાનું મૂળ તથા નિરાકરણ
મુસ્લિમ આક્રમણો દરમિયાન ભારતમાં જે અરાજકતા સર્જાઈ હતી એના પરિણામે જ ગાર્ગી અને મૈત્રેયી જેવી બ્રહ્મવાદિનીઓના આપણા દેશમાં પરદાપ્રથા અને બાલ્યવિવાહ જેવી કુરીતિઓ પ્રવેશ પામી હતી અને આજની રૂઢિચુસ્તતા પણ આનું જ પરિણામ છે.
યુગ પરિવર્તન તથા નારી સશક્તીકરણનો પાયો સ્વાચ્છંદ્ય ક્યારેય ન હોઈ શકે. સ્વામીજીએ ભલે અમેરિકન નારીઓની પ્રશંસા કરી પરંતુ આજે આપણે તેઓમાંની કેટલીકને સ્વચ્છંદતા દ્વારા પોતાનો સર્વનાશ નોતરતા નજરે નિહાળીએ છીએ. શાશ્વત નારી સશક્તીકરણ તો આત્મનિષ્ઠ બ્રહ્મવાદિનીઓ દ્વારા જ સંભવ છે.
યુગ પરિવર્તનનો પાયો બ્રહ્મનિષ્ઠા
માટે જ ઠાકુરે આ રૂઢિચુસ્તતામાં રહીને શ્રીમાના આધ્યાત્મિક જીવનનું ઘડતર કર્યું હતું.
ગંભીરાનંદજી લખે છે:
“શ્રીમા કામારપુકુર આવ્યાં ત્યારે શ્રીરામકૃષ્ણ એમને જુદી જુદી રીતે તાલીમ આપવા લાગ્યા. એમના પર આધાર રાખતી આ મુગ્ધાનું હૃદય તેઓએ પહેલાં પ્રેમથી જીતી લીધું. પછી પોતાના અનુભવથી મેળવેલો જ્ઞાનભંડાર તેમાં ઠાલવવા લાગ્યા. એક બાજુ એમણે શ્રીમા સમક્ષ પોતાના ત્યાગથી ઉન્નત બનેલ જીવનનો આદર્શ ધર્યાે અને ઉચ્ચ ધર્મજીવન જીવવા માટે કેવી રીતે ચરિત્ર ઘડવું જોઈએ તે શીખવ્યું. તેમજ બીજી બાજુ સર્વ પ્રકારની રોજિંદા ગૃહજીવનની કેળવણી આપવાની કાળજી રાખી. દેવ-પૂજા, બ્રાહ્મણો તથા અતિથિઓની સેવા, વડીલો પ્રત્યે પૂજ્યભાવ, નાનાઓ તરફ પ્રીતિ, કુટુંબીઓની સેવામાં આત્મસમર્પણ કરવું વગેરે વિષયોની તેમણે કેળવણી આપી.”11
શ્રીમા કહે છે: “હું જ્યારે દક્ષિણેશ્વર હતી, ત્યારની મારી જ વાત જો હું કરું તો, હું સવારના ત્રણ વાગે ઊઠતી અને પ્રાર્થના કરવા બેસી જતી. બહારની દુનિયાથી હું અજાણ હતી. એક ચાંદની રાત્રે હું મારા નોબતખાનાની સીડીની બાજુમાં પ્રાર્થના કરતી હતી, ત્યારે આજુબાજુ બધે જ શાંતિ હતી. …જંગલમાં જવા માટે ઠાકુર ક્યારે મારી પાસેથી પસાર થઈ ગયા તેની મને ખબર ન રહી. … ચાંદની રાત્રે, હું મારા હાથ જોડી, ચંદ્ર સામું નીરખતાં કહેતી, ‘તમારા ચંદ્રકિરણ જેવું જ પવિત્ર મારું હૃદય બનાવો.’”12
એ દિવસો વિશે શ્રીમા કહે છે: “ત્યારથી મને એમ અનુભવ થતો કે મારા હૃદયમાં જાણે કે આનંદનો એક પૂર્ણ કળશ સ્થાપિત થઈ રહેલ છે. તે ધીર, સ્થિર અને દિવ્ય ઉલ્લાસથી મારું અંતર કેટલે સુધી, કેવી રીતે ભરેલું રહેતું તે શબ્દોથી ન સમજાવી શકાય!”13
જગદંબાના શ્રીચરણોમાં સમર્પિત વીરાંગના
1886માં શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ શ્રીમાએ આત્મજ્ઞાન તથા બ્રહ્મશક્તિના આધારે સ્ત્રીઓના ઉત્થાનનો પાયો નાખ્યો. તેઓના ઉપદેશ અનુસાર જીવન-ઘડતર કરનાર શિષ્યાઓમાં જ્વલંત ઉદાહરણ-સ્વરૂપ છે, ભગિની નિવેદિતા.
સ્વામીજીના આહ્વાને તેઓ તથા અન્ય બે શિષ્યાઓ મિસિસ સારા બુલ અને મિસ મેકલાઉડ ભારત આવ્યાં હતાં. સ્વામીજીએ જ્યારે તેઓને શ્રીમાનાં પ્રથમ દર્શન માટે મોકલ્યાં હતાં ત્યારે તેઓને ભય હતો કે શું શ્રીમા તેઓને આવકારશે? પરંતુ શ્રીમાએ જ્યારે ખુલ્લા હૃદયે તેઓને ગ્રહણ કર્યાં ત્યારે સ્વામીજી લખે છેઃ “શ્રીશ્રીમા અહીં છે. કેટલીક યુરોપીય અને અમેરિકન મહિલાઓ પરમ દિવસે તેમને મળવા ગયેલી અને તમે શું ધારો છો? ‘શ્રીમાએ ત્યાં પણ તેમની સાથે ભોજન લીધું!’ શું તે ભવ્ય નથી? પ્રભુ આપણને જોઈ રહ્યો છે; ભયનું કોઈ કારણ નથી…”14
અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા, કેળવણી-ક્ષેત્રના વિશારદ, અને બ્રિટિશ રાજના અન્યાય સામે વીરતાથી ઝઝૂમનાર ભગિની નિવેદિતા માટે શ્રીમાનું અંતર્મુખી, ઈશ્વર સમર્પિત, માધુર્યમય જીવન એક નવીનતાભર્યું સાક્ષાત્કાર હતું.
તેઓ લખે છેઃ “શ્રીમા અતિ રૂઢિચુસ્ત છે, પરંતુ જે ક્ષણે તેઓ મિસિસ સારા બુલ અને મિસ મેકલાઉડના રૂપમાં સર્વપ્રથમ પશ્ચિમી-નિવાસીઓને મળ્યાં તત્ક્ષણાત્ તેઓની બધી રૂઢિચુસ્તતા ઓસરી ગઈ અને તેઓએ એમની સાથે ભોજન ગ્રહણ કર્યું. અમે શ્રીમાની પાસે જઈએ ત્યારે અમને ફળ આપવામાં આવે છે. આ જ ફળ શ્રીમાને પણ અપાયાં હતાં. જ્યારે શ્રીમાએ એ ફળ ગ્રહણ કર્યાં ત્યારે બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. એમની સ્વીકૃતિથી અમને સન્માન મળ્યું અને અમારું ભવિષ્યનું કાર્ય સુગમ બન્યું. … એક સહજ-સરળ જીવનની આડમાં શ્રીમા વિશ્વનાં સૌથી સબળ અને મહાન મહિલાઓમાંના એક છે.”15
પશ્ચિમની આ વીરાંગનાએ પૂર્વની જગદંબાના શ્રીચરણોમાં આત્મસમર્પણ કર્યું. પરંતુ શ્રીમાના સાન્નિધ્યમાં રહેવું સહજ ન હતું. ભૌતિક અસુવિધાઓનો તો પાર ન હતો. નિવેદિતા માટે અલગ ઓરડો ન હતો. એક જ ઓરડામાં આઠ-દસ સ્ત્રીઓ રહેતી હતી. તેમાં બધાની સાથે જ તેઓ રહેતાં. બધાની સાથે સૂતાં. જમીન પર ચટાઈ પાથરીને જમીન પર જ સૂઈ જવાનું. નીચે જ બેસવાનું. ભૌતિક સગવડતાનાં અહીં કોઈ સાધનો ન હતાં. દૈનિક જીવન પણ તપોમય હતું. પ્રભાતે ઊઠવાનું; સ્નાન, સંધ્યા, પૂજા, ધ્યાન, ધાર્મિક પુસ્તકોનું પારાયણ કરવાનું. સાંજે સાયંપૂજા પણ બે કલાક થતી. ફરીથી ધ્યાન કરવામાં આવતું. આ રીતે હિંદુ જીવનપદ્ધતિની કઠોર તાલીમ એમણે સ્વેચ્છાએ લીધી.
આ રૂઢિચુસ્ત સ્ત્રીઓ બુદ્ધિથી નહિ, હૃદયથી જીવતી હતી. ભગવાનમય બની જીવન જીવતી હતી. એમણે નિવેદિતાને થોડા જ સમયમાં અપનાવી લીધાં. રૂઢિચુસ્ત સ્ત્રીઓએ નિવેદિતાના હૃદયનો નિર્મળ પ્રેમ જોયો. શ્રીમા પ્રત્યેની ભક્તિ જોઈ. ગુરુશ્રદ્ધા જોઈ. સદાય સેવામાં તત્પર રહેવાની એમની ભાવના જોઈ. આ સ્ત્રીઓ સાથે એકાકાર થઈ તેમનાં સુખ-દુઃખને પોતાનાં કરી લેવાની વૃત્તિ જણાઈ અને એમને નરેનની આ પુત્રીમાં ક્યાંય વિદેશીપણું જણાયું જ નહિ, ક્યાંય પરાયાપણું ન લાગ્યું. જાણે તે ખરેખર નરેનની જ પુત્રી હોય અને ભારતમાં જ જન્મી હોય એવું લાગ્યું. અને આ ચુસ્ત સમાજે એમને અંતરથી અપનાવી લીધાં. બસ પછી તો સર્વ હિંદુ કુટુંબોનાં હૃદય-દ્વાર નિવેદિતા માટે ખૂલી ગયાં. આ સ્ત્રીઓને પણ હૃદય હતું, લાગણીઓ હતી, પ્રેમ હતો. આ બધો જ વૈભવ તેઓ નિવેદિતાને પણ આપવા લાગી.
શ્રીમાનો સ્નેહ તો અપાર હતો. એમની અમીદૃષ્ટિ નિવેદિતા પર સતત રહેતી. શ્રીમાના સાંનિધ્યમાં રહેવા મળ્યું. હિંદુ જીવનપદ્ધતિનું જ્ઞાન મળ્યું. હિંદુ સ્ત્રીઓના સ્વભાવના માધુર્યનો આસ્વાદ મળ્યો. આ સ્ત્રીઓનો ઊંડાણથી પરિચય થયો. હિંદુ સંસ્કારો આત્મસાત્ કર્યા. હિંદુ રિવાજો પચાવ્યા. શ્રીમાની સેવામાં તેમણે પોતાની જાતને પ્રયોજી અને તેમના આશીર્વાદ મેળવી તેઓ નખશિખ હિંદુ બની ગયાં. આ દિવસોની સ્મૃતિ વિશે તેઓ લખે છે ઃ
“કેવા શાંત અને મધુરતાપૂર્ણ હતા એ દિવસો! જ્યારે શ્રીમા પોતાના ઓરડામાં પૂજા કરતાં ત્યારે બધી જ યુવાન સ્ત્રીઓ ખૂબ કામમાં રહેતી. ગોપાલની મા પણ ફળ અને શાકભાજી તૈયાર કરવામાં રહેતાં. દરેક જણ શ્રીમા તથા ગોપાલની માની ચરણરજ લેતું.”16
નિવેદિતાનો શ્રીમાને લખેલ એક અદ્ભુત પત્ર
અમેરિકાના બોસ્ટન શહેરમાં મિસિસ સારા બુલનો અંતિમ સમય હતો. નિવેદિતા એમની સાથે રહેતા હતાં. 11 ડિસેમ્બર, 1910ના રોજ તેઓના સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા માટે નિવેદિતા ગિરજાગૃહમાં ગયા હતાં. ત્યાર બાદ નિવેદિતાએ શ્રીમાને પત્ર લખ્યોઃ
આદરિણી મા,
આજે ખૂબ વહેલી સવારે સારા બુલ માટે પ્રાર્થના કરવા ગિરજાગૃહમાં ગઈ હતી. ત્યાં માતા મેરીનું ચિંતન કરતી હતી, એકાએક તમારી યાદ આવી ગઈ. તમારો મધુર ચહેરો, તમારાં સ્નેહમય ચક્ષુ, તમારી સફેદ સાડી, હાથની બંગડીઓ—બધું જ નજરની સામે તરી આવ્યું. ત્યારે સમજાયું કે અભાગી સારાના રોગગ્રસ્ત ઓરડાને તમારો સ્પર્શ જ શાંતિ અને આશીર્વાદથી ભરી દઈ શકે છે.
અને ખબર છે, મને બીજાે કયો વિચાર આવ્યો? સંધ્યા વેળા શ્રીશ્રીઠાકુરની આરતીના સમયે તમારા ઓરડામાં બેસીને ધ્યાનનો પ્રયત્ન કરવાની હું કેવી મૂર્ખામી કરતી હતી! કેમ મને એ ન સમજાયું કે તમારાં શ્રીચરણની પાસે નાનકડી બાળકીની જેમ બેસી રહેવું જ સર્વકાંઈ છે! મા, મારી મા—સ્નેહનો સાગર તું! તમારા સ્નેહમાં અમારી જેમ ઉદ્વેગ કે ઉગ્રતા નથી; આ તો સાંસારિક સ્નેહ નથી, આ તો છે સ્નિગ્ધ શાંતિ, કે જે બધાનું કલ્યાણ કરે, કોઈનું અમંગલ ન કરે. સુવર્ણમય પ્રકાશથી ભરપૂર, આનંદથી ભરપૂર.
એ જે રવિવારની વાત—કેટલાક મહિના પહેલાંની વાત—એ શુભ દિને ગંગાસ્નાન કરી તમારી પાસે દોડતી આવી હતી, થોડી ક્ષણો પૂરતી જ. ત્યારે તમે જે આશીર્વાદ આપ્યા હતા, તેનાથી કેવો શાંતિ અને મુક્તિનો અનુભવ મળ્યો હતો! પ્રેમમયી મા, જાે તમને એક અપરૂપ સ્તોત્ર અથવા પ્રાર્થના લખીને મોકલી શકત તો! પરંતુ જાણું છું કે એ પણ તમારી તુલનામાં ઘોંઘાટીયું અને કોલાહલમય લાગશે! સાચે જ તમે છો ઈશ્વરની અપૂર્વતમ સૃષ્ટિ, શ્રીરામકૃષ્ણનો વિશ્વપ્રેમ ધારણ કરી રહેલ પાત્ર—એક સ્મૃતિચિહ્ન કે જે શ્રીરામકૃષ્ણ પોતાના નિઃસંગ, નિઃસહાય સંતાનો માટે રાખી ગયા છે. અમે તમારી સામે શાંતિપૂર્વક નીરવે બેસી રહીશું, પણ આનંદ કરવા માટે વચમાં વચમાં થોડી ધાંધલ-ધમાલ પણ કરીશું!
સાચે જ, ભગવાનની અપૂર્વ રચનાઓ તો નીરવ જ હોય છે. તેઓ નીરવે અમારા જીવનમાં પ્રવેશ કરે છે, જેમ કે વાયુ, સૂર્યનો પ્રકાશ, બગીચાની સુગંધ, કે ગંગાનું માધુર્ય—આ બધું તમારી જેમ જ નીરવ છે. બિચારી સારા માટે તમારો આશીર્વાદપૂર્ણ પાલવ મોકલો. શું તમારી ભાવના રાગ-દ્વેષ અતીત, સમુચ્ચ શાંતિમાં સ્થિત નથી! શું એ પદ્મપત્ર ઉપર શિશિરબિંદુની જેમ ઈશ્વરના હૃદયથી નીર્ગત સ્નેહ નથી કે જે પૃથ્વીને ક્યારેય સ્પર્શતો નથી!
મારી પ્રિય મા, તમારી ચિરકાળની નાદાન બાળકી,
નિવેદિતા.”17
કેળવણી વિશે સજાગ શ્રીમા
બ્રહ્મનિષ્ઠાની સાથે જ સામાજિક ઉદારતા તથા આધુનિક કેળવણીને શ્રીમા ભૂલ્યાં ન હતાં. પરંપરાગત મૂલ્યો સહિત આધુનિક કેળવણી માટે સ્વામીજીએ નિવેદિતાને કન્યાશાળાની સ્થાપના માટે પ્રેરિત કર્યાં હતાં. તા. ૧૪મી નવેમ્બર, ૧૮૯૮, સોમવાર, કાલીપૂજાના દિવસે શ્રીમાએ સ્વયં શાળામાં પૂજા કરી હતી અને આશીર્વાદ આપ્યા હતાઃ
‘આ શાળા પર મા કાલીના આશીર્વાદ ઊતરો અને એ છોકરીઓને આદર્શ છોકરીઓ તરીકેની તાલીમ આપો.’
આ શાળામાં લેખન-વાંચન ઉપરાંત ચિત્રકામ, માટીકામ, સીવણ વગેરે જીવન-ઉપયોગી શિક્ષણ પણ આપવામાં આવતું હતું.18
શ્રીમા પાસે અનેક રૂઢિચુસ્ત સ્ત્રીભક્તો આવતાં. એમાંની એક સ્ત્રીએ કહ્યું, ‘મા, મારે પાંચ પુત્રીઓછે. મને અત્યંત ચિંતા થાય છે, કારણ કે હું તેઓ બધાંને પરણાવી નહીં શકું.’
‘તેઓને ન પરણાવી શકો તે માટે તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો?’ શ્રીમાએ કહ્યું, ‘તેમને નિવેદિતાની શાળામાં મોકલો. તેમને ત્યાં શિક્ષણ મળશે, જેથી તેમનું ભલું થશે.’19
સંદર્ભઃ
1. રણજોય મજુમદાર અને અર્ચના ચૌધરી, બ્લૂમબર્ગ વેબસાઈટ
2. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 6.108
3. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 6.152
4. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 6.152
5. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 6.114
6. શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, સ્વામી ગંભીરાનંદ, પૃ.21
7. શ્રીશ્રી માતૃચરણે, પૃ.98
8. શ્રીશ્રી માતૃચરણે, પૃ.100
9. શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, સ્વામી ગંભીરાનંદ, પૃ.52
10. ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘માતૃસાન્નિધ્યે’, પૃ.79
11. શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, સ્વામી ગંભીરાનંદ, પૃ.22
12. શ્રીશ્રી માતૃચરણે, પૃ.121
13. શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર, સ્વામી ગંભીરાનંદ, પૃ.23
14. શશી મહારાજને લખેલો પત્ર, માર્ચ, ૧૮૯૮
15. Letters of Sister Nivedita, pg. 11, Advaita Ashrama
16. લોકમાતા ભગિની નિવેદિતા, પૃ.75
17. નિવેદિતા લોકમાતા, શંકરીપ્રસાદ બસુ, 1.190
18. લોકમાતા ભગિની નિવેદિતા, પૃ.83
19. શ્રીશ્રી માતૃચરણે, પૃ.86
Your Content Goes Here