અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય આજે ઉદ્યોગ, સૃજનશીલતા, વિજ્ઞાન, અને તકનીકીના ક્ષેત્રમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. અહીં કાલટેક (CALTECH-California Institute of Technology), સ્ટેનફોર્ડ (Stanford University), યુ.સી. બર્કલી (University of California, Berkeley) જેવાં અમેરિકાનાં શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલય આવેલાં છે. કેલિફોર્નિયા અમેરિકાની એરો-સ્પેસ ઇન્ડસ્ટ્રીનું મુખ્યમથક છે કે જ્યાંથી સર્વોચ્ચ કક્ષાના યુદ્ધ-જહાજો વગેરેનું નિર્માણ થાય છે. અહીંની સીલીકોન વેલીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વ્યાપકરૂપે વિકાસ થયેલો છે. ચલચિત્ર-જગતનું વડું મથક હોલીવૂડ પણ આ જ રાજ્યમાં આવેલ છે.
સ્વામી વિવેકાનંદે ડિસેમ્બર 1899 થી લઈ મે 1900 સુધી લગભગ પાંચ મહિના કેલિફોર્નિયામાં વિતાવ્યા હતા અને ભારતના અમર આધ્યાત્મિક વારસારૂપ યોગ, વેદાંત, અને શૃંખલાબદ્ધ અવતરિત મહાપુરુષોના જીવન અને સંદેશ વિશે જાહેર પ્રવચનો આપ્યાં હતાં તેમજ ઘરગથ્થુ સભાઓમાં ચર્ચા કરી હતી.
કેલિફોર્નિયા રાજ્યના બે મુખ્ય શહેર છે—દક્ષિણ કેલિફોર્નિયા સ્થિત લોસ એન્જલિસ અને ઉત્તર કેલિફોર્નિયા સ્થિત સાન ફ્રાંસિસ્કો. સ્વામીજી ડિસેમ્બર 1899થી લઈ ફેબ્રુઆરી 1900 સુધી લોસ એન્જલિસ અને તેની પાસેના શહેર પાસાડિનામાં રોકાયા હતા તથા ફેબ્રુઆરીથી મે 1900 સુધી સાન ફ્રાંસિસ્કો અને તેની આસપાસના નગરોમાં રોકાયા હતા.
અત્યાર સુધીના કેટલાક લેખોમાં આપણે સ્વામીજીના દક્ષિણ કેલિફોર્નિયા નિવાસની વાતો કરી. આ અંકથી આપણે ઉત્તર કેલિફોર્નિયાની વાત કરીશું. 22 ફેબ્રુઆરી 1900ના રોજ સંધ્યા સમયે સ્વામીજી એક રાત અને એક દિવસની રેલયાત્રા કરી ઓકલેન્ડ પધાર્યા. તેઓના શિષ્યા મિસિસ હેન્સબ્રોનો પરિચય આપણે આગળ મેળવ્યો છે. તેઓ એક અઠવાડિયા પહેલાં જ સ્વામીજીનાં રહેઠાણ અને પ્રવચનોનું આયોજન કરવા માટે સાન ફ્રાંસિસ્કો આવી પહોંચ્યા હતાં. ઓકલેન્ડથી સાન ફ્રાંસિસ્કોની વચ્ચે સાન ફ્રાંસિસ્કોની ખાડી આવેલ છે. મિસિસ હેન્સબ્રો સ્વામીજીનું સ્વાગત કરી નૌકામાં ખાડી પાર કરાવી સાન ફ્રાંસિસ્કો શહેરમાં લઈ આવ્યાં.
સાન ફ્રાંસિસ્કો ડુંગરાઓનું નગર છે. આ ડુંગરાઓ પર રસ્તાઓ કોતરીને મકાનો બનાવવામાં આવ્યાં છે. 1898માં જ સાન ફ્રાંસિસ્કોના નવા ફેરી બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયું હતું કે જ્યાં યાત્રીઓને લઈ આવતી નૌકાઓ લાંગરતી. આજે તો આ બિલ્ડિંગની આસપાસ અનેક બહુમાળી મકાનોનું ચણતર થઈ ચૂક્યું છે. પરંતુ એ સમયે નૌકામાં બેસીને આવતા યાત્રીઓ આ ડુંગરાઓ પર બનેલ મકાનોના ગેસના દીવાઓ ટમટમતા જોઈ શકતા.
આપણે અનુમાન કરી શકીએ છીએ કે સ્વામીજીએ નૌકામાં આવવાના સમયે આ ટમટમતા ડુંગરાઓ નિહાળ્યા હશે. આધુનિક યુગના આચાર્ય આ આધુનિક શહેરમાં પધાર્યા છે. વિધાતાનો આ કેવો સંયોગ! નૌકા બંદરે આવી લંગરાઈ. દરિયાના પંખીઓએ કલરવ કરી મૂક્યો. નૌકામાંથી ઘાટ પર જવા માટે લાકડાનો સેતુ જોડવામાં આવ્યો. સ્વામીજી અને મિસિસ હેન્સબ્રો ઘાટ ઉપર આવી ફેરી બિલ્ડિંગ પાર કરી ઘોંઘાટભર્યા પ્રવૃત્તિમય સાન ફ્રાંસિસ્કોમાં પદાર્પણ કર્યું. મુસાફરો મેળવવા માટે ઘોડાગાડીઓ, કેબલ-કાર (શહેરના રસ્તાઓ પર પાટા પર ચાલતી ટ્રામ જેવી ગાડી), હોટલની બસો, વગેરે ભેગી થઈ ગઈ હતી. મુસાફરોનું ધ્યાન આકર્ષિત કરવા માટે સમાચારપત્ર વેંચતા છોકરાઓ, ફેરિયાઓ, હોટલના એજન્ટો, તથા ગાડીઓના ચાલકો ટોળે વળી ગયા હતા.
મિસિસ હેન્સબ્રો આ ધાંધલ-ધમાલમાંથી રસ્તો નીકાળીને, ગોદામમાંથી સ્વામીજીનો સામાનપત્ર સંગ્રહ કરી એક ગાડીમાં બેઠાં. સૂર્ય ઢળી રહ્યો હતો, શહેર ઉપર સંધ્યાનો અંધકાર છવાઈ રહ્યો હતો. તેઓનું ગંતવ્ય-સ્થાન હતું ‘નોબ હિલ’ ઉપર આવેલ ‘પાઈન સ્ટ્રીટ’ સ્થિત ‘હોમ ઓફ ટ્રુથ’ (Home of Truth – સત્યાનુસંધાન ભવન). મિસિસ હેન્સબ્રોએ આ ‘હોમ ઓફ ટ્રુથ’માં સ્વામીજીના રહેઠાણની વ્યવસ્થા કરી હતી. 1906માં આવેલ અતિ વિકટ ધરતીકંપમાં આ ‘હોમ ઓફ ટ્રુથ’ ધરાશાયી થઈ ગયું હતું, જેના કારણે આજે આપણી પાસે એનું કોઈ ચિત્ર નથી.
ઉત્તર કેલિફોર્નિયા દક્ષિણ કેલિફોર્નિયા કરતાં ઘણું ભિન્ન હતું. ઉદ્યોગ અને પ્રવૃત્તિથી ધમધમતું સંસ્કારી અને આધુનિક સાન ફ્રાંસિસ્કો શહેર ખરા અર્થમાં એક મહાનગર હતું. પશ્ચિમી અમેરિકાનું એ સાંસ્કૃતિક નાણાકીય અને ઔદ્યોગિક વડું મથક હતું અને પૂરા વિશ્વમાં વ્યવહારદક્ષ આનંદપ્રમોદ માટે જાણીતું હતું. શહેરે ખૂબ ઝડપથી વિકાસ કર્યો હતો. માત્ર 50 વર્ષ પહેલાં ત્યાં 450 લોકો રહેતા હતા. 1900માં, જ્યારે સ્વામીજી અહીં પધાર્યા હતા, ત્યારે ત્યાંની વસ્તી હતી 3,43,000. શહેર વિસ્તૃત થતાં થતાં આજુબાજુના ડુંગરાઓ, રેતીના ટેકરાઓ, અને કાદવવાળી જમીનો ઉપર મકાનોનું બાંધકામ થઈ રહ્યું હતું.
નવનિર્મિત ભવનોની સ્થાપત્ય-શૈલી આકર્ષક ન હતી, પરંતુ શહેર રમણીય વિસ્તારમાં વસેલું હોવાને કારણે એનું સૌંદર્ય ખીલી ઊઠ્યું હતું. શહેરની ઉત્તર અને પૂર્વમાં ટાપુઓથી શોભતી સાન ફ્રાંસિસ્કોની સુવિસ્તૃત ખાડી તથા પશ્ચિમમાં અનંત પ્રશાંત મહાસાગર આવેલો છે. શહેરની ચારેબાજુના જાંબુડિયા પહાડો અને સોનેરી ડુંગરો વસંતઋતુમાં નીલવર્ણ થઈ જતા હતા. વૃક્ષોનાં પર્ણ ઋતુઓના પરિવર્તનની સાથે રંગ બદલતા. ક્યારેક સમુદ્ર પરથી ધુમ્મસ આવી શહેર ઉપર છવાઈ જતું.
શહેરની રહેણી-કરણી પચરંગી કરતા રંગ-મંગલ ‘લીટલ (નાનકડું) ઈટાલી’, ભાંગલું-તૂટલું ‘લીટલ મેક્સીકો’ તથા રહસ્યમય અને ભીતિપ્રદ ‘લીટલ ચાઈના’ નામના વિસ્તારો આવેલા હતા. રંગબેરંગી ફૂલોની દુકાનો પ્રત્યેક ચાર રસ્તાઓની સૌંદર્ય-વૃદ્ધિ કરતી હતી. કેબલ-કારો નિર્ભયપણે પહાડો ચઢતી ઊતરતી. રેતી અને સમુદ્રની હવાની સામે ઝઝૂમીને ઉગાડવામાં આવેલ ગોલ્ડન ગેટ પાર્ક, ખ્યાતનામ લોકોની અવર-જવરથી ધમધમતી પેલેસ હોટલ વિભિન્ન પૂતળાઓથી સુશોભિત ‘સુટ્રો હાઈટ’ના બગીચાઓ, વગેરે શહેરની શોભા વધારતા હતા.
જાણે કે એક સતત ચાલ્યાં આવતાં ઉત્સવમાં રહેતા હોય એમ લોકો સહજે ખુશમિજાજમાં રહેતા. સંગીત, નાટ્ય, ચિત્રકારી, શિલ્પકારી, અને બધાં જ પ્રકારના સાહિત્યનો શહેરમાં આદર હતો. બધાં જ ક્ષેત્રનાં પાંડિત્યને લોકો બિરદાવતા. ‘સ્ટેનફોર્ડ’ તથા ‘યુ.સી. બર્કલી’ વિશ્વવિદ્યાલયોએ પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને શહેરમાં ભેગા કર્યા હતા.
આનંદની સાથે જ ગંભીરતા પણ નગરવાસીઓમાં જોવા મળતી. મનને ખિન્ન કરતી સામાજિક કે આર્થિક સમસ્યાઓ કે અમેરિકાનાં નાના શહેરોમાં જોવા મળતી સંકીર્ણતા અહીં ન હતી. એ સમયે અમેરિકામાં ગ્રીસ, ઈજિપ્ત, ચીન, તથા ભારતના પ્રાચીન દાર્શનિક વિચારો ઉપર આધારિત ‘ન્યુ થોટ’ (નવ વિચાર) ચળવળ ચાલી રહી હતી.
શહેરમાં આ ચળવળ ચલાવતા બે ‘હોમ ઓફ ટ્રુથ’ આવેલ હતા, જેથી સમજાય છે કે લોકો જીવનનાં ગહનતમ પ્રશ્નોના ઉત્તર શોધવા રૂઢિચુસ્ત અને નિયમબદ્ધ ખ્રિસ્તીધર્મથી આગળ વધવા તૈયાર હતા.
(સંદર્ભ ગ્રંથઃ New Discoveries, Vol. 5, Pg. 307. પ્રકાશકઃ અદ્વૈત આશ્રમ, કોલકાતા)
Your Content Goes Here