(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય હરિ મહારાજે—સ્વામી તુરીયાનંદજીએ—રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’માં છપાયેલ આ નોંધનું અંજનાબહેન ત્રિવેદીએ કરેલ ગુજરાતી ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં)

૩ જુલાઈ, સાંજે ૫ વાગ્યે, ઈ.સ. ૧૯૨૦

બહારના લોકો આવતાં, અનેકવાર મહારાજ શ્રોતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલ વિષયો પર વાતચીત કરતા. દુર્ગાચરણબાબુએ રાજકારણ વિશે વાત શરૂ કરી. એ જ વાત ચાલવા લાગી. એ સમયે વૃદ્ધ રક્ષિત મહાશય આવ્યા. પ્રણામ કર્યા બાદ રક્ષિત મહાશય બોલ્યા, “તમારા બધા વચ્ચે શું વાતચીત ચાલી રહી હતી?”

સ્વામી તુરીયાનંદઃ ‘તેઓ દેશના રાજકારણની વાત કરતા હતા.’

રક્ષિત મહાશય ધર્મપ્રસંગ શરૂ કરવાના ઉદ્દેશથી બોલ્યાઃ ‘આ વાત પૂરી કરી દોને!’

સ્વામી તુરીયાનંદઃ ‘જેનો આરંભ નથી, તેનો શું અંત હોય?’ મનુ (૧૨.૬) કહે છે—

पारुष्यं अनृतं चैव पैशुन्यं चापि सर्वशः।
असंबद्धप्रलापश्च वाङ्मयं स्याच्चतुर्विधम्।।

અર્થાત્‌ વાણીનાં પાપ આ ચાર પ્રકારનાં હોય છે. કડવી વાત, ખોટી વાત, ફાલતુ બકવાસ અને હાનિકારક વાતો.

ઉપનિષદ પણ કહે છે, “अन्या वाचो विमुञ्चथ।” એટલે કે આત્મતત્ત્વ આલોચના સિવાયના બીજા વાર્તાલાપનો ત્યાગ કરો-

ગોવિન્દ! ગોવિન્દ!

ફળ Preserve કરવું (કૃત્રિમ ઉપાયે ઘણા દિવસ સુધી બચાવી રાખવું) એ બાબતે વાત નીકળી. દુર્ગાચરણબાબુ એ પ્રસંગે બોલ્યા, ‘મોટાં અંજીર હલવાની જેમ ખાઈ શકાય.’

સ્વામી તુરીયાનંદઃ માઉન્ટ આબુમાં પહેલી વાર શાકભાજીને સૂકવીને રખાતાં જોયાં. ત્યાર બાદ જ્યારે અન્ય પહાડોમાં ભ્રમણ કર્યું, ત્યારે તો મોટા પ્રમાણમાં જોયું, રસોઈ કરતા પહેલાં થોડું પાણી છાંટી દે.

ફળને મધમાં પલાળીને સાચવવા વિશે વાત થઈ.

સ્વામી તુરીયાનંદઃ કલકત્તામાં જોયું છે, દેશી લોકો maple syrup (ખજૂરના રસની જેમ એક પ્રકારના છોડનો રસ – તેમાંથી સિરપ નીકળે) ખાય છે. તેઓ પણ (બ્રિટિશ લોકો) પૂરી, કચોરી, પુલાવભાત ખાય છે, સંદેશ પણ ખાય છે. એ જ છે આદાનપ્રદાન.

ત્યારે અત્યારની વાત થાય છે—આપણે વર્તમાનમાં કેવી રીતે રહેવું જોઈએ. કોઈ કોઈ કહે છે કે પંજાબના આ કાંડ (જલિયાંવાલા બાગ, હત્યાકાંડ) પછી હવે શું મિલન સંભવ થશે? મુખ્ય વાત છે, પોતાના પગ પર ઊભા રહેવું પડશે, આત્મનિર્ભર થવું પડશે. (દુર્ગાચરણબાબુ પ્રત્યે) ‘આપે અરવિંદ ઘોષનું લખાણ વાંચ્યું? તેઓ કહે છે, ધર્મને આ બધા સાથે ભેળવી લેવો જોઈએ.’ મેં કહ્યું, ‘તે પણ શું ક્યારેય બની શકે?’ તેઓએ કહ્યું, ‘વેદમાં જો આ બધી વાતો ન હોય તો તેઓ નવો વેદ તૈયાર કરી લેશે.’ (શ્રી અરવિંદ ઘોષ કહેવા માગે છે કે હિંદુ ધર્મને ઈસાઈ ધર્મ સાથે ભેળવી લેવો જોઈએ, જેનો સ્વામીજી વિરોધ કરે છે.)

આપણે જાગ્રત થવું પડશે, બીજાઓ પાસે વધારે આશા રાખવી શું ચાલે? દેશમાં તેવા લોકો નથી. આખા દેશમાં એક ગાંધી જ શિવરાત્રિના દીવાની જેમ ટમટમ થાય છે. આપણા દેશમાં લોકો અન્નના અભાવે ભૂખેથી મરે છે —પાછું સાંભળ્યું છે કે ૬% વ્યાજે લોન લે છે. બ્રાહ્મણોની બ્રિટિશ લોકો સાથે તુલના કરવી ઠીક નથી. બ્રાહ્મણો બધા પર અત્યાચાર કરે છે, એ વાત એ લોકો જ જુદી જુદી રીતે આપણને શીખવે છે. પણ આ વાત બરાબર નથી.

પ્રજા માટે જ રાજા. ‘रंजनात् राजा’ —પ્રજાને સુખી કરવા માટે જ રાજા. આપણે તો હવે રાજા નથી. તેના માટે જ નામ આપ્યું છે Bureaucracy (નોકરશાહી), આ જે Reform (રાજતંત્રમાં સુધારણા) થાય છે, એમાં Democracy (લોકશાહી)નું નામ પણ નથી. આટલું દુ:ખ રાજા હોય તો થાય? એક માત્ર ગાંધી જ ઉન્નત મસ્તક છે. Moderate (નરમપંથી) તો ઘણા અંશે Bureaucracy (નોકરશાહી)ના દળમાં મળેલા છે. તિલક પણ Moderate Partyની જેમ બોલે છે, co-operation when necessary and opposition where required. (પ્રયોજન રહે તો ગવર્મેન્ટની સહયોગિતા અને આવશ્યકતા પડે, ત્યારે વિરુદ્ધ આચરણ)

બધું તો જોવા મળ્યું, હવે આપણી એક માત્ર આશા છે, education, education (શિક્ષણ, શિક્ષણ). સ્વામી વિવેકાનંદ શું કહી ગયા છે? જોવા તો મળે છે national line માં education જોઈએ. (સંસ્કૃતિના આધારે શિક્ષણ) —તેઓની lineમાં education આપીએ તો નહીં થાય. (બ્રિટિશ પદ્ધતિના શિક્ષણથી કામ નહીં ચાલે) ડૉ. પી.સી. રોય કહે છે કે દેશમાં બી.એ; બી. એસ.સી. ઘણા થયા છે, અને High education (ઉચ્ચ શિક્ષણ) આપીને શું વળશે? એવું શિક્ષણ આપો કે જેનાથી પેટ ભરીને બે મૂઠી અનાજ ખાઈ શકે. ભોજન આપો. માત્ર પૈસા પૈસા કરીને લોકોની શું દુર્દશા થઈ છે.

પહેલાં દેશની અવસ્થા કેવી હતી!

ગંગામાં સ્નાન કરતાં મુલાકાત થઈ, એકબીજા પ્રત્યે કેટલો વિશ્વાસ થઈ ગયો. હવે તો ભાઈ, પત્ર લખીને પોતાનો પરિચય આપો તોપણ છુટકારો નથી. (પહેલાંના સમયમાં બે વ્યક્તિઓની આકસ્મિક મુલાકાત થતી, તેમાં જ એ લોકોને એકબીજા પર વિશ્વાસ થઈ જતો, પણ હવે તમે પત્ર લખીને પોતાનો પરિચય આપો, છતાં સામેવાળો તમારા પર ઝટથી ભરોસો નથી મૂકતો. એટલે કે એક અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે.) ડૉ. સુરેશ બોલ્યા, ‘કલકત્તામાં ઘણા બદમાશોએ સહિયારો કારોબાર ચાલુ કર્યો છે. આ બાજુ ચોપડા બધા સરખા રાખે છે, પરંતુ અંદરખાને પુષ્કળ પૈસા ખાઈને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે.’ આ બધું બ્રિટનના બદમાશ લોકોના અનુકરણ સિવાય બીજું કંઈ નથી. ખૂબ મુશ્કેલી, તે લોકોના ગુણો આપણે શીખી શકતા નથી, દુર્ગુણો ફટ કરીને શીખી લીધા છે. દેશની અવસ્થા ચિંતાજનક છે. સારા લોકો જન્મતા નથી.

ઈશ્વર પર નિર્ભર રહીને યોગ્ય નેતાની અપેક્ષા રાખવી ઉચિત કે નહીં—એ પ્રસંગે દુર્ગાચરણબાબુએ કહ્યું, “ભૂદેવબાબુ કલ્કિ અવતારની વાત કહી ગયા છે. તે જ પ્રસંગે કહે છે, દેશમાં સારા લોકોનું પ્રયોજન છે. એક Voltaire અને Rousseauના લખાણના પ્રભાવથી કેટલું ધરખમ પરિણામ આવ્યું. (આ બે ફ્રેન્ચ દાર્શનિકો હતા કે જેમણે રાજાશાહીના અત્યાચારો સમક્ષ તર્કબુદ્ધિસંપન્ન આગઝરતાં લખાણો લખ્યાં, જેના પરિણામે જનસાધારણે ભેગા થઈ ફ્રાંસમાં ક્રાંતિ લાવી અને રાજાને પદભ્રષ્ટ કર્યા અને ગણતંત્રની સ્થાપના કરી.) દેશના લોકોમાં જ્યારે સદ્‌બુદ્ધિ આવશે અને તેઓ એકજૂથ થઈ શકશે, ત્યારે દેશમાં સાચા નેતાનો આર્વિભાવ થશે. બંકિમબાબુ પણ સુલેખનની વાત કહે છે, પરંતુ તેવા સારા લેખક જન્મતા નથી. હિમાલયનાં પાંચ શિખરોમાં જેમ એક શિખર સૌથી ઊંચું છે, તેમ એક શક્તિશાળી નેતાની જરૂર છે.

સ્વામી તુરીયાનંદઃ રશિયાના વિપ્લવવાદના મૂળમાં ટોલ્સ્ટોયનાં લખાણને એક મુખ્ય કારણ કહી શકાય. તેઓ એક ખૂબ જ ધર્મનિષ્ઠ વ્યક્તિ હતા તથા સાધારણ પ્રજાનું જેનાથી કલ્યાણ થાય, રાજશક્તિ તેઓનું શોષણ કરી તેઓનું મનુષ્યત્વ નષ્ટ ન કરી મૂકે, તેના માટે તેમનો વિશેષ પ્રયત્ન હતો, એટલે સુધી કે તેઓએ પોતે સર્વસ્વ ત્યાગ કરીને, સામાન્ય ખેડૂતનું સામાન્ય જીવન જીવવાની શરૂઆત કરી હતી. છેવટે રશિયાની રાજશક્તિએ તેમને રશિયામાંથી તડીપાર કરી મૂક્યા હતા, પરંતુ, જુઓ છો ને પ્રજાશક્તિ અત્યારે ચારેબાજુ જાગ્રત થઈને જગતને ગ્રસી જવા બેઠી છે.

આ બધાને આપણે નિર્ભેળરૂપે સારું માની લેતા નથી. આ એક પ્રતિક્રિયા માત્ર છે. છતાં કેટલીક ખરાબ શક્તિની વિરુદ્ધ લડાઈ કરે છે. તેથી તેની પણ થોડી સાર્થકતા છે. એવી રીતે ઘાત-પ્રતિઘાતના પરિણામે એક સહજ સ્વાભાવિક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ફરી પાછા અત્યારના વિપ્લવવાદીઓએ ટોલ્સ્ટોયને પણ પાછળ છોડી દીધા છે. વાતવાતમાં કહે છે ને, ‘વિશ્વકર્માનો પુત્ર બેંતાલીસકર્મા’ (વિશ્વ ૨૦ જેવું સંભળાય છે, માટે તેનો પુત્ર તેનાથી પણ સવાયો એટલે બેંતાલીસ) —બાપ કરતાં બેટો સવાયો—સમયે બધું સારું થઈ જશે.

Total Views: 450

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.