ઈશ્વરલાભ અને ઈશ્વર-દર્શન એટલે શું? ઉપાય શો?

મણિ: જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વર-દર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય?

શ્રીરામકૃષ્ણઃ વૈષ્ણવો કહે છે કે જેઓ ઈશ્વરને માર્ગે જાય છે અને જેમણે ઈશ્વરપ્રાપ્તિ કરી છે તેમની જુદી જુદી કક્ષાઓ છે. પ્રવર્તક, સાધક, સિદ્ધ અને સિદ્ધનો સિદ્ધ.

જે હજી તરતનો જ ઈશ્વરને માર્ગે લાગ્યો હોય તેને પ્રવર્તક કહે.

જે સાધન ભજન કરે, પૂજા, જપ, ધ્યાન, નામ- ગુણ કીર્તન કરે, એ વ્યક્તિ સાધક.

જે વ્યક્તિએ ઈશ્વર છે એવો અંતરમાં અનુભવ કર્યો હોય, તેને સિદ્ધ કહે.

જેમ કે વેદાંતની ઉપમામાં કહ્યું છે કે એક અંધારા ઓરડામાં શેઠ સૂતા છે. શેઠને એક માણસ અંધારામાં હાથ ફેરવી ફેરવીને ગોતે છે. એક કોચને હાથ લગાડીને કહે છે, ‘આ શેઠ નહિ.’ બારીએ હાથ દઈને કહે છે કે ‘આ નહિ.’ બારણાને હાથ દઈને કહે છે, ‘આ નહિ,’ નેતિ નેતિ નેતિ. છેવટે શેઠના શરીર પર હાથ પડ્યો ત્યારે કહે છે, ‘ઇહ,’ આ રહ્યા શેઠ! એટલે કે ‘અસ્તિ’ એવું ભાન થયું છે. શેઠની પ્રાપ્તિ થઈ છે, પરંતુ વિશેષરૂપે જાણવાનું થયું નથી.

આ બધાય ઉપરાંત એક કક્ષા છે. તેને કહે છે સિદ્ધનો સિદ્ધ. શેઠની સાથે જો ખાસ વધારે પરિચય, વાતચીત વગેરે થાય તે વળી એક જુદી જ અવસ્થા. તેમ જો ઈશ્વરની સાથે પ્રેમ-ભક્તિ દ્વારા વિશેષ પરિચય, વાતચીત વગેરે થાય તે જુદી જ વાત. જે સિદ્ધ છે તેણે ઈશ્વરને પ્રાપ્ત કર્યો છે ખરો, પણ જે સિદ્ધોનો સિદ્ધ, તેણે તો ઈશ્વરની સાથે વિશેષ પરિચય, વાતચીત વગેરે કર્યું છે.

પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ગમે તે એકાદ ભાવનો આધાર લેવો જોઈએ—શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય યા મધુર.

શાંતભાવ ઋષિઓનો હતો. તેમને બીજા કશાનો ભોગ કરવાની વાસના હતી નહિ. જેમ કે સ્ત્રીની સ્વામીમાં નિષ્ઠા; તે જાણે કે મારો સ્વામી કંદર્પ!

દાસ્યભાવ—જેમ કે હનુમાનનો ભાવ. રામનું કામ કરતી વખતે સિંહ સમાન. પત્નીમાંય દાસ્યભાવ હોય, તન તોડીને સ્વામીની સેવા કરે. માની અંદર પણ થોડો થોડો હોય; યશોદામાંય હતો.

સખ્ય—મિત્રનો ભાવ. આવો, આવો, પાસે બેસો. શ્રીદામ વગેરે ગોવાળિયા શ્રીકૃષ્ણને ક્યારેક એઠાં ફળ ખવરાવે છે, ક્યારેક તેની કાંધે ચડે છે.

વાત્સલ્ય—જેમ કે યશોદાનો ભાવ. પત્નીમાંય કેટલોક હોય. સ્વામીને હૃદયપૂર્વક પીરસીને ખવરાવે. છોકરો પેટ ભરીને ખાય ત્યારે જ માને સંતોષ વળે. યશોદા કૃષ્ણને ખવરાવવા સારુ માખણ હાથમાં લઈને તેની પાછળ પાછળ ફરતાં.

મધુર—જેમ કે શ્રીમતીનો ભાવ. પત્નીનોય મધુરભાવ. એ ભાવની અંદર બધા ભાવ છે—શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય.

ઈશ્વરનું દર્શન શું આ આંખે થાય?

મણિ: ઈશ્વરનું દર્શન શું આ આંખે થાય?

શ્રીરામકૃષ્ણ: તેને ચર્મચક્ષુથી દેખી શકાય નહિ. સાધના કરતાં કરતાં એક પ્રેમનું શરીર થાય. તેમાં પ્રેમનાં ચક્ષુ, પ્રેમના કાન હોય, એ ચક્ષુથી ઈશ્વરને જુએ. એ કાનેથી તેની વાણી સાંભળે, તેમ જ પ્રેમનાં લિંગ, યોનિ થાય.

એ સાંભળીને મણિ ખડખડાટ હસી પડ્યા.

ઠાકુર નારાજ ન થતાં ફરીથી બોલે છે.

શ્રીરામકૃષ્ણ: એ પ્રેમના શરીરમાં આત્માની સાથે રમણ થાય. (મણિ વળી ગંભીર થયા.)

શ્રીરામકૃષ્ણ: ઈશ્વર પર ખૂબ પ્રેમ ન આવે ત્યાં સુધી તેનું દર્શન થાય નહિ. ખૂબ પ્રેમ આવે ત્યારે જ ચારે બાજુ ઈશ્વરમય દેખાય; ખૂબ કમળો થાય ત્યારે જ ચારે બાજુ પીળું પીળું દેખાય.

એ વખતે વળી ‘એ જ હું’ એમ જ્ઞાન થાય. પીધેલ માણસને નશો વધારે ચડ્યો હોય તો કહેશે, ‘હું જ કાલી’. ગોપીઓ પ્રેમોન્મત્ત થઈને કહેવા લાગી કે ‘હું જ કૃષ્ણ’. ઈશ્વરનું રાતદિવસ ચિંતન કરવાથી ઈશ્વર ચારે બાજુ દેખાય. જેમ કે દીવાની જ્યોત તરફ જો એક નજરે જોઈ રહો તો થોડીવાર પછી ચારે બાજુ જ્યોતમય દેખાય.

(મણિ વિચાર કરે છે કે એ જ્યોતિ તો ખરી જ્યોતિ નહિ.)

ઠાકુર અંતર્યામી; તરત બોલી ઊઠ્યાઃ ચૈતન્યનું ચિંતવન કરવાથી અચૈતન્ય (ભ્રમિત) થાય નહિ. શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતવન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય. મેં તેને કહ્યું, ચૈતન્યનું ચિંતન કરીને શું અચેતન થાય?

મણિ: જી, સમજ્યો. આ તો કોઈ અનિત્ય વિષયનું ચિંતવન નથી ને? જે નિત્ય-ચૈતન્યસ્વરૂપ, તેમાં મન લગાડવાથી માણસ અચેતન શા માટે થઈ જાય?

શ્રીરામકૃષ્ણઃ (પ્રસન્ન થઈને) ઈ-યા-આ! આ ઈશ્વરની કૃપા. તેમની કૃપા ન હોય તો સંદેહ ટળે નહિ.

આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહિ.

ઈશ્વરની કૃપા થાય તો પછી ડર નહિ. છોકરું પોતે બાપનો હાથ પકડીને ચાલતાં ચાલતાંય કદાચ પડી જાય! પરંતુ બાપ જો છોકરાનો હાથ પકડે તો પછી પડવાની બીક રહે નહિ.

Total Views: 636

2 Comments

  1. Deviben vyas December 31, 2022 at 1:13 am - Reply

    Jythakur jyma jyswamiji Maharaj pranam khub j srs ne sarl lekh ma thakure eswartatv ne bhakti no mhima samjavi didho chhe teno smj pujniy master mhashay aapne aapi temne charane koti koti prenam thakurbhagvan tamaro sada jy Thao

    • રસેન્દ્ર અધ્વર્યુ January 5, 2023 at 3:11 am - Reply

      ખુબ સરસ વાત, નકરી સ્પષ્ટ,સરળ વાત અને સઁદેશ જેથી કોઈ સંદેહ ના રહે. જય ઠાકુર!

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.