રામાનંદ સંત આશ્રમના નિવાસ દરમ્યાન કેટલાય પરિક્રમાવાસીઓ આવ્યા ને ગયા હતા, પરંતુ તેઓ આશ્રમના ડેલામાંથી નીકળી કઈ તરફ જાય છે, તેની નોંધ અમે લીધી નહોતી. વાસ્તવમાં એક રસ્તો સીતારામ આશ્રમની અંદરથી સીધા નર્મદા તટે ઊતરી શહેરાવ ગામમાં જવાય અથવા પૂ. મહારાજ સાથે સાંજે ફરવા નીકળતા તે તટનો રસ્તો છોડીને ગામના રસ્તે શહેરાવ ગામ જવાય. અમે જે માર્ગે આવ્યા હતા તે નર્મદા પરિક્રમાનો માર્ગ હતો જ નહીં, પરંતુ થોડી તકલીફ પછી શ્રીશ્રીમાએ તેમાંથીય માર્ગ કરી આપ્યો!

અહીં રસ્તામાં શંખચૂડેશ્વર તીર્થ હતું. પ્રાચીનકાળમાં શંખચૂડ નામના નાગે તપ કર્યું હતું. શિવને પ્રસન્ન કરી શંખચૂડ નાગ ગરુડના ભયમાંથી મુક્ત થયો હતો. જેના પિતૃઓનું સાપ કરડવાથી મૃત્યુ થયું હોય તો તેની સદ્‌ગતિ માટે અહીં વિધિસર તર્પણ કરાવવાનું માહાત્મ્ય છે. આગળ શહેરાવ ગામ આવ્યું, ત્યાં હનુમાનજીના મંદિરે થોડો વિશ્રામ કર્યો અને રામાનંદ સંત આશ્રમથી સાથે લીધેલ બાળભોગથી ક્ષુધા છીપાવી. બપોર પછી ગામડાના રસ્તે ચાલતાં ચાલતાં કેદારેશ્વર મંદિરે પહોંચ્યા. અહીં સીતારામ આશ્રમ હતો. અખંડ સીતારામ ધૂન ચાલતી હતી. આશ્રમ ખૂબ જ સુંદર વૃક્ષોથી શોભતો હતો.

આ કેદારેશ્વર સ્થળે વિભાંડક, કપિલ, ચ્યવન વગેરે ૠષિઓએ કઠિન તપ કર્યું હતું. આથી શિવજી અહીં પ્રત્યક્ષ થયા હતા અને લોકકલ્યાણ માટે કેદારેશ્વર નામે અહીં પોતે રહેવાનું વરદાન આપ્યું હતું. જે હિમાલયની કઠિન યાત્રા કરી, ત્યાંના કેદારનાથજીનું દર્શન ન કરી શકે તે નર્મદાખંડના આ કેદારેશ્વરનું દર્શન કરી એટલું જ પુણ્ય મેળવી શકે, એ માટે ૠષિઓ-તપસ્વીઓએ આ તીર્થની સ્થાપના કરી હતી. અહીં મહા, કાર્તિક ને અશ્વિન માસની આઠમ તથા ચૌદશે યથાવિધિ સ્નાન-પૂજન કરવાથી મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે; ચિરકાળ સુધી શિવલોકમાં એનો વાસ થાય છે.

પ્રાચીનકાળમાં તપસ્વીઓ કેવાં સુંદર સ્થળો શોધી શકતા હતા! સાત્ત્વિક સૌંદર્યથી છલકાતાં સ્થળોએ તીર્થો નિર્માણ કરનાર ૠષિઓ કેવળ કૌપીનધારી અને કંદમૂળ આરોગનાર હતા. છતાં જીવનને ઉન્નત કરે એવી સાત્ત્વિક સૌંદર્યની સૂઝવાળા હતા. ધન્ય છે એવા જ્યોતિર્ધરોને, ધન્ય છે સંસ્કૃતિના સર્જકોને!

પરાશર મુનિ એવા જ એક જ્યોતિર્ધર હતા. પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી એમણે અહીં હરગૌરીની આરાધના કરી તપશ્ચર્યા કરી હતી. શિવજી પ્રસન્ન થયા. ‘અયોનિજ સંતાન પ્રાપ્ત થશે’ એવું મુનિએ વરદાન મેળવ્યું. પાર્વતી સહિત અહીં વાસ કરવા શિવજીએ વરદાન આપ્યું. પરાશર મુનિએ અહીં પરાશરેશ્વર શિવજીની સ્થાપના કરી. તપ અને દાન કરનારને પ્રભાવશાળી પુત્રની પ્રાપ્તિ થાય છે. કેદારેશ્વરની બાજુમાં એ પરાશરેશ્વર તીર્થ નિર્માણ થયું હતું.

વળી, ત્યાં થોડે દૂર ભીમેશ્વર તીર્થ પણ હતું. અહીં મુદ્‌ગલ તથા અન્ય ૠષિઓએ આદરપૂર્વક ભીમવ્રત નામે આકરું વ્રત કર્યું હતું. મહાદેવ ત્યારે અહીં ભીમ નામે પ્રત્યક્ષ એકાક્ષરી હતા. ૐ તથા ગાયત્રીમંત્રના જપ કરવાથી અહીં વધુ ફળ મળે છે. ચૌદશ ને રવિવારે ભક્તિપૂર્વક ભીમદેવની પૂજા કરવાનું તથા તેલનો દીવો પ્રદાન કરવાનું વિશેષ ફળ છે.

પ્રિય વાચકો,

જય મા, જય ઠાકુર, જય સ્વામીજી. નર્મદે હર…. આપણે આ પહેલાં પણ કહેલું છે કે નર્મદા-ખંડનાં મોટાભાગનાં તીર્થો ગુજરાતમાં આવેલાં છે. અને દરેક તીર્થનો અનન્ય મહિમા-ફળ! સંન્યાસીએ આમાંનાં મોટાભાગનાં તીર્થોનાં દર્શન કર્યાં. હવે પછીના લેખોમાં આ તીર્થોનો માત્ર ઉલ્લેખ જ કરીશું. તેનું માહાત્મ્ય સ્થાન અને સમયના અભાવે નહીં લખી શકીએ. માહાત્મ્ય જાણવા માટે સ્કંદ પુરાણ, વાયુ પુરાણનો રેવા ખંડ અથવા નર્મદા પુરાણનો અભ્યાસ કરવો રહ્યો અથવા સંક્ષિપ્તમાં અને સુંદર ભાવે નર્મદાનંદ દ્વારા રચિત ‘સાધકની સ્વાનુભવ કથા’ પુસ્તકનું વાંચન કરવું. (પ્રાપ્તિસ્થાન: શ્રીદત્ત આશ્રમ, મુ. ઉછાલી, પો. દઢાલ, વાયા તા. અંકલેશ્વર, જિ. ભરૂચ, ગુજરાત-૩૯૩૦૦૧) આ કઠોર નિર્ણય માટે ક્ષમા પ્રાર્થીએ છીએ…

કેદારેશ્વર મંદિર તીર્થ, ભીમેશ્વર તીર્થ, પરાશરેશ્વર મહાદેવ તીર્થવાળા સીતારામ આશ્રમમાં મોટી ગૌશાળા, સાધુ-સંતો, સાધક-ભક્તો અને શોભિત વૃક્ષો તથા પરમ પાવન મા નર્મદાના તટને કારણે તે પ્રાચીનકાળનું કોઈ તીર્થસ્થાન લાગતું હતું. સંન્યાસી સાથેના ત્યાગીજીને તો આ આશ્રમમાં મોજ પડી ગઈ, કારણ કે અહીં પરિક્રમાવાસીઓને જેટલું દૂધ પીવું હોય તેટલું પી શકતા. થોડીવાર સીતારામ ધૂનમાં ભાગ લઈ, સંધ્યા કરી, રાતનું વાળુ કરી લીધું. ત્રણ ત્રણ કલાકના બે વિભાગમાં એમ દિવસના કુલ ૬ કલાક સીતારામ ધૂનમાં ભાગ લઈને, કોઈ પણ સાધક-ભક્ત આ આશ્રમમાં જેટલા દિવસ ઇચ્છે તેટલા દિવસ સાધના કરી શકે તેવી સગવડતા છે. અમને મુખ્ય આશ્રમની સામેની બાજુ-દક્ષિણ દિશા તરફ આવેલ આરસપહાણના પથ્થરથી શોભિત શિવ મંદિરની પૂર્વ તરફની પરસાળમાં આસન લગાવવાની મંજૂરી મળી. કારણ કે ચંદ્રદાદા પૂર્ણ રશ્મિ સાથે શોભાયમાન હતા અને તેમની ઉજ્જ્વળ, સ્નિગ્ધ ચાંદનીમાં આશ્રમ, મંદિર, નર્મદામૈયા વગેરે દૃશ્યો અત્યંત આહ્‌લાદક તથા મનને પરમ શાંતિ પમાડતાં હતાં. પણ રાત્રે મંકોડા ખૂબ ઊભરાયા તેને લીધે જગ્યા બદલવી પડી. 

દૂધની પૂર્ણમાત્રામાં ભિક્ષા મળતી હોવાથી ત્યાગીજીને તો આ આશ્રમ છોડી જવાની ઇચ્છા નહોતી. પરંતુ સંન્યાસીને માટે વરાછા ગામમાં બે સંતો મળવા માટે અને કન્યા-ભોજન માટે નર્મદા તટે રાહ જોતા હતા, એટલે સંન્યાસીની સાથે સાથે ત્યાગીજીને પણ નાછૂટકે આગળ વધવું પડ્યું.

કાચા રસ્તાવાળા માર્ગમાં આગળ વધ્યા. રસ્તામાં તેજોનાથ વૈદ્યનાથ તીર્થ, પક્ષી તીર્થ, બાંદરિયા ગામમાં વાનરેશ્વર તીર્થ આવે. (આ બધાં તીર્થોનું માહાત્મ્ય આપ સર્વેએ અવશ્ય વાંચવું.)

Total Views: 897

One Comment

  1. Deviben vyas January 17, 2023 at 4:02 am - Reply

    Jythakur jyma jyswamiji Maharaj pranam tamaro sada jy Thao Maharaj aapni sathe mne pn aape manarmda ni tirth yatra kravi aapno khub khub aabhar khub srs ma Narada nu varnan

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.