દરેક રાષ્ટ્રને પોતાનો ધ્વજ હોય છે, જે સ્વતંત્ર દેશનું પ્રતીક છે. ભારતનો હાલનો ધ્વજ, બંધારણીય સભામાં સ્વીકારવામાં આવ્યો. આ રાષ્ટ્રધ્વજની પસંદગી માટે ડો. રાજેન્દ્રપ્રસાદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજને યોગ્ય સુધારા સાથે સ્વતંત્ર ભારતના ધ્વજ તરીકે સ્વીકારવાનું નક્કી કર્યું. આ સમિતિ દ્વારા તા. ૨૨-૦૭-૧૯૪૭ ના રોજ ધ્વજ સ્વીકારવામાં આવ્યો, જે સ્વતંત્રતા મેળવ્યાના થોડા દિવસ પહેલાં જ અસ્તિત્વમાં આવ્યો.

આ ધ્વજનો પણ લાંબો ઇતિહાસ છે. ઘણા લોકોના પ્રયત્નોને પરિણામે હાલનો ધ્વજ અસ્તિત્વમાં આવ્યો છે. તો ચાલો, આપણે આ ઇતિહાસ ટૂંકમાં જોઈએ.

ભગિની નિવેદિતા ધ્વજ

આઝાદી પૂર્વેના સમયગાળા સાથે સંકળાયેલ રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ ૧૯૦૪-૦૬ની આસપાસ લોકો સમક્ષ મૂકવામાં આવ્યો. તેનું નિર્માણ સ્વામી વિવેકાનંદનાં આઇરીશ શિષ્યા ભગિની નિવેદિતા દ્વારા કરવામાં આવેલ. થોડા સમય પછી આ ધ્વજ ‘ભગિની નિવેદિતા ધ્વજ’ તરીકે ઓળખાવા લાગ્યો. આ ધ્વજ લાલ અને પીળા રંગનો બનેલો હતો. લાલ રંગ આઝાદીનું અને પીળો રંગ વિજયનું પ્રતીક હતા. બંગાળી ભાષામાં લખવામાં આવેલું ‘વંદે માતરમ્‌’. ધ્વજ પર ઇન્દ્ર શસ્ત્ર વજ્ર અને કમળનું ચિત્ર પણ બનાવવામાં આવેલું. વજ્ર શક્તિનું અને કમળ શુદ્ધતાનું પ્રતીક છે. આ ધ્વજનો આકાર ચોરસ હતો.

કલકત્તા ધ્વજ

નિવેદિતાના ધ્વજની રચના પછી ૧૯૦૬માં ફરી એક વખત નવો ધ્વજ બનાવવામાં આવ્યો, જેમાં ત્રણ રંગો હતા. ઉપર વાદળી (બ્લૂ), વચ્ચે પીળો અને નીચે લાલ રંગ હતા. ઉપરની વાદળી પટ્ટીમાં ૮ અલગ અલગ પ્રકારના તારાઓ બનાવવામાં આવ્યા હતા. નીચેની લાલ પટ્ટીમાં એક બાજુ સૂર્ય તથા બીજી બાજુ અર્ધ-ચંદ્ર તથા તારો અને વચ્ચે પીળી પટ્ટીમાં ‘વંદે મારતમ્‌’ લખેલું. આ ધ્વજને ‘કલકત્તા ધ્વજ’ તરીકે ઓળખવામાં આવ્યો. ત્રણ રંગનો આ પ્રથમ ધ્વજ હતો.

‘પહેલાંનો’ (earlier) રાષ્ટ્રીય ધ્વજ

૧૯૦૬ના બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમ્યાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા ‘પારસી બાગાન ચોક’માં તા. ૦૭-૦૮-૧૯૦૬ના રોજ ધ્વજ ફરકાવવામાં આવ્યો. આ ધ્વજમાં ત્રણ રંગીન પટ્ટીઓ હતી. ઉપર લીલો રંગ, વચ્ચે પીળો રંગ અને નીચે લાલ રંગ હતો, જેમાં વચ્ચેની પીળી પટ્ટી પર ‘વંદે માતરમ્‌’ લખવામાં આવ્યું હતું. નીચે લાલ પટ્ટી પર અર્ધ ચંદ્ર અને સૂર્ય બનાવવામાં આવ્યાં હતાં અને ઉપર લીલી પટ્ટી પર કમળનું ફૂલ અંકિત કરવામાં આવ્યું હતું. તેને ‘પહેલાંનો’ (earlier) રાષ્ટ્રીય ધ્વજ તરીકે ઓળખવામાં આવ્યો.

બર્લિન કમિટી ધ્વજ

મેડમ ભીખાજી કામાનો જન્મ પારસી કુટુંબમાં થયો હતો. તેમનાં લગ્ન ધારાશાસ્ત્રી રૂસ્તમજી કામા સાથે થયેલાં. કૌટુંબિક પ્રશ્નો થવાથી તેમણે ભારત છોડ્યું અને લંડન ગયાં. ત્યાં દાદાભાઈ નવરોજી સાથે મુલાકાત થઈ અને તેઓ રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય બન્યાં હતાં. તા. ૨૨-૦૮-૧૯૦૭માં મેડમ ભીખાજી કામા, વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર) અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા જર્મનીમાં ભારતીય ધ્વજ લહેરાવવામાં આવ્યો. વિદેશની ભૂમિ પર ભારતીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હોય, તેવો આ પહેલો પ્રસંગ હતો. તેમાં ત્રણ રંગો હતા. ભગવો, પીળો અને લીલો. ભગવા (કેસરી) રંગની ઉપરની લાઇનમાં ૮ કમળો, વચ્ચે પીળા કલરની લાઇનમાં ‘વંદે માતરમ્‌’ લખેલું અને લીલા રંગની લાઇન પર સૂર્ય-ચંદ્ર હતા. આ ધ્વજમાં બીજી આવૃત્તિ પણ આવેલ, જેમાં એક કમળ અને સાત તારાઓ હતાં, જેને સપ્તર્ષિ કહેવામાં આવેલ. આ ધ્વજ બર્લિનમાં લહેરાવવામાં આવેલો તેથી તેને ‘બર્લિન કમિટી ધ્વજ’ પણ કહેવામાં આવે છે.

હોમ રુલ ધ્વજ

બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટે નવા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવ્યો. આ ધ્વજની ટોચ પર યુરોપિયન દેશનો ધ્વજ (યુરોપીયન જેક) મૂક્યો. તેમાં પાંચ લાલ અને પાંચ વાદળી પટ્ટાઓ બનાવેલા. તેમાં સાત નક્ષત્રો, તારાઓ હતાં જેને સપ્તર્ષિ કહેવામાં આવે છે, જે હિંદુઓની ધાર્મિકતા બતાવવા માટે બનાવવામાં આવેલ. તેમાં અર્ધ ચંદ્ર અને એક તારો પણ હતો. આ ધ્વજ ‘હોમરુલ ચળવળ’ ૧૯૧૭ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ, જેથી તેને ‘હોમ રુલ ધ્વજ’ પણ કહેવાય છે.

પિંગલી વેકૈયા ધ્વજ

૧૯૧૬માં પિંગલી વેકૈયા નામના લેખકે એક ધ્વજ બનાવ્યો, જેમાં આખા દેશને સાથે રાખવાની તેમની વિચારસરણી સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. તેમણે મહાત્મા ગાંધીજીને મળીને તેમનો અભિપ્રાય પણ લીધો. ગાંધીજીએ તેમને કહ્યું, ‘તેમાં એક ફરતું ચક્ર મૂકજો.’ પિંગલીએ ખાદીના કપડામાંથી પ્રથમ ધ્વજ બનાવ્યો, જેમાં સફેદ, લીલો અને લાલ રંગ હતા. વચ્ચે ચરખો મૂકેલો, જેમાં સફેદ રંગ શાંતિનું, લીલો રંગ મુસ્લિમનું અને લાલ રંગ હિંદુનું પ્રતીક છે. આ ધ્વજ ‘પિંગલી વેકૈયા ધ્વજ’ તરીકે પણ ઓળખાય છે.

મહાત્મા ગાંધી ઇચ્છતા હતા કે દેશની એકતા ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય, જેના કારણે તેમણે એક ધ્વજ બનાવ્યો. તેને ‘મહાત્મા ગાંધી ધ્વજ’ (૧૯૨૧) પણ કહેવામાં આવે છે. આ ધ્વજમાં પણ ત્રણ રંગો હતા. ટોચ પર સફેદ રંગ, જે દેશની લઘુમતીનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યાર બાદ લીલો રંગ, જે મુસ્લિમનું પ્રતિનિધિત્વ કરે છે અને છેલ્લે લાલ રંગ, જે હિંદુ અને શીખ જાતિનું પ્રતિનિધિત્વ કરે છે. મધ્યમાં ફરતું ચક્ર જે માનવજાતની એકતા દર્શાવે છે. જો કે, આ ધ્વજ કોંગ્રેસ દ્વારા સ્વીકારવામાં આવ્યો નહોતો, પરંતુ તેમ છતાં સ્વતંત્રતા સંગ્રામમાં રાષ્ટ્રવાદનું પ્રતીક બનીને રહ્યો હતો.

સ્વરાજ ધ્વજ

ભારતીય ધ્વજમાં કેટલાક લોકો ધ્વજના સાંપ્રદાયિક અર્થઘટનથી ખુશ ન હતા. તેથી પિંગલી વેકૈયા દ્વારા બીજો ધ્વજ બનાવવામાં આવ્યો. આ નવા ધ્વજમાં લાલ રંગને બદલે કેસરી-ભગવો રંગ ટોચ ઉપર, મધ્યમાં સફેદ અને નીચે લીલો રંગ મૂકવામાં આવ્યા. આ ધ્વજ ૧૯૩૧માં કોંગ્રેસ સમિતિની બેઠકમાં પસાર કરવામાં આવ્યો અને સમિતિના સત્તાવાર ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો. આ ધ્વજનો સુભાષચંદ્ર બોઝ દ્વારા પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ધ્વજને ‘સ્વરાજ ધ્વજ’ પણ કહેવામાં આવ્યો હતો. કેસરી-ભગવો રંગ હિંદુ યોગીઓ, લીલો રંગ મુસ્લિમ દરવેશ, અને સફેદ રંગ બીજા બધા જ ધર્મોનું પ્રતીક છે. વચ્ચે ચરખો મૂક્યો, તે સ્વદેશી ચળવળનું પ્રતીક છે.

સ્વાધીન ભારત ધ્વજ

અંતે, ભારતીય ધ્વજનું પુન:નિર્માણ કરાયું. ૨૪ આરા ધરાવતા સિંહાકૃતિવાળા અશોકસ્તંભમાંથી ચક્ર લેવામાં આવ્યું અને તેને ચરખાના સ્થાને મૂક્યું. ‘ચરખા’ને ચક્ર દ્વારા બદલવામાં આવ્યો. ભારતના રાષ્ટ્રધ્વજની પસંદગી માટે ડો. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજને યોગ્ય સુધારા સાથે સ્વતંત્ર ભારતના ધ્વજ તરીકે અપનાવવાનું નક્કી કર્યું. પરિણામે ૧૯૩૧ના ધ્વજને ભારતીય ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો, પરંતુ મધ્યમાં ‘ચરખા’ ને બદલે ‘ચક્ર’ મૂકવામાં આવ્યું. આ રીતે આપણો ‘ભારતીય રાષ્ટ્રધ્વજ’ અમલમાં આવ્યો, જેને ‘સ્વાધીન ભારત ધ્વજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેસરી-ભગવો—હિંમત અને બલિદાનનું પ્રતીક છે.
સફેદ—શાંતિ, પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક છે.
લીલો—સમૃદ્ધિ, શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે.
અશોકચક્ર—ધર્મ અને કાયદાનું પ્રતિનિધિત્વ કરે છે.

ભારતના ધ્વજને ફરકાવવા માટે સંહિતા ઘડવામાં આવી છે. સંહિતાના પ્રથમ ભાગમાં રાષ્ટ્રધ્વજનું સામાન્ય વર્ણન છે. બીજા ભાગમાં જાહેર સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ વગેરે દ્વારા રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન કરવા બાબતની વિગતો છે અને ત્રીજો ભાગ સંઘ અને રાજ્ય સરકાર તથા તેમની સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા રાષ્ટ્રધ્વજનું પ્રદર્શન કરવા બાબતની વિગતો છે.

‘ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા’ ૨૦૨૨માં ઘડવામાં આવ્યો, પરંતુ તેનો અમલ ૨૬-૦૧-૨૦૨૨થી કરવામાં આવ્યો. પહેલો ધ્વજ માત્ર ખાદીના કાપડમાંથી બનેલો હોવો જોઈતો હતો, જ્યારે હવે તેને પોલીએસ્ટર, સુતરાઉ, રેશમી તથા ઊનના કાપડમાંથી પણ બનાવી શકાય છે. પહેલાં સૂર્યાસ્ત પછી ધ્વજ લહેરાવવાની મનાઈ હતી, પણ ૨૦૦૯થી રાતે પણ તિરંગો ફરકાવવાની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે.

તો આ છે આપણા રાષ્ટ્રધ્વજનો ગૌરવપૂર્ણ અને ગૌરવવંતો ઇતિહાસ.

Total Views: 449
By Published On: December 20, 2022Categories: Sejalben Mandaviya0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram