ન હોય છતાં દેખાય, ન હોય તેવું દેખાય, ન હોય છતાં તેના પ્રત્યે પ્રતિભાવ અપાય જાય—તે આભાસને કારણે. દ્રષ્ટા, દૃશ્ય કે દર્શન એ ત્રણેયમાંથી કોઈક ને કોઈકની ત્રુટીને કારણે આભાસ સર્જાય. કાં તો દ્રષ્ટાની માનસિક સ્થિતિ ખોટી માન્યતાઓથી બંધાયેલી હોય અથવા જે તે સમયે તેની મૂલવણી કરવાની ક્ષમતા ન હોય કે તે માટેનો સમય ન હોય તો આભાસની પ્રતીતિ થાય. સામે પડેલ પરિસ્થિતિમાં જો ગૂંચવણવાળી બાબતો હોય અથવા તે પરિસ્થિતિ સંભાવનાઓને જ પ્રસ્તુત કરતી હોય તો તે પરિસ્થિતિના આકલનમાં તકલીફો સર્જાય. વળી, દૃશ્ય અને દ્રષ્ટાને જોડતા દર્શન માટે જરૂરી પ્રકાશની માત્રા તથા તેનો પ્રકાર પણ દૃશ્યની ચોક્કસ બાબતોને ઉજાગર કરવામાં ઊણો ઉતરતો હોય કે દ્રષ્ટાની જોવાની ક્ષમતા જ ખામીયુક્ત હોય તો પણ વસ્તુ જેવી નથી, તેવી ભાસે—આભાસ ઊભો થાય.
ભ્રામક કે આભાસી વાસ્તવિકતા અત્યારના સમયમાં ચર્ચાનો વિષય તથા મનોરંજનનું માધ્યમ બની રહ્યું છે. પણ ખરા અર્થમાં આ આભાસ નથી. હૂબહૂ વાસ્તવિકતા જેવું ચિત્રણ-રજૂઆત કરવાથી વ્યક્તિ તેને સાચું માની લે તે આભાસ નથી. આ રીતે જે તે બાબતને સાચી માની લેવી એ તેની સાથેની ઊભી થયેલી તાદાત્મ્યતાનું પરિણામ છે, નહીં કે આભાસનું.
આભાસ એ તે વખતનું આખરી તારણ છે, સંભાવના નહીં. આભાસમાં અમુક બાબત ચોક્કસ પ્રમાણેની વિશ્વાસપૂર્વક જણાય છે, જે પ્રમાણેની તે હોતી નથી. ક્યારેક તો આભાસને આધારે ચોક્કસ પ્રકારના લાંબાગાળાના નિર્ણયો પણ લેવાય જાય છે. પરંતુુ દર વખતે આવો વિશ્વાસ હોય છે જ એમ ન પણ કહેવાય. ક્યારેક તો ખાતરી ન હોય તો પણ આભાસી પ્રતીતિને કારણે જોખમ ન લેવાની ઇચ્છા થઈ જાય . આવા સમયે આભાસ એ સંભવિત વરતારો છે અને અમુક બાબત અમુક પ્રકારે છે, એમ માની લીધા પછી તે પ્રમાણેની પ્રતિક્રિયાઓ આકાર લેતી જોવા મળે છે.
દોરડામાં સાપ જોવો કે રણમાં મૃગજળ, અમુક વ્યક્તિને અન્ય વ્યક્તિ જ માની લેવી કે જે તે બાબતને ખૂબ મહત્ત્વ આપવા લાયક માનવી—આ બધી બાબતો એક યા બીજા પ્રકારના આભાસની વાત કરે છે. દોરડા સાથે જોડાયેલું સાપનું સામ્ય, ગરમીના કારણે પ્રકાશના કિરણોનું પરાવર્તન, જે તે વ્યક્તિની કદ-કાઠી તથા હાલચાલમાં રહેલી સમાનતા કે પછી મનમાં જડાઈ ગયેલી કેટલીક ધારણાઓ; આ અને આવી બાબતો આભાસ ઊભો કરે છે.
બસમાં મુસાફરી કરતી વખતે આપણે માત્ર બહાર નજર નાખીએ છીએ. પછી કંઈક રસપ્રદ દેખાતાં તેને આપણે જોઈએ છીએ, તેના વિશે વધુ જાણવા અવલોકનની પ્રક્રિયા ચાલુ થાય. પરિણામે આપણને થોડું થોડું “લાગે” પણ અંતે એક તારણ યાને સમજણ પર પહોંચીએ. દૃશ્યક્રિયાના આ પાંચ તબક્કા છે. આમાં પહેલાંના ચાર તબક્કા સુધી આભાસ જ રહે છે. છેલ્લાં સમજણના તબક્કામાં જ આભાસ ન હોવાની સંભાવના હોય છે. જો કે અહીં પણ અંતિમ પ્રતીતિ ભ્રામક હોય શકે.
આભાસના મૂળમાં મનમાં ઘર કરી ગયેલી ઘટના, બે બાબતો વચ્ચેની નોંધપાત્ર સામ્યતા, મૂલવણીના સમયનો અને તે માટે જરૂરી ઇરાદાનો અભાવ, પ્રાથમિક માહિતીમાં રહેલી વિવિધ પણ સચોટ સંભાવનાઓ, મનની અક્ષમતા, જરૂરી પ્રકાશનો અભાવ, મર્યાદિત તથા પૂર્વગ્રહિત માહિતી, જે તે વસ્તુને જે તે વસ્તુ માની લેવાની માનસિકતા, જે તે સમયની અપેક્ષા તથા તેને આધારિત મિજાજ, અઘૂરી માહિતી, તથા કાયમી માન્યતા અને હંગામી સ્થિતિ ગણાય છે.
મનોવૈજ્ઞાનિક ભૂમિકા પર આભાસ એ મનમાં આકાર લેતી ઘટના છે. અનુભવ આધારિત સમજ, મનમાં સંઘરાયેલી અપાર યાદોમાંથી જે તે યાદ જ પ્રત્યક્ષ થવાની ઘટના, જે તે બાબતને અમુક પ્રકારે જોવાની કલ્પનાશક્તિ તથા પૃથ્થકરણમાં ક્યાંક રહેલી ત્રુટીને કારણે પણ આભાસ સર્જાય છે. લાગુ ન પડતી હોય તો પણ મનમાં બેસી ગયેલી છબી સાથે બહારની પરિસ્થિતિના જોડાણની આ ઘટના છે.
જાગ્રત અવસ્થામાં આભાસની સ્થિતિ સર્જાય છે, જે આશ્ચર્યજનક છે. આમ તો સ્વપ્ન એ આભાસ છે. પણ જ્યારે વ્યક્તિ સ્વપ્નમય હોય, ત્યારે શંકા વગર બધું જ ભાસમાન લાગે છે. જાગ્રત અવસ્થામાં તે સ્વપ્ન જગત લય પામે છે અને તે આભાસી હતું તેની પ્રતીતિ થાય છે. તેવું જ સ્વપ્નમાં આ જાગ્રત જગત આભાસી જણાય. આ જગત અને સ્વપ્નની દુનિયા આમ પરસ્પરને આભાસી સાબિત કરે છે. ફેર એટલો જ કે સ્વપ્નની દુનિયાના આભાસો દરેક વ્યક્તિ માટે ભિન્ન હોઈ શકે, જ્યારે આ જગતની જડતાની પ્રતીતિ લગભગ બધાં જ ને સરખી થતી જણાય છે; જેમ કે અગ્નિ બધાને શરીરદાહ આપે છે અને પાણી ભીંજવે છે, અને શસ્ત્ર છેદે છે. શરીરના સ્તરથી ઉપર ઊઠવાથી આ અગ્નિ, પાણી, શાસ્ત્ર કે વાયુ—બધું જ આભાસી બની રહે છે. તમે અસ્તિત્વના કયા સ્તરે છો, તેનાથી નક્કી થાય કે શું ભાસમાન છે અને શું આભાસી.
તુરીય અવસ્થામાં સમગ્ર ભેદજ્ઞાનનો નાશ થતાં જાણે બધું એકત્વ પામે છે; સમગ્ર એકત્વમાં સમાઈ જાય છે. પછી તો આભાસ અને ભાસમાન જેવો પણ ભેદ નથી રહેતો. પછી “આ” અને “તે”નો ભેદ નાશ પામતા ઓળખવાની-જાણવાની-સમજવાની વૃત્તિ જ શાંત થઈ જાય; બધું હેમમાં પરિણમે—કંગન હારનો ભેદ નાશ પામે. આત્મા-બ્રહ્મ-સંસાર સહુ એક થઈ જતાં દ્રષ્ટા-દૃષ્ય-દર્શનનો દ્વંદ્વ જ ન રહે. પરિસ્થિતિ પણ સાક્ષીમાં જ લુપ્ત થઈ જાય. જન્મોના સંસાર પ્રત્યેના સંસ્કારને કારણે અવિદ્યાથી પાંગરેલી પૃથ્થકતા ન રહે. તો મનમાં આમ કે તેમ સમજવાની-માણવાની ઇચ્છા જ નાશ પામે. નિર્વિકલ્પતાની સ્થિતિ એ જ આભાસના નાશનું મુખ્ય સાધન ગણાય છે.
પૂર્ણતાને પામતા નથી “આ”નું અસ્તિત્વ કે નથી “તે”નું. પછી નથી ભાસમાનનો પ્રકાશ કે નથી આભાસનો અંધકાર.
(લેખક પરિચય: શ્રી હેમંતભાઈ વાળા એન.આઈ.ડી., એન.આઈ.એફ.ટી., સી.ઈ.પી.ટી. જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત અન્ય ૨૦ જેટલી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય માટે જોડાયેલા છે. તેઓ લેખનકાર્યમાં પણ તેટલી જ રુચિ ધરાવે છે. કુમાર, અખંડ આનંદ, વિશ્વવિહાર, શબ્દસર જેવાં સામયિકો અને દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, મુંબઈ સમાચાર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, જયહિંદ, કચ્છમિત્ર જેવાં નામાંકિત સમાચારપત્રોમાં તેમના લેખો પ્રકાશિત થયા છે. આ લેખોમાં અધ્યાત્મ, ભારતીય ચિંતન, સ્થાપત્ય તથા કળાને લગતા વિષયોનો સમાવેશ થતો રહ્યો છે. )
Your Content Goes Here