અમાસ આવી ગઈ. શંકર મધ્યરાત્રિએ ઊઠ્યા અને જંગલ તરફ ચાલવા લાગ્યા. પૂજાનું બધું આયોજન થઈ ગયું હતું. ઉગ્રભૈરવે આચાર્યને બલિના સ્થળના પથ્થર ઉપર પોતાનું માથું રાખવાની પ્રાર્થના કરી. આ બાજુ પદ્મપાદે સ્વપ્નમાં જોયું કે એક કાપાલિક સૂમસામ જંગલમાં એમના ગુરુદેવનું માથું કાપવા માટે તૈયાર થઈ રહ્યો છે. તે પોતાના ઇષ્ટદેવતા નૃસિંહદેવને ગુરુદેવની જીવનરક્ષા કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યો. તરત જ પદ્મપાદના શરીરમાં નૃસિંહદેવનો પ્રવેશ થયો અને તે ભયંકર ગર્જના કરતો કરતો પૂજાના સ્થાન તરફ દોડ્યો. ઉગ્રભૈરવ આચાર્યનું માથું કાપવાને માટે ખડ્ગ હાથમાં લઈને ઊભો હતો. બરાબર આ જ સમયે પદ્મપાદ ત્યાં આવી પહોંચ્યો અને ઉગ્રભૈરવના હાથમાંથી ખડ્ગ છીનવીને એનું જ માથું કાપીને ભયંકર ગર્જના કરવા લાગ્યો. આચાર્ય ભગવાન નૃસિંહદેવની ભક્તિભાવથી સ્તુતિ કરવા લાગ્યા. થોડીક ક્ષણો પછી પદ્મપાદ બેભાન થઈને પડી ગયો. ભાનમાં આવતાં એણે આચાર્યને પોતાના સ્વપ્નની વાત સંભળાવી.
બીજા એક શિષ્યનું આગમન
આચાર્ય શ્રીશૈલથી હરિહર બાજુ થઈને કર્ણાટકના શ્રીબેલી તીર્થમાં પધાર્યા. પ્રભાકર નામનો એક ધાર્મિક બ્રાહ્મણ પણ ત્યાં રહેતો હતો. એનો એકનો એક પુત્ર સાત વર્ષનો થયા પછી પણ એકદમ જડ જેવો તથા મૂગો હતો. પ્રભાકર એને આચાર્યની પાસે લઈ ગયો અને કહ્યું, ‘દેવ, મારો પુત્ર કંઈ પણ બોલી શકતો નથી. હજુ સુધી એનું ભણતર પણ શરૂ થયું નથી. મહેરબાની કરીને એને સ્વસ્થ કરી દો.’
શંકરે એ બાળકને પૂછ્યું, ‘તું કોણ છો? કોનો પુત્ર છો?’ આ સાંભળીને તે બાળક જિંદગીમાં પહેલી વાર બોલ્યો. એણે જવાબમાં કહ્યું, ‘હું મનુષ્ય નથી, બ્રાહ્મણ અથવા બ્રહ્મચારી પણ નથી, હું તો નિત્ય જ્ઞાન-સ્વરૂપ આત્મા છું.’ આચાર્ય આ સાંભળીને સમજી ગયા કે બાળકને બ્રહ્મજ્ઞાન થઈ ચૂક્યું છે. એમણે કહ્યું, ‘જે રીતે હાથમાં રાખેલા આમળાનું સ્પષ્ટ જ્ઞાન હોય છે, એ રીતે આને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે.’ પછી એમણે બાળકના પિતાને કહ્યું, ‘આ કોઈ સાધારણ બાળક નથી. તમે એને મારી પાસે છોડી દો.’ પિતાએ રજા આપી દીધી. આચાર્યે બાળકનું નામ ‘હસ્તામલક’ રાખ્યું અને તુરત એને સંન્યાસ-મંત્રથી દીક્ષિત કર્યો.
શ્રૃંગેરીમાં તોટકનું આગમન
જુદાં જુદાં નગરોમાં ભ્રમણ કરતાં કરતાં શંકર કર્ણાટકમાં તુંગભદ્રા નદીના કિનારા પર આવેલા શ્રૃંગેરી નગરમાં પધાર્યા. આ જ્ઞાન અને સાધનાની ભૂમિ હતી. આચાર્યે ત્યાં એક મઠની સ્થાપના કરવાનું નક્કી કર્યું. ધીરે ધીરે ત્યાં મંદિર અને મઠ તૈયાર થઈ ગયાં; આચાર્યે સ્વયં શ્રીયંત્રની સ્થાપના કરીને મંદિરનું પ્રતિષ્ઠા-કાર્ય પૂર્ણ કર્યું.
શ્રૃંગેરીમાં રહેતી વખતે ગિરિ નામનો એક બ્રાહ્મણ આચાર્યનો શિષ્ય બન્યો. ગિરિ વધારે ભણ્યો ન હતો, પરંતુ તે પહેલા દિવસથી જ એકનિષ્ઠ ભાવથી ગુરુસેવામાં મગ્ન રહેવા લાગ્યો. એક દિવસ ગિરિ નજીકની નદીમાં ગુરુદેવનાં કપડાં ધોઈ રહ્યો હતો. આ બાજુ આચાર્યનો ભણાવવાનો સમય થઈ ગયો. આચાર્યે શિષ્યોને ગિરિની રાહ જોવા માટે કહ્યું. થોડા સમય સુધી રાહ જોવા છતાં પણ ગિરિ પાછો ન આવ્યો એટલે પદ્મપાદે કહ્યું, ‘શું ગિરિ આપની શાસ્ત્ર-વ્યાખ્યા સમજી શકે છે?’ ‘તે સમજી નથી શકતો, પરંતુ ઘણી જ શ્રદ્ધા સાથે એકાગ્ર થઈને બધું સાંભળે છે.’ આ બાજુ ગિરિને અનુભવ થયો કે જાણે ગુરુદેવ એની તરફ પ્રસન્ન દૃષ્ટિથી જોઈને એને આશીર્વાદ આપી રહ્યા છે. એનું અંતઃકરણ એક દિવ્ય આનંદથી ભરાઈ ગયું. ભાવાવિષ્ટ બનીને એક કવિતાનું રટણ કરતાં કરતાં ગિરિએ ગુરુની નજીક જઈને એમની ચરણવંદના કરી. એ સમયે પણ એના મુખમાંથી તોટક છંદમાં રચેલ શ્લોક અવિરામ નીકળી રહ્યો હતો. અભણ ગિરિના મુખમાંથી ગંભીર અધ્યાત્મ-જ્ઞાનથી પૂર્ણ આ પ્રકારનો વિશુદ્ધ શ્લોક સાંભળીને બીજા શિષ્યો અવાક રહી ગયા. જો કે એણે તોટક છંદમાં આ સ્તોત્રની રચના કરી હતી માટે ગુરુદેવે સંન્યાસ-મંત્રથી દીક્ષિત કર્યા પછી એને ‘તોટકાચાર્ય’ નામ આપ્યું.
સનાતન વૈદિક ધર્મનો પ્રચાર કરતા શંકર શ્રૃંગેરીમાં ઘણાં વર્ષો સુધી રહ્યા. અહીં એમણે ‘વિવેકચૂડામણિ’, ‘અપરોક્ષાનુભૂતિ’ વગેરે અનેક અમૂલ્ય ગ્રંથોની રચના કરી.
Your Content Goes Here