માતા આર્યમ્બાનું મહાપ્રયાણ
શ્રૃંગેરીમાં રહેતી વખતે આચાર્ય શંકરને અનુભવ થયો કે એમની માતાનો અંતકાળ નજીકમાં જ છે અને તેઓ એમનું સ્મરણ કરી રહ્યાં છે. પોતાના શિષ્યોને ત્યાં જ રાખીને આચાર્ય આકાશમાર્ગે કેરળ પ્રદેશમાં માતાની પાસે પહોંચી ગયા. માતાની પાસે જઈને શંકરે એમને પ્રણામ કર્યા. માતાની પાસે એક વૃદ્ધ સેવિકા અને એક ગરીબ માણસ બેઠેલા હતા. મા પોતાના પુત્રને જોઈને અત્યંત પ્રસન્ન થઈ. શંકરે એમને કહ્યું, ‘મા, હું તમારી સેવા કરવાને માટે આવી ગયો છું. આપ શોક ત્યાગીને સ્વસ્થ બની જાઓ.’ માતાએ કહ્યું, ‘બેટા, તું મારા મહાપ્રયાણની તૈયારી કર. કુટુંબીઓએ મારી ઉપર અનેક અત્યાચારો કર્યા છે. આ વૃદ્ધા અને આ નિર્ધન પડોશી ન હોત તો ઘણા સમય પહેલાં મારું મૃત્યુ થઈ ગયું હોત. મારી અંતિમ ઇચ્છા છે કે મને મારા ઇષ્ટદેવનાં દર્શન થઈ જાય.’ આચાર્ય શંકર પોતાની માતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવાને માટે અત્યંત વ્યાકુળ થઈને વિષ્ણુના ચરણોમાં પ્રાર્થના કરવા લાગ્યા. એમની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ માતા આર્યમ્બાને દર્શન આપ્યાં. વિષ્ણુના દૂતોએ આવીને આચાર્યની માતાને વિષ્ણુલોકમાં લઈ ગયા.
શંકરે પોતાની માતાને વચન આપ્યું હતું કે તેઓ એમના અંતિમ સંસ્કાર કરશે. પરંતુ શાસ્ત્રના અનુસાર સંન્યાસીને અંતિમ ક્રિયા કરવાનો અધિકાર નથી, સ્થાનિક લોકો તથા શંકરના કુટુંબીઓએ આનો ઘણો વિરોધ કર્યો અને શંકરને કટુ શબ્દો સંભળાવવા લાગ્યા. કુટુંબીઓના આ જાતના ખરાબ વ્યવહારથી શંકરને ઘણું દુઃખ થયું. કોઈ બીજો ઉપાય ના જોઈને એમણે એ વૃદ્ધ સેવિકાની મદદથી થોડા લાકડાં ભેગા કરીને પોતાના આંગણામાં ચિતા ગોઠવી અને પોતે જ માતાનું શબ લઈ જઈને એના પર રાખ્યું. લાકડાંને ઘસીને આગ પેટાવી અને એનાથી જ માતાની અંતિમ ક્રિયા પૂરી થઈ. ક્રોધિત થઈને શંકરે સ્થાનિક લોકોને શ્રાપ આપ્યો, ‘આજ પછીથી કોઈ સંન્યાસી તમારા લોકોનાં ઘરે ભિક્ષા લેવાને માટે આવશે નહીં, અને તમારે પણ તમારાં મૃત શરીરોનો અગ્નિસંસ્કાર તમારા ઘરના આંગણામાં જ કરવો પડશે.’
બીજું ભ્રમણ
હવે આચાર્યના મનમાં સમગ્ર ભારતમાં ધર્મનું સંસ્થાપન કરવાની ભાવના જાગી ઊઠી. થોડા જ દિવસોમાં શ્રૃંગેરીથી અનેક શિષ્યો કેરળમાં એમની પાસે પહોંચી ગયા. આચાર્ય થોડાક દિવસો પછી પોતાના શિષ્યોની સાથે વૈદિક ધર્મનો પ્રચાર કરવા માટે દેશમાં ભ્રમણ કરવા માટે નીકળ્યા. સૌથી પ્રથમ આચાર્યે કેરળનાં અનેક સ્થાનોમાં જ ભ્રમણ કરીને મંદિરોનાં સંસ્કાર તથા શાસ્ત્રવ્યાખ્યા દ્વારા વેદાંતનો પ્રચાર કર્યો. થોડાક દિવસો તેઓ પ્રસિદ્ધ શૈવ તીર્થ મધ્યાર્જુનમાં રહ્યા. ત્યાં થોડા દિવસો રહીને એમણે જનતાને પરિતૃપ્ત કરી અને પછી રામેશ્વર તરફ આગળ વધ્યા.
રામેશ્વરમાં આચાર્યે રામેશ્વર શિવની પૂજા કરી અને કેટલાય દિવસો સુધી આ પ્રસિદ્ધ તીર્થોમાં નિવાસ કર્યો. પછી અનેક તીર્થોનાં દર્શન કરીને તેઓ વૈષ્ણવ પ્રધાન દેશ શ્રીરંગમ્માં આવ્યા. અહીં શ્રીમંદિરમાં પૂજા કરતા સમયે તેઓ એક દિવ્યભાવમાં ડૂબી ગયા. અહીંના કેટલાય વૈષ્ણવોએ આચાર્યનું શિષ્યત્વ ગ્રહણ કર્યું. શ્રીરંગમ્માં લગભગ એક મહિના સુધી રહ્યા પછી આચાર્ય કાંચીપુરમ્ આવ્યા. ત્યાંના રાજા નંદીવર્મને એમનો સ્વાગત-સત્કાર કર્યો. કાંચીપૂરમ્થી આચાર્ય આંધ્રપ્રદેશમાં ગયા અને ત્યાંનાં કેટલાંય તીર્થસ્થાનમાં ભ્રમણ કર્યું. આ પછી તેઓ જગન્નાથ ધામ—પુરી આવ્યા. જગન્નાથના મંદિરમાં એ સમયે કોઈ મૂર્તિ પ્રતિષ્ઠિત હતી નહીં. આચાર્યે દેવવિગ્રહને ફરીથી પ્રતિષ્ઠિત કરાવીને એમની પૂજાનો પ્રબંધ કરાવ્યો અને પછી ઉત્તર ભારત તરફ પ્રસ્થાન કર્યું. પ્રયાગમાં પહોંચીને આચાર્ય ત્રિવેણી-સંગમની પાસે જ રહેવા લાગ્યા. જુદા જુદા મતાવલંબીઓ આચાર્યની પાસે આવતા હતા. આચાર્યે એમને શાસ્ત્રાર્થમાં હરાવી દીધા.
અદ્વૈતવાદના મહિમાની પ્રતિષ્ઠા તથા વિભિન્ન મતવાદના સંસ્કાર-સાધન કરીને આચાર્ય શિવજીની નગરી વારાણસીની તરફ ચાલ્યા. રસ્તામાં બધે જ ઘણી બધી માત્રામાં લોકો એકઠા થઈ જતા. શંકરાચાર્ય શિષ્યો સહિત કાશીમાં આવ્યા છે, આ સમાચાર પ્રસારિત થવામાં વધારે સમય લાગ્યો નહીં. દરરોજ હજારો સ્ત્રી-પુરુષો એમનાં દર્શન કરવા માટે મણિકર્ણિકામાં એકઠાં થવા લાગ્યાં. અહીં પણ અનેક મતવાદીઓની સાથે આચાર્યનો શાસ્ત્રાર્થ થયો. વારાણસીને આધ્યાત્મિક ભાવમાં જાગ્રત કરીને આચાર્ય સૌરાષ્ટ્રવાસીઓના વિશેષ આગ્રહ પર શિષ્યોની સાથે એ તરફ ચાલવા લાગ્યા. ઉજ્જૈન નગરમાં આચાર્યે ત્યાંના પ્રસિદ્ધ મહાકાળના મંદિરમાં દેવદર્શન કર્યાં અને એક સુંદર સ્તોત્રની રચના કરીને મહાદેવની અર્ચના કરી. ત્યાંના પ્રસિદ્ધ ભાસ્કર પંડિત સાથે એમનો શાસ્ત્રાર્થ થયો, જેમાં આચાર્યનો જ વિજય થયો. પછી આચાર્ય ગિરનાર, સોમનાથ, પ્રભાસ વગેરે તીર્થનાં દર્શન કરીને દ્વારિકા પહોંચ્યા. ત્યાં એમનું ભવ્ય સ્વાગત થયું. થોડાક બીજા પ્રદેશોમાં ભ્રમણ કર્યા પછી આચાર્ય કાશ્મીર પધાર્યા.
Your Content Goes Here