(5 ફેબ્રુઆરી, 2023એ સ્વામી અદ્ભુતાનંદજીની તિથિપૂજા છે. આ પ્રસંગે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત ‘શ્રીશ્રી લાટુ મહારાજેર સ્મૃતિ-કથા’ નામક બંગાળી પુસ્તકમાંથી આ અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)
લાટુ મહારાજ શ્રીરામકૃષ્ણદેવના પ્રિય ગૃહસ્થ ભક્ત શ્રીરામચંદ્ર દત્તના ઘરે નોકર હતા. રામચંદ્ર લાટુ મહારાજ દ્વારા દક્ષિણેશ્વરમાં ઠાકુર માટે ફળ-મીઠાઈ વગેરે મોકલતા. આ રીતે લાટુ મહારાજ ઠાકુરના સંપર્કમાં આવ્યા હતા. ઠાકુર પ્રતિ એમના મનમાં શ્રદ્ધાનો ઉદય થયો હતો. તેઓ વિચારતા હતા કે ક્યારે તેમને ઠાકુરની સાથે રહેવાનો મોકો મળે. એક દિવસ રામબાબુએ ફળ-મીઠાઈ લઈ તેઓને દક્ષિણેશ્વર મોકલ્યા હતા. રસ્તો લાંબો હતો અને આવતાં આવતાં મોડું થઈ ગયું હતું.
ઠાકુરે સ્નેહપૂર્વક કહ્યું: “અરે! આટલી રાતે હવે ક્યાં કોલકાતા જઈશ? આજે અહીં જ રહી જા ને.” ઠાકુરનો આ આદેશ મેળવી લાટુ મહારાજ ખુશ થઈ ગયા હતા. આટલા દિવસે તેઓની આશા પૂરણ થઈ હતી. એ રાતે મંદિરનો પ્રસાદ ગ્રહણ કરી લાટુ મહારાજ ઠાકુરના પગ દબાવી રહ્યા હતા. ઠાકુરની સેવા કરતાં કરતાં લાટુ મહારાજ ભાવમગ્ન થઈ ગયા હતા. એ સમયે કેદારબાબુ નામક એક ભક્ત ઉપસ્થિત હતા. તેઓ આ પ્રસંગ વર્ણવે છે.
ઠાકુરે પૂછ્યું: “શું રે! નીંદર આવે છે કે શું?”
લાટુ મહારાજ: “ના, નીંદર નથી આવતી.”
ઠાકુર: “શું ડર લાગે છે?”
લાટુ મહારાજ: “ના, ડર નથી લાગતો.”
ઠાકુર: “શું મન ઉદ્વિગ્ન થઈ ગયું છે?”
લાટુ મહારાજ: “ના, મનમાં કશું થયું નથી.”
ઠાકુર: “તો તને આળસ આવે છે?”
લાટુ મહારાજ: “ના, મને આળસ નથી આવતી.”
ઠાકુર: “તો તારી આંખ કેમ આવી દેખાય છે?”
લાટુ મહારાજ: “મને શું ખબર.”
ઠાકુર: “અરે, તને શું થયું છે? તું કેમ આવી રીતે મારી સામે જોઈ રહ્યો છે?”
લાટુ મહારાજ હવે કશું બોલ્યા નહીં. થોડીક ક્ષણો બાદ જ તેઓનાં ચક્ષુમાંથી અશ્રુવર્ષણ થવા લાગ્યું. ઠાકુરે ફરીથી પૂછ્યું: “હાં રે! તું કેમ રડે છે? તને થયું છે શું? આવું તો ક્યારેય જોયું નથી, બાપુ! શું થયું છે, કહેને રે!”
ઠાકુરે કેદારબાબુને કહ્યું: “જુઓ છો તો, આ છોકરો ખાલી રડે છે, કશું બોલતો નથી.”
કેદારબાબુ: “આ તો તમારી જ લીલા છે. તમે આ છોકરામાં શક્તિસંચાર કર્યો છે. માટે જ તો એ ભાવમગ્ન થઈ ગયો છે.”
કેદારબાબુનું કહેવું હતું કે એ દિવસે જ ઠાકુરે લાટુ મહારાજને દીક્ષા આપી હતી. દેવમાનવ કેવી રીતે દીક્ષા આપે એ સમજવાની ક્ષમતા આપણામાં નથી. જેમણે દીક્ષા મેળવી છે એ જ કહી શકે. એ દિવસે ઠાકુરના સ્પર્શે લાટુ મહારાજ આનંદમાં વિભોર થઈ નિર્વાક, સ્તબ્ધ અને સ્થિરદૃષ્ટિસંપન્ન બન્યા હતા.
દીક્ષા વિશે લાટુ મહારાજે સ્વયં કહ્યું હતું: “ઠાકુર મારા મનની અવસ્થા સમજી શકતા. મને તેઓ વિભિન્નરૂપે મારી પરીક્ષા કરી લેતા. મારી ઉપર સ્નેહ-પ્રેમ વરસાવી દેતા. એમણે જ તો મારી આંખો ખોલી દીધી હતી.”
એક ભક્ત: “ઠાકુરે આપને શું બતાવ્યું હતું, મહારાજ?”
લાટુ મહારાજ: “અરે! એ શું મુખે કહી શકાય? આ બધી અનુભૂતિની વાતો; જ્યાં સુધી પોતે ના સમજે, ના જુએ, ના મેળવે, ત્યાં સુધી કોઈ સમજાવી શકે નહીં. ભગવાન શું માત્ર શબ્દોથી મળે? તેઓ તો છે અવાઙ્-મનસ-ગોચર. તેઓ શબ્દોની પારે અને મનની પારે છે. તેમને સમજવાનો એક માત્ર પથ છે—અનુભૂતિ.”
ભક્ત: “તે અનુભૂતિ કેવી, અમને કહો ને, મહારાજ.”
લાટુ મહારાજ: “અરે! ઠાકુરનું કથામૃત આટલું તો વાંચો છો, આટલું તો સાંભળો છો, છતાં તમે હોશમાં નથી આવતા, (અર્થાત્ સાંસારિક સુખનો ત્યાગ નથી થતો)! ઠાકુર કહેતા, ‘ખાંડનો સ્વાદ કેવો એ શબ્દોમાં વર્ણવી ન શકાય. આ ઈશ્વરતત્ત્વ પણ એવું જ છે, એને કહીને સમજાવી ન શકાય.’ (તેઓ હસતાં હસતાં આગળ કહે છે:) બાકી, માત્ર (ઠાકુરની વાતો) સાંભળીને શું મળશે? તેઓનાં (ઠાકુરનાં) દર્શન મેળવોને! તેઓનાં દર્શન ન મળે ત્યાં સુધી હાર માનશો નહીં. તેઓ સમયસર દર્શન આપશે જ.”
દીક્ષાના બીજા દિવસની સવારે પણ લાટુ મહારાજની દૃષ્ટિ ચંચળ બની નહીં. લાટુ મહારાજ મધ્યાહ્ન સુધી અચંચળ અપલક નેત્રે બેઠા રહ્યા. મંદિરમાં ભોગનો ઘંટ વાગી ગયો. ઠાકુરે આવીને બાળક લાટુને કહ્યું: “શું રે! બપોર પડી ગઈ, માને જોવા નથી જવાનું? (મા કાલીનાં દર્શન કરવા નથી જવાનું?) જા, માને મળી આવ. અહીંયાં આવ્યો છો તો માના મંદિરમાં પ્રણામ કરી આવ.”
આમ, ઠાકુરના સ્નેહપૂર્ણ વાર્તાલાપથી બાળક લાટુનો ઈશ્વરીય ભાવ શમી ગયો. નીંદરમાંથી હમણાં જ ઊઠ્યા હોય એમ તેઓ ધીર ગતિએ ચાલતાં ચાલતાં મંદિરના દરવાજે પહોંચ્યા અને મા (કાલી)ને પ્રણામ કરીને સ્નાનાદિ માટે ચાલ્યા ગયા.
દીક્ષા લીધા બાદ લાટુ મહારાજ ત્રણ દિવસ શ્રીરામકૃષ્ણદેવના સાન્નિધ્યમાં દક્ષિણેશ્વર કાલીમંદિરમાં રોકાયા હતા. ઠાકુર તેઓને નવરા બેસી રહેવા દેતા નહીં, તેમની પાસે નાનાં મોટાં કામ કરાવી લેતા. લાટુ મહારાજ ઠાકુર માટે ગંગામાંથી બાલટી ભરીને સ્નાનનું પાણી લાવતા, હુક્કામાં તમાકુ સજાવી દેતા, તથા ઠાકુરના ઓરડામાં કચરા-પોતું કરી દેતા. એક દિવસ તેઓ ઠાકુરની સાથે કાલીમંદિરની પાસે જ રહેલ યદુ મલ્લિક નામના ભક્તના ઉદ્યાનગૃહમાં જઈ ભગવત્ કથાનો પાઠ સાંભળીને આવ્યા હતા.
ત્રણ દિવસ બાદ ઠાકુરે લાટુને રામબાબુના ઘરે પાછા ફરવાનું કહ્યું. ઠાકુરે કહ્યું: “ઓ રે! રામ તો તારી રાહ જોઈ જોઈને ચિંતામાં પડી ગયો છે.”
લાટુએ ઉત્તર આપ્યો: “હું અહીં રહું છું તેનાથી રામબાબુ ગુસ્સે થતા નથી. એમનું ઘરકામ કરવા માટે એમણે તો એક બીજા નોકરને રાખી લીધો છે. હું હવે અહીં જ રહી જઈશ.”
ઠાકુરે કહ્યું: “એ શું રે! તું પગાર લઈશ રામનો, અને રહીશ અહીં? આવું તો ન ચાલે, બાપુ! મને તો એવી ખબર છે કે જેનો પગાર લઈએ એનું જ કામ કરવું જોઈએ. એવું તો ક્યારેય જાેયું નથી કે કોઈ પગાર લે એકની પાસેથી અને કામ કરે બીજાનું.”
આમ વાત ચાલતી હતી, એ સમયે રામબાબુ પત્ની સહિત ઠાકુરના ઓરડામાં ઉપસ્થિત થયા. ઠાકુર હસતાં હસતાં કહેવા લાગ્યા: “જો રે, રામ! આ છોકરો કેવો છે, બાપુ! જેટલો કહું કે ઘરે જા, એ લોકો તારી ચિંતા કરે છે, એટલો એ ફીક ફીક કરીને હસ્યા કરે છે, અને કહે છે: ‘અહીં રહેવાથી રામબાબુ ગુસ્સે નહીં થાય. અહીંથી ચાલ્યા જવાની વાત સાંભળીને મારા મનમાં શું કંઈ થાય છે (મન હતાશ થઈ જાય છે)! હું નહીં જાઉં.’ કેટલુંય કહ્યું કે કોલકાતા જા, કોઈ પણ રીતે અહીંથી હલતો નથી! આ શું, બાપુ! કામ-ધામ છોડી અહીં કેમ પડી રહ્યો છે? થઈ શકે તો તું જ એને સમજાવ.”
ઠાકુરની વાત સાંભળીને પરમભક્ત રામબાબુ બધું જ સમજી ગયા. બાળકે ઠાકુરની કૃપા મેળવી છે, એ વિશે હવે તેમને કોઈ સંદેહ રહ્યો નહીં. તેઓ કૃત્રિમ ગુસ્સો કરીને લાટુને સમજાવવા લાગ્યા: “હાં રે! અહીં શું કામ પડ્યો રહ્યો છે, કહે તો? ઘરે પાછા આવવું નથી?”
લાટુ ચુપચાપ ઊભો રહ્યો, એણે પ્રશ્નનો કશો ઉત્તર આપ્યો નહીં. બીજી જ ક્ષણે રામબાબુએ ઠાકુરને પ્રાર્થના કરી: “સ્નેહ કરી કરીને તો છોકરાનું માથું બગાડ્યું, હવે મને કેમ વિડંબનામાં નાખો છો?”
ઠાકુરે સસ્મિત વદને કહ્યું: “કયા પ્રકારનું મધ ખાઈને છોકરો અહીં પડી રહેવા માગે છે, કહે તો, રામ! મને તો કાંઈ સમજાતું નથી.”
ભગવાન ભક્તની પાસે જાણવા માગે છે કે ભક્ત શું કામ ભગવાનને ત્યજીને રહી શકતો નથી. ભગવાન કેમ આમ પૂછે છે, આ રહસ્યની મીમાંસા કોણ કરશે? લાટુ મહારાજ રામબાબુની પત્નીને ‘મા’ કહીને બોલાવતા. તેઓ તેમની સાથે ઘરે પાછા ફર્યા. ઘરે આવ્યા બાદ માએ તેમને કેટલાય સમજાવ્યા, પરંતુ તેઓ ગોળ ફેરવીને એક જ વાત કહેતા: “હું હવે નોકરી કરીશ નહીં. હું હવે તમારો પગાર લઈશ નહીં. તમે (રામ) બાબુને કહેજો કે હવે હું ત્યાં (દક્ષિણેશ્વર) જ રહીશ.”
મા જેટલું કહેતાં, “કેમ રે! તને અહીં રહેતાં શેનું કષ્ટ થાય છે?” એટલા જ લાટુ મહારાજ જીદ કરીને કહેતા, “ત્યાં રહેવાનું મને ગમે છે.”
માએ કહ્યું: “ત્યાં તને કોણ ખવડાવશે? તને વસ્ત્ર વગેરે કોણ આપશે?”
લાટુ: “કેમ, હું એમની (ઠાકુરની) સેવા કરીશ, મંદિરનો પ્રસાદ ખાઈશ, અને તમે મને વસ્ત્ર વગેરે આપશો.”
મા: “બાબુ તને આપવા માટે રાજી શું કામ થશે?”
લાટુ: “મને આટલો સ્નેહ કરે છે, તો મને એક વસ્ત્ર પણ નહીં આપે?”
લાટુની બાળક-બુદ્ધિ જોઈને મા હસી પડ્યાં.
One Comment
Leave A Comment
Your Content Goes Here
Jythakur jyma jyswamiji Maharaj pranam wah Wah latu Maharaj dhanya chho tme thakurbhagvan no ktlo prem ketli Krupa tme amne saune aashirvad aapjo daylu thakur sau pr Krupa kre koti koti pranam Maharaj