વૈદ્યનાથ મહાદેવનું નામ ઘણું સાંભળ્યું હતું અને ‘નર્મદા પરિક્રમા-માર્ગદર્શક’ પુસ્તકમાં ત્યાં આવેલા અન્નક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો. બપોરનો સમય થતો આવતો હતો, એટલે ભોજનપ્રસાદની મોટી આશાએ ત્યાં પહોંચ્યા પણ હિન્દીમાં કહેવત છે— ‘દાને દાને પે લિખા હૈ, ખાનેવાલે કા નામ.’ પરંતુ અમારા નસીબમાં ત્યાંના દાણા નહીં હોય! નિરાશાજનક ઉત્તરથી નિરુપાયે પરિક્રમામાં નર્મદા નદીના તટ પાસેની પગદંડીના રસ્તા તરફ આગળ વધ્યા. હંમેશાં સૌથી આગળ ચાલતા ત્યાગીજી આજે પાછળ રહી જતા હતા, કારણ કે ગઈ કાલે તેમનાથી એટલું બધું દૂધ પીવાઈ ગયું હતું કે આજે તબિયત લથડી ગઈ હતી.

અહીં કુંભેશ્વર મહાતીર્થ છે, જેને નાની-મોટી પનોતી પણ કહે છે. દોઢસો વર્ષ પહેલાં કોઈ રાણીએ નર્મદા કિનારે બહુ મોટો પાક્કો અને મજબૂત ઘાટ બંધાવ્યો હતો. પાક્કા ઘાટનાં પગથિયાં ચઢ્યા કે ડાબી બાજુએ નર્મદા મંદિર હતું, ત્યાં વિષ્ણુપંત નામના મહાત્માએ વર્ષો પહેલાં તપ કર્યું હતું, અને આ મંદિરની સ્થાપના કરી હતી.

બપોરનો લગભગ એક વાગી ગયો હતો. ઘાટ ચઢીને થોડું ચાલીને આગળ ગયા, ત્યાં એક ઘરમાંથી દંપતીએ પરિક્રમાવાસી બે મૂર્તિને જોઈને ભોજન અંગેની પૂછપરછ કરી. બંનેએ ખૂબ જ પ્રેમથી કહ્યું, ‘બાબાજી, આપ પાસેના મંદિરમાં થોડો વિશ્રામ કરો, હમણાં જ આપ બંને મહારાજજી માટે ભોજન તૈયાર થઈ જશે.’ થોડો વિશ્રામ કરી, તેમના ઘરે ભોજનપ્રસાદ માટે ગયા. તેમના ઘરના મંદિરમાં દત્ત ભગવાન અને ઠાકુર-મા-સ્વામીજીની છબીઓ હતી! તેઓ મરાઠી દંપતી હતાં અને ઠાકુર-મા-સ્વામીજીનાં પુસ્તકો પણ ઘણાં વાંચેલાં હતાં. સુંદર-સ્વાદિષ્ટ ભોજનપ્રસાદ ગ્રહણ કરી નર્મદામૈયામાં થાળી ધોઈ આવ્યા. અહીં થોડે દૂર કુંભેશ્વર, માર્કંડેશ્વર, રામેશ્વર, લક્ષ્મણેશ્વર, મેઘેશ્વર વગેરે તીર્થ આવેલાં છે. અહીં આસપાસમાં નાની નાની આશ્રમ-કુટિયા હતી. અહીં સાંજે રામાનંદ સંત-આશ્રમમાં ચાતુર્માસ કરી રહેલા ઇન્દોરના અખિલેશગિરી (જે ચાતુર્માસ દરમિયાન ૨૧ નં.ની સંન્યાસીની કુટિયા પછીની ૨૪ નં. ની કુટિયામાં રહેતા હતા.) અને તેના મિત્ર ક્યાંકથી સાઇકલની વ્યવસ્થા કરીને આવ્યા. કાલે બપોરે નાના ભંડારા જેવું કરશે. અહીં આસપાસનાં કેટલાંય તીર્થમંદિરોનાં દર્શન કરી, અખિલેશગિરીના બીજા પરિચિત મહાત્માની સાથે નર્મદા નદી તરફ ઊંચાઈ પર આવેલ એક નાના આશ્રમમાં આસન લગાવાયાં. સાંજનો સમય આસપાસ સુંદર બગીચો, ઊંચાઈવાળી જગ્યા. એક બાજુ પોઈચા સ્વામિનારાયણ મંદિરનાં શિખરો અને બીજી તરફ દૂર દૂર સુધી શ્રીશ્રી નર્મદામૈયાનાં અપૂર્વ દર્શન થતાં હતાં. આજે પૂર્ણિમા ચંદ્ર દાદા ચારે તરફ ઉજ્જ્વલ ધવલ અમૃતવર્ષા કરતા હતા. લગભગ સાત-આઠ કિ.મી.ના નર્મદામૈયાના લાંબા અપૂર્વ પટ પર શશિ રશ્મિ શોભાયમાન થતી હતી. જાણે કોઈ કાલ્પનિક દિવ્યલોકમાં આવી ગયા! શાંત, શીતળ, સ્નિગ્ધ, સ્તબ્ધ-મૌન વાતાવરણ જાણે કેટલોય ઉપદેશ-અનુભવ કરાવે છે! ઠંડી વધતી જતી હતી, તેથી નાછૂટકે ઓરડામાં પોતાના અતિ સામાન્ય બિસ્તર પર જઈ નિદ્રાધીન થયા.

સવારે નિત્યક્રમ પૂર્ણ કરીને ફરી શ્રીશ્રીમાનાં દર્શનાર્થે પહોંચી ગયા. જેમ ભગવતીનાં કોઈ મોટા મંદિરમાં શ્રીમા (પાર્વતી)ના અલગ અલગ સમયના અનોખા રૂપ-શૃંગાર હોય, તેમ અહીં પણ શ્રીશ્રી નર્મદામૈયાને અલગ અલગ સમયે પ્રકૃતિમૈયા મધુર, પવિત્ર, રમણીય, આહ્‌લાદક શૃંગાર સજાવે છે. બાળ સૂર્યનારાયણની હાજરીમાં શ્રીશ્રી નર્મદામૈયાનાં એક અલગ અદ્‌ભુત દર્શન! આશ્રમના મહાત્મા અને રામાનંદ સંત આશ્રમથી આવેલ બે મહાત્માઓએ બપોરે ભોજનપ્રસાદ બનાવ્યો; લગભગ ભંડારા જેવું થઈ ગયું! ત્યાગીજી થોડો અણગમો વ્યક્ત કરતા હતા, વાસ્તવમાં તેઓ અસ્વસ્થ હતા. આજે ૨૭-૦૯-૨૦૧૫ ને મંગળવાર બપોરે થોડો વિશ્રામ કરી ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમામાં આગળ વધ્યા. પાંચ કિ.મી. દૂર કઠોરા ગામ પાસે નર્મદા તટે કાંચનવન આશ્રમ (દિલ્હીવાળા મહારાજનો) આવેલ છે. પાસે જ હનુમંતેશ્વર તીર્થ અને મોરલી સંગમ આવેલ છે. (આનો મહિમા અવશ્ય વાંચવો.) આશ્રમની સ્વચ્છતા, પવિત્રતા અને શાંતિ આંખે વળગતી હતી. અમે રૂમમાં આસન લગાવવા માટે વિનંતી કરી પણ અમને આશ્રમના રસોઇયાએ બહાર ઓસરીમાં જ આસન લગાવવાનું કહ્યું અને આશ્રમના નિયમ પ્રમાણે મૂત્રવિસર્જન પછી હાથ-પગ સંપૂર્ણપણે પાણીથી ધોવા અને શૌચ પછી ફરજિયાત સ્નાન કરવાનું, મૌન રહેવાનું, વગેરે નિયમો કહી દીધા. આશ્રમનું વાતાવરણ અતિ શાંત, દિવ્ય, સ્વચ્છતાપૂર્ણ અને પ્રશંસનીય હતું. આશ્રમના મહંત બ્રહ્મચારી મહારાજનાં આરતી વખતે પહેલા માળે, તેના રૂમની બહારના તેના વ્યક્તિગત મંદિરમાં દૂરથી દર્શન થયાં. સાધકોએ આ આશ્રમની એક વાર જરૂર મુલાકાત લેવી જોઈએ.

Total Views: 823

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.