(વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૧૯૩૩થી દર વર્ષે કેન્સર જેવા જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવા ૪થી ફેબ્રુઆરીએ ‘વિશ્વ કેન્સર દિવસ’ ઉજવવામાં આવે છે. આ રોગ બાબતે લોકોમાં ઘણી જ ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ‘કેન્સર એટલે કેન્સલ નહીં.’ યોગ્ય સારવાર, હકારાત્મક વિચારસરણી અને ઇષ્ટદેવ પ્રત્યેની અડગ આસ્થા તથા તેમાંથી પ્રાપ્ત થતાં મજબૂત મનોબળના સહારે કેન્સરનો જંગ પણ જીતી શકાય છે. આ જ વિષયને ઉજાગર કરતી શ્રીરામકૃષ્ણદેવના એક ભક્તની સંઘર્ષપૂર્ણ સ્વાનુભૂતિ ‘વિશ્વ કેન્સર દિવસ’ નિમિત્તે અહીં પ્રસ્તુત છે. – સં.)
પશુ-પંખી-માનવી બધાં જ જન્મીને જીવે છે, પરંતુ મનુષ્યનું મનુષ્યત્વ માત્ર જીવવામાં જ સમાઈ જતું નથી. જીવનનો કંઈક હેતુ છે અને જગતમાં માનવી જન્મે છે, તે આ હેતુ સિદ્ધ કરવા તથા માનવી મટી કંઈક વિશેષ થવા; પણ આવી સમજ પ્રત્યેક મનુષ્યમાં ઊગતી નથી. જીવનમાં કંઈ આઘાત લાગે, કોઈ ભારે દુ:ખ આવી પડે કે કોઈ સંતપુરુષ સાથે અથડાઈ જવાય ત્યારે આવી જીવન-પ્રેરણા પ્રાપ્ત થાય છે.
યુગનાયક સ્વામી વિવેકાનંદે (નરેને) પણ ઠાકુર શ્રીરામકૃષ્ણદેવને એક વાર કહેલું, ‘હું વિપદને સંપદ જાણીશ.’ વિપત્તિ-દુ:ખમાં જ પ્રભુનું સ્મરણ થાય છે. દુ:ખમાં જ જીવને પરમાત્માના શરણે જવાની ઇચ્છા થાય છે. જે દુ:ખમાં ઈશ્વરનું સ્મરણ થાય છે, એ જ તો ‘સાચું સુખ’ કહેવાય. શ્રીકૃષ્ણ જ્યારે દ્વારિકા જઈ રહ્યા હતા ત્યારે માતા કુંતીએ એમની પાસે માગ્યું કે હે જગતના ગુરુ! અમારાં જીવનમાં ડગલે ને પગલે સદા વિપત્તિઓ આવતી રહે, જેથી નારાયણનું સ્મરણ થાય.
આધ્યાત્મિક વાતાવરણમાં મારો ઉછેર થયો હોવાથી બાળપણથી જ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય-વાંચનનો લાભ પ્રાપ્ત થયો. જૂનાગઢના ‘વિવેકાનંદ કેન્દ્ર’ની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે હું જોડાયેલો હોવાથી શિક્ષણ જેવા ઉમદા (most noble) વ્યવસાયમાં જ કારકિર્દી બનાવવાનાં સપનાં સેવતો હતો. આથી એમ.એ. બી.એડ.ની ડીગ્રી ખૂબ સારા ગુણાંક સાથે પ્રાપ્ત કરી અને અમદાવાદની એક નામાંકિત શૈક્ષણિક સંસ્થામાં ઉત્સાહભેર પ્રવેશ કર્યો, ત્યારે થોડા જ સમયમાં આ ક્ષેત્રની વરવી વાસ્તવિકતાનો સાક્ષાત્કાર થયો, જ્યાં મારાં આદર્શ-મૂલ્યો માત્ર એક મજાક બનીને રહી ગયાં. મારા પિતાજી એક આદર્શ ગાંધીવાદી શિક્ષક તથા સમાજસેવક હોવાથી ઘરમાં આર્થિક તંગી મોં ફાડીને બેઠી હતી. પરિવારના સભ્યો પણ મારા ભણતર પાછળ થયેલ ખર્ચ-રોકાણનું યોગ્ય વળતર મળવાની આશ માંડીને બેઠા હતા. આદર્શ અને વાસ્તવિકતા વચ્ચે મારા મનરૂપી કુરુક્ષેત્રમાં એક પ્રચંડ યુદ્ધ ખેલાઈ રહ્યું હતું. અંતે ઘરના સભ્યોના અતિ આગ્રહવશ અમદાવાદની એક પ્રતિષ્ઠિત કોર્પોરેટ (સ્ટર્લિંગ) હોસ્પિટલમાં નોકરી કરવા મજબૂર બન્યો. આર્થિક સ્થિતિ સામે આત્મ-સંતોષ (job-satisfaction) નો અર્થ બહુ પાછળ છૂટી ગયો.
પણ ક્યાં ખબર હતી કે આથી પણ આકરી ‘અગ્નિ-પરિક્ષા’ હજુ મારી રાહ જુએ છે! હોસ્પિટલના રૂટિન ચેક-અપ દરમિયાન કેન્સરનું નિદાન થયું. હવે હું પણ લડી લેવા તૈયાર હતો. આ અનિશ્ચિત જીવનમાં કોઈ વસ્તુ તો નિશ્ચિત થઈ! ચાલો, મરણને એક કારણ મળ્યું. જેને જિંદગીએ માર્યા હોય, તેને મૃત્યુનો શો ભય?
બાળપણમાં વાંચેલાં સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો તથા શક્તિદાયી વિચારો આ મુશ્કેલીમાં દીવાદાંડી રૂપ બની રહ્યાં. જ્યારે પણ જીવનમાં મુશ્કેલીઓનાં કાળાં વાદળાં ઘેરાયાં હોય, કઈ દિશામાં જવું તેની કોઈ સૂઝ ન પડતી હોય, ત્યારે સ્વામીજીના વિચારો આપણું ચોક્કસ માર્ગદર્શન કરે છે. આ મારો અંગત અનુભવ છે. ગુરુદેવ ઠાકુર શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી તથા સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજશ્રીના પ્રેરણાથી મેં રાજકોટમાં શ્રીમત્ સ્વામી ગીતાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા ગ્રહણ કરી હતી, પરંતુ ત્યારે મંત્રદીક્ષાનું કોઈ વિશેષ માહાત્મ્ય સમજી શક્યો નહોતો. ‘ગુરુમંત્ર’માં કેટલી શક્તિ રહેલી છે તેની અનુભૂતિ મને મારી આ માંદગી દરમિયાન થઈ. કીમોથેરાપીની દવાની ગરમી અને એપ્રિલ-મે માસની સિવિલ હોસ્પિટલના પંખામાંથી હવાને બદલે વરસતી આગની ગરમી વચ્ચે ગુરુમંત્ર પરના અતૂટ વિશ્વાસના બળે જીવંત હતો. દવાના આકરા ડોઝ માથાના વાળને બાળી શક્યા, પરંતુ શ્રીરામકૃષ્ણદેવ પરની આસ્થાના પહાડને ઓગાળી શક્યા નહિ!
ઈશ્વર ઘણી વાર થપ્પડ મારીને આપણી પર કૃપા વરસાવે છે. કુદરતે આપણા માટે શું યોજના બનાવી છે, તેનો તાગ મેળવવો ક્યાં સહેલો છે! જીવનમાં આવતી નાની-મોટી નિષ્ફળતાઓથી હતાશ-નિરાશ થઈને વિષાદ-શોકની ઊંડી ગર્તા ભણી ધકેલાઈ જતાં યુવા ભાઈ-બહેનોને ખાસ કહેવાનું કે આપત્તિ-મુશ્કેલીઓ તો ‘પ્રભુનો પ્રસાદ’ છે. આપણી ચેતનાને જાગૃત કરવાનું માધ્યમ છે. દુ:ખ-મુશ્કેલીઓ સાથેની મિત્રતા આપણને આખરે આ જીવનનું પરમ ધ્યેય શું છે, તેના પર વિચારવા જરૂર મજબૂર કરશે. જીવનમાં આવેલી આ વિપત્તિએ મને મારા ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવનાં ચરણમાં શરણ પ્રાપ્ત કરવાનો અધિકારી બનાવ્યો. નિષ્ફળતા-દુ:ખ-પીડાએ મને મારા જીવનના પરમ ધ્યેયને પામવા ભણી ગતિ કરવામાં ખૂબ સહાય કરી છે. કુદરતનો સંકેત મને સમજાવવા માટે… thank you, cancer……..
14 Comments
Leave A Comment
Your Content Goes Here
ખુબ સરસ હિતેષભાઈ,
આપશ્રી સ્વાસ્થ્ય વિજયી થયા તે બદલ ખુબખુબ અભિનંદન..
સ્વામી વિવેકાનંદના વિચારો કેટલા સકારાત્મક અને પ્રેરણાદાયી છે, જીવનમાં આવતી નિષ્ફળતા-દુ:ખ-પીડા જેવી વિપતીઓને સકારાત્મક પરિવર્તીત કરીએ તો પરમ ધ્યેયને પામી શકીએ તે આપશ્રીના જીવનપ્રસંગ પરથી સમજી શકાય છે.
આપનો ધન્યવાદ..
શ્રી હિતેષભાઈ દિવ્ય સાધક,પરમાર્થી સેવકભક્ત,લાગણીશીલ વ્યક્તિત્વ,સહજ તા એ એમની ઓળખ,પૂ.ઠાકુરજી,પૂ.મા,પૂ.સ્વામીજી પર અપાર શ્રદ્ધાનાં આશીર્વાદ સાથે દ્રઢમનોબળથી ભક્તિથી જ કેન્સર જેવા મહાવ્યાધીને મહાત કરી સેવાને માટે સમર્થ બની સામર્થ્યવાન શક્તિ પ્રાપ્ત કરેલ છે.આ શકિતની આરાધના પૂ.શ્રીનિખીલેશ્વરાનંદજીની પ્રેરણા અને આશીર્વાદ છે.
જય ઠાકુર 🙏🏻, તમારો પ્રસંગ ખૂબ પ્રેરણાદાયી છે. તમે કેન્સર જેવી બીમારી ને હરાવી છે તેવી રીતે જીવન માં બધી અડચણો ને પાર પાડી વિજયી બની ને પ્રભુ ભક્તિ , સમાજસેવા કરી હમેંશા શ્રી ઠાકુર ને રાજી રાખી શકો એવી શ્રી ઠાકુર ના ચરણો માં પ્રાર્થના 🙏🏻
વેદના ને અવસર માં ફેરવતો ખૂબ પ્રેરણાદાયી લેખ આપવા બદલ ખૂબ ખૂબ આભાર
Tarari vat hu mara fd ne કહુ છું જેરે તે ટેન્શન માં હોય તેરે તે પોસ્ટિવ થાય જાય છે.
Right 👍
આવી દુઃખ ભરી ઘટનામાં પણ તમે સહજ પણે આવી રીતે બહાર આવ્યા તે ભગવાન ની કુર્પા જ કહેવાય.
હિતેશભાઈ તમને જોઈ ને એવું લાગે નહીં કે તમે આવી કપરી પરિસ્થિતિ માંથી બહાર આવ્યા હશો.
Beautiful 🙏🏻, after reading this story my devotion and faith toward Shri Ramakrishna and gurumantra increased manyfold. Thank you
Jay Thakur.
આવી દુઃખ ભરી ઘટનામાં પણ તમે સહજ પણે આવી રીતે બહાર આવ્યા તે ભગવાન ની કુર્પા જ કહેવાય.
Happy to have you my Brother. Jay Thakur.
હિતેશભાઈ અમોના ખુબજ પ્રિય છે અને હમેશા એમની પાસેથી પ્રેરણાદાયી વાતો પર સત્સંગ થયા કરતો હોય છે.
એમની આ કેન્સર સામે વ્યક્તિગત લડાય એમનાજ મુખે અમને જાણવા મળી છે.
એમણે જુજવાનું તો રહ્યું જ, પણ સૌથી મહત્વપૂર્ણ અને વાચકો માટે એ છે, કે એ પોતે પૂરી રીતે ઇશ્વરને શરણાગત થઈ ગયા હતા. અને આપડે સૌ જાણીએ જ છીએ કે જે કોઈ ઈશ્વરના શરણે ગયા છે, એમનું કલ્યાણ નિશ્ચિત રૂપે થયું જ છે.
ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવ ની કૃપા સદાય આપને અને સહુને ફળજો 🙏🏻
ખુબ સરસ. ઇશ્વર પ્રતિ શ્રદ્ધા કોઈ પણ પરિસ્થિતિનો મુકાબલો કરવાની શક્તિ પ્રેરી જ રહે છે. મકરન્દ દવેની એક રચનાની પંક્તિઓ છે: આઘાતે ભાંગે છે કોઈ અહીં ભોગળો ને આંસુડે વાવે છે અમરવેલ, જાગીને જોઉં તો કોઈ નથી એટલું.રવિન્દ્રનાથ ઠાકુર એને કઠોર કૃપા કહે છે. કેન્સરની સારવાર પછી તમે કેવી રીતે સ્વસ્થતા પ્રાપ્ત કરી એ જાણવાની ઉત્સુકતા જો કે લેખ વાંચ્યા પછી રહે છે.
Very inspirational