આજના યુગમાં આપણી ભારતીય મહિલાઓ લગભગ બધાં જ ક્ષેત્રોમાં પુરુષ સમોવડી થઈને કાર્ય કરી રહી છે. વૈદિક અને પૌરાણિક યુગમાં ગાર્ગી, મૈત્રેયી, સીતા, સાવિત્રી બધી વિદુષી નારીઓ હતી જ પણ ત્યાર પછીના સમયમાં નારીઓની શક્તિનું દમન કરવામાં આવ્યું. આપણે જાણીએ છીએ કે આ નારીશક્તિના પુન:જાગરણ માટે જ મા શારદાદેવીનો આવિર્ભાવ થયેલો. તેમણે પોતાનાં જીવન અને ઉપદેશ દ્વારા આ શક્તિનું જાગરણ કર્યું. સ્વામી વિવેકાનંદજીએ પણ કહેલું કે, ‘નારીઓની શક્તિઓનું વર્ષો સુધી દમન કરવામાં આવ્યું છે, તેથી હવે પછીનો આવનારો યુગ નારીશક્તિનો જ હશે.’ આપણે જોઈએ છીએ કે સ્વામીજીની આ ભવિષ્યવાણી આજે શબ્દશ: સાચી પડી રહી છે. આ યુગની નારીઓનું અધ્યાત્મ, રાજનીતિ, વિજ્ઞાન, શિલ્પકલા, સાહિત્ય વગેરે બધાં જ ક્ષેત્રોમાં આશ્ચર્યજનક જાગરણ થયું છે અને અવિરત થતું જ રહેશે; આ દૈવીશક્તિનો ખેલ છે.

પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓનું યોગદાન ૧૬.૬ ટકા જ છે. આથી આ ક્ષેત્રમાં બહેનોને પ્રોત્સાહિત કરવા માટે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશને (યુનેસ્કો) ૧૧મી ફેબ્રુઆરીને ‘ઇન્ટરનેશનલ ડે ઓફ વીમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ’ જાહેર કરેલ છે, જેથી કરીને વધુ પ્રમાણમાં મહિલાઓ વિજ્ઞાનના ક્ષેત્રમાં પદાર્પણ કરે. તો ચાલો, આપણે ભારતીય નારીઓએ કેવા સંઘર્ષો અને અવરોધો સામે અણનમ રહીને દેશને ગૌરવ પ્રદાન કર્યું છે એ વિશે જાણીએ.

જ્યારે પણ વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રગતિ અંગે ચર્ચા થાય ત્યારે સૌ પ્રથમ આનંદીબાઈ ગોપાલરાવ જોશી (૧૮૬૫-૧૮૮૭) નું નામ જરૂર યાદ આવે. તેઓ ભારતનાં પ્રથમ મહિલા ચિકિત્સક હતાં. તેમનો જન્મ ૧૮૬૫માં મહારાષ્ટ્ર રાજ્યના કલ્યાણ ખાતે થયો હતો. એ સમયમાં બાળલગ્નની પ્રથા હતી. ૧૪ વર્ષની કુમળી વયે તો તેઓ એક પુત્રનાં માતા બની ગયાં હતાં! યોગ્ય દવાના અભાવે તેમના પુત્રનું મૃત્યુ થયું. પરંતુ તેમણે પુત્રશોકમાં આંસુ સારવાને બદલે દવા પર જ સંશોધન કરવાનો દૃઢ નિશ્ચય કર્યો! આ કાર્યમાં તેમના પતિનો પણ ખૂબ સાથ-સહકાર મળ્યો. તેમના પતિએ જ તેમને વિદેશમાં અભ્યાસ અર્થે જવાની પ્રેરણા આપી! આનંદીબાઈએ પેન્સિલવેનિયાની મહિલા કોલેજમાં અભ્યાસ કર્યો. પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે પણ અડગ રહીને પ્રથમ મહિલા ચિકિત્સક બન્યાં. ત્યાર પછી સ્વદેશ આવીને તેમણે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. ભારતમાં મહિલા તબીબોની જરૂરિયાત બાબતે લોકોને જાગૃત કર્યા. વિદેશના ઠંડા વાતાવરણ અને અપરિચિત આહારને કારણે તેઓ ક્ષય રોગમાં સપડાયાં અને માત્ર ૨૨ વર્ષની નાની વયે તેમનું અવસાન થયું. એ સમયમાં માત્ર ૧૯ વર્ષની ઉંમરે એક મહિલા માટે વિદેશમાં અભ્યાસ કરવા જવું તે ખરેખર અત્યંત સાહસભર્યું પગલું હતું. તબીબી ક્ષેત્રે શિક્ષણ મેળવતી બહેનોને પ્રોત્સાહિત કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આનંદીબાઈ જોષીના નામે ફેલોશિપ શરૂ કરવામાં આવી છે.

એવાં જ એક અન્ય નારીરત્ન કમલા સોહની પ્રથમ મહિલા હતાં, જેમણે વિજ્ઞાન ક્ષેત્રે Ph.D. ની પદવી હાંસલ કરી હતી, પરંતુ આ ઉપાધિ પ્રાપ્ત કરવા માટે તેમણે અનેક મુશ્કેલીઓનો દૃઢતાપૂર્વક સામનો કર્યો હતો. તેઓએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISC) માં ફેલોશિપ મેળવવા માટે અરજી કરી તો તેમની અરજી એકમાત્ર કારણથી રદ્દ કરવામાં આવી કે તેઓ એક મહિલા હતાં! છતાં પણ તેમણે હિંમત ન હારી, પરંતુ તેમની સાથે થયેલા અન્યાય સામે તેઓ લડ્યાં. જેમણે તેમની અરજી રદ્દ કરેલી તે ભારતના વૈજ્ઞાનિક સી. વી. રામનના કાર્યાલયની બહાર બેસી રહીને સત્યાગ્રહ કર્યો! આમ, સી.વી. રામને કેટલીક શરતો સાથે તેમની અરજી મંજૂર કરી. તો આ બધા અવરોધોને પાર કરીને તેઓએ Ph.D. ની પદવી મેળવી. તેમણે શોધી કાઢ્યું કે છોડની દરેક પેશીમાં ‘cytochrome C’ નામનું એન્ઝાઇમ જોવા મળે છે. આ ઉપરાંત, નીરા નામનું પીણું બનાવવા બદલ તેમને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. આ પીણું બાળકો માટેનું મહત્ત્વનું ભોજન છે.

જાનકી અમ્મલ (૧૮૯૭-૧૯૮૪) પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતાં, જેમણે ૧૯૭૭માં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કર્યો. જે સમયમાં સ્ત્રીઓ માટે ઘરની ચાર દીવાલો બહાર નીકળવું પણ કઠિન હતું, ત્યારે તેમણે અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મેળવી અને યુનિવર્સિટી ઓફ મિશિગનમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. તેઓ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાનાં ડાયરેક્ટર જનરલ હતાં. તેઓએ વનસ્પતિશાસ્ત્ર વિષય પસંદ કર્યો , જે સામાન્ય રીતે બહેનોની પસંદગી હોતી નથી. તેમણે મુખ્યત્વે શેરડી અને રીંગણ પર સંશોધન કર્યું.

અવકાશ વિજ્ઞાનમાં પણ ભારતીય મહિલાઓ પાછળ નથી. સ્પેસ ટેલિસ્કોપ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનાં ખગોળશાસ્ત્રી નિમિષાકુમારી ટેલિસ્કોપના પ્રદર્શનની દેખરેખ રાખી રહ્યાં છે. તેઓ સાત વર્ષનાં હતાં ત્યારે તેમને અભ્યાસ માટે વાંચવાનાં પુસ્તકો પણ પ્રાપ્ત ન થતાં, એ પીડાએ તેઓને વિચારતાં કરી મૂક્યાં. ખંતપૂર્વક અભ્યાસ કરીને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા માટે તેઓ ફ્રાંસ ગયાં અને એસ્ટ્રો- ફિઝિક્સમાં અનુસ્નાતકની પદવી મેળવી અને ગેલેક્સી (આકાશગંગા) ની રચના પર ઇંગ્લેન્ડમાં પી.એચ.ડી. કર્યું.

આમ, વિજ્ઞાન જેવાં  ક્ષેત્રોમાં જ્યાં પહેલાં માત્ર પુરુષોનો જ એકાધિકાર હતો, ત્યાં હવે આજની મહિલાઓ પણ કાર્યક્ષેત્રે અનેક સંઘર્ષો સામે લડીને તથા ઘર-પરિવારની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક અદા કરતાં કરતાં આગેકૂચ કરી રહી છે.

Total Views: 790

2 Comments

  1. Kamlesh Nakrani February 11, 2023 at 5:14 am - Reply

    ખુબ સરસ..
    આનંદીબાઈ ગોપાલરાવ માત્ર ૧૯ વર્ષની ઉંમરે એક મહિલા માટે વિદેશમાં અભ્યાસ કરવા જવું તે ખરેખર અત્યંત સાહસભર્યું પગલું હતું.
    કમલા સોહની પ્રથમ મહિલા હતાં, જેમણે વિજ્ઞાન ક્ષેત્રે Ph.D. ની પદવી હાંસલ કરી હતી.
    જાનકી અમ્મલ (૧૮૯૭-૧૯૮૪) પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતાં, જેમણે ૧૯૭૭માં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કર્યો.
    ખગોળશાસ્ત્રી નિમિષાકુમારી તેઓ ફ્રાંસ ગયાં અને એસ્ટ્રો- ફિઝિક્સમાં અનુસ્નાતકની પદવી મેળવી અને ગેલેક્સી (આકાશગંગા) ની રચના પર ઇંગ્લેન્ડમાં પી.એચ.ડી. કર્યું.
    આ નામો આપણા માટે ગૌરવશાળી હોવા છતાં અજાણ્યા છે. આટલાં ગૌરવશાળી પાત્રોનો પરિચય આપવા બદલ સેજલબેન આપનો ખુબખુબ ધન્યવાદ.. ધન્યવાદ..

  2. Neha kayastha January 31, 2023 at 4:22 pm - Reply

    Wonderfull

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.