(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ કે શ્રીરામ, શ્રીકૃષ્ણ, ગૌરાંગ મહાપ્રભુ, અને શ્રીરામકૃષ્ણ અવતાર હતા માટે જ એમને ઈશ્વરનાં દર્શન થયાં હતાં અને ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિઓ પ્રાપ્ત થઈ હતી તો આપણે ક્યારેય કઠોર સાધના કરીને ઈશ્વરપ્રાપ્તિ માટેનો સંઘર્ષ કરીશું નહીં. માટે જ શ્રીરામકૃષ્ણના જીવનચરિત્ર ‘લીલાપ્રસંગ’માં એમની સાધના વિશે દાર્શનિક સોપાન પ્રણાલી વિવૃત્ત કરવામાં આવી છે. આ વૃત્તાંતનો એક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.)
દૈવ અને પુરુષાર્થ વિશે ઠાકુરનો મત
ભક્તગણને ઠાકુર જે બધો ઉપદેશ આપતા હતા, તેમાં આપણને બે જાતની વાતો જોવા મળે છે. એમનાં કેટલાંક વચનોનો ઉલ્લેખ કરવાથી જ વાચક સમજી શકશે. એવું જોવા મળે છે કે એક બાજુ તેઓશ્રી એમના ભક્તોને કહેતા કે “(મેં) ભાત રાંધ્યા છે, તમે સહુ પીરસેલા ભાણે બેસી જાઓ;” “સાંચો તૈયાર થઈ ગયો છે, તમે સહુ એ જ સાંચામાં પોતપોતાનાં મનને ઢાળી દઈને ઘડી લો;” “કશુંયે ના કરી શકે તો મને મુખત્યારનામું દઈ દે;” વગેરે. તો વળી બીજી તરફ એવું કહે છે કે “એક એક કરીને બધી વાસનાનો ત્યાગ કરો, ત્યારે તો બનશે,” “વાવાઝોડાની સામે એઠી પતરાળી જેવા બનીને રહો,” “કામિનીકાંચનનો ત્યાગ કરીને ઈશ્વરને પોકારો,” “મેં સોળે સોળ આના કરેલું છે, તમે એક આનો અથવા અંશ તો કરો.” વગેરે. અમને લાગે છે કે ઠાકુરની આ બંને ભાવની વાતોનો અર્થ ઘણી વાર સમજી ના શકવાને લીધે જ આપણે દૈવ અને પુરુષાર્થ, નિર્ભરતા અને સાધના, એમાંથી કોનો આધાર લઈને જીવનમાં આગળ વધવું જોઈએ તે નક્કી કરી શક્યા નથી.
એક દિવસે દક્ષિણેશ્વરમાં અમે અમારા બંધુ (સ્વામી નિરંજનાનંદ, ૧૯૦૪માં હરિદ્વારમાં એમનો દેહત્યાગ થયો હતો)ની સાથે મનુષ્યને સ્વાધીન ઇચ્છા જરા તરા પણ છે કે નહિ એ વિષય પર ઘણા સમય સુધી વાદવિવાદ કર્યા પછી એનો યથાર્થ નિર્ણય કરાવવા માટે ઠાકુરની પાસે ગયા. ઠાકુર થોડીક વાર છોકરાઓનો વિવાદ ગમ્મત કરીને સાંભળતા રહ્યા, પછી ગંભીરભાવે કહ્યું, “સ્વાધીન ઇચ્છા-બિચ્છા શું કોઈનીય છે ખરી કે? ઈશ્વરેચ્છાથી જ સદાકાળ બધું થઈ રહ્યું છે અને થતું રહેશે. માણસને આ વાત છેક છેવટે સમજમાં આવે. તો એટલું જાણજે કે જેમ ગાયને લાંબા દોરડા વડે ખીલે બાંધી રાખેલી છે, એ ગાય ખીલેથી એક હાથ દૂર પણ ઊભી રહી શકે અને વળી દોરડાની જેટલી લંબાઈ તેટલે સુધી પણ જઈને ઊભી રહી શકે, માણસની સ્વાધીન ઇચ્છાને આના જેવી જાણ. આ આટલી જગ્યાની હદમાં ગાયને જ્યાં બેસવું હોય ત્યાં બેસે, ઊભી રહે કે હરેફરે એમ વિચારીને જ માણસ તેને બાંધે. તે જ પ્રમાણે ઈશ્વર પણ માણસને થોડી ઘણી શક્તિ આપીને, એની હદની અંદર એને જેવી અને જેટલી ઇચ્છા હોય તે મુજબ તે ભલે વર્તે એમ કહીને છોડી મૂકે છે. તેનાથી માણસને થાય છે કે પોતે સ્વાધીન છે પણ દોરી તો ખીલે બાંધેલી છે. પણ, એટલું જાણજો કે એમની સમક્ષ વ્યાકુળ થઈને પ્રાર્થના કરવાથી તેઓ સ્થાન ફેરવીને બાંધી શકે, દોરડું જરા વધારે લાંબું કરી શકે અને ઇચ્છે તો ગળાનું ગાળિયું સાવ ખોલી શકે.”
એ વાત સાંભળીને અમે પૂછ્યું, “તો તો પછી મહાશય, સાધન-ભજન કરવાનું પણ માણસના હાથમાં નહિ ને? બધા એમ તો કહી શકે કે ‘હું જે કાંઈ કરું છું તે તેમની ઇચ્છાથી જ કરું છું?”
ઠાકુર : “એમ એકલું મોઢેથી બોલવાથી શું વળે ભાઈ? કાંટો નથી, ખૂંચ્યો નથી, એમ મોંએથી બોલવાથી કંઈ વળે ખરું? કાંટામાં હાથ પડતાં જ કાંટો ભોંકાય અને ‘ઊંહં’ એમ કરી ઊઠવાના. સાધન-ભજન કરવાનું જો માણસના હાથમાં હોત તો પછી બધાંય એ કરી શકત. તે કેમ નથી કરી શકતા? તો પણ એટલી વાત છે કે જે કાંઈ શક્તિ એમણે તને આપેલી છે તેટલી પૂરેપૂરી નહિ વાપરે તો તેઓ બીજી વધારે આપશે નહિ. એને માટે પુરુષાર્થ અથવા ઉદ્યમની જરૂર. જોને, બધાંય કંઈક ને કંઈક ઉદ્યમ કરે ત્યારે ઈશ્વરકૃપાના અધિકારી થાય. એ પ્રમાણે કરવાથી એમની કૃપાથી દસ જન્મના ભોગ એક જ જન્મમાં કપાઈ જાય. પરંતુ (એમના ઉપર નિર્ભર રહીને) થોડો થોડો ઉદ્યમ કરવો જ જોઈએ.
એ વિશે સાંભળ, એક વાર્તા કહુંઃ
એ વિશેનો શ્રીવિષ્ણુ તથા નારદનો સંવાદ
ગોલોકવિહારી વિષ્ણુએ એક વાર નારદને કોઈ કારણે શાપ આપ્યો કે એમને નરકમાં જવું પડશે. નારદ તો ચિંતાથી આકુળવ્યાકુળ. અનેક પ્રકારે સ્તવ-સ્તુતિ કરીને એમને રીઝવ્યા અને કહ્યું : “ભલે પ્રભુ, પણ નરક કયાં છે, કેવું છે, કેટલી જાતનું છે, એ જાણવાની મને ઇચ્છા છે, કૃપા કરીને મને એ કહો.” એટલે વિષ્ણુએ ભૂમિ ઉપર ચોકથી સ્વર્ગ, નરક, પૃથ્વી જે જ્યાં જેવી રીતે છે તે જ રીતે ચિત્રાંકન કરીને બતાવીને કહ્યું, “અહીં સ્વર્ગ અને અહીં નરક”. નારદ બોલ્યા, “એમ? ત્યારે આ મારો નરકવાસ થઈ ગયો.” એમ કહીને એ રેખાંકિત કરેલા નરકની ઉપર વારંવાર આળોટ્યા, ઊઠ્યા અને ભગવાનને પ્રણામ કર્યા. વિષ્ણુએ હસતાં હસતાં કહ્યું, “આ શું? આમાં તમારો નરકવાસ કયાં થયો?” નારદ બોલ્યા, “કેમ પ્રભુ, તમારાં સર્જેલાં આ તો છે સ્વર્ગ અને નરક! તમે ચિતરીને જ્યારે કહ્યું કે આ જ નરક, ત્યારે તો એ સ્થાન સાચેસાચ નરક જ બની ગયું અને એના ઉપર આળોટવાથી મારો નરકવાસ થઈ ગયો.” નારદે એ બધી વાત અંતરની શ્રદ્ધા સાથે કહી હતી ને! એટલે વિષ્ણુએ પણ ‘તથાસ્તુ’ કહ્યું. પણ નારદને એમના ઉપર પૂરેપૂરો ભરોસો રાખીને એ ચીતરેલા નરક ઉપર આળોટવું પડ્યું હતું. (એટલો ઉદ્યમ કર્યો) ત્યારે એમનો ભોગ પૂરો થયો.” આ પ્રમાણે કૃપાના રાજ્યમાં પણ ઉદ્યમ અને પુરુષાર્થનું સ્થાન છે, આ વાર્તાની મદદથી ઠાકુર અમને કયારેક કયારેક આવું સમજાવી દેતા.
માનવની અપૂર્ણતા સ્વીકારીને અવતાર પુરુષોએ મુક્તિના પથનો આવિષ્કાર કર્યો
મનુષ્યદેહ ધારણ કરીને નરવત્ લીલા કરતાં અવતાર પુરુષોને આપણી માફક મોટે ભાગે દૃષ્ટિહીનતા, અલ્પજ્ઞતા વગેરે અનુભવવાં પડે છે. આપણી માફક જ ઉદ્યમ કરીને એમને એ બધાંના પંજામાંથી મુક્ત થવાનો માર્ગ શોધી કાઢવો પડે છે અને જ્યાં સુધી આ માર્ગ જડતો નથી ત્યાં સુધી એમના અંતરમાં પોતાના દેવસ્વરૂપનો આભાસ ક્યારેક ક્યારેક અલ્પ ક્ષણો માટે પ્રગટે તો પણ તે વળી પાછો ઢંકાઈ જાય છે. આ પ્રમાણે ‘બહુજન હિતાય’ માયાનું આવરણ સ્વીકારીને તેમને આપણી જેમ જ અજવાળા-અંધારાના રાજ્યમાં રસ્તો ફંફોળવો પડે છે. તેમ છતાં સ્વાર્થસુખની પ્રવૃત્તિ એમનામાં લેશમાત્ર હોતી નથી, તેઓ જીવનપથમાં આપણા કરતાં અધિક ઉજાસ જોઈ શકે છે. પોતાની ભીતર રહેલી સમગ્ર શક્તિઓને સહજ રીતે એક જ લક્ષ્યમાં કેન્દ્રિત કરે છે અને વિના વિલંબે જીવન સમસ્યાનું સમાધાન કરીને લોકકલ્યાણ સાધવામાં લાગી જાય છે.
અવતાર પુરુષોનો મનુષ્ય તરીકે વિચાર કર્યા વગર તેમનાં જીવન તથા કર્યોનો અર્થ સમજી ન શકાય
મનુષ્યની અપૂર્ણતાને ખરા અર્થમાં દેવમાનવ ઠાકુરે અંગીકાર કરી હતી. એમના માનવ-ભાવની આલોચના કરવાથી આપણું અનહદ કલ્યાણ સધાય છે, અને અમે એમના તમામ માનવ-ભાવોને હંમેશાં નજર સમક્ષ રાખીને એમના દેવભાવની આલોચના કરવાનો વાચકને આગ્રહ કરીએ છીએ. આપણા જેવી જ એક વ્યક્તિ તરીકે એમનો વિચાર ન કરીએ તો તેમના સાધનાકાળના અલૌકિક ઉદ્યમ અને પ્રયાસોનો કોઈ અર્થ શોધ્યો નહિ જડે. મનમાં એવું થશે કે જેઓ નિત્ય પૂર્ણ છે, તેમને વળી સત્યપ્રાપ્તિના પ્રયત્નો કરવા શા માટે? મનમાં થશે કે જીવનને હોડમાં મૂકીને કરેલા તેમના યત્નો કેવળ એક ‘લોકદેખાડા’ની ઘટના જ છે. માત્ર એટલું જ નહિ પણ ઈશ્વર પ્રાપ્તિને માટે જે બધા ઉચ્ચ આદર્શોને પોતાના જીવનમાં સુપ્રતિષ્ઠિત કરવા માટેના તેઓશ્રીનાં ઉદ્યમ, નિષ્ઠા અને ત્યાગ પણ આપણને એ પ્રમાણે કરવાને માટે ઉત્સાહિત ન કરતાં આપણા હૃદયને ભારે ઉદાસીનતાથી ભરી દેશે અને પછી આ જીવનમાં આપણી જડતાનું નિરસન થશે નહિ.
બદ્ધ માનવ માત્ર માનવભાવ જ સમજી શકે
ઠાકુરની કૃપા પ્રાપ્ત કરવાના અભિલાષી હોવા છતાં પણ આપણે તેમને આપણા જેવા જ માનવભાવ સંપન્ન માનવા પડશે. કારણ કે ઠાકુર આપણા દુઃખે સમદુખિયા બનીને જ આપણાં દુઃખો દૂર કરવાને માટે આગળ આવશે. એટલે ગમે તે બાજુએથી જુઓ પણ, તેમને મનુષ્યભાવ ધરાવનારા જાણીને વિચાર્યા સિવાય આપણી પાસે બીજો રસ્તો જ નથી. હકીકતમાં તો જ્યાં સુધી સર્વપ્રકારનાં બંધનોથી મુક્તિ પ્રાપ્ત કરીને નિર્ગુણ દેવસ્વરૂપમાં આપણે પોતે પ્રતિષ્ઠિત થઈ ન શકીએ ત્યાં સુધી જગત્કારણ ઈશ્વરને અને ઈશ્વરના અવતારોને માનવભાવયુક્ત ગણીને જ આપણે વિચારવા અને સ્વીકારવા પડશે. “દેવો ભૂત્વા દેવં યજેત્” આ રીતે જોતાં એ વાત ખરેખર જ સાચી છે. તમે પોતે જો સમાધિબળે નિર્વિકલ્પ ભૂમિ ઉપર પહોંચી શક્યા હો, તો જ તમે ઈશ્વરના યથાર્થ સ્વરૂપની ઉપલબ્ધિ અને ધારણા કરીને તેમની ખરા અર્થમાં પૂજા કરી શકો. જો તેમ ન કરી શક્યા હો તો તમારી પૂજા એ દેવભૂમિ ઉપર ચડવાના અને યથાર્થ પૂજાધિકાર પામવાના પ્રયત્નો માત્ર બની રહેશે. સાથે ને સાથે જગત્કારણ ઈશ્વરની એક વિશિષ્ટ શક્તિસંપન્ન માનવ તરીકે જ તમારી સહજ સ્વાભાવિક ધારણા થતી રહેશે.
One Comment
Leave A Comment
Your Content Goes Here
Jythakur jyma jyswamiji Maharaj pranam Sav.sachi vat eshar jo mnushy rup lene aave toj aapne Tena swarup ne karm ne jani shkiye thakurbhagvane aapna sau pr Krupa kri manvdeh dhari kashto shan krya ane mukti no marg btavyo thakurbhagvan tamaro sada jy Thao