સ્વામીજીનાં પુસ્તકોમાં એટલી તો શક્તિ ભરી પડી છે કે ડૉ. વસંતભાઈ પરીખ જેવા એક અનાથ બાળકને બીજાની સેવા કરવા માટે પ્રેરિત કર્યા! સ્વામીજીનાં પુસ્તકો પોતે તો વાંચ્યાં, પણ એટલેથી ન અટકતાં, બીજાઓને પણ વંચાવ્યાં. ડૉ. વસંત પરીખ અને તેમનાં ધર્મપત્ની રત્નપ્રભા સ્વામીજીના જીવનથી પ્રભાવિત થઈ એક આદર્શ-જીવન જીવ્યાં, અને એમનાં જીવનથી કેટલાય લોકો પ્રેરણા પામ્યા.

ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની બાયોગ્રાફીમાં પણ ઉલ્લેખ છે. એક ચા વેચવાવાળો ગરીબ બાળક નરેન્દ્ર અભ્યાસને લગતાં પુસ્તકો ખરીદી શકતો નહિ. વસંતભાઈ તેમને પુસ્તકો આપતા. આ પુસ્તકોમાં સ્વામીજી વિષયક પુસ્તકો પણ હતાં, તે વાંચીને અને વસંતભાઈનું આદર્શ જીવન જોઈને તેમનું જીવન પરિવર્તન થયું. તેમણે ગૃહત્યાગ કર્યો.

૯મી એપ્રિલ, ૨૦૧૩ના દિવસે આપેલ એક વક્તવ્યમાં શ્રી નરેન્દ્રભાઈએ કહ્યું છે કે લગભગ ૧૯૬૬માં તેઓ પંદર વર્ષની ઉંમરે પૂજ્ય સ્વામી માધવાનંદજી મહારાજને પ્રથમવાર મળ્યા અને સંન્યાસી બનવાની ઇચ્છા દર્શાવી. તે પછી શ્રી વસંતભાઈ નરેન્દ્રભાઈને ૧૯૬૭માં પૂરરાહત કાર્ય માટે સુરત લઈ ગયા. આમ, લોકોની સેવા કરવાની પ્રેરણા પણ વસંતભાઈ પાસેથી મળી. ત્યારબાદ ફરી શ્રી નરેન્દ્રભાઈ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને મળ્યા, પરંતુ પૂજ્ય મહારાજે સંન્યાસી બનવાની તેમની ઇચ્છા હોવા છતાં ના પાડી. પૂજ્ય મહારાજશ્રીએ તેમને વધુ અભ્યાસ કરવાનું કહ્યું.

શ્રી નરેન્દ્રભાઈ ડૉ. વસંતભાઈ પરીખને ગુરુની જેમ સન્માન આપતા. શ્રી વસંતભાઈના મૃત્યુ સમયે અમદાવાદમાં યોજાયેલ એક શ્રદ્ધાંજલિ સભામાં શ્રી નરેન્દ્રભાઈ વીસ મિનિટ બોલ્યા, જેમાં તેમણે પોતાની વસંતભાઈ સાથેની અનેક સ્મૃતિઓનો ઉલ્લેખ કર્યો. સામાન્ય રીતે કોઈ સૈનિકને તેના મૃત્યુ બાદ તોપોની સલામી આપવામાં આવતી હોય છે. શ્રી વસંતભાઈના દેહત્યાગ બાદ તેમને અપવાદરૂપ આવી તોપની સલામી આપવામાં આવી હતી.

વડનગરમાં યોજાયેલ શ્રદ્ધાંજલિ સભામાં શ્રી નરેન્દ્રભાઈએ તેઓ શ્રી વસંતભાઈથી કેવી રીતે પ્રેરિત થયા હતા તે વિશે કહ્યું હતું, ‘વસંતભાઈનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવાના મને અનેક અવસરો મળ્યા છે. તેમની આંગળી પકડીને ચાલવાની તક મને મળી છે. તેમના વ્યક્તિત્વની વિશાળતાને જાણવાનો અવસર મને મળ્યો છે. અનેક વાતો મારી સ્મૃતિમાં આવતી જાય છે. અને જેમ જેમ આ બધું યાદ આવતું જાય છે તેમ તેમ તેમનું વ્યક્તિત્વ વધુ ને વધુ ઊંચું થતું જાય છે. ઘટનાઓ અનેક છે પરંતુ સમય ઓછો છે.’

‘શ્રી વસંતભાઈને અંજલિ આપી આપણે ખરેખર તો આપણું ગૌરવ વધારીએ છીએ. તેમને યાદ કરીને આપણે આપણી જાતને મોટી કરીએ છીએ.’

 ‘આખું વડનગર વસંતભાઈ બનવાની કોશિશ કરે તો ભારતનું અને આપણા સહુનું ભવિષ્ય અવશ્ય ઉજ્જ્વળ બનશે.’

આપણે સહુ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સદ્‌ગતના આત્માને શાંતિ પ્રાપ્ત થાય. તેઓ જેના માટે જીવ્યા, ઝઝૂમ્યા, જાગતા રહ્યા, એવો અવસર ભગવાન આપણને સૌને પણ આપે. એમની સેવાભાવના આપણામાં પણ જાગૃત થાય, એ જ યોગ્ય શ્રદ્ધાંજલિ હશે.’

આમ, એક અનાથ ગરીબ બાળક ફૂટપાથ પર રબ્બર-પેન્સિલ વેચીને આત્મનિર્ભર બને છે, સ્વામીજીનાં પુસ્તકો વાંચે છે, સંન્યાસની પ્રેરણા મેળવે છે અને પછી સમગ્ર જીવન બ્રહ્મચર્યનું પાલન કરી સેવા માટે સમર્પિત કરે છે. એટલું જ નહિ, અન્ય એક ચા વેચવાવાળા બાળકને સ્વામીજીનાં પુસ્તકો વંચાવી તેને પણ સંન્યસ્ત-જીવન જીવવાની પ્રેરણા આપે છે અને પછી તે બાળક અન્ય સેવાકાર્યો કરવાની પ્રેરણા મેળવે છે.

‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’—તેમના આ સંસ્કાર-મંત્રનો પડઘો તેમનાં સુપુત્રીમાં પણ જોવા મળે છે. આમ, ‘શિવજ્ઞાને જીવસેવા’ના મંત્રને વરેલા સ્વામીજીનાં જીવન અને કાર્યોથી પ્રેરણા મેળવીને તેમના આ સેવાકાર્યના ભેખધારી, પરમ અનુયાયી શિષ્યે પુસ્તકો લખી, તેમાંથી મળેલ મહેનતાણાની રકમ પણ બીજાઓની સેવા કરવામાં ખર્ચ કરી નાખી! મૃત્યુ બાદ પણ માનવજાતના ભલા માટે પોતાના દેહનું દાન કર્યું.

એવા ડૉ. વસંતભાઈ પરીખ સમાન લોકસેવક સાચે જ આ યુગમાં મળવા કઠિન છે. તેમને આપણા કોટિ કોટિ વંદન.

Total Views: 591

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.