આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે છે. તેઓ કહે છે કે જેવું આપણે થોડું અંગ્રેજી શીખીએ એવા જ આપણે “ફૂટ, ફાટ, ઇટ, મિટ!” બોલવા મંડીએ. સાથે જ, બૂટ પહેરવા, સીટી વગાડવી, ગીતો ગાવા જેવી અંગ્રેજોની આદતો પણ અપનાવી લઈએ. અને જો આપણે સંસ્કૃત ભણીને પંડિત બનીએ તો તરત જ “શોલોક” (શ્લોક) ઝાપટવા મંડીએ. (1.103)
અર્થાત્ જો આપણા પરિજનો સજ્જન અને સદ્ગુણ-સંપન્ન હોય તો આપણે પણ શુદ્ધ, નિર્મળ, ચરિત્રવાન, અને સમાજ માટે આશીર્વાદરૂપ બનીશું. અને જો આપણા પરિજનો દુષ્ટ, દુર્મતિ-સંપન્ન, અને કજિયાખોર હોય તો આપણે પણ એમની તન્માત્રા ગ્રહણ કરીને ક્રોધી, લોભી, આસુરી સંપત્તિવાન અને સમાજ માટે શ્રાપરૂપ બની જઈશું. હવે આપણે સગાંસંબંધીઓ અને સહકર્મીઓની ઇચ્છાનુસાર પસંદગી ન કરી શકીએ, પરંતુ મિત્રો તો અવશ્ય સમજી-વિચારીને બનાવી શકીએ.
આ હતી ઠાકુરની ઉપદેશ આપવાની પદ્ધતિ—ઉપમા અથવા દૃષ્ટાંત આપી સમજાવવું. આ રીતે તેઓ યોગ, ધ્યાન, સમાધિ, ભાવ, ઈશ્વરીય દર્શન, અને દૈનંદિન જીવનમાં લાગુ પડતા અનેક વ્યવહારુ ઉપદેશો આપે છે. એ સમયે કોલકાતા બ્રિટિશ સામ્રાજ્યની રાજધાની હતી, જેથી એ સમયનો શિક્ષિત મધ્યમવર્ગ અંગ્રેજી ભાષા સાથે સારો એવો પરિચિત હતો. કેશવચંદ્ર સેન વગેરે બ્રાહ્મો સમાજના નેતાઓએ જ્યારે શ્રીરામકૃષ્ણ પાસે અતિ પ્રાચીન હિંદુ ધર્મનો ઉપદેશ મેળવવાનો શરૂ કર્યો ત્યારે શ્રીરામકૃષ્ણ પણ તેઓને જોઈને તેઓની ભાષા અને વિચારસરણી કેવી છે એ સમજ્યા!
સ્વામી સારદાનંદજી લખે છે:
“કેશવ વગેરે બ્રાહ્મસમાજીઓના સંપર્કમાં આવતાં પહેલાં શ્રીરામકૃષ્ણ પાશ્ચાત્ય ભાવના તથા શિક્ષણના પ્રભાવથી ઘણે દૂર પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. …બ્રાહ્મસમાજીઓના સંપર્કમાં આવતાં એમણે જોયું કે એ લોકો ધર્મપ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બન્યા હોવા છતાં પણ ભારતના પ્રાચીન ત્યાગના આદર્શથી ચ્યુત થયા છે અને એમનું મન એનું કારણ શોધવામાં લાગી જતાં એમને પહેલ વહેલો એ હકીકતનો ખ્યાલ આવ્યો કે પાશ્ચાત્ય શિક્ષણ વલણ વર્તમાન ભારતવાસીનાં જીવનમાં કેવા તો ઊલટા પ્રકારના ભાવો લાવી રહ્યું છે.
“…કેશવ વગેરે બ્રાહ્મનેતાઓ શ્રીરામકૃષ્ણના અભિનવ આધ્યાત્મિક ભાવને જેટલે સુધી ગ્રહણ કરી શકેલા અને તેને પરિણામે એમની અંદર જે પરિવર્તન આવેલું, તે કોલકાતાના સાધારણજનોના ધ્યાનમાં આવતાં વાર લાગી નહિ. તે ઉપરાંત, કેશવ વગેરે સમાજીઓ જ્યારે બ્રાહ્મસમાજ તરફથી પ્રકાશિત થતી બધી સમાચાર પત્રિકાઓમાં ઠાકુરના આધ્યાત્મિક મતની અલૌકિકતા વિશે તથા તેમની અમૃતમયી વાણીમાંથી કંઈક કંઈક પ્રકાશિત કરવા લાગ્યા, ત્યારે કોલકાતાની જનતા એમના તરફ ઘણી વધુ આકર્ષાઈ અને તેમનાં પુણ્યદર્શન કરવા માટે દક્ષિણેશ્વર પહોંચવા માંડી અને એ રીતે જ શ્રીરામકૃષ્ણના ‘ચિહ્નિત ભક્તો’ એક પછી એક કરતાં દક્ષિણેશ્વર કાલીવાડીએ જઈ પહોંચ્યા હતા.” (લીલાપ્રસંગ, ૩.૪૫)
આ અંગ્રેજી શિક્ષિત ભક્તોને સમજાવવા ઠાકુર પણ અંગ્રેજી શબ્દો વાપરવા લાગ્યા હતા. અવશ્ય, ઠાકુર લોકકલ્યાણ અર્થે જ આમ કરતા હતા. ભક્ત ઇચ્છે કે તે વિવિધ રૂપે શ્રીપ્રભુની અનંતલીલાનું સ્મરણ-મનન-નિદિધ્યાસન કરે. અહીં અમે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં ઠાકુરે જે દૃષ્ટાંતમાં અંગ્રેજી શબ્દો વાપર્યા છે એ દૃષ્ટાંતોનું સંકલન કર્યું છે. 21 ફેબ્રુઆરીએ ઠાકુરની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે આવો આપણે એમના આ વિનોદ-મધુર પાસાનું આસ્વાદન કરીએ.
માત્ર ક્વિનાઈનથી શું વળે
પાડોશી: મહાશય, સંસારમાં રહીનેય શું ભગવાનને પામી શકાય?
શ્રીરામકૃષ્ણ: જરૂર પામી શકાય. પણ જે કહ્યું તે સાધુસંગ, અને નિરંતર પ્રાર્થના કરવાં જોઈએ. ઈશ્વરની પાસે રડવું જોઈએ. મનનો મેલ બધો ધોવાઈ જાય તો ઈશ્વરનાં દર્શન થાય. મન જાણે કે ધૂળ ચડેલી લોઢાની સોય, ઈશ્વર જાણે કે લોહચુંબક પથ્થર. ઉપરની ધૂળ ધોવાઈ ગયા વિના લોહચુંબકની સાથે સોય જોડાય નહિ. રુદન કરતાં કરતાં સોય પરની માટી ધોવાઈ જાય. સોય પરની માટી એટલે કે કામ, ક્રોધ, લોભ, પાપી વિચારો, વિષયવાસના. એ માટી ધોવાઈ જતાંવેંત સોયને લોહચુંબક ખેંચી લે, અર્થાત્ ઈશ્વર-દર્શન થાય. ચિત્તશુદ્ધિ થાય ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય. તાવ આવ્યો છે, દેહમાં કેટલાય ઝેરી રસો ભેગા થયા છે, ત્યારે માત્ર ક્વિનાઈનથી શું વળે? સંસારમાં ઈશ્વર-દર્શન ન થાય શા માટે? સત્સંગ, રડી રડીને પ્રાર્થના, વચ્ચે વચ્ચે એકાંત નિર્જન સ્થળમાં વાસ, આ બધાંથી થાય. જેમ વાડ ન કરીએ તો રસ્તા પરના નાના છોડને ગાય-બકરાં ખાઈ જાય, તેમ મનને આ બધાંની વાડ કરવી જોઈએ. (1.42)
અંગ્રેજ કહે છે ‘વૉટર’
ભક્તો એક જ ઈશ્વરને જુદાં જુદાં નામે બોલાવે છે, એક વ્યક્તિને જ બોલાવે છે. એક તળાવને ચાર ઘાટ હોય. હિંદુઓ પાણી પીએ છે એક ઘાટે; તેઓ કહે છે જળ; મુસલમાનો બીજા એક ઘાટે પાણી પીએ છે, તેઓ કહે છે પાની; અંગ્રેજો ત્રીજા એક ઘાટે પાણી પીએ છે, ને કહે છે ‘વૉટર’; તેમ વળી બીજા લોકો એક ઘાટે પાણી પીએ છે, ને કહે છે ‘એક્વા’.
એક ઈશ્વર, તેનાં અનેક નામ. (1.69)
ઓફિસમાં કામ કરે અને ખોટું બોલે
હા ભાઈ, એ બધું માનવું જોઈએ. આમ જુઓને, આ રાખાલને ઠીક નથી. મારેય હાથે-પગે કળતર થાય છે. થયું શું, ખબર છે? સવારમાં પથારીમાંથી ઊઠતી વખતે રાખાલ આવે છે એમ સમજીને મારાથી અમુકનું મોઢું જોવાઈ ગયું! (સૌનું હાસ્ય). હા ભાઈ, લક્ષણ જોવાં જોઈએ. તે દિવસે નરેન્દ્ર એક કાણિયા છોકરાને લાવ્યો હતો, એ તેનો એક મિત્ર, આંખ સાવ કાણી નહિ. એ ગમે તેમ, પણ મને થયું કે આ વળી કોને ઉપાડી લાવ્યો?
બીજો એક જણ અહીં આવે છે, તેની ચીજ હું ખાઈ શકું નહિ. એ એક ઓફિસમાં કામ કરે છે. તેનો વીસ રૂપિયા પગાર, ને બીજા વીસ રૂપિયા કંઈક ખોટાં (બિલ) લખીને પેદા કરે. એ ખોટું બોલે એટલે એ જ્યારે આવે ત્યારે હું વધારે વાત કરું નહિ. કાં તો બેચાર દિવસ ઓફિસે જાય નહિ, અહીં જ પડ્યો રહે. એમાં એનો મતલબ શો એ જાણો છો? એને એમ કે વખતે હું કોઈને કહીને એને નોકરીધંધો અપાવી દઉં! (1.93)
ફૂટપાથની બાજુએ વાવેલું ઝાડ
પણ ઝટ દઈને એકાએક જનક રાજા થઈ શકાય નહિ. જનક રાજાએ નિર્જનસ્થળમાં કેટલી બધી તપસ્યા કરી હતી! સંસારમાં રહો તોય અવારનવાર એકાંતમાં જઈને રહેવું જોઈએ. ઘર-સંસારથી બહાર એકલા જઈને ભગવાનને માટે જો માત્ર ત્રણ દિવસ વ્યાકુળતાથી રુદન કરી શકાય તો પણ સારું. અરે, જો તક મળતાં જ એક દિવસ પણ નિર્જનમાં તેનું ચિંતન કરી શકાય તો તે પણ સારું. માણસો સ્ત્રી-પુત્રાદિ સારુ ઘડો ભરીને આંસુ પાડે, પણ ઈશ્વરને માટે કોણ રડે છે, કહો?
અવારનવાર નિર્જનસ્થાનમાં રહીને ભગવત્પ્રાપ્તિ કરવા સારુ સાધના કરવી જોઈએ. શરૂઆતની અવસ્થામાં સંસારની અંદર, કામકાજની વચ્ચે રહીને મન સ્થિર રાખવામાં ઘણાં વિઘ્ન આવે. જેમ કે ફૂટપાથની બાજુએ વાવેલું ઝાડ, જ્યારે તે નાનો રોપો હોય ત્યારે આસપાસ વાડ ન કરી લઈએ તો ગાય-બકરું ખાઈ જાય. એટલા માટે શરૂઆતમાં વાડ જોઈએ. થડ મોટું થઈ જાય એટલે પછી વાડની જરૂર રહે નહિ. પછી તો તેના થડ સાથે મોટો હાથી બાંધી દો તોય કાંઈ થાય નહિ. (1.105)
ઈશ્વરની પાસે શું ઇસ્પિતાલ-ડિસ્પેન્સરી માગશો?
શંભુ મલ્લિક ઇસ્પિતાલ, દવાખાનું, સ્કૂલ, તળાવ, રસ્તા વગેરે બંધાવવાની વાતો કરતો હતો. મેં કહ્યું, સામે જે કામ આવી પડ્યું અને જે કર્યા વિના ન ચાલે તેટલું નિષ્કામભાવે કરવું જોઈએ. ચાહી કરીને ઝાઝું કામ માથે લેવું એ સારું નહિ, એથી ઈશ્વરને ભૂલી જવાય.
એક જણ કાલીઘાટે જઈને ભિખારીઓને દાન જ કરવા મંડી પડ્યો, પણ કાલીદર્શન કરવાનું રહી ગયું (હાસ્ય). સૌથી પહેલાં ગમે તેમ કરી ધક્કા-મુક્કી ખાઈનેય કાલીદર્શન કરી લેવાં જોઈએ. ત્યાર પછી ગમે તેટલું દાન કરો કે ન કરો, ઇચ્છા હોય તો ખૂબ કરો.
ઈશ્વર-દર્શનને માટે જ તો દાન વગેરે કર્મો! એટલે શંભુને કહ્યું કે જો ઈશ્વર સાક્ષાત્ દર્શન દે તો તેને તમે શું એમ કહેવાના કે ‘હે ઈશ્વર, થોડીક ઇસ્પિતાલ-ડિસ્પેન્સરી કરી આપો’ (હાસ્ય). ભક્ત કદીએ એમ બોલે નહિ. ઊલટું એમ કહે કે ‘પ્રભો, મને તમારાં ચરણકમળમાં સ્થાન આપો, સદા તમારા સંગમાં રાખો, મને તમારાં ચરણકમળમાં શુદ્ધ ભક્તિ આપો.’ (1.110)
આ જમાનામાં તો ડિ. ગુપ્તનું ફીવર-મિક્ષ્ચર!
કર્મયોગ બહુ કઠણ. શાસ્ત્રમાં જે બધાં કર્મો કરવાનું વિધાન છે તે આ કલિકાળમાં કરવાં બહુ કઠણ. અત્યારે તો અન્ન ઉપર પ્રાણનો આધાર, એટલે ઝાઝાં કર્મો આ જમાનામાં ચાલી ન શકે. તાવ આવે ત્યારે વૈદ્યરાજની ચિકિત્સા કરવા બેસીએ તો આ બાજુ દરદીનું થઈ જાય; બહુ મોડું થાય તે ન ચાલે. અત્યારે તો ડિ. ગુપ્તનું ફીવર-મિક્ષ્ચર!
કલિયુગમાં ભક્તિ, ભગવાનનાં નામ, ગુણગાન અને પ્રાર્થના; ભક્તિ-યોગ જ યુગધર્મ. (બ્રાહ્મભક્તોને) તમારો પણ ભક્તિયોગ, તમે લોકો હરિનામ લો છો, માનાં ગુણકીર્તન કરો છો, તમે ધન્ય! તમારો ભાવ મજાનો! વેદાંતીઓની માફક તમે જગતને સ્વપ્નવત્ કહેતા નથી, એવા બ્રહ્મજ્ઞાની તમે નથી. તમે બધા ભક્ત છો. તમે ઈશ્વરને વ્યક્તિ (મનુષ્યની આકૃતિ ધરાવતા) કહો છો એ પણ બહુ મજાનું. તમે ભક્ત. વ્યાકુળ થઈને તેને બોલાવો તો જરૂર તેને પામશો.’ (1.110)
‘ગ્લાસ ધોયેલો છે ને?’
ગાડી ચાલવા લાગી. અંગ્રેજ લત્તો, સરસ રાજમાર્ગ. રસ્તાની બંને બાજુએ સુંદર સુંદર અટારીઓ છે, પૂર્ણચંદ્ર ખીલી રહ્યો છે. અટારીઓ બધી જાણે વિમલ, શીતળ ચંદ્રકિરણોમાં પોઢીને આરામ લઈ રહી છે. દરવાજામાં ગેસબત્તી, ઓરડામાં દીવાઓની રોશની, સ્થળે સ્થળે હારમોનિયમ, પિયાના સાથે અંગ્રેજ મહિલાઓ ગીત ગાઈ રહી છે. ઠાકુર આનંદથી હસતાં હસતાં જઈ રહ્યા છે. અચાનક તેઓ બોલી ઊઠ્યા, ‘મને તરસ લાગી છે!’ હવે શું થાય? નંદલાલ ‘ઇન્ડિયા કલબ’ પાસે ગાડી ઊભી રખાવીને ઉપર પાણી લેવા ગયા અને કાચના ગ્લાસમાં પાણી લાવ્યા. ઠાકુરે હસીને પૂછ્યું, ‘ગ્લાસ ધોયેલો છે ને?’ નંદલાલે જવાબ આપ્યો, ‘જી હા.’ તેમણે એ જ ગ્લાસમાં પાણી પીધું. (1.111)
ઈશ્વરીય કથામાં રસ ન હોય તો બિલ્ડિંગ જોઈ આવો
જેમનું મન ઈશ્વર તરફ નથી એમ જોઉં, તેમને હું કહું કે તમે જરા ત્યાં જઈને બેસો. અથવા કહું કે આ બધાં સુંદર બિલ્ડિંગ વગેરે જઈને જોઈ આવો. (સૌનું હાસ્ય). વળી ક્યારેક જોઉં કે ભક્તોની સાથે નકામા માણસો આવ્યા છે, તેમનામાં બહુ જ સાંસારિક વાસનાઓ હોય, ઈશ્વર સંબંધી વાતો તેમને ગમે નહિ. પેલા ભક્તો જ્યારે મારી સાથે વધુ વખત સુધી ઈશ્વરીય વાતો કરતા હોય ત્યારે એ લોકો વધારે વખત બેસી શકે નહિ, ઊંચાનીચા થવા લાગે, વારેઘડીએ પેલાના કાનમાં ઘુસપુસ કરીને કહે કે ‘હવે ક્યારે ઊઠવું છે?’ ‘હવે ક્યારે જવું છે?’ પેલા લોકો કાં તો કહે કે ‘જરા રહોને ભાઈ, થોડીક વાર પછી જઈએ છીએ.’ એટલે આ લોકો નારાજ થઈને કહેશે કે ‘ત્યારે કરો તમે વાતો, અમે જઈને બહાર હોડીમાં બેસીએ છીએ.’ (સૌનું હાસ્ય). (1.115)
રજોગુણનું લક્ષણ—ક્વીનનો ફોટો
સંસારીનો સત્ત્વગુણ કેવો હોય તે જાણો છો? મકાનમાં અહીંતહીં ફાટ પડી હોય, પણ એ બધું સમું કરાવવાની કાળજી નહિ. ઓસરીમાં પારેવાં ચરકતાં હોય, આંગણામાં લીલ બાઝી ગઈ હોય પણ તેનો એને ખ્યાલ નહિ. રાચરચીલું જૂનું, ટાપટીપ કરવાનો પ્રયાસ નહિ. કપડાં સાદાં, ગમે તેવાં હોય તોય ચાલે. માણસ ખૂબ શાંત, શિષ્ટ, દયાળુ, મળતાવડા સ્વભાવનો, કોઈનું જરાય બૂરું કરે નહિ.
સંસારીના રજોગુણનાં લક્ષણો પણ છેઃ ઘડિયાળ, ઘડિયાળનો અછોડો, હાથમાં બે-ત્રણ વીંટી. ઘરનો સરસામાન ખૂબ ટીપટાપ, ક્વીનનો ફોટો, ભીંતે રાજકુટુંબના ફોટા, મોટા માણસના ફોટા. ઘર ચૂનાબંધ સાફ, ક્યાંય ડાઘ સરખોય નહિ. જાતજાતનાં સારાં સારાં કપડાં, નોકરચાકરોના સારા પોશાક, એવું એવું બધું. (1.116)
આપ જજ બન્યા છો ઈશ્વરની શક્તિથી
આપ જજ, તે મજાનું, પણ એટલું જાણજો કે બધુંય ઈશ્વરની શક્તિથી. મોટી પદવી ઈશ્વરે જ આપી છે એટલે મળી છે. માણસો મનમાં માને કે અમે મોટા લોકો. અગાસીનું પાણી સિંહના મોઢાવાળા નળમાં થઈને પડે. એમ લાગે કે જાણે સિંહ મોઢામાંથી પાણી કાઢી રહ્યો છે. પરંતુ જુઓ તો, ક્યાંનું પાણી? ક્યાં આકાશમાં વાદળાં, તેનું પાણી અગાસીમાં પડે, એ વહેતું વહેતું નળમાં જાય, ત્યાર પછી સિંહના મોઢામાંથી બહાર નીકળે. (1.130)
ઈશ્વરની નોટિસ મળે પછી લેક્ચર અપાય
શ્રીરામકૃષ્ણ (વિજયને): જુઓ, આચાર્યનું કામ બહુ કઠણ. ઈશ્વરના સાક્ષાત્ આદેશ વિના લોકોને ઉપદેશ આપી શકાય નહિ. જો આદેશ મળ્યા વગર ઉપદેશ આપો તો માણસો સાંભળે નહિ, એ ઉપદેશમાં જરાય શક્તિ ન હોય. પ્રથમ સાધના કરીને યા ગમે તે રીતે, પણ ઈશ્વરપ્રાપ્તિ કરવી જોઈએ. ઈશ્વરનો આદેશ મળે પછી લેક્ચર અપાય. અમારા ગામમાં એક તળાવ છે. તેનું નામ હાલદારપુકુર. તેની પાળે રોજ લોકો શૌચ જતા. સવારમાં જેઓ ઘાટ પર નાહવા આવતા તેઓ તેમને ગાળો ભાંડીને ખૂબ શોરબકોર કરતા. પણ ગાળો ભાંડવાથી કાંઈ વળતું નહિ. વળી બીજે દિવસે એમ ને એમ જ! છેવટે સરકારી ચપરાશીએ આવીને નોટિસ ચોડી દીધી કે ‘અહીં કોઈએ ગંદકી કરવી નહિ. જે કરશે તેને શિક્ષા થશે.’ એ નોટિસ ચોડ્યા પછી ત્યાં શૌચ જવાનું એકદમ બંધ! ‘ઈશ્વરનો આદેશ મળ્યા પછી આચાર્ય થઈને ગમે ત્યાં લેક્ચર આપી શકાય. જેને ઈશ્વરનો આદેશ મળે તેને તેની પાસેથી શક્તિ મળે; ત્યારે આચાર્યનું કઠિન કામ કરી શકાય. (1.141)
One Comment
Leave A Comment
Your Content Goes Here
Jythakur jyma jyswamiji Maharaj pranam tamaro sada jy Thao thakurbhagvan to alokik chhe ane temno updesh pn alokik hoy premanandji Maharaj pranam khubj Sara’s lekh chhe pranam Maharaj