(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.)

શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધા

છેલ્લાં 56 વર્ષથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જન્મદિવસની ઉજવણી નિમિત્તે સ્પર્ધાઓનું આયોજન કરે છે, આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદની 160મી જન્મજયંતી નિમિત્તે અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખપાઠ (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી), સમૂહગીત, ભજન-ગાયન, પરંપરાગત વેશભૂષા સ્પર્ધા વગેરે, જેમાં 170 શાળાઓના 8000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 22મી જાન્યુઆરી, 2023ના રોજ પ્રથમ વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના મ્યુનિસિપલ કમિશ્રનરશ્રી અમિત અરોરા; રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. કૈલા અને સાથી ફાઉન્ડેશનનાં પ્રમુખ ડો. ભદ્રાબેન શાહે પ્રથમ ક્રમે આવનાર 180 વિજેતાઓમાં પુરસ્કારોનું વિતરણ કર્યું હતું.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધા પુરસ્કાર વિતરણ સમારંભ

શ્રીશ્રી સરસ્વતી-પૂજા

26મી જાન્યુઆરી, 2023 રવિવારના રોજ શ્રીશ્રીસરસ્વતી-પૂજા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશેષ પૂજા, હવન અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 1000થી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. પૂજા દરમિયાન ભજન-કીર્તન કરવામાં આવ્યાં હતાં અને સાંજે મા-નામ-સંકીર્તનનું આયોજન થયું હતું. બીજા દિવસે આજી ડેમ ખાતે ઘટનું વિસર્જન કરવામાં આવ્યું હતું તથા સંધ્યા આરતી બાદ ‘શાંતિજળ’નો કાર્યક્રમ યોજાયો હતો.

ક્વિઝ સ્પર્ધા

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા 11મી સ્વામી વિવેકાનંદ વિષયક રાજ્ય સ્તરીય લેખિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયું હતું. તેમાં કુલ 34 જિલ્લાની 614 શાળાના 66,194 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

12મી ફેબ્રુઆરી, 2023, રવિવારે બપોરે વિવેક હોલમાં સ્પર્ધાના 102 વિજેતાઓને ભારત સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા; રાજકોટના મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ; રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, વારાણસીના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદજીના વરદ હસ્તે ઇનામ વિતરણ થયું હતું. સાત રાજ્ય સ્તરીય વિજેતાઓ તેમજ જે સ્કૂલોએ 200થી વધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી હોય તેવા 90 આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, તેમનાં માતાપિતા, શિક્ષકો તથા અન્ય આમંત્રિતો સહિત લગભગ 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા. ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, તેઓ ચોથા ધોરણથી જ સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચે છે અને યુવાવસ્થામાં તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં આવીને ધ્યાન કરતા તેના પરિણામે તેમને જીવનમાં આટલી બધી સફળતા મળી છે.

રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, વારાણસીના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદજીએ જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે માત્ર માનસિક બળ પર નહીં, પરંતુ શારીરિક બળ પર પણ ભાર મૂક્યો હતો.

રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, જીવનમાં કેરિયર ડેવલપમેન્ટ અને કેરેક્ટર ડેવલપમેન્ટ બંને મહત્ત્વનાં છે. અને આ બંને માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ ખૂબ મહત્ત્વનો છે. અંતમાં તેમણે સ્વદેશ મંત્રોનો પાઠ કરાવ્યો હતો.

ક્વિઝ સ્પર્ધા પુરસ્કાર વિતરણ સમારંભ

વાર્ષિક દિવસની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મેડિકલ સેન્ટરના મા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટર દ્વારા દર વર્ષની જેમ 29મી જાન્યુઆરી, 2023ના રોજ ખાસ દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકોટ અને આસપાસના વિસ્તારનાં 200 જેટલાં બાળકોએ ભાગ લીધો હતો. પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માનનીય મંત્રીશ્રી મૂળુભાઈ બેરા; સામાજિક ન્યાય અને સશક્તિકરણ, મહિલા અને બાળકલ્યાણ વિભાગનાં આદરણીય મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આ પ્રસંગમાં ઉપસ્થિત રહીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી તથા 90 વિજેતા બાળકોને પારિતોષિકોનું વિતરણ કર્યું હતું. બાકીનાં સહભાગીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યાં હતાં.

મા શારદા સેરેબ્રલ પાલ્સી રિહેબિલિટેશન સેન્ટર દ્વારા વાર્ષિક દિવસની ઉજવણી

મહાશિવરાત્રિની ઉજવણી

18મી ફેબ્રુઆરી, 2023ના રોજ આશ્રમ પરિસરમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં વિશેષ ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી, જે આખી રાત ચાલુ રહી હતી. પૂજા દરમિયાન વિવિધ સ્તોત્રો, ભજન અને શિવ-નામ-સંકીર્તનનું ગાન કરવામાં આવ્યું હતું તથા શિવ-નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 1000 જેટલા ભક્તોએ શિવજીને અભિષેક પણ કર્યો હતો.

રાજકોટના શ્રીમંદિરમાં મહાશિવરાત્રિની ઉજવણી

તીર્થયાત્રા

રાજકોટ કેન્દ્ર દ્વારા 1 થી 9મી ફેબ્રુઆરી, 2023 દરમિયાન ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વિવિધ ભાગોમાંથી તથા અન્ય દેશોમાંથી 116 સાધુઓ (66 કેન્દ્રોના વડાઓ સહિત) તીર્થયાત્રામાં જોડાયા હતા. આ યાત્રાનો હેતુ સાધુઓને 1891-92માં સ્વામી વિવેકાનંદની ચરણરજથી પવિત્ર થયેલાં ગુજરાતનાં સ્થળોની મુલાકાત લેવાની તક આપવાનો હતો. સાધુઓએ અમદાવાદ, વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, લીંબડી, રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દ્વારકાની મુલાકાત લીધી હતી.

યાત્રાની ખાસ વિશેષતાઓ હતી—2જી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી સાથેની અનૌપચારિક મુલાકાત, જેઓ સાધુઓના નિવાસસ્થાને તેઓની સાથે રહ્યા અને ગુજરાત રાજ્ય વતી તેમનું સ્વાગત કર્યું; 4 ફેબ્રુઆરીના રોજ વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસમાં ગાયકવાડના રાજવી પરિવાર દ્વારા પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું અને ગુજરાત સરકાર દ્વારા દ્વારકા અને સોમનાથનાં તીર્થસ્થાનોનાં દર્શનનું વિશેષ આયોજન કરવામાં આવેલ. આ કાફલામાં 25 કાર અને બે બસનો સમાવેશ થયો હતો, જેમાં ગુજરાત તીર્થયાત્રાનાં બેનરો અને રામકૃષ્ણ મિશનનાં ચિહ્નો ધરાવતા ધ્વજ સાથે 27 ડ્રાઇવરો અને 15 સ્વયંસેવકો હતા. ગુજરાતના લોકોએ અમદાવાદ, વડોદરા, લીંબડી, રાજકોટ અને પોરબંદર ખાતે સાધુઓનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. સમાપન સમારોહ 8મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાયો હતો, જેમાં ભાગ લેનાર સાધુઓએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક તીર્થયાત્રા છે, જે શૈક્ષણિક તેમજ આધ્યાત્મિક રીતે ઉત્થાન કરનારી છે. બધા સાધુ-સંન્યાસીઓ ગુજરાતના ભક્તો અને સ્વયંસેવકોનાં આતિથ્ય અને ભક્તિથી પ્રભાવિત થયા હતા.

રામકૃષ્ણ મિશનની 125મી વર્ષગાંઠના ભાગ રૂપે, રાજકોટ કેન્દ્ર દ્વારા 5મી ફેબ્રુઆરી, 2023ના રોજ ‘રામકૃષ્ણ મિશન—તેનાં આદર્શો અને પ્રવૃત્તિઓ’ થીમ સાથે એક જાહેરસભાનું આયોજન થયું હતું, જેમાં ભારતના 125 સાધુઓ અને વિદેશના કેટલાક લોકોએ ભાગ લીધો હતો. લગભગ 1500 ભક્તોમાંથી, 9 સાધુઓએ મુખ્ય થીમને કેન્દ્રમાં રાખીને ભાષણો આપ્યાં. એક ખાસ ત્રણ-સ્તરીય મંચ તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી બધા મંચ પર બિરાજમાન 125 સાધુઓનાં દર્શન કરી શકે.

શ્રીરામકૃષ્ણદેવ જન્મતિથિ મહોત્સવ

આશ્રમ મંદિરમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવની 188મી જન્મતિથિની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં વિશેષ પૂજા અને હવન કરવામાં આવ્યાં હતાં. ભજન અને કીર્તન સાથે આશ્રમ-પ્રાંગણમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા દરમિયાન ભક્તિ-ગીતો ગાવામાં આવ્યાં હતાં અને સાંજે શ્રીરામકૃષ્ણ-નામ-સંકીર્તન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ લીધો હતો.

શ્રીરામકૃષ્ણદેવ જન્મતિથિ મહોત્સવની ઉજવણી

રામકૃષ્ણ મિશન, પોરબંદર

આશ્રમ પરિસરમાં શુક્રવાર 10.02.2023ના રોજ નિ:શુલ્ક નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 178 દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી અને ઓછી આવક ધરાવતા જૂથના 40 દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન પોરબંદર ખાતે ડો. કે. એ. ગરેજાની આંખની ‘ઓજસ’ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવ્યાં હતાં.

Total Views: 406

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.