તા. ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ‘રામકૃષ્ણ મિશનના ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓ’ વિષય પર એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો પ્રારંભ સ્વામી શંકરેશાનંદજીએ વૈદિક મંત્રોચ્ચારથી કર્યો. આ કાર્યક્રમમાં તીર્થયાત્રામાં પધારેલ સંન્યાસીઓએ વિવિધ કેન્દ્રોમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે વક્તવ્યો આપ્યાં હતાં.

કાર્યક્રમનો શુભારંભ મંચ પર બિરાજમાન ૧૨૫ સંન્યાસીઓએ સમૂહમાં પ્રણામ-મંત્રનું ઉચ્ચારણ કરી કર્યો. ત્યારબાદ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું, ‘આજની ઘડી છે રળિયામણી. આજનો દિવસ ત્રણ ગણો પવિત્ર છે. એક તો માઘી પૂર્ણિમાનો પવિત્ર દિવસ, બીજું, આજે શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય સ્વામી અદ્ભુતાનંદજીની જન્મતિથિ છે, અને ત્રીજું, આજે આપણે રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતી ઉજવી રહ્યા છીએ, તેમાં સમસ્ત વિશ્વમાંથી ૧૨૫ સંન્યાસીઓ ‘ગુજરાત તીર્થયાત્રા’ નિમિત્તે રાજકોટ પધાર્યા છે, અને અહીં એક જ મંચ પર ઉપસ્થિત છે. પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે ગુજરાત ભ્રમણ દરમિયાન જે જે સ્થળોની મુલાકાત લીધી હતી, તે સ્થળોને અનુલક્ષીને એક ‘વિવેકાનંદ સર્કિટ’ બનાવવા માટેનું આવેદન ગુજરાત સરકારને આપવામાં આવ્યું છે, જે જલદીથી બની જશે તેવી આશા છે. તે પહેલાં તીર્થયાત્રાના ભાગ રૂપે આ પ્રાયોગિક આયોજન કરાયેલ છે. અમારા આમંત્રણને માન આપી, આ તીર્થયાત્રામાં પધારેલ સૌ સંન્યાસીઓનું રાજકોટના નાગરિકો અને આપ સૌ ભક્તો વતી તથા રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વતી ભાવભીનું સ્વાગત કરું છું.’

આ કાર્યક્રમ અંતર્ગત વિવેકાનંદ કેન્દ્રના ઓલ ઇન્ડિયાનાં પ્રમુખ, સુશ્રી નિવેદિતા ભીડે, સાથી ફાઉન્ડેશનનાં અધ્યક્ષા ડૉ. ભદ્રાબેન શાહ, તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. કમલેશ જોશીપુરા તથા લીગલ ફાઉન્ડેશનનાં અધ્યક્ષા શ્રીમતી ભાવનાબેન જોશીપુરા વગેરેનું સ્વામી નિખિલેશ્વરાનંદજી દ્વારા સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું.

અદ્વૈત આશ્રમ, વારાણસીના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદજીએ તેમના ‘વારાણસી સ્થિત રામકૃષ્ણ મિશન’ વિષય પરના વક્તવ્યમાં જણાવ્યું, ‘કેટલાક યુવાનોએ સ્વામીજીના ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને અનુસરીને માત્ર ચાર આનાથી આ યાત્રા શરૂ કરી. લોકોનો બહુ વિરોધ હોવા છતાં તેનો ધીમે ધીમે વિસ્તાર થયો અને શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીની કૃપાથી આજે ત્યાં, વારાણસીમાં એક બહુ મોટી હોસ્પિટલ, ખાસ કરીને દરિદ્રનારાયણની સેવા માટે કાર્ય કરી રહી છે. ત્યાં બે કેન્દ્રો છે, એક ‘સેવાશ્રમ’ – હોસ્પિટલ, અને બીજું આધ્યાત્મિક ઉન્નતિ માટે અદ્વૈત આશ્રમ. આમ આજે વારાણસી આશ્રમ વિવિધ સેવાકાર્યોનું એક વટવૃક્ષ બની ગયું છે. આ સેવાશ્રમની મુલાકાત દરમિયાન શ્રીમા પ્રશંસાપૂર્વક બોલ્યાં હતાં, ‘અહીં ઠાકુર સ્વયં બિરાજે છે અને મા લક્ષ્મીનો ભંડાર પૂર્ણ છે.’

રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સત્યદેવાનંદજીએ મુંબઈ કેન્દ્રની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતાં જણાવ્યું, ‘આ જ વર્ષે મુંબઈ કેન્દ્રની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. મુંબઈમાં રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર (હોસ્પિટલ) પણ છે અને રામકૃષ્ણ મઠનું પણ કેન્દ્ર (મંદિર) છે. શરૂઆતમાં ભાડાની જગ્યાએ આશ્રમ શરૂ કરવામાં આવ્યો હતો. કેટલાંક વર્ષો પછી કેન્દ્રમાં દૂરથી આવતા વિદ્યાર્થીઓ માટે છાત્રાવાસ શરૂ કરવામાં આવ્યો હતો, આજે ત્યાં હોસ્પિટલ કાર્યરત છે. ૭૦ કિલોમીટર દૂર આવેલ સકવાર ગામમાં આદિવાસી બાળકોની વ્યાવસાયિક ઉન્નતિ માટે નિવાસની સગવડતા સાથેનું એક કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જે ૧૯૩૨થી કાર્યરત છે. ત્યાં વિવિધ વ્યવસાય માટેની તાલીમ આપવામાં આવે છે. આ માટે ટાટા મોટર્સ આર્થિક સહાય કરે છે. પાલઘરના પહાડી વિસ્તારની આસપાસ પાણી માટે ૧૦૦ કૂવાઓ ખોદીને ‘મા શારદા ગ્રામ વિકાસ કાર્ય’ પણ શરૂ કરવામાં આવ્યું છે, અને ઉપર્યુક્ત ગામોમાં સોલાર સિસ્ટમ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.’

રાષ્ટ્રીય સંસ્કૃતિના વાહકના રૂપમાં રામકૃષ્ણ મિશનના સર્વાધિક ક્રિયાશીલ આશ્રમ કેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, ગોલપાર્કના સચિવ પૂ. સ્વામી સુપર્ણાનંદજી મહારાજે કેન્દ્રની પ્રવૃત્તિઓ વિશે જણાવતાં કહ્યું, ‘જ્યાં સુધી આપણે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ નહિ હોઈએ, નૈતિક રીતે બળવાન ન હોઈએ, ત્યાં સુધી આપણે કોઈ પ્રવૃત્તિ કે મૂલ્યોની યોગ્ય કદર નહીં કરી શકીએ. ૧૯૩૬માં શ્રીરામકૃષ્ણદેવની જન્મ શતાબ્દીએ એક સાંસ્કૃતિક કેન્દ્ર હોવું જોઈએ, એવો સૂર ઊઠ્યો અને ૧૯૩૮માં આ કેન્દ્રની સ્થાપના થઈ. ખાસ કરીને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે આ એકમાત્ર કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. અહીં કોઈ મંદિર નથી બનાવવામાં આવ્યું. અનેક વખત આ કેન્દ્રનું સ્થળાંતર થયું અને અંતે અત્યારે જે સ્થળે આ કેન્દ્ર કાર્યરત છે, તે સ્થળ કાયમી બન્યું. આ કેન્દ્ર અને તેનું ભવન આ રીતે અદ્વિતીય બની રહ્યું છે. આ કેન્દ્રમાં એક સેન્ટ્રલ લાઇબ્રેરી છે, જે માત્ર પૂર્વ ભારતની જ નહિ, પરંતુ પૂર્વ એશિયાની સર્વશ્રેષ્ઠ લાઇબ્રેરી છે! અહીં ૨૦ જેટલી ભાષાઓ શીખવવામાં આવે છે. આ કેન્દ્રમાં એક મ્યુઝીયમ અને આર્ટ ગેલેરી પણ છે.’

રામકૃષ્ણ કુટીર, અલ્મોડાના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ધ્રુવેશાનંદજીએ ‘ઉત્તરાખંડમાં રામકૃષ્ણ મિશન’ વિષય પર પોતાના વક્તવ્યમાં જણાવ્યું, ‘હિમાલયના ખોળામાં આવેલ આ પ્રદેશ દેવભૂમિ છે, તપસ્વીઓનું અને સ્વામીજીનું અતિ પ્રિય સ્થળ છે. ૧૮૯૦માં સ્વામીજી અલ્મોડા આવ્યા હતા. કાઠગોદામથી પગપાળા નૈનીતાલ થઈ સ્વામીજી અહીં આવ્યા હતા. આસપાસમાં કાકડીઘાટ, માયાવતી અને શ્યામલાતાલ વગેરે રમણીય સ્થળો આવેલાં છે. સ્વામીજીએ પૂ. શિવાનંદજી મહારાજને કહ્યું હતું ‘આ પવિત્રભૂમિ ધ્યાન માટે શ્રેષ્ઠ છે, શક્ય હોય તો અહીં એક આશ્રમ શરૂ કરજો, જ્યાં સાધુ-બ્રહ્મચારી અને ભક્તો સાધન-ભજન અને શાસ્ત્ર-અધ્યયન કરે.’ ત્યારથી આ આશ્રમ ‘સાધના કેન્દ્ર’ રૂપે કાર્યરત છે. અનેક સંન્યાસીઓ અહીં દીર્ઘકાળ સુધી રહી, ધ્યાન કરતા હતા અને હજી પણ સંન્યાસીઓ સાધન-ભજન, ધ્યાન માટે અહીં આવે છે. ઉત્તરાખંડના કનખલમાં મિશનની હોસ્પિટલ દ્વારા લોકોની સેવા થઈ રહી છે, દહેરાદૂનમાં ઉત્તરાખંડની સૌથી મોટી આંખની હોસ્પિટલ છે. માયાવતી સ્વામીજીની હયાતીમાં શરૂ થયેલ, ખાસ ધ્યાન માટેનું કેન્દ્ર છે. ગુજરાતની જેમ ઉત્તરાખંડમાં પણ આ વર્ષના મે મહિનામાં તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તે માટે આપ સહુને આમંત્રણ છે.’

ઉત્તર-પૂર્વના નરોત્તમ નગર સ્થિત રામકૃષ્ણ મિશન કેન્દ્રના (જેમણે ગયા વર્ષે સ્થાપનાનાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યાં.) સચિવ શ્રીમત્‌ સ્વામી અચ્યુતેશાનંદજી મહારાજે (જેઓ રામકૃષ્ણ મિશન, ગવર્નિંગ બોડીના સદસ્ય તેમજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટીમંડળના ટ્રસ્ટી છે.) ‘ઉત્તર-પૂર્વમાં રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ’ વિષય પર જણાવ્યું હતું, ‘ઉત્તર-પૂર્વમાં, આસામમાં ૫, અરુણાચલ પ્રદેશમાં ૪, ત્રિપુરામાં ૩, મેઘાલયમાં ૨ અને મણીપુરમાં ૧ કેન્દ્ર, આમ કુલ ૧૫ કેન્દ્રો આવેલાં છે. પહાડી વિસ્તાર હોવાને લીધે આ પ્રદેશમાં જંગલી પ્રાણીઓ પણ છે અને વીજળી, ટેલિફોન, રોડ-રસ્તા, વાહન-વ્યવહાર અનિયમિત હોવા છતાં મેઘાલયના પાટનગર શિલોંગમાં દર વર્ષે પાંચ હજાર લોકોને રોજગાર મળી રહે, તે માટેની તાલીમ આશ્રમ દ્વારા આપવામાં આવે છે. ત્યાંના બીજા એક ચેરાપુંજી કેન્દ્રમાં બે શાળાઓ વચ્ચે ૪૦૦ કિલોમીટરનું અંતર છે. ત્યાં ૬૮ શાળાઓ ચલાવવામાં આવે છે, અને ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને શિક્ષણ આપવામાં આવે છે. નરોત્તમનગરમાં આદિવાસી લોકો તેમનાં સંતાનોને સામેથી શાળામાં અભ્યાસ માટે મોકલે છે. આ શાળાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ મંત્રીઓ, આઇ.એ.એસ. ઓફિસર, ડોક્ટર, એન્જિનિયર વગેરે બને છે. ઇટાનગરમાં પણ શાળાઓ ચલાવવામાં આવે છે. આમ દૂરદરાજનાં ગામોમાં અનેક સંઘર્ષોનો સામનો કરી અને નીડરપણે રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રો સમાજકલ્યાણનાં કાર્યો કરી રહ્યાં છે.’

 

કોલકાતા સ્થિત સ્વામી વિવેકાનંદના જન્મસ્થાન, રામકૃષ્ણ મિશન કેન્દ્રના સચિવ સ્વામી જ્ઞાનલોકાનંદજી મહારાજે (જેઓ રામકૃષ્ણ મિશન, ગવર્નિંગ બોડીના સદસ્ય તેમજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટીમંડળના ટ્રસ્ટી છે.) સ્વામી વિવેકાનંદના જન્મસ્થાનના મહત્ત્વ વિશે જણાવ્યું, ‘ઉત્તર કોલકાતામાં આવેલ શિમલા પલ્લીમાં સ્વામીજીના પૂર્વજોના આ વિશાળ મકાનમાં સ્વામીજીનો જન્મ થયો હતો. સ્વામીજીના જન્મ શતાબ્દી વર્ષ ૧૯૬૨માં પ. બંગાળ સરકારે આ સ્થળે એક ‘મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂશન’ બનાવવાનું નક્કી કર્યું. ૨૦૦૧માં વિધિવત્ ભૂમિપૂજન કરી, આ મકાનનું પુનઃસ્થાપન કરવા સ્વામી ગહનાનંદજી મહારાજે શિલારોપણ કર્યું. સપ્ટેમ્બર, ૨૦૦૪માં તત્કાલીન પરમાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ હસ્તે આ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. સ્વામીજીના બાળજીવનના પ્રસંગોનાં સ્થળોને અહીં કાળજીપૂર્વક સાચવવામાં આવ્યા છે. આમ સ્વામીજીના બાળપણનું આ સ્થળ ભક્તો અને સાધકો માટે તીર્થસ્થાન ‘લીલાધ્યાન’ બન્યું. આ કેન્દ્રમાં આવતા મુલાકાતીઓ માટે એક મ્યુઝીયમ પણ છે, જે જોઈને તથા સ્વામીજી વિશે જાણીને લોકો અભિભૂત થાય છે.’

રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતી પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક સ્વામી દિવ્યકૃપાનંદજી મહારાજે દેશ-વિદેશનાં વિવિધ કેન્દ્રોમાંથી વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતાં પુસ્તકો અને પત્રિકાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

‘ભારતેતર દેશોમાં રામકૃષ્ણ મઠ-મિશનનું કાર્ય’ આ વિષય પર કેરળ સ્થિત કોઝીકોડ કેન્દ્ર-સેવાશ્રમના સચિવ સ્વામી નરસિંહાનંદજી મહારાજે જણાવ્યું, ‘સમસ્ત ભલાઈની શક્તિ સમસ્ત બૂરાઈઓની શક્તિ વિરુદ્ધ કામ કરે, તે માટે સ્વામીજીએ ‘રામકૃષ્ણ મઠ-મિશન’ ની સ્થાપના કરી હતી. ભારતની બહાર અન્ય દેશોમાં ૯૭ કેન્દ્રો ભારતીય મૂલ્યોનું પાલન કરીને ભારતની ધરોહર, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે.’

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય અને આત્મસાક્ષાત્કારી સંન્યાસી શ્રીમત્‌ સ્વામી અદ્ભુતાનંદજીની જન્મતિથિના દિવસે તેમના જીવન અને સંદેશ વિશે રામકૃષ્ણ મિશન, ભોપાલના સચિવ સ્વામી નિત્યજ્ઞાનાનંદજી મહારાજે કહ્યું, ‘શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ લાટુ મહારાજ વિશે લખે છે, ‘લાટુ મહારાજ શ્રીરામકૃષ્ણદેવની અદ્ભુત સૃષ્ટિ હતા.’ જે પરિપ્રેક્ષ્યમાંથી નિરક્ષર લાટુ મહારાજ આવતા હતા અને જે ઉચ્ચ આધ્યાત્મિક સ્તર પર તેઓ પહોંચ્યા હતા, તેની સાથે આપણી સરખામણી કરવામાં આવે તો સમજી શકાય છે કે લાટુ મહારાજ અતિ ઉચ્ચ કોટીના હતા.’

સભાના સમાપન વક્તવ્યમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વક્તા સ્વામીજીઓ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો અને રામકૃષ્ણ આશ્રમના આગામી કાર્યક્રમો અને તબીબી, પ્રકાશન, આધ્યાત્મિક, જીવનમૂલ્યો વિષયક કાર્યક્રમ વગેરે પ્રવૃત્તિઓ તેમજ પ્રકલ્પો વિશે માહિતી આપી હતી.

અંતમાં, ‘રામકૃષ્ણ શરણમ્’ ધૂન સાથે આ સમગ્ર કાર્યક્રમનું સમાપન થયું હતું.

Total Views: 516

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.