સર્વજ્ઞપીઠ

કાશ્મીરમાં આચાર્ય શારદાપીઠ પહોંચ્યા. એ દિવસોમાં તે સ્થાન ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું. સમગ્ર ભારતના વિદ્વાનો તથા જુદા જુદા મતોના સાધકો ત્યાં રહીને એ પીઠનું ગૌરવ અને મહિમા વધારતા હતા.

શારદાપીઠમાં સરસ્વતીનું એક પ્રસિદ્ધ મંદિર હતું અને એમાં સર્વજ્ઞપીઠ નામે એક પીઠનું સ્થાપન કરેલું હતું. જે સર્વજ્ઞ, એટલે કે દિવ્ય જ્ઞાનમાં પ્રતિષ્ઠિત હોય, તે જ સર્વજ્ઞપીઠ ઉપર બેસવાનો અધિકારી થઈ શકતો હતો. ભારતનાં જુદાં જુદાં સ્થળેથી આવેલા પ્રસિદ્ધ પંડિતો એ પવિત્ર પીઠનું રક્ષણ  કરતા હતા. સર્વજ્ઞપીઠની ઉપર બેસવાની ઇચ્છાથી કોઈ પંડિત આવતા તો એને મંદિરના ચારે દરવાજાઓ પર હાજર બધા સંપ્રદાયોના પંડિતોને શાસ્ત્રાર્થમાં હરાવવા પડતા હતા. પછી જ્યારે દેવી શારદા દૈવવાણીથી એને સર્વજ્ઞ  જાહેર કરે ત્યારે તે પંડિત સર્વજ્ઞપીઠ  પર બેસી શકતો હતો. ત્યાં સુધીમાં કોઈ પણ પંડિત આ મહાન સૌભાગ્યનો અધિકારી બની શકતો ન હતો. આચાર્યના શિષ્યોએ એમને શારદાપીઠ ઉપર બેસવાનો અનુરોધ કર્યો. શંકરાચાર્ય સંમત થયા અને મંદિર તરફ ચાલ્યા. પંડિતો મંદિરના બારણા પર ઊભા રહી ગયા અને એમણે આચાર્યને શાસ્ત્રાર્થ કરવાને માટે પડકાર્યા. આચાર્યે એ બધાને શાસ્ત્રાર્થમાં હરાવી દીધા. બધા પંડિતો એમની સામે નતમસ્તક બની ગયા અને એમનો રસ્તો છોડી દીધો. એ સમયે દૈવવાણી થઈ, ‘વત્સ  શંકર, હું પ્રસન્ન થઈ છું. ફક્ત તું જ આ સર્વજ્ઞપીઠ ઉપર બેસવાને યોગ્ય છો.’  દૈવવાણી સાંભળીને આચાર્ય સવિનય સર્વજ્ઞપીઠ પર બેઠા અને ભક્તિભાવથી શારદાદેવીની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રસંગથી બધા લોકો પીઠમાં દેવીની હાજરીના વિષયમાં નિ:શંક બન્યા. શારદાપીઠ ઉપર બેસવાનો અધિકાર પ્રાપ્ત કરીને યતિશ્રેષ્ઠ શંકરાચાર્યની દિગ્વિજય યાત્રા પૂર્ણ થઈ.

Total Views: 528

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.