(11 માર્ચ, ૨૦૨૩ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. એ ઉપલક્ષ્યે યોગાનંદજીએ શ્રીરામકૃષ્ણના આશ્રયમાં રહી જે શિક્ષા મેળવેલી એ વિષયક બે પ્રસંગ અહીં પ્રસ્તુત છે. -સં.)

શ્રીરામકૃષ્ણની ચોકસાઈ

પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય ત્યારે, ઘણા કલાકારો અને વૈજ્ઞાનિકો પોતાની અંગત ચોકસાઈ અને બહારની બાબતો પ્રત્યે પૂરા બેદરકાર હોય છે. પરંતુ શ્રીરામકૃષ્ણ  સમાધિમાં હોય ત્યારે જાત વિશે અને પરિસર વિશે પૂરા બેઘ્યાન હોવા છતાં, સામાન્ય ભાવમાં હોય ત્યારે, ઝીણામાં ઝીણી બાબતો વિશે પૂરા ચોક્કસ હતા. એક દિવસ શ્રીરામકૃષ્ણ યોગીન અને રામલાલની સાથે ગાડીમાં બેસીને બલરામને ત્યાં જવા નીકળ્યા.

દક્ષિણેશ્વરને ઝાંપે ગાડી પહોંચી ત્યારે ઠાકુરે યોગીનને પૂછ્યુંઃ ‘તેં મારું કપડું અને ટુવાલ લીધાં છે ને?’ ‘ટુવાલ લીધો છે, કપડું ભૂલી ગયો છું’, યોગીને જવાબ આપ્યો ને ઉમેર્યું, ‘આપને નવું કપડું આપતાં બલરામને આનંદ થશે.’ ગુસ્સે થઈ ઠાકુર બોલ્યાઃ ‘નાખી દેવા જેવી વાત કર મા.’ લોકો કહેશે, ‘કેવો અભાગિયો આવ્યો છે!’ એમને અગવડ પડશે અને એ લોકો મૂંઝવણ અનુભવશે. ગાડી થોભાવો. તું જા અને કપડું લઈ આવ.’

યોગીને આજ્ઞા માથે ચડાવી ત્યારે ઠાકુરે કહ્યુંઃ ‘સજ્જન ભાગ્યશાળી માણસ અતિથિ તરીકે આવે ત્યારે, ઘરમાં છોળ હોય પણ; દુર્ભાગી, રાંક અતિથિ આવે ત્યારે એને આવકારતાંયે યજમાનને તકલીફ પડે, ખાસ કરીને, ઘરમાં ત્યારે જ ચીજવસ્તુઓની અછત હોય.’ શ્રીરામકૃષ્ણની સમીપ રહેવું એ જ ઉત્તમ શિક્ષણ સમાન હતું. એમનો દરેક શબ્દ કે એમનું દરેક કાર્ય ખૂબ અર્થગર્ભ જ હોય.

કાલીમંદિરના પ્રસાદ વિશે શ્રીરામકૃષ્ણની ચિંતા

દક્ષિણેશ્વર-મંદિરના નિયમ અનુસાર પૂજા પછી પ્રસાદમાંથી થોડો ભાગ ઠાકુરને મોકલવામાં આવતો. એક વખત ફલહારિણી કાલીપૂજાના બીજા દિવસે સવારે આઠ-નવ વાગે ઠાકુરે જોયું કે, એમના ઓરડામાં ફળ-ફૂલનો જે પ્રસાદ મોકલવામાં આવે છે, તે હજુ આવ્યો નથી. તેથી કાલીમંદિરના પૂજારી – પોતાના ભત્રીજા રામલાલને બોલાવીને તેનું કારણ પૂછ્યું, પણ તેઓ કંઈ જવાબ આપી શક્યા નહીં. તેમણે કહ્યું, ‘હંમેશ મુજબ બધો જ પ્રસાદ કાર્યાલયમાં ખજાનચી પાસે મોકલાઈ ગયો છે. બધાંને, ત્યાંથી જ જેને જેટલો આપવાનો હોય તેટલો પ્રસાદ મોકલવામાં આવે છે; પણ…. પણ અહીંને (ઠાકુરને) માટે હજુ સુધી કેમ મોકલાવ્યો નથી, એની મને ખબર નથી.’

રામલાલદાદાની વાતો સાંભળીને ઠાકુર થોડા વ્યગ્ર અને ચિંતિત બની ગયા. ‘હજુ સુધી કાર્યાલયમાંથી પ્રસાદ કેમ આવ્યો નથી?’ તેઓ બધાંને આ જ પ્રશ્ન પૂછવા લાગ્યા અને આની જ ચર્ચા કરવા લાગ્યા. આ રીતે એમણે થોડો સમય રાહ જોઈ, તેમ છતાં પણ પ્રસાદ આવ્યો નહીં, તેથી પછી પગમાં ચંપલ પહેરીને તેઓ પોતે જ ખજાનચી પાસે પહોંચી ગયા. અને તેમણે કહ્યુંઃ ‘કેમ રે! (પોતાના ઓરડા તરફ ઇશારો કરીને) પેલા ઓરડા માટેનો પ્રસાદ હજુ સુધી કેમ નથી આવ્યો? ભૂલી તો નથી ગયા ને? આટલા દિવસોથી ચાલતી આવતી પહેલાંની વ્યવસ્થા છે. હવે ક્યાંક ભૂલથી બંધ થઈ જાય એ તો બહુ ખોટું કહેવાય!’ ખજાનચીએ શરમિંદા થઈને જણાવ્યું, ‘શું હજુ સુધી પ્રસાદ આપને ત્યાં પહોંચ્યો નથી? એ તો બહુ ખોટું થયું. હું હમણાં જ મોકલાવી આપું છું.’

યોગીનની ઉંમર નાની હોવા છતાં પણ એમનામાં કુળ-ગૌરવનો ભાવ વિશેષ પ્રબળ હતો. તેઓ કાલીમંદિરના ખજાનચી વગેરેને કદાચ માણસ તરીકે પણ લેખતા નહોતા. આથી થોડાક પ્રસાદ માટેની ઠાકુરની આવી રીતની દોડધામ એમને ગમી નહીં. પેટ ખૂબ નાજુક હોવાને કારણે જમવાની જરાય દરકાર નહીં કરતા ઠાકુરના આ વર્તનથી યોગીનને નવાઈ લાગી. વળી, તે દિવસે તેઓ જેવા વ્યગ્ર હતા તેવા યોગીને તેઓને (શ્રીઠાકુરને) ક્યારેય જોયા ન હતા. મનમાં ખૂબ મંથન કર્યા પછી યોગીને તારવ્યું કે, પોતાની આટલી મહાન આધ્યાત્મિકતા છતાં, પોતાની બ્રાહ્મણવૃત્તિથી ઠાકુર હજી ઊંચે ઊઠી શક્યા ન હતા.

દરમિયાન, શ્રીરામકૃષ્ણ પોતાને ઓરડે પરત આવ્યા અને યોગીનને કહ્યુંઃ ‘જો, રાણી રાસમણિએ પોતાની મોટી જાયદાદ મંદિરને દાનમાં આપી છે, તે એ માટે કે ભક્તોમાં અને સાધુઓમાં પ્રસાદ વહેંચાય. પ્રસાદનો જે હિસ્સો અહીં આવે છે તે પ્રભુની ઝંખનાવાળા અહીં આવતા ભક્તો ગ્રહણ કરે છે એટલે રાણીની ભેટનો એ યોગ્ય ઉપયોગ છે. પરંતુ, મંદિરના પૂજારીઓને ત્યાં જતા બીજા ભાગનો શો ઉપયોગ થાય છે? એ લોકો એને બજારમાં વેંચે છે અને કેટલાક પોતાની રખાતોને એ ખવરાવે છે! અહીં આવતા ભાગ માટે મંદિરની કચેરી સાથે હું એ માટે લડું છું કે રાસમણિનો હેતુ થોડો તો સધાય.’ ઠાકુરનું પ્રત્યેક કાર્ય, એ ગમે તેટલું ક્ષુલ્લક હોય તો પણ, કેટલું ઊંડા અર્થથી ભરેલું હતું, તે યોગીન સમજ્યા.

Total Views: 454

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.