શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક પ્રસંગે સમસ્ત દેશ અને વિદેશથી પધારેલા માનનીય સંન્યાસીગણ, ઉપસ્થિત મહાનુભાવો, માતાઓ, ભાઈઓ, ભક્તજનો અને યુવા મિત્રો.
સાચે જ, આ એક ઐતિહાસિક પ્રસંગ છે. છેલ્લા ચાર મહિનાથી અમે દિવસ-રાત પરિશ્રમ કરી રહ્યા હતા, તીર્થયાત્રા માટે સૂક્ષ્મ આયોજન કરી રહ્યા હતા, અને આજે અમારાં ગુજરાતનાં તમામ કેન્દ્રોના સહકારથી તેમજ માત્ર રાજકોટના જ નહિ, બધાં જ કેન્દ્રોના સૌ ભક્તજનોના સહયોગથી આ એક અત્યંત કઠિન એવું કાર્ય ભગવાન શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની અસીમ કૃપાથી નિર્વિઘ્ને પાર પડ્યું છે.
આમ તો ઇચ્છા એવી હતી કે તીર્થયાત્રાના અનુભવો આપણે બધા સંન્યાસીઓ પાસેથી સાંભળીએ, પરંતુ સમયના અભાવને કારણે બધા સંન્યાસીઓ પોતાનો પ્રતિભાવ લિખિતરૂપમાં આપે અને તેનું એક પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશિત થાય તેમજ એક સ્મરણિકામાં પણ આ બધા અનુભવો પ્રકાશિત થાય, આ ઉપરાંત તેનો ગુજરાતી અનુવાદ પણ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં પ્રકાશિત થાય, તેવું નક્કી કરવામાં આવ્યું છે.
ફેબ્રુઆરીની પહેલી તારીખ પહેલાં તીર્થયાત્રામાં જોડાવા અમદાવાદ આવનાર સંન્યાસીઓને કોણ, ક્યારે અને ક્યાં લેવા જશે, તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું. કેટલાક વરિષ્ઠ સંન્યાસીઓને યાત્રા દરમિયાન તકલીફ ન પડે એ માટે કારની પણ વ્યવસ્થા કરવામાં આવી. આમ આ ૧૧૬ સંન્યાસીઓની ‘પરમહંસની ફોજ’ રામકૃષ્ણ મિશનના ધ્વજ અને ગુજરાત તીર્થયાત્રાના બેનર સહિત પચીસ કાર અને બે બસ સાથે સમગ્ર ગુજરાતમાં ફરી. બધી જગ્યાએ લોકો એકસાથે આટલા સાધુઓને જોઈને વિસ્મિત થઈ ગયા.
પહેલી તારીખે સાંજે પાંચ વાગ્યા પહેલાં આવી ચૂકેલા સંન્યાસીઓ અમદાવાદમાં અક્ષરધામની મુલાકાતે ગયા.
બીજી તારીખે ગુજરાતના મુખ્યમંત્રી સ્વયં સંન્યાસીઓનાં દર્શને આવ્યા. તેઓએ આ માટે વ્યક્તિગત દિલચસ્પી બતાવી હતી. મુખ્યમંત્રીનો આગ્રહ હતો કે ભલે અત્યાર સુધી આ રીતે કોઈ સંસ્થાને આર્થિક અનુદાન ન આપવામાં આવ્યું હોય, પરંતુ બધા સંન્યાસીઓને આપણે અહીં લાવવા છે. ઉપરાંત ભક્તોએ પણ આ માટે આર્થિક સહાય કરી છે. ત્યાર બાદ સહુ સાબરમતી આશ્રમ ગયા. ત્યાંથી બધા અમદાવાદના નવા કેન્દ્રના ભક્તોને મળવા માટે ‘સિંધુ ભવન’ ગયા, જ્યાં ભક્તોએ બધા સંન્યાસીઓનું સ્વાગત કર્યું. ત્યાં ભોજનપ્રસાદ લઈ, જ્યાં દાનમાં મળેલ ૭.૫ એકર જમીનમાં નવું કેન્દ્ર સાકાર થઈ રહેલ છે, ત્યાં લેખમ્બા ગયા. લેખમ્બાથી બધા વડોદરા ગયા. વડોદરાના ભક્તોએ પણ બધા સંન્યાસીઓનું ભાવભીનું સ્વાગત કર્યું.’
ત્રીજી તારીખે બધા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે ગયા. આ બધી જગ્યાએ ગુજરાત સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે અને ભક્તોએ ફરવાની અને રહેવાની વ્યવસ્થામાં મદદ કરી. નર્મદા-આરતીથી સૌ પાવન થયા. ત્યાં રાત રોકાઈ ચોથી તારીખે સવારે નર્મદાસ્નાન કરી વડોદરા માટે રવાના થયા.
વડોદરા પહોંચી, સ્વામી વિવેકાનંદની ચરણરજથી પવિત્ર થયેલ (અને જે ગુજરાત સરકારે રામકૃષ્ણ મિશનને ૧૮ એપ્રિલ, ૨૦૦૫ના રોજ અર્પણ કરેલ તે) દીલારામ બંગલા ખાતે ‘વિવેકાનંદ મેમોરિયલ’ની મુલાકાત લઈ લક્ષ્મીવિલાસ પેલેસ ગયા. ત્યાં ગાયકવાડ પરિવારના ‘રોયલ પેલેસ’માં રાજમાતા શ્રીમતી શુભાંગિનીદેવી રાજેએ બધા સંન્યાસીઓનો સત્કાર કરી આગ્રહપૂર્વક ચા-નાસ્તાનો પ્રબંધ પણ કરાવ્યો.
આ સમયે તેમનાં પુત્રી જસદણનાં મહારાણી શ્રીમતી અલૌકિકાદેવી અને તેમના પતિ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાર બાદ ‘અરવિંદ આશ્રમ’ની મુલાકાત લઈ સૌ પાંચમી તારીખે લીંબડી જવા રવાના થયા.
લીંબડી પહોંચી જે રાજમહેલમાં સ્વામી વિવેકાનંદ તત્કાલીન રાજા ઠાકોર સાહેબ શ્રી યશવંતસિંહજીના અતિથિગૃહમાં રહ્યા હતા તે પેલેસમાં (પછીથી રામકૃષ્ણ મિશનને સોંપવામાં આવ્યો હતો) બનાવવામાં આવેલ મેમોરિયલની મુલાકાત લીધી. ત્યાંથી સૌ સાંજે રાજકોટ પહોંચ્યા. રાજકોટના ભક્તોએ બધા સંન્યાસીઓનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું.
સાંજે એક વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતીના ઉપલક્ષ્યમાં ‘રામકૃષ્ણ મિશનના આદર્શો અને પ્રવૃત્તિઓ’ વિષય પર ઉપસ્થિત કેટલાક સંન્યાસીઓએ પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ૧૨૫ જેટલા સંન્યાસીઓ ઉપસ્થિત રહ્યા તે બહુ મોટી ઘટના ગણાવી શકાય. આ ધર્મસભામાં ૧૫૦૦થી વધુ ભક્તો હાજર રહ્યા હતા.
બધા છઠ્ઠી તારીખે જુનાગઢ જઈ ગિરનાર પર્વત પર અંબાજીનાં દર્શન કરવા ગયા, પરંતુ તેજ હવાને કારણે રોપ-વે બંધ હોવાથી ત્યાં ન જઈ શક્યા. જુનાગઢમાં ભક્તોએ બધાંને સત્કાર્યા. ભોજન કરી સહુ સોમનાથ ગયા. ત્યાં પ્રભાસ-તીર્થનાં દર્શન કર્યાં.
મુખ્યમંત્રીશ્રીએ ટુરિઝમ ડિપાર્ટમેન્ટને ખાસ કહ્યું હતું કે દરેક જગ્યાએ સુંદર વ્યવસ્થા હોવી જોઈએ. વિશેષ રૂપે નિયુક્ત કરેલ ગાઈડે બધાં સ્થળોની સરસ માહિતી આપી. સોમનાથ મંદિરમાં પણ ખાસ દર્શનની વ્યવસ્થા કરાવી આપી હતી. જે ખંડ સામાન્ય રીતે ખૂલતો ન હતો, એવા એક મોટા ખંડમાં અમે ભજન, સ્તોત્રપાઠ કર્યાં. ટ્રસ્ટીએ બધાનું સ્વાગત કર્યું, અને પ્રસંગાનુસાર વક્તવ્ય આપ્યું.
તેમણે કહ્યું કે, “સ્વામીજી જ્યારે ૧૩૦ વર્ષ પહેલાં અહીં આવ્યા હતા, ત્યારે એકલા જ આવ્યા હતા, આજે તેમણે ૧૨૫ સંન્યાસીઓને મોકલ્યા છે! એથી અમે ખૂબ ખુશ છીએ.” ત્યાં આરતીનો લાભ લીધો અને પછી ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’ માણ્યો, તેમાં પણ સ્વામીજીના ફોટા સાથે બતાવ્યું કે અહીં સ્વામીજીએ સોમનાથના ભગ્નાવશેષ પાસે ધ્યાન કર્યું હતું અને ભારતના ભવિષ્ય માટે ચિંતન કર્યું હતું.
સાતમી તારીખે સર્વે પોરબંદર ગયા. જે સ્થળે આજે વિવેકાનંદ મેમોરિયલ છે, તે ભોજેશ્વર બંગલોમાં સ્વામીજી તે સમયે ઓછામાં ઓછા ચાર મહિના રહ્યા હતા, તેની મુલાકાત લીધી. સ્વામીજીએ ત્યાં જ ફ્રેંચ ભાષા શીખી હતી અને પાણિનિ વ્યાકરણનું અધ્યયન કર્યું હતું. તેમજ અથર્વવેદના અનુવાદમાં શંકર પાંડુરંગ પંડિતને મદદ કરી હતી. અત્રે સહુએ ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ની મુલાકાત લીધી. ત્યાર બાદ મહાત્મા ગાંધીના જન્મસ્થાન ‘કીર્તિમંદિર’ અને ‘સુદામા મંદિર’ પણ ગયા. સાંજે ત્યાંથી દ્વારકા જવા રવાના થયા, ત્યાં પણ દર્શન માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં સહુએ ખૂબ નજીકથી ભાવપૂર્વક દ્વારકાધીશજીનાં દર્શન કર્યાં. ત્યાં બેસીને સ્તોત્રપાઠ, ભજન-કીર્તન પણ કર્યાં. પછી સ્વામીજી જે શંકરાચાર્ય મઠમાં રહ્યા હતા તે સ્થળે ગયા, જો કે હવે તે ઓરડાની અને મકાનના સ્થાને નવું બાંધકામ થઈ ગયું છે. તે જગ્યાએ પણ સ્વામીજીને ‘નૂતન ભારતનો ઉદય થશે’ એવું દર્શન થયું હતું.
આજે આઠમી તારીખે દ્વારકામાં રુક્મિણી મંદિર, નાગેશ્વર મહાદેવ વગેરે સ્થળોએ દર્શન કરી, થોડા સમય પહેલાં અહીં રાજકોટ પધાર્યા છીએ.
આ તીર્થયાત્રાના આયોજનમાં જે કંઈ પણ ખામીઓ-ત્રુટીઓ જણાઈ હોય તો તે માટે હું આપ સહુનો ક્ષમાપ્રાર્થી છું. આ તીર્થયાત્રા પાછળનો અમારો ઉદ્દેશ્ય એ હતો કે એક ‘સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ’ બને, જ્યાં જ્યાં સ્વામીજી ગયા હતા તે બધી જગ્યાએ સ્વામી વિવેકાનંદ મેમોરિયલ બને. હાલમાં લીંબડી, પોરબંદર અને વડોદરા ખાતે આ કેન્દ્રો કાર્યરત છે. પરંતુ ભુજ, જુનાગઢ, નડિયાદ વગેરે જે સ્થળોએ સ્વામીજી ગયા હતા અને નિવાસ કર્યો હતો તે બધાં સ્થળોએ મેમોરિયલ બને તેવી અપેક્ષા છે.
આ ઉપરાંત દ્વારકા, પાલીતાણા, માતાનો મઢ, કોટેશ્વર, નારાયણ સરોવર વગેરે કેટલાંય તીર્થસ્થાનોમાં સ્વામીજી ગયા હતા, તે બધાં સ્થળોએ સ્વામીજીનું સ્મૃતિ-મંદિર હોવું જોઈએ. આ માટે ત્યાંના ટ્રસ્ટીઓ અને સરકારશ્રી સાથે વાટાઘાટો ચાલી રહી છે. આ સ્થળોએ આધુનિક ટેક્નોલોજીની મદદથી યુવાનો આકર્ષાય તે માટેના અમે પ્રયત્નો કરીશું.
પવિત્ર ત્રિમૂર્તિના આશીર્વાદથી થોડા સમયમાં ‘વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ’ શરૂ થઈ જશે તેવી આશા કરીએ છીએ અને તેના દ્વારા સ્વામી વિવેકાનંદની આભા ગુજરાતના ખૂણે-ખૂણામાં પહોંચશે તેવી આશા કરીએ છીએ. અંતમાં આટલી મોટી સંખ્યામાં દેશ-વિદેશથી આવેલા સંન્યાસીઓનો આભાર માનું છું.
ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર પ્રતિ તેમના આર્થિક સહયોગ બદલ હું ફરી આભાર વ્યક્ત કરું છું તેમજ ભક્તો અને સ્વયંસેવકોએ તન-મન-ધનથી આપેલ સહકાર બદલ તે સૌ પ્રતિ પણ હું આભાર વ્યક્ત કરું છું.
(ગુજરાત તીર્થયાત્રા સમાપન સમારોહ પ્રસંગે તા. ૦૮-૦૨-૨૦૨૩ના રોજ આપેલ વક્તવ્ય)
Your Content Goes Here