(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં પ્રસ્તુત છે. -સં.)

મિસ મેક્લાઉડ

૧૬, બોઝપાડા લેન,
બાગબજાર,
તા. ૨૭-૦૨-૧૮૯૯

મારી વહાલી જોય,

હમણાં મારે વર્ગો લેવાના નથી. એટલે તમારા માટે થોડી ક્ષણો મારી પાસે છે. સ્વામીજી સિમલા સ્ટ્રીટ ગયા છે. તમને પત્ર લખવાનો હતો, એટલે હું સાથે ગઈ નથી. મારા પ્રવચનમાં હાજરી આપવા તેઓ ગઈ કાલે બપોરે આવેલા. આ હકીકત શું આનંદપ્રદ નથી? તેઓ આજે રોકાયા છે, કારણ કે બપોરે ત્રણ વાગે મને મળવા સરલા ઘોષાલ આવવાનાં છે! ગઈ રાત્રે મિ. મોહિની અને ટાગોર કુટુંબના સભ્યો વચ્ચે હું ઘેરાયેલી હતી અને રાજાની [સ્વામીજીની] પોતાની મંજૂરીથી મેં રામમોહન રૉય અને દેવેન્દ્રનાથ ટાગોરનો અછડતો ઉલ્લેખ કરેલો. છેલ્લાં ૨-૩ અઠવાડિયાંથી ટાગોર કુટુંબના સભ્યો અમારી વાતચીતની ક્ષિતિજે ડોકિયું કરતા રહે છે. મારો પુત્ર સુરેન્દ્ર (સુરેન્દ્રનાથ ટાગોર—નિવેદિતા તેમને પુત્ર સમાન ગણતાં.) ગયા ગુરુવારે એકલો જ આવેલ અને ત્રણ કલાક અમે સાથે ગાળ્યા હતા. અમને સમર્પિત એવો તે ખરેખર વીર છે. મારા વહાલા ભાઈ મોન્ટેગ માટે મને જેવી લાગણી છે, તેવી જ, અરે! તેના કરતાં પણ વધારે પ્રેમભાવ મને સુરેન્દ્ર માટે છે.

મારા મિત્રો મને મળવા બંગાળી પોશાકમાં આવ્યા, તે જોઈ રાજા ખૂબ રાજી થયા. ધીમે ધીમે તેઓ સરલા (સરલા ઘોષાલ) ને પસંદ કરવા લાગ્યા છે. રૉય દંપતીનો (જગદીશચંદ્ર બોઝનાં પત્ની અબલાની બહેન અને તેમના પતિ) પત્ર આવ્યો છે. શનિવારે અમને ચા માટે આમંત્ર્યાં હતાં, પરંતુ શ્રીમતી રૉય બીમાર થઈ ગયાં. સ્વામીજીએ કહ્યું, “માર્ગોટ, હું થોડો રહસ્યવાદી પણ છું. ત્યાં જવા બાબત મેં કહેલું કે ‘જેવી ઈશ્વરેચ્છા.’ (જાણે પોતે ત્યાં જઈ શકવાના નથી, તેવો અણસાર શરૂઆતમાં જ સ્વામીજીને આવી ગયેલ, એ અર્થમાં સ્વામીજી આ વાત કરે છે.) આવું કહેવાથી-કરવાથી જે યોગ્ય નથી, તેવી બાબતો-કાર્યો કરવામાંથી હું બચી જાઉં છું.”

એક મિશનની મહિલાએ મને ચા માટે આમંત્રી હતી અને ત્યાર બાદ મારું પ્રવચન ગોઠવ્યું હતું. તે પૂરું થતાં હું સ્વામીજી પાસે ગઈ. તેઓ પોર્ચમાં સરલા અને બીજી મહિલાઓ સાથે ચર્ચા કરતા ઊભા હતા. મને જોતાવેંત જ તેઓ મોટેથી બોલ્યા, “માર્ગોટ, તેં ઉત્તમ પ્રવચન આપ્યું!” એ વખતે એ સ્થળે મારું પ્રવચન ઉત્તમ હતું; પણ બધી જ આલોચનાઓ, ટીકાઓ અને સૂચનાઓ તેમણે પાછા ફરતી વખતે ગાડીમાં કહેવા માટે અલગ રાખી હતી! શું આ રોચક નથી!

અમે બહાર નીકળ્યાં પછી તેમને (સ્વામીજીને) પસાર થતા જોવા માટે લોકો એકઠા થઈ ગયા. તેઓ પહેલાં પગથિયાં ઊતરી આગળ જાય તે માટે હું રાહ જોતી ઊભી રહી, પણ તેમણે કહ્યું, “નહીં, પહેલાં તમે— હું લોકોને સાચી રીતભાત દર્શાવવા ઇચ્છું છું.” (સ્વામીજીનો ઇશારો સ્ત્રી-દાક્ષિણ્ય તરફ હતો.)

મિસ મેક્લાઉડ

૧૬, બોઝપાડા લેન, બાગબજાર, કલકત્તા
પ, માર્ચ ૧૮૯૯ (રવિવારની રાત્રિ)

મારી પોતાની પ્યારી યમ,

ગઈ કાલે બપોરે બે વાગ્યે સ્વામીજી બાગબજારમાં અચાનક આવ્યા. તેઓ હળવા મિજાજમાં હતા અને તેમનો બધો સમય ફક્ત મારા માટે જ હતો. પછી તેમણે કહ્યું, “મારી સાથે બેલુર મઠ ચાલ અને રાત્રિ-ભોજન ત્યાં જ લેજે.” શ્રીમતી બેનર્જીએ તેમને થોડા સમય માટે હાઉસ-બોટ આપી છે. (ગંગાની ઉપર સફર કરીને કલકત્તાનાં વિવિધ સ્થળોએ આવ-જા કરવા માટે) મારા આનંદની તો તમે કલ્પના કરી શકશો! સદાનંદ (સ્વામી સદાનંદ—સ્વામીજીના સંન્યાસી શિષ્ય) ને મારી હેટ (Hat) લેવા તેમણે મોકલ્યા. ખૂબ સુંદર સમય હતો!

તેમણે સેવિયર્સની યોજનાઓ વિશે વાતો કરી. તેઓ બંને સંન્યાસી થવા માગે છે, તથા પોતાની સંપત્તિનું ટ્રસ્ટ બનાવી તે અદ્વૈત-વેદાંત તથા કુમાઉં (હિમાચલનો પહાડી પ્રદેશ) ની ગ્રામ્યપ્રજાના શિક્ષણ માટે વાપરવા માગે છે.

સ્વામીજીએ કહ્યું, “માર્ગોટ, મૂળત: હું એક પ્રકારનો રહસ્યવાદી (mystic) છું; મારી બધી તર્કબદ્ધ દલીલો તો બાહ્ય દેખાવ માત્ર છે—હું તો હંમેશાં ઈશ્વરીય સંજ્ઞા કે આદેશની શોધમાં ફરું છું. તેથી જ મેં આરંભેલ કાર્યનું ભવિષ્ય શું છે તેની ચિંતા હું કરતો નથી. (અર્થાત્‌ સ્વામીજી ચિંતન-વિચાર કરીને નહીં પરંતુ ઈશ્વરનો આદેશ મેળવીને કાર્યની શરૂઆત કરે છે, માટે જ એમને કાર્યના ભવિષ્યની ચિંતા નથી રહેતી.) જો તેઓ (સેવિયર્સ) ખરેખર જ સંન્યાસી બનવા ઇચ્છતાં હોય તો મને લાગે છે કે (સંન્યાસી બન્યા પછી) શું થશે તે જોવાનું મારું કામ નથી. જો કે, ચોક્કસપણે તેની  (આવા અભિગમની) ખરાબ બાજુ પણ છે. મેં કરેલી ભૂલોની કિંમત ઘણી વખત મારે ચૂકવવી પડે છે, પરંતુ તેનો એક ફાયદો પણ છે. તેનાથી હું આ બધા સંજોગોની વચ્ચે પણ એક યોગ્ય સંન્યાસી રહી શક્યો છું, અને મારી એ જ મહેચ્છા છે. જેવા સંન્યાસી રામકૃષ્ણ પરમહંસ હતા—વાસનાઓ, ધનની એષણા તથા કીર્તિની તૃષ્ણાથી સંપૂર્ણ મુક્ત—એવા સાચા, નખશિખ પવિત્ર સંન્યાસી તરીકે હું મૃત્યુ પામવા ઇચ્છું છું. કીર્તિની ખેવના એ સૌથી ખરાબ વસ્તુ છે.”

પછી તો (બેલુર મઠમાં) સાંજ ઊતરી આવી અને મઠના સંન્યાસીઓએ મારા માટે એક વૃક્ષ નીચે ધૂણી પ્રગટાવી. થોડા સમય માટે સ્વામીજી પણ મારી સાથે બેઠા હતા અને અગ્નિની જ્વાલાને નીલકંઠ (શિવ) અને કાલી એ રીતે વિભાજિત કરતા હતા.

ત્યાર બાદ રાત્રિ-ભોજનનો સમય થયો, તેમાં હતાં કોફી, બ્રેડ અને માખણ. સમગ્ર ભોજન દરમિયાન તેઓ મારી પાસે જ બેઠા હતા. એ પૂરું થતાં એક નાની હોડીમાં બેસીને હું એકલી જ ઘરે આવી. ઘરે પહોંચીને મા શારદાદેવી અને તેમની શિષ્યાઓને મળી, તેમણે શ્રીમતી હેમન્ડના પત્રનું ભાષાંતર કરી પત્ર વંચાવ્યો અને મારા ઓરડામાં આવીને તરત જ ઊંઘી ગઈ.

પૂર્વ બંગાળ જોવાની મારી ખૂબ ઇચ્છા છે, અને સ્વામીજી કહે છે કે તેમણે આપવા ધારેલાં પ્રવચનોનું કાર્ય પૂર્ણ કરવા; તેઓ મને મોકલશે. અલબત્ત, આવું કરવા હું એટલી ઉત્સાહિત નથી, કારણ કે સ્વામીજીને બદલે મને પ્રવચનો આપતી જોઈને લોકો ખૂબ નિરાશ થશે. જો કે, એ પણ છે કે જો તેઓ ઇચ્છશે તો હું અવશ્ય જઈશ. પ્રવચનો આપવા માટે જ; એ દેશમાં ફરવા માટે નહીં. વધુમાં, તેમના (સ્વામીજી) વિશે હું પ્રથમ વખત પ્રવચનો પણ આપી શકીશ.

અને હવે રવિવારની વાત (રવિવારે સ્વામીજી નિવેદિતાને બપોરના ભોજન માટે બેલુર મઠ લઈ ગયા હતા). તે દિવસ ખૂબ આનંદમાં ગયો. કાશ! આપણા ગુરુદેવે (સ્વામી વિવેકાનંદ) સ્વ-હસ્તે બનાવેલ ભોજન તમે જોયું અને ચાખ્યું હોત! ઉપરના વરંડામાં ટેબલ ગોઠવેલું હતું, જ્યાં તેઓ અમારી રાહ જોઈ રહ્યા હતા. સરલાદેવી (સરલા ઘોષાલ) પણ અમારી સાથે હતાં અને તેઓ એવી રીતે બેઠાં હતાં કે જ્યાંથી તેમને દક્ષિણેશ્વરનાં દર્શન થઈ શકે!

ત્યાર બાદ બપોરના બે સુધી તેઓ બોલતા રહ્યા અને અમને દિવ્યતા પીરસતા રહ્યા. જ્યારે ઇંગ્લેન્ડની કાઉન્ટેસ દક્ષિણેશ્વર આવે ત્યારે અમને પણ ત્યાં હાજર રહેવાની તેમણે વિનંતી કરી. આમ, હવે અમે ત્રણ—સરલા, સુરેન્દ્ર અને હું, શ્રીરામકૃષ્ણદેવની તિથિપૂજાની આગલી રાત્રે, રાત્રિની ચાંદનીમાં દક્ષિણેશ્વરની મુલાકાતે જવાનાં છીએ.

ગઈ કાલે સ્વામીજીએ મને કહેલું, “એક દિવસ સરલા તને ખૂબ મદદરૂપ પુરવાર થશે. સ્ત્રીઓમાં તે એક રત્ન છે. ધીમે ધીમે તે મારી પણ પસંદગી બનતી જાય છે.”

તમારી માર્ગોટ.

(નોંધ: શ્રી અને શ્રીમતી સેવિયર્સ સ્વામીજીનાં બ્રિટિશ શિષ્યો હતાં. તેઓ બંને એક ઉદાત્ત ફિલસૂફીની શોધમાં હતાં, જે શોધ સ્વામીજીને તેમના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મળવાથી પૂરી થઈ. તરત જ સ્વામીજી સાથે તેમના વેદાંત-પ્રચારના કાર્યમાં તેઓ જોડાઈ ગયા. ૧૫ જાન્યુઆરી, ૧૮૯૭માં તેઓ સ્વામીજીની સાથે ભારત પરત આવ્યાં. સ્વામીજીએ સ્થાપેલ અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ ને પ્રકાશિત કરવામાં તેમનો અમૂલ્ય ફાળો હતો. હાલમાં ઉત્તરાખંડમાં આવેલ ‘માયાવતી’ અદ્વૈત આશ્રમની જમીન તથા આશ્રમનું મકાન તેમણે ખરીદ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણનાં લીલા સહધર્મિણી શ્રીમા શારદાદેવી ત્યારે ૧૬, બોઝપાડા લેનમાં રહેતાં હતાં. તેમજ તેમનાં અંતરંગ અને મુખ્ય સંન્યાસિની શિષ્યાઓ ગોપાલ-મા, યોગીન-મા તથા ગોલાપ-મા તેમની સાથે રહેતાં હતાં.)

Total Views: 607

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.