(શિકાગો વિશ્વધર્મ-મહાસભામાં સ્વામી વિવેકાનંદજીના યોગદાનના અવસરને અનુલક્ષીને ભારત સરકારે ઈ.સ.૧૯૯૩ને ‘ચેતના-વર્ષ’ના રૂપમાં ઉજવવાનો સંકલ્પ કર્યો છે. આ સંદર્ભમાં સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ લેખ પ્રસંગને અનુરૂપ લખેલ છે.)

ભારતમાતાના અંતિમ છેડે જ્યાં ત્રણ સાગરના જળથી ઘેરાયેલ એવા સુંદર સ્થાનમાં  મા કન્યાકુમારીનું અનુપમ મંદિર છે, એક સંન્યાસી સમસ્ત ભારતની પરિક્રમા કરીને, એક નાના બાળકની જેમ આ મંદિરમાં મા કન્યાકુમારીના વિગ્રહ સામે બેસી ગયા. જાણે તેમના જીવનની આશા પૂરી થઈ! માની પૂજા સમાપ્ત કરી, તેઓ મંદિરની બહાર આવ્યા. વિચારોમાં ખોવાઈ જઈને સમુદ્ર કિનારે ઊભા હતા, ત્યારે તેમની દૃષ્ટિ પાણીમાં થોડે દૂર રહેલ એક શિલાખંડ પર પડી. તેઓ પોતાની જાનની પરવા કર્યા વગર સમુદ્રમાં કૂદી પડયા! તરીને તે શિલા ઉપર પહોંચી ગયા અને ઊંડા ધ્યાનમાં ગરકાવ થઈ ગયા! પરંતુ આ કોઈ સાધારણ દેવ-દેવીનું ધ્યાન નહોતું,  પણ આ ધ્યાન ભારત-માતાનું હતું. ભારતના ગૌરવમય ભૂતકાળ, ભારતના અંધકારમય વર્તમાન અને ભારતના સોનેરી ભવિષ્યના વિચારોમાં તેઓ ડૂબી ગયા. ભારતની આમજનતાની ગરીબી, દુર્દશા, સ્ત્રીઓ પરના અત્યાચાર, ધર્મના નામ પર પાખંડ વગેરેને જે તેમણે પોતાની સગી આંખે જોયું  હતું, તે તેમના માનસ-પટલ પર આવી ગયું. ભારતના આ અંતિમ શિલાખંડ પર બેઠેલા આ એકાકી યુવા સંન્યાસીનું હૃદય ભારતના તિરસ્કૃત અને પદદલિત લોકોના નિસાસાથી વ્યથિત  થઈ ગયું. તેમના હૃદયના તાર ભારતની ગરીબ, ભૂખી, અશિક્ષિત જનતાની લાચારીના રાગથી બંધાયેલ હતા. દેશમાં ચારેબાજુ ફેલાયેલ દરિદ્રતાનો આર્તનાદ તેમના હૃદયના તારને ઝંકૃત કરી દેતો હતો, અને જાણે એવું લાગતું હતું કે કોઈ તેમના હૃદયને નિચોવી રહ્યું છે! આમ, આ શિલાખંડ પર બેસીને એક સંત, એક મહાન  દેશભક્તના રૂપમાં પરિણત થઈ, પોતાની મુક્તિ માટે આતુર સંન્યાસી ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ સમસ્ત સંસારના કલ્યાણમાં મગ્ન એવા મહામાનવમાં પરિવર્તિત થઈ ગયા! આજે સમસ્ત વિશ્વ એને સ્વામી વિવેકાનંદજીના નામથી ઓળખે છે.

તે વખતની તેમની માનસિક સ્થિતિનું વર્ણન કરતાં એક પત્રમાં સ્વામી વિવેકાનંદજીએ લખેલ: “આ બધા વિચારો અને તેમાં પણ દેશની ગરીબી અને અજ્ઞાનતાના વિચારોએ મારી ઊંઘ ઉડાવી દીધી. કન્યાકુમારી માતાના મંદિરમાં બેસીને મને એક ઉપાય સૂઝયો—“અચ્છા, આપણે બધા સંન્યાસીઓ અહીંતહીં ઘૂમએ છીએ, લોકોને દર્શન અને જ્ઞાનનું શિક્ષણ આપીએ છીએ—આ બધું પાગલપન છે. શું આપણા ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવ એવું નહોતા કહેતા કે ‘ભૂખ્યા ભજન ન થાય, ગોપાલા’? આ બિચારા ગરીબ લોકો અજ્ઞાનને કારણે પશુઓ જેવું જીવન વિતાવે છે. આપણે તેમનું લોહી ચૂસીએ છીએ અને પગ નીચે કચડીએ છીએ. આપણે એક રાષ્ટ્ર તરીકેનું આપણું વ્યક્તિત્વ ગુમાવી ચૂક્યા છીએ અને આ જ ભારત માટે બધી ગડબડનું કારણ છે. આપણે રાષ્ટ્રને તેનું ગુમાવેલું વ્યક્તિત્વ પાછું પ્રદાન કરવાનું છે અને જનસમુદાયને ઉપર ઊઠાવવાનો છે.”

ભારતીય રાષ્ટ્રીય ચેતનાના ઇતિહાસમાં કન્યાકુમારીનો આ શિલાખંડ કે જ્યાં બેસીને સ્વામીજીએ બરાબર સો (૧૦૦) વર્ષ પૂર્વે ધ્યાન કર્યું હતું, તે એક આગવું વિશિષ્ટ સ્થાન પામે છે. અહીંયાં જ સ્વામીજીએ સમુદ્ર પાર કરી, વિદેશમાં જઈ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક જ્ઞાનના વિનિમય દ્વારા પોતાના દેશવાસીઓ માટે ત્યાંનું ધન અને યંત્રવિજ્ઞાન અહીં લાવવાની યોજના બનાવી હતી. યુગોથી સૂતેલા ભારતની રાષ્ટ્રીય ચેતના સ્વામીજીના અનંત વિસ્તારિત સંવેદનશીલ હૃદયમાં એક વાર ફરી જાગી ઊઠી! ભારતનું ભાગ્ય જાગી ગયું—આત્મદ્રષ્ટા વિવેકાનંદ યુગ-દ્રષ્ટા, રાષ્ટ્ર-દ્રષ્ટા આચાર્ય બની ગયા. ત્યારથી જ સ્વામીજીનું જીવન કાયમ માટે ભારતની સેવામાં સમર્પિત થઈ ગયું. અને ભારતના ‘અછૂત- નારાયણ, દરિદ્રનારાયણ, ઉત્પીડિત અને દલિતનારાયણ એ સ્વામીજીના વિશેષ સેવાને પાત્ર થઈ ગયા. અહીં સ્વામીજી પોતાના જ શબ્દોમાં—ઘનીભૂત ભારત બની જાય છે. ધ્યાનની આ પ્રગાઢ તન્મયાવસ્થામાં સ્વામીજી ભારત માટે એવી શક્તિના અનંત સ્રોતનાં દ્વાર ખોલી આપે છે કે જેના બળ પર ભારત ફરીથી સાચા અર્થમાં વિશ્વના પથ-પ્રદર્શક બની શકવા શક્તિમાન થવાનું છે.

સ્વામીજીની ભારત-પરિક્રમા તેમજ શિકાગો ધર્મમહાસભામાં તેમનું યોગદાન—આ બંને શતાબ્દી મહોત્સવના આ મિલન-વર્ષને ભારત સરકારે ‘ચેતના-વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે, તે અત્યંત સરાહનીય પગલું છે. આ ઉપલક્ષમાં રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા પણ આ શતાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે. આ માટે રામકૃષ્ણ મિશનના મુખ્યાલયમાં એક કેન્દ્રીય સમિતિનું ગઠન કરવામાં આવેલ છે, જેના સંયોજક સ્વામી લોકેશ્વરાનંદજી છે.

આ અવસર પર સપ્ટેમ્બરમાં કલકત્તામાં એક ધર્મસભાનું આયોજન થયું છે, જેમાં વિશ્વના સુપ્રસિદ્ધ વિદ્વાનો ભાગ લેશે. રામકૃષ્ણ મઠ તથા મિશનનાં શાખાકેન્દ્રો તથા અનૌપચારિક કેન્દ્રો દ્વારા જુદાં જુદાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેવા કે—જુદી જુદી ભાષાઓમાં સ્મરણિકાઓ, પુસ્તકો, ઓડિયો અને વીડિયો કેસેટોનું પ્રકાશન, આમસભાઓનું આયોજન, પરિસંવાદો, નિબંધ-સ્પર્ધા, પ્રશ્નોત્તર સ્પર્ધા, શોભાયાત્રા, પ્રદર્શનો વગેરે.

આજે સ્વામી વિવેકાનંદજીનો સંદેશ બહુ જ પ્રાસંગિક છે. દેશની વર્તમાન પરિસ્થિતિમાં આ સંદેશ અતિ આવશ્યક છે અને તેથી તેનો વધારે પ્રચાર જરૂરી છે. મહાવિદ્યાલય, ઓફિસો, કારખાનાં વગેરે બધાં જ સ્થાનોમાં સ્વામી વિવેકાનંદજીનો સંદેશ ફેલાવવાનો સમય આવી ગયો છે. જેમ જેમ આ સંદેશનો ફેલાવો થશે, તેમ લોકોને રોમાં રોલાની ભાષામાં (Electric current) વિદ્યુતનો ઝટકો લાગશે, નવી ચેતના જાગૃત થશે.

પ્રભુનાં ચરણોમાં એ જ પ્રાર્થના છે કે આ ‘ચેતના-વર્ષ’ સાચા અર્થમાં દેશમાં એક નવી ચેતનાની જાગૃતિ લાવે.

અનુવાદક: ડૉ. મુન્નીબહેન માંડવિયા

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.