શ્રીમત્‌ સ્વામી ગંભીરાનંદજી મહારાજ અંતરંગ ભક્તો-સંન્યાસીમાં ‘ગંભીર મહારાજ’ના નામથી જાણીતા હતા. આ નામ એમના સ્વભાવને અનુરૂપ જ હતું.  લગભગ તેઓ ગંભીર મુદ્રામાં જ જોવામાં આવતા, જેના કારણે કેટલાક લોકો તેમને મળવામાં પણ અચકાટ અનુભવતા. સમયના તેઓ પાબંધ હતા તથા પોતાની વાત ટૂંકમાં પતાવી દેતા. તેઓ પોતે પણ પોતાના વિષે આમ જ પસંદ કરતા. જ્યારે તેઓ રામકૃષ્ણ-સંઘના મહાસચિવ પદે હતા, તે વખતે તેમણે એક વાર રામકૃષ્ણ-સંધના તે વખતના સચિવ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજને હસતાં હસતાં કહેલું “જુઓ, મારા દ્વારા કોઈ સાથે મધુરતાપૂર્વક વાતચીત નહિ થાય, એવા પ્રસંગે લોકોને તમારી પાસે મોકલતો રહીશ. અને તમારા દ્વારા કોઈને ઠપકો આપવાની વાત હશે તો એ કાર્ય સંભવ નથી, તો તેમને મારી પાસે મોકલી આપશો.”

જે લોકોને એમના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાનો મોકો મળેલ છે, તે લોકો જાણતા કે આ ગંભીર મુખમુદ્રા પાછળ કેવી સરળતા, મધુરતા તથા સૂક્ષ્મ બુદ્ધિ જોવામાં આવતી!

એક વખત સવારે રાંચી આશ્રમમાં સાધુ-બ્રહ્મચારીઓ મહારાજને પ્રણામ કરી રહ્યા હતા. તેમનું હળવું સ્વરૂપ જોઈ કેટલાક સાધુ-બ્રહ્મચારીઓ અંદરોઅંદર વિનોદ કરતા અને પૂજનીય મહારાજને મધ્યસ્થી બનાવી પૂછતા, “મહારાજ, આ બાબતે આપનો શું મત છે?” પૂજ્ય મહારાજે મરક મરક હસતાં કહ્યું, “ તમારા લોકોનો વિનોદ ભલા, હું કેવી રીતે સમજી શકું? મારું નામ તો ‘ગંભીર’ છે.” બધા હસી પડયા.

સૂક્ષ્મ વિનોદપ્રિયતાની ઝલક તો મને મારા આ (સંન્યાસી) જીવનના પ્રારંભમાં જ મળી ગઈ હતી. જે દિવસે હું રામકૃષ્ણ-સંઘમાં પ્રવેશ લેવા માટે બેલુર મઠ ગયેલો, તે દિવસે સાંજે તેમણે મારો ઇન્ટરવ્યૂ લીધો, તે વખતે તેઓ રામકૃષ્ણ-સંઘના મહાસચિવ હતા. તેમણે પૂછયું, “તું આટલું ભણ્યો-ગણ્યો છે, આટલી સારી નોકરી કરી રહ્યો છે, તો પછી આ બધું છોડી કરી, આ કષ્ટપ્રદ જીવનમાં શા માટે આવવા માગે છે? શું તને અમારાં કેન્દ્રોમાં રહેવાથી જે અસુવિધા (અગવડ) પડશે, તેની જાણકારી છે?” મેં જવાબ આપ્યો, “હું બધું સમજી વિચારીને જ આવ્યો છું. મને સંઘને નજીકથી જાણવાનો મોકો મળ્યો છે. આના પહેલાં સંઘનાં કેટલાંય કેન્દ્રો સાથે મારો સંપર્ક રહ્યો છે.” એમના પૂછવાથી મેં એ બધાં કેન્દ્રોનાં નામ જણાવ્યાં. એ સાંભળી હસીને, તેમણે કહ્યું, “ અરે! એ બધાં તો મોટાં મોટાં કેન્દ્રો છે. તેમની ગતિવિધિ, તેમની આર્થિક સ્થિતિ બધું જુદા પ્રકારનું છે.” મેં પણ હાર ન સ્વીકારતાં કહ્યું, “હા! નાનાં નાનાં કેન્દ્રો પણ મેં જોયાં છે. આ બધું વિચારીને જ હું સંઘમાં પ્રવેશ લેવા આવ્યો છું.” આ સાંભળી પ્રવેશની સંમતિ આપતાં, હસતાં હસતાં તેમણે કહ્યું, “ સારું, જો કષ્ટ સહન કરવા જ ઇચ્છે છે, તો ચાલ્યો આવ!”

સંઘમાં પ્રવેશ લીધા બાદ થોડા જ દિવસોમાં મને ખબર પડી કે એક સંન્યાસી કે જે તેમને બપોરે પુસ્તકો વાંચી સંભળાવતા હતા, તેની બદલી થઈ ગઈ છે. (પૂજનીય મહારાજની આંખો ખરાબ થઈ ગઈ હોવાથી, તેઓ જાતે વાંચી શકતા નહિ.)

મને થયું, આ સુંદર મોકો છે, શા માટે મહારાજ પાસે જ પ્રસ્તાવ ન મૂકું કે શું હું આ કાર્ય કરી શકું કે ? આમ કરવાથી તેમના દિવ્ય સંગનો લાભ મળશે અને કંઈક શીખવા પણ મળશે. આવું વિચારી, એક દિવસ સાહસ એકઠું કરી એમની સામે પોતાની ઇચ્છા પ્રગટ કરી. એક નવો આવનાર બ્રહ્મચારી હોવા છતાં પણ તેમણે તરત સંમતિ આપી દીધી. બીજા જ દિવસથી વાંચવાનું શરૂ થયું. એ વખતે પૂજનીય મહારાજની તીક્ષ્ણ બુદ્ધિ, કાર્યકુશળતા, સમયબદ્ધતા, સૂક્ષ્મ વિનોદપ્રિયતા વગેરેનો નજીકથી પરિચય મળ્યો. એક દિવસ બપોરે કદાચ નક્કી કરેલ સમયે ગયો નહિ,  ૪-૫ મિનિટ મોડું થયેલ. પૂજનીય મહારાજે કંઈ કહ્યું નહિ, ફક્ત મરક મરક હસતાં ટેબલ પર રાખેલ ઘડિયાળને મારા તરફ ફેરવી દીધી. હું શરમાઈ ગયો. મેં ભૂલ સ્વીકારતાં કહ્યું, “હવેથી બરાબર સમયસર આવી જઈશ.” એક વખત વાંચતી વખતે મેં એક શબ્દનો ઉચ્ચાર કર્યો— ‘લીવલીહુડ’.  તેમણે ધીમેથી પૂછયું, “શું આ શબ્દનો ઉચ્ચાર આમ જ થાય છે ?” મને પોતાના અંગ્રેજી જ્ઞાન પર મૂર્ખતાભર્યો આત્મવિશ્વાસ હતો. મેં કહ્યું, “જી હા!” પૂજનીય મહારાજે ધીમું હસીને ચેલેન્જ કરતાં કહ્યું, “શા માટે પાસે પડેલ શબ્દકોશમાં જોઈ લેવામાં ન આવે ? જોઈએ કોણ જીતે છે?” મેં ઉત્સુકતાથી શબ્દકોશ ખોલીને જોયું…..અફસોસ! તેનો ઉચ્ચાર આપેલ ‘લાઇવલીહુડ.’ પૂજનીય મહારાજે કંઈ કહ્યું નહિ, ફક્ત એક અર્થસૂચક હાસ્ય કર્યું. તે દિવસે મારું અંગ્રેજી જ્ઞાનનું અભિમાન ચૂરેચૂરા થઈ ગયું અને હું ત્યારથી પૂજનીય મહારાજ પાસે વાંચવામાં ખાસ સાવધાન રહેવા લાગ્યો.

બેલુર મઠની જ વાત છે, બુદ્ધ પૂર્ણિમાના દિવસે પ્રણામ કરતાં મેં પૂજનીય મહારાજને કહ્યું, “મહારાજ! આજે વિશેષ પ્રણામ સ્વીકાર કરો, આજે ‘ Penta blessed day ’ (પાંચ ગણો ધન્ય દિવસ) છે.” પૂજનીય મહારાજે કહ્યું, “ના, ના, આજે ‘Thrice blessed day’ ( ત્રણ ગણો ધન્ય દિવસ) કહેવાય છે.”  મેં કહ્યું, “નહિ મહારાજ, હું જ સાચો છું.” પૂજ્ય મહારાજે કહ્યું,  “સાબિત કરો.” મેં જવાબમાં કહ્યું, “આજે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ ભગવાન બુદ્ધનો જન્મ થયો, આજના દિવસે જ તેમને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું, આજના દિવસે જ એમનું નિર્વાણ થયું અને આજે ચંદ્રગ્રહણ પણ છે. વળી, આજે મઠમાં વિશેષ ઉત્સાહ-આનંદ છે, કેમ કે પૂજનીય પ્રેસીડેન્ટ મહારાજ, પૂજનીય ભરત મહારાજ વગેરે ઘણા દિવસો બાદ યાત્રામાંથી પાછા ફર્યા છે. આ પ્રકારે આ પાંચ ગણો ધન્ય દિવસ છે.” પૂજનીય મહારાજ મલકાઈને ચૂપ થઈ ગયા. બીજા દિવસે એક વરિષ્ઠ સંન્યાસીએ મને બોલાવીને કહ્યું, “કાલે તેં એવી કઈ વાત પૂજ્ય ગંભીર મહારાજને કહેલી? તારા વિષે તેઓ કહી રહ્યા હતા—કાલનો છોકરો, જેણે હજુ હમણાં થોડા દિવસો પહેલાં જ સંઘમાં પ્રવેશ લીધો છે, મને હરાવીને ચાલ્યો ગયો!! તેને મોકલજો તો મારી પાસે, તેને હરાવીને શ્વાસ લઈશ. આજે મહારાજ પાસે જઈશ, ત્યારે ખબર પડશે.” તે દિવસે બપોરે જ્યારે હું પૂજનીય મહારાજ પાસે ગયો, ત્યારે તેમણે કહ્યું, “જો, કાલે તું શું કહી રહ્યો હતો ?— પાંચ ગણો ધન્ય દિવસને ?”

મેં કહ્યું, “જી, મહારાજ.”  પૂ. મહારાજે ત્યારે ચપળતાપૂર્વક હસતાં હસતાં કહ્યું, “તો તું હારી ગયો! જો, કાલે છ ગણો ધન્ય દિવસ હતો. કાલે ભારતના રાષ્ટ્રપતિનો જન્મદિવસ પણ હતો.” મેં હસતાં હસતાં કહ્યું, “નહિ, નહિ, આધ્યાત્મિક ઘટનાઓ સાથે રાજકારણની ઘટનાઓને જોડવી ચાલે નહિ. ખેર, છતાં પણ હું મારી હાર સ્વીકારું છું.”

તેના બરાબર એક મહિના બાદ સ્નાન-પૂર્ણિમાનો દિવસ આવ્યો. સવારે પ્રણામ કરીને મેં પૂજનીય મહારાજને હસતાં હસતાં કહ્યું, “મહારાજ, આજે ચાર ગણો ધન્ય દિવસ છે.” મહારાજે હસીને પૂછ્યું, “કઈ રીતે?” મેં કહ્યું, “આજના દિવસે જગન્નાથજીનું મહાસ્નાન થાય છે, આજના દિવસે  જ બેલુર મઠમાં શ્રીરામકૃષ્ણદેવનું પણ મહાસ્નાન થાય છે, આજના જ દિવસે  દક્ષિણેશ્વર મંદિરનું સમર્પણ થયેલું અને વળી આજે પૂ. વિરજાનંદજી (રામકૃષ્ણ સંઘના છઠ્ઠા મહાધ્યક્ષ) નો જન્મદિવસ પણ છે.” પૂ. મહારાજે હળવું સ્મિત કર્યું.

એપ્રિલ, ૧૯૭૯માં પૂ. ગંભીર મહારાજ રામકૃષ્ણ-સંઘના ઉપાધ્યક્ષ બન્યા. તેના થોડા દિવસો બાદ જ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ભવ્ય  મંદિરનું ઉદ્‌ઘાટન થયું. તે ભવ્ય સમારંભમાં ભાગ લેવા માટે રામકૃષ્ણ સંઘના લગભગ બધા જ વરિષ્ઠ સંન્યાસીઓ તથા ભક્તો દેશ-વિદેશથી આવ્યા હતા. પૂ. ગંભીર મહારાજ  પણ રાજકોટ પધાર્યા હતા. જે દિવસે તેમનું આગમન થયું, તે જ દિવસે સાંજે તેઓ મંદિરની સામે આવેલ પ્રાંગણમાં આંટા મારી રહ્યા હતા. તે જ વખતે રામકૃષ્ણ સંઘના તત્કાલીન મહાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ ટહેલતા ટહેલતા તે જ જગ્યાએ આવી પહોંચ્યા. પૂ. ગંભીર મહારાજે તરત જ ઘૂંટણિયે પડી, ભક્તિપૂર્વક ભાવથી તેમને પ્રણામ કર્યા. આ એક અપૂર્વ દૃશ્ય હતું. સંઘના ઉપાધ્યક્ષ સંઘના મહાધ્યક્ષને બધા જ ભક્તોની સામે રસ્તા પર એક બાળકની જેમ ઘૂંટણિયે પડી, પ્રણામ કરી રહ્યા હતા! નજીકમાં જ કેટલાક વરિષ્ઠ સંન્યાસીઓ ઊભા હતા, તે લોકોને ઇંગિત કરી પૂ. ગંભીર મહારાજ એક બાળકની જેમ સરળતાથી હસતાં હસતાં કહેવા લાગ્યા, “જુઓ તો મહારાજ, આ લોકો મારી મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે, “હવે તો આપનું પ્રમોશન થઈ ગયું, હવે તો તમે ખરેખર ઉપાધ્યક્ષ જ છો.” (ઉપાધ્યક્ષનો એક અર્થ ‘જેમની આંખો થોડી ખરાબ હોય’—તે પણ થાય છે, અને પૂ. ગંભીર મહારાજની આંખોની દૃષ્ટિ થોડી ક્ષીણ થઈ ગયેલી.)

પૂજ્ય ગંભીર મહારાજ રાંચીમાં હતા. રાંચી આશ્રમમાંથી દક્ષિણ ભારતનો એક બ્રહ્મચારી એક વાર તેમની પાસે ગયો. પૂ. મહારાજની પાસે શાસ્ત્રનું અધ્યયન કરવા ઇચ્છતો હતો. તેને બંગાળી ભાષા બહુ આવડતી નહોતી, તો પણ તેણે પૂ. મહારાજને બંગાળીમાં કહ્યું, “મહારાજ, આમિ આપનાર ક્લાસ નિતે ચાઈ” (મહારાજ, હું આપનો ક્લાસ લેવા ઇચ્છું છું.) પૂ.મહારાજ સમજી ગયા કે ગડબડ ક્યાં થઈ છે. તો પણ આનંદ-મજાક કરવાના ઇરાદાથી, બીજા સાધુ-બ્રહ્મચારીઓને બોલાવીને હસતાં હસતાં કહ્યું, “જુઓ તો, આ શું કહેવા માગે છે?” બધાંની સામે તે  બ્રહ્મચારીએ ફરીથી એ જ વાક્ય કહ્યું. બધા સાધુ- બ્રહ્મચારીઓ ખડખડાટ હસી પડયા.

એક વાર પૂ. મહારાજ બ્રહ્મચારીઓનો વર્ગ લઈ રહ્યા હતા. સ્વામી વિવેકાનંદજીના પુસ્તક  ‘શિકાગો વ્યાખ્યાન’ નું વાંચન થઈ રહ્યું હતું. મેં પૂછ્યું: સ્વામી વિવેકાનંદજી કહે છે, “વેદનો અર્થ ગ્રંથ નહિ, તેનો અર્થ જ્ઞાનનો સંગ્રહ નથી— ફક્ત આધ્યાત્મિક સત્યની શોધનો ભંડાર છે.” હું આ સારી રીતે સમજી શકતો નથી, તેનો અર્થ તો એવો થાય કે આજે પણ કોઈને કોઈ નવા સત્યની ઉપલબ્ધિ થઈ શકે, તો શું તે પણ વેદનો ભાગ બની જાય?”  પૂ. મહારાજે મલકાઈને કહ્યું, “હા, આજે પણ સત્યની ઉપલબ્ધિ કોઈને પણ થઈ શકે છે, પરંતુ તેને સંસ્કૃતમાં નહિ, બીજી ભાષામાં થશે.” હું મહારાજની સૂક્ષ્મ મજાક સમજ્યો નહિ, એટલે ફરી પૂછ્યું, “શું મહારાજ, હું સમજ્યો નહિ.” પૂ. મહારાજે હસતાં હસતાં કહ્યું, “ એટલું પણ નથી સમજતો! અરે, તું સંસ્કૃત તો જાણતો નથી, તેથી તને નવા સત્યની ઉપલબ્ધિ બીજી ભાષામાં જ થશે.”

એક વખત પૂ. મહારાજ બ્રહ્મચારીઓનો ‘કઠોપનિષદ’ પર વર્ગ લઈ રહ્યા હતા. નચિકેતા લાલચથી વિચલિત ન થયો, તે પ્રસંગની ચર્ચા ચાલી રહી હતી. આ સંદર્ભે હસતાં હસતાં તેમણે એક પ્રસંગ સંભળાવ્યો. એક વાર સ્વામી તુરીયાનંદજી મહારાજ (શ્રીરામકૃષ્ણના અંતરંગ પાર્ષદ) આ પ્રસંગની ચર્ચા કરી રહ્યા હતા. તેમણે એક સંન્યાસીને કહ્યું, “અત્યારે તું જે કંઈ કહે, પરંતુ સાચેસાચ તારી સામે આ પ્રલોભન રાખવામાં આવે, તો શું નચિકેતાની જેમ તેને ઠુકરાવી શકીશ ? પ્રલોભન સામે આવે, ત્યારે બધો જ વૈરાગ્ય છૂ થઈ જશે.”

આનાં થોડાં વર્ષો પછીની વાત છે, મારી સંન્યાસ-દીક્ષા થવાની હતી. બેલુર મઠ તરફથી આ સમાચાર મળ્યા કે મને સંન્યાસ દીક્ષાની સંમતિ મળી ગઈ છે. હું પૂ. મહારાજ પાસે ચાલ્યો ગયો અને તેમને આ સમાચાર આપ્યા, સાંભળીને તેઓ ખૂબ પ્રસન્ન થયા. તેમણે હસતાં હસતાં પૂછયું—શું શું તૈયારી કરવાની રહેશે વગેરે વગેરે… એક બીજા બ્રહ્મચારી વિષે પણ પૂછયું કે, શું તેની પણ સંન્યાસ-દીક્ષા આ વર્ષે જ થશે? જે બ્રહ્મચારી વિષે મહારાજ પૂછી રહ્યા હતા, તેની તો હજી બ્રહ્મચર્ય-દીક્ષા પણ નહોતી થઈ. રામકૃષ્ણ-સંઘમાં એવો નિયમ છે કે, પ્રવેશ કર્યા બાદ લગભગ પાંચ-છ વર્ષે બ્રહ્મચર્ય દીક્ષા થાય છે, ત્યારે તેનું નામ બદલાઈ જાય છે અને ‘અમુક’ ચૈતન્ય કહેવાય છે. તેનાં ચાર-પાંચ વર્ષો બાદ સંન્યાસ-દીક્ષા થાય છે, ત્યારે તે “અમુક” આનંદ કહેવાય છે. મેં મજાકમાં મહારાજને કહ્યું, “નહિ, મહારાજ! હજુ તો તેને “ચૈતન્ય” પણ નથી મળ્યું, તો “આનંદ” કયાંથી મળે? “પહેલાં ચૈતન્ય પછી આનંદ” તેમને આ ઉક્તિમાં એટલો ગૂઢ અર્થ પ્રતીત થયો કે વારંવાર આનંદપૂર્વક દોહરાવવા લાગ્યા, “ વાહ! સરસ કહ્યું, પહેલાં ચૈતન્ય પછી આનંદ— બિલકુલ સાચું, પહેલાં ચૈતન્ય, પછી આનંદ!”

જે દિવસે મારી સંન્યાસ-દીક્ષા થવાની હતી, તેના આગલા દિવસે બીજા બધા સંન્યાસ ગ્રહણ કરવાવાળા બ્રહ્મચારીઓ સાથે હું પૂ. મહારાજ પાસે આશીર્વાદ લેવા ગયો. તેમણે પૂછ્યું, “કુલ કેટલા લોકોની સંન્યાસ દીક્ષા થશે?” અમે સંખ્યા જણાવી. આટલા બધા બ્રહ્મચારીઓની દીક્ષા થશે, તે જાણીને તેઓ એટલા ખુશ થયા કે હસતાં હસતાં વારંવાર બોલવા લાગ્યા, “વાહ! વાહ! ખૂબ સરસ. હજુ બીજા લોકોને પણ પકડી લાવો. પોતાના મિત્રોને, બધાને બોલાવી લાવો, બધાને સંન્યાસ-દીક્ષા લેવા દો.”

જે દિવસે સંન્યાસ-દીક્ષા થઈ, તે જ દિવસે અમે બધા તેમને પ્રણામ કરવા ગયા. પ્રણામ કરતાં જ તેમણે મારું નવું નામ (સંન્યાસ-નામ) પૂછ્યું, જ્યારે મેં મારું નવું નામ જણાવ્યું તો હસીને કહેવા લાગ્યા, “બાપ રે! આવડું મોટું નામ! પોસ્ટકાર્ડમાં એક ખૂણેથી લખવાનું શરૂ કરીએ, તો બીજા ખૂણા સુધી જશે!”

એક દિવસ મેં તેમને પૂ. મહાપુરુષ મહારાજનાં સંસ્મરણો કહેવા માટે વિનંતી કરી, તેમણે તેને હસીને ઉડાવી દીધેલ. તેનાં ઘણાં વર્ષો પછી એક દિવસ પૂ. મહારાજની જન્મતિથિના દિવસે ભક્તોએ તેના ( સંસ્મરણો) માટે ખૂબ આગ્રહ કર્યો. તે વખતે તેઓ રામકૃષ્ણ-સંઘના ઉપાધ્યક્ષ હતા, તથા રાંચીમાં હતા. એ દિવસે ન જાણે કેમ, પોતાના સ્વભાવથી વિપરીત, તેમણે ખૂબ રસપૂર્વક પૂ. મહાપુરુષ મહારાજનાં કેટલાંય રોચક સંસ્મરણો સંભળાવ્યાં!

આ સંદર્ભે, તેમણે એ પણ જણાવ્યું કે કેવી રીતે પૂ. મહાપુરુષ મહારાજના આશીર્વાદથી દેવઘર આશ્રમની આર્થિક સ્થિતિ પણ સુધરી હતી, જ્યાં તેઓ શરૂઆતનાં વર્ષોમાં કાર્યરત હતા. તે વખતની એક મજેદાર ઘટનાનું વર્ણન કરતાં તેમણે કહ્યું, “ એ વખતે દેવઘર આશ્રમની આર્થિક સ્થિતિ સારી નહોતી. દાન એકત્રિત કરવામાં ખૂબ તકલીફ પડતી હતી. આ કાર્યમાં મારી નિપુણતા કયારેય નથી રહી. એક વખત જ્યારે દાન લેવા કોઈના ઘરે ગયો તો તે ઘરના માલિકે બૂમ પાડીને કહ્યું, “શરમ નથી આવતી? અહીં ચોથા માળ સુધી આવ્યો છે? ” પૂ. મહારાજે હસતાં હસતાં કહ્યું, “ હું તો આ સાંભળી તરત જ ત્યાંથી પલાયન થઈ ગયો.”

એક વાર પૂ. મહારાજ અલ્હાબાદ ગયેલા. કેટલાક સંન્યાસીઓ ત્યાંથી ચિત્રકૂટ દર્શન માટે ગયેલા. તેમના એક સેવક મહારાજ જઈ ન શક્યા, તેમને પૂ. મહારાજે પૂછ્યું, “તેં શું  પહેલાં ચિત્રકૂટ જોયું છે? સેવક મહારાજે કહ્યું, “નહીં, મહારાજ!” પૂ. મહારાજે હસતાં હસતાં કહ્યું, “મર્યા પછી ધારો કે રામકૃષ્ણ-લોકમાં ગયો, અને ઠાકુર ( શ્રીરામકૃષ્ણ) તને પૂછે કે, તે શા માટે ચિત્રકૂટનાં દર્શન ન કર્યાં, તો શું જવાબ આપીશ?” સેવક મહારાજે હસીને જવાબ આપ્યો,  “મહારાજ! આપે પણ તો ચિત્રકૂટનાં દર્શન ન કર્યાં, આપને પણ ઠાકુરે આ જ પ્રશ્ન કર્યો, તો આપ શું જવાબ આપશો?” ત્યારે પૂ. મહારાજે હસતાં હસતાં કહ્યું, “હું એમને કહીશ કે, આપે પણ ચિત્રકૂટ-દર્શન નહોતું કર્યું, તો હું કઈ રીતે કરું ?”

પૂ. મહારાજ જમશેદપુર ગયેલા. ત્યાંના મહંત મહારાજ (સ્વામી આદિનાથાનંદજી) કે, જેઓ શ્રીમાના મંત્ર-શિષ્ય છે તેમની સાથે મજાક ચાલી રહી હતી. પૂ. આદિનાથાનંદજી મહારાજને ખબર હતી કે, પૂ. ગંભીર મહારાજ હંમેશાં પેટના રોગથી પીડિત રહેતા અને ક્યારેક આઇસ્ક્રીમ જેવી ઠંડી વસ્તુ ન લઈ શકતા, તો પણ મજાક કરવાના ઉદ્દેશ્યથી તેમણે પૂ. ગંભીર મહારાજને પૂછ્યું, “શું આપ આઇસ્ક્રીમ લેવાનું પસંદ કરશો ?” પૂ. મહારાજે હસતાં હસતાં જવાબ આપ્યો, “હા! લેવાની તો ઇચ્છા છે, પણ શું કરું? મારો જઠરાગ્નિ એટલો પ્રબળ છે કે તમારો આઇસ્ક્રીમ ઓગળી જશે!” હાજર રહેલા બધા હસી પડયા.

પૂ. મહારાજ કલકત્તાના કાંકુડગાછિ યોગાદ્યાન ગયેલા. તે દિવસે ત્યાંના નવનિર્મિત ભોજનગૃહનું ઉદ્‌ઘાટન પૂ. મહારાજના હસ્તે થયું. જેવી મહારાજે  રિબિન કાપી કે, પાસે જ ઉભેલાં યોગોદ્યાનના તત્કાલીન મહંત પૂ. ભૂતેશાનંદજી મહારાજે બધા લોકો સાથે જયઘોષ કર્યો—“જય શ્રીગુરુમહારાજ કી જય” પૂ. ગંભીર મહારાજે હસતાં હસતાં હાથ ઊંચા કરીને કહ્યું, “બોલો, મહંત મહારાજની જય!” આખો ખંડ હાસ્યથી ગૂંજી ઊઠયો. ભોજન તથા થોડા આરામ પછી પૂ. મહારાજ બેલુર મઠ પાછા જવા તૈયાર થઈ ગયા. પૂ. ભૂતેશાનંદજી મહારાજે વિનયપૂર્વક પૂછ્યું, “ મહારાજ! આપને અહીં આવવાથી કંઈ કષ્ટ તો નથી પડ્યું ?” પૂ. મહારાજે હસીને જવાબ આપ્યો, “હા! કષ્ટ તો ચોક્કસ થયું! તમે લોકોએ આટલી પ્રકારની ખાદ્ય-સામગ્રી બનાવી હતી, પરંતુ અફસોસ! પેટના રોગને કારણે વધુ ખાઈ ન શક્યો!”

પૂ. મહારાજ સવારે દાઢી કરી રહ્યા હતા. એક વરિષ્ઠ સંન્યાસી તેમને કોઈ વાત પર રાજી કરવા ઇચ્છતા હોઈ, કેટલીય વાર સુધી તેઓ પૂ. મહારાજને પોતાની વાત કહેતા રહ્યા, પરંતુ પૂ. મહારાજ પર તેની કોઈ અસર ન થઈ. અંતે નિરાશ થઈ, તેમણે મહારાજને પૂછ્યું, “આટલી વાતો કોને સંભળાવી રહ્યો હતો! કંઈક તો કહો!” પૂ. મહારાજે ઇશારાથી બંને કાન દેખાડતાં મલકાઈને કહ્યું, “ એક પ્રવેશ માટે, બીજો બહાર જવા માટે.”

દરરોજ સાંજે પૂ. મહારાજ બેલુર મઠમાં નિવાસ-સ્થાનની બહાર વરંડામાં આવીને બેસતા. સેવક મહારાજ બત્તી કરી દે, પછી મહારાજ આવીને બેસતા. એક દિવસ તેમણે ખુદ જ સ્વીચ દબાવી, બત્તી કરી દીધી. જ્યારે સેવક મહારાજ આવ્યા, તો તેમણે હસીને કહ્યું, “બત્તી કરવાની ફરજ કોની છે?” સેવક મહારાજે કહ્યું, “મારી”.  મહારાજે હસતાં હસતાં કહ્યું, “ જેની જે ફરજ હોય, તે કરશે.” બીજે દિવસે ફરીથી મહારાજ જાતે બત્તી કરીને બેસી ગયા. સેવક મહારાજ બોલ્યા, “ આ શું મહારાજ! આપ પોતે જ પોતાના બનાવેલા નિયમનો ભંગ કરી રહ્યા છો ? આપે શા માટે બત્તી કરી લીધી ?” મહારાજે હસતાં હસતાં કહ્યું, “Change is the sign of life – પરિવર્તન જ જીવન છે.”

પૂ. મહારાજની આ સૂક્ષ્મ વિનોદવૃત્તિ તેમની મહાસમાધિ સુધી અક્ષુણ્ણ રહી. મહાસમાધિના એક દિવસ પહેલાં જ્યારે તેમને દવાખાનામાં ફીડિંગ કપ દ્વારા ચા પાઈ રહ્યા હતા, ત્યારે તેમણે એ અત્યંત અસ્વસ્થ  સ્થિતિમાં પણ મજાક કરતાં કહ્યું, “ અરે! આ કેવી ચા પિવરાવી રહ્યા છો? એક તો એ ઠંડી છે, અને પાછી ભેગવાળી!” સેવક મહારાજ સમજીના શક્યા કે, આ ભેગવાળી કઈ રીતે થઈ ગઈ ?  પૂ. મહારાજે હસીને કહ્યું, “ અરે! સમજ્યો નહીં? હમણાં દવા જે પિવરાવી હતી!” ખરેખર તો પૂ. ગંભીર મહારાજ બહારથી ગંભીર હોવા છતાં પણ તેમનામાં સૂક્ષ્મ વિનોદવૃત્તિ હતી તથા કઠોરતાના આવરણ દ્વારા પોતાના કોમળ હૃદયને છુપાવી રાખતા હતા.

અનુવાદક: પ્રો. સીમાબહેન માંડવિયા

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.