એક દિવસ સંધ્યા સમયે શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાની જરતલા મસ્જિદ બાજુથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક અદ્‌ભુત દૃશ્ય જોયું. એક ફકીર ઊંચા અવાજે પ્રાર્થના કરી રહ્યા હતાઃ  “પ્રભુ, તમે આવો, દયા કરીને આવો.”  પ્રાર્થનામાં એટલી વ્યાકુળતા હતી કે, તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. તે જ વખતે શ્રીરામકૃષ્ણ કલકત્તાના કાલીઘાટથી તે રસ્તા પરથી પાછા ફરી રહ્યા હતા, અને તરત જ ઘોડાગાડીમાંથી ઉતરીને ફકીરની પાસે આવ્યા. બંને એકબીજાને ભેટીને પ્રેમાશ્રુ વહેવડાવવા લાગ્યા. આ અદ્‌ભુત દૃશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

ઈ.સ. ૧૮૮૫માં ગળાના કેન્સરની બીમારી લાગુ પડતાં, તેમને કલકત્તાના શ્યામપુકુર વિસ્તારના મકાનમાં ૩૧ ઓક્ટોબરની સવારે લાવવામાં આવ્યા હતા.

ત્યાં એક ઈસાઈ સંન્યાસી શ્રી પ્રભુદયાળ મિશ્ર આવ્યા. લગભગ ૩૫ વર્ષની ઉંમર, શ્યામવર્ણ મુખ, વિશાળ આંખો, લાંબી દાઢી, હાથમાં ઘડિયાળ, યુરોપિયન વસ્ત્રોમાં સજ્જ, એવા સંન્યાસીએ શ્રીરામકૃષ્ણના ઓરડામાં પ્રવેશ કર્યો. શ્રીરામકૃષ્ણદેવે તેમનું સ્વાગત કર્યું. વાતચીત દરમ્યાન શ્રી મિશ્રે તુલસીદાસજીની ઉક્તિ ‘ એક રામ, તેનાં હજાર નામ’ —ઈસાઈ જેને ગોડ કહે છે, હિન્દુ તેને જ રામ, કૃષ્ણ, ઈશ્વર વગેરે નામથી બોલાવે છે. એક તળાવના જુદા જુદા અનેક ઘાટ છે. એક ઘાટથી હિન્દુ પાણી  પીવે છે, તેને ‘જળ’ કહે છે; ખ્રિસ્તી બીજા ઘાટથી પાણી પીવે છે, તેને ‘વોટર’ કહે છે; મુસલમાન બીજા ઘાટથી પાણી પીવે છે, તેને ‘પાની’ કહે છે. આ જ રીતે ખ્રિસ્તીઓ જેને ‘ગોડ’ કહે છે, તે જ મુસલમાન માટે ‘અલ્લાહ’ છે.

ઓરડામાં બેઠેલા અન્ય ભક્તોએ વિલિયમ વિષે વાત કરી કે, તેઓ પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી હતા. તેઓ ‘ગુડ ફ્રાઈડે’ના દિવસે લગભગ ઈ.સ. ૧૮૭૬માં શ્રીરામકૃષ્ણદેવને મળ્યા હતા. અને શ્રીરામકૃષ્ણદેવમાં તેમણે ઈશુ ખ્રિસ્તનો સાક્ષાત્‌ આર્વિભાવ થયેલ જોયો હતો. શ્રી મિશ્રે કહ્યું, “આપ લોકો શ્રીરામકૃષ્ણદેવને ઓળખતા નથી. તેઓ સાક્ષાત્‌ ઈશ્વર છે. અત્યારે જ હું તેમનામાં ઈશ્વરને જોઉં છું. તેમને મેં પહેલાં પણ દિવ્ય-દર્શનમાં જોયા હતા. મેં તેમને એક બગીચામાં જોયા હતા. તેઓ ઊંચા સ્થાન પર બેઠેલા હતા. નીચે એક વ્યક્તિ પણ બેઠેલી હતી.” વાતચીત દરમ્યાન શ્રી મિશ્રે તેમના પાટલૂન (પેન્ટ)ની નીચે પહેરેલું ભગવું વસ્ત્ર બતાવ્યું ને પછી ઘણી વાતો કરી. તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, ત્યાર બાદ ઈશુ ખ્રિસ્તને પોતાના ઇષ્ટદેવ માનીને, તેઓ ‘ક્વેકર’ સંપ્રદાયમાં જોડાઈ ગયા. તેમના એક ભાઈના વિવાહ સમયે મંડપ તૂટી પડતાં, તેમના બે ભાઈઓ ત્યાં જ મૃત્યુ પામ્યા. તે જ દિવસે તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો.

થોડા દિવસ પછી શ્રીરામકૃષ્ણદેવે ભાવ-અવસ્થામાં શ્રી મિશ્રને કહ્યું હતું, “તમે જે મેળવવા માટે પ્રયત્ન કરો છો, તે  તમને અવશ્ય મળશે.” શ્રી મિશ્રએ શ્રીરામકૃષ્ણદેવમાં પોતાના ઇષ્ટને જોયા અને તે વખતે સ્તુતિ કરવા લાગ્યા, પછી ભક્તોને કહેવા લાગ્યા કે, “તમે આમને ઓળખી શકતા નથી. તેઓ સાક્ષાત્‌ ઈશુ ખ્રિસ્ત છે.”

શ્રીરામકૃષ્ણને એવી દિવ્ય અનુભૂતિ થઈ હતી કે ભિન્ન ભિન્ન ધર્મોના લોકો તેમની પાસેથી પ્રેરણા લઈને આધ્યાત્મિક પ્રગતિ કરશે. તેમના જીવનકાળમાં વિવિધ ધર્મો અને સંપ્રદાયોના ઘણા અનુયાયીઓ તેમની પાસે આવતા હતા. તેમની મહાસમાધિ પછી પણ આ ક્રમ જળવાઈ રહ્યો છે.

શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી અખંડાનંદજી જ્યારે હિમાલયની યાત્રા કરી રહ્યા હતા, ત્યારે તેમણે એક મુસલમાનની ચાની દુકાનમાં શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોયો હતો. સ્વામી અખંડાનંદજીએ આશ્ચર્ય સાથે આ બાબતે પૂછ્યું, ત્યારે તે મુસલમાને જવાબ આપેલો: “મને ખબર નથી કે આ કોનો ફોટો છે. હું બજારમાં ગયો હતો. વસ્તુઓ પાછી લઈને આવતો હતો, તો જોયું કે વસ્તુઓને જે કાગળમાં વીંટાવી હતી, તે કાગળમાંથી આ ફોટો નીકળ્યો. તેમની આંખો જેાઈને હું મુગ્ધ થઈ ગયો. મને લાગ્યું કે આ તો અમારા પયગંબર જેવા જ છે ને! એટલે પછી મેં આ ફોટો મઢાવીને દુકાનમાં રાખ્યો છે.”

સ્વામી અખંડાનંદજી જ્યારે તિબેટની યાત્રા કરી રહ્યા હતા, ત્યારે કૈલાસ પાસે છેકરાના લ્હાસા વિસ્તારના એક ધનવાન લામ્હા, તેમની પાસે શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જેાઈને ભાવ-અવસ્થામાં આવી ગયા હતા. અને તેમને લાગ્યું કે આ તો સાક્ષાત્‌ ઈશ્વરના જ ચક્ષુ છે! તેમણે અખંડાનંદજી પાસેથી તે ફોટો માગી લીધો અને રોજ તેની પૂજા કરવા લાગ્યા.

ઈ.સ.૧૯૦૨માં શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી અભેદાનંદજી મહારાજ ન્યુયોર્કમાં પોતાના અભ્યાસખંડમાં બેઠા હતા, ત્યારે એક અમેરિકન યુવતીએ પ્રકાશન કાર્યના સંદર્ભે ઓરડામાં પ્રવેશ કર્યો. ઓરડામાં પ્રવેશ કરતાંની સાથે જ ટેબલ ઉપર રાખેલ શ્રીરામકૃષ્ણદેવનો ફોટો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ! કારણ કે, થોડા સમય પહેલાં બોસ્ટનમાં તેમને શ્રીરામકૃષ્ણદેવનાં અદ્‌ભુત દર્શન થયાં હતાં, પરંતુ ત્યારે તેને ખબર નહોતી કે આ હિન્દુ યોગી કોણ છે! પછી સ્વામી અભેદાનંદજી પાસેથી તેમના ગુરુ વિષે બધી માહિતી પ્રાપ્ત કરી, અને સંન્યાસ ગ્રહણ કર્યો! કુમારી લોરા ફ્રેંકલીન ગ્લૈનનું નવું નામ થયું—સિસ્ટર દેવમાતા. શ્રીરામકૃષ્ણસંઘનાં વિદેશનાં કેન્દ્રોમાં તેમણે બહુ સેવા કરી.

અમેરિકાની બીજી એક યુવતીને પણ સ્વપ્નમાં એક ભારતીય યોગીનાં દિવ્યદર્શન થયાં હતાં. આ ઘટના સ્વામી વિવેકાનંદજી અમેરિકા ગયા તે પહેલાંની છે. ઘણાં વર્ષો સુધી, તે તેમને શોધવાનો પ્રયત્ન કરવામાં અસફળ રહ્યાં હતાં. વિવાહ પછી તે ન્યુયોર્ક પાસે ન્યુજર્સીના મોન્ટક્લેયરમાં રહેવા ગયાં, ત્યાં સ્વામી વિવેકાનંદનજીનાં પ્રવચનો સાંભળીને તેમનાં અનુયાયી બની ગયાં. રામકૃષ્ણસંઘના સંન્યાસીઓ તેમના ઘરે જતા. એક વાર સ્વામી વિવેકાનંદજીના ગુરુભાઈ સ્વામી સારદાનંદજીએ વાતચીત દરમ્યાન પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવનો ફોટો બતાવ્યો. તે જોતાં જ તેઓ બોલી ઊઠ્યાં, “અરે! આ તો તે જ ચહેરો છે.” પછી તેમણે પોતાના પેલા દિવ્યદર્શનની વાત કરી. આ મહિલા મિસિસ વ્હીલર જીવનભર શ્રીરામકૃષ્ણનાં પરમ ભક્ત રહ્યાં.

હવે ફક્ત ભારતવર્ષમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્માચાર્યો, વિદ્વાનો એટલે સુધી કે ખ્રિસ્તી તથા મુસલમાન પણ શ્રીરામકૃષ્ણદેવનો સમન્વયના મસીહાના રૂપમાં સ્વીકાર કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં જુદા જુદા ધર્મોની સાધના કરીને, તેમના ચરમ લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત કરી અને પછી પોતાની અનુભૂતિના આધાર પર તેમણે કહ્યું, “જેટલા મત, તેટલા પથ.” બધા ધર્મો એક જ પરમ સત્ય તરફ લઈ જાય છે, પણ માર્ગ અલગ અલગ છે.”

ક્લાડ એલન સ્ટાર્કએ પોતાના પુસ્તક ‘The God of all’ માં વિસ્તારપૂર્વક લખ્યું છે કે, “શ્રીરામકૃષ્ણદેવનો બધા ધર્મો પ્રત્યેનો ઉદાર ભાવ એ તેમની ઈશ્વરની સાક્ષાત્‌ અનુભૂતિ ઉપર આધારિત છે, જે ધર્મોની વિવિધતાની સમસ્યાના સમાધાન માટે વ્યાવહારિક સિદ્ધાંત પ્રસ્તુત કરે છે.”

બોસ્ટન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર ફ્રેંસિસ ક્લૂનીએ લખ્યું છે કે, “શ્રીરામકૃષ્ણદેવ અન્ય  ધર્મોના અનુયાયીઓની  સાથે રહીને પોતાના ધર્મનું પાલન કરવાનો આધાર પ્રસ્તુત કરે છે. શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે, આપણે જેટલી તીવ્ર ગતિથી ભગવાન ઈશુ તરફ યાત્રા કરીશું, તેટલું જલ્દી આપણે સમજી શકીશું કે ભગવાન ઈશુ ઇચ્છે છે કે, આપણે પોત પોતાના ધર્મોની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને, તેમને શોધવાનો પ્રયાસ કરીએ”. આ જ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર મોહમ્મદ દાઉદ રહબરએ લખ્યું હતું: “સદીઓની ગુલામીને લીધે હિન્દુઓના ધાર્મિક વિચારોને મુસલમાન અને ખ્રિસ્તીઓએ હીન દૃષ્ટિથી જોયા છે. રાજનૈતિક સ્વાધીનતા મળ્યા પછી, આ સ્થિતિ બદલાઈ ગઈ છે. હિન્દુઓના ધાર્મિક પ્રયત્નોની તીવ્રતાએ ગૈારવ પ્રાપ્ત કર્યું છે. શું સીધા અને સરળ શ્રીરામકૃષ્ણદેવ પોતે જ એક પૂર્ણ વૈજ્ઞાનિક નહોતા? તેમના જીવનમાં આપણે ધર્મ અને વિજ્ઞાનનો એક સમન્વય જોઈ શકીએ છીએ.”

કલકત્તાના વિદ્વાન શ્રી હૌસેનુર રહેમાન પોતાના પુસ્તક ‘The symbol of harmony of Religion’ માં વિસ્તારથી લખે છે કે, “શ્રીરામકૃષ્ણદેવ સાંપ્રદાયિક સમન્વયનું ઉદ્‌ગમ સ્થાન છે.”

અત્યારે આપણે બહુ જ કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. એવું ધર્મ-મંદિર બનાવવાની આવશ્યકતા છે, જેમાં હિન્દુ અને બિન-હિન્દુ એક પરમ ચૈતન્યની આરાધનામાં હાથ મિલાવે! આવી  પ્રેરણા આપણને શ્રીરામકૃષ્ણદેવ પાસેથી પ્રાપ્ત થશે. પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન પ્રો. મેક્સમૂલર તેમના શ્રીરામકૃષ્ણદેવ પર લખેલા લેખમાં જણાવે છે કે, “શ્રીરામકૃષ્ણદેવના વચનો દ્વારા ફક્ત તેમની વિચારધારા જ આપણી સમક્ષ પ્રગટ નથી થતી, પરંતુ કરોડો માનવીઓની શ્રદ્ધા અને આશા પ્રગટ થાય છે, જેથી આપણને આશાનાં કિરણો જોવા મળે છે. ઈશ્વર પ્રત્યક્ષ રૂપમાં વિદ્યમાન છે, એવો ભાવ જો વહેતો રહે, તો આ એવી સર્વસામાન્ય ભૂમિકા છે, જેના પર નજીકના સમયમાં ભવિષ્યના મહાન ધર્મ-મંદિરની સ્થાપના થશે. અને આ મંદિરમાં હિન્દુ અને બિન-હિન્દુ એમ, બન્ને પરમ ચૈતન્યની આરાધના કરશે અને હૃદયથી હૃદય મળે, તેવી આપણે આશા રાખી શકીએ.

શ્રીરામકૃષ્ણદેવના સર્વધર્મસમન્વયના ભાવને દૃષ્ટિમાં રાખીને સ્વામી વિવેકાનંદજીએ રામકૃષ્ણ મઠ અને મિશનનાં કાર્યોમાં તથા આદર્શોમાં સાંપ્રદાયિક એકતાને મહત્ત્વ આપ્યુ છે. પોતાના ગુરુભાઈ સાથેના વાર્તાલાપમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “જગતના બધા ધર્મોને એક અક્ષય સનાતન ધર્મનું રૂપાંતર માત્ર માનીને શ્રીરામકૃષ્ણદેવે બધા ધર્માવલંબીઓની મૈત્રી સ્થાપવાની ઉદ્‌ભાવના કરી હતી, તેનું જ પરિચાલન એ રામકૃષ્ણસંઘનું વ્રત છે.”

અનુવાદક: ડૉ. મુન્નીબેન માંડવિયા

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.