(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. – સં.)

ધ્યાનના સિદ્ધાંતો તથા સાધનાનું વિસ્તૃત વિવેચન શરૂ કરતા પહેલાં આપણે તેની પાર્શ્વભૂમિકા તેમજ સંદર્ભને સમજી લેવાં જોઈએ. ધ્યાનની સફળતાને શાંત જીવન સાથે ઘનિષ્ઠ સંબંધ છે. સફળતાપૂર્વક ધ્યાન કરવા માટે મનનું શાંત હોવું જરૂરી છે અને મનની શાંતિ માટે રોજબરોજના જીવનની બધી જ ક્રિયાઓ શાંતિપૂર્વક સંપન્ન કરવી જોઈએ.

કર્મમાં પૂજાનો ભાવ ધ્યાનમાં ખૂબ જ મદદરૂપ થાય છે. આપણે ભલે કોઈ પણ કાર્યમાં કેમ ન લાગેલા હોઈએ, હરહંમેશ આપણે એ ભાવમાં જ રહેવું જોઈએ કે આપણે ભગવાનના સાંનિધ્યમાં છીએ. તમે કહેશો કે એવાં કામની વચ્ચે જ્યાં મનને સંપૂર્ણ લીન કરવું જરૂરી છે; ત્યાં તે અઘરું છે. ચાલો, એ વાત માની લઈએ, તો પણ એ તો સાચું જ છે કે એવા મનને લીન કરવાવાળા કામને પૂર્ણ કરીને, આપણે આપણું મન ભગવાનમાં લગાડી શકીએ. જો આપણે પ્રામાણિકપણે અવલોકન કરીએ, તો લાગશે કે કેટલાંય એવાં કાર્યો છે, જેમાં સંપૂર્ણ મન લગાડવું જરૂરી નથી હોતું, તોપણ આપણે તેમાં ડૂબી જઈએ છીએ અને આપણો ઘણો સમય વ્યર્થ વેડફી નાખીએ છીએ. સૂવા જતા પહેલાંનો કે પછીનો સમય તેમજ સફાઈકામ, ભોજન પીરસવું, શરીરની સંભાળ વગેરે જેવાં શારીરિક કાર્યના સમયને પ્રયત્નપૂર્વક સભાનતાપૂર્વકની પ્રાર્થના અને ઈશ્વરના ચિંતનનું રૂપ આપી શકાય છે. રોજબરોજની ક્રિયાઓ વચ્ચે ભગવાનનું સ્મરણ કરવાથી મનમાં પ્રવેશ કરતા અનેક વિક્ષેપકારી વિચારોને રોકવામાં મદદ મળે છે. ઘણી બધી અર્થહીન અને હાનિકારક વાસનાઓ મનમાં ઊઠતી રહેતી હોય છે, જેને આ રીતે (ભગવત્‌ ચિંતનથી) સરળતાથી પ્રભાવહીન બનાવી શકાય છે.

આવા ઉપાયો દ્વારા મન ધ્યાન-પ્રવણ-રસ બની જાય છે. પરિણામે ચોક્કસ સમયે ધ્યાનમાં બેસવાથી મન સરળતાથી  શાંત અને એકાગ્ર થઈ જાય છે. એટલું જ નહીં, પણ ઇન્દ્રિયોના વિષયભોગ રૂપે આવતા બાહ્ય વિક્ષેપો તથા અવચેતન મનમાં ઊઠી રહેલી આંતરિક અડચણોને આ રીતે દૂર કરી શકાય છે. આ રીતે એક નિયમિત, પ્રયત્નપૂર્વક સુનિયોજિત દિનચર્યા પણ આપણા આંતરિક જીવનને શ્રેષ્ઠતર બનાવે છે. રેગિસ્તાનમાં તપસ્યારત પ્રાચીન ખ્રિસ્તી સંતોમાંના એકે આ વિશે નીચે પ્રમાણે મંતવ્ય આપ્યું છે: “હાનિકારક વિચારો પર વિજય મેળવવાનું સામર્થ્ય એ કળાઓમાં શ્રેષ્ઠતમ કળા અને વિજ્ઞાનોમાં શ્રેષ્ઠતમ વિજ્ઞાન છે. તેનો ઉપાય અને ઉપચાર છે, ભગવાનની મદદથી તેનો ઉદય થવાના આભાસ પર નજર રાખવી અને હંમેશાં પવિત્ર ચિંતન કરવું. એ બિલકુલ તેવી રીતે કરવું જોઈએ, જેવી રીતે આપણે અત્યંત સભાનપણે આપણી આંખોનું કોઈપણ નુકસાનકારક પદાર્થથી રક્ષણ કરીએ છીએ અને ધૂળના એક કણને પણ તેની નજીક નથી આવવા દેતા.” ભગવાનનું એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવા માટે પોતાના રોજબરોજના ચિંતનની ટેવ ઉપર; મન, વચન અને કર્મ તેમજ હૃદયની ઇચ્છા-વાસનાઓ અને ભાવનાઓ ઉપર સાતત્યપૂર્વક તીક્ષ્ણ દૃષ્ટિ રાખવી જરૂરી છે. આ જ વાત શ્રીકૃષ્ણ ભગવદ્‌ગીતાના છઠ્ઠા અધ્યાયમાં આપણને આ રીતે જણાવે છે:

युञ्जन्नेवं सदाऽऽत्मानं योगी नियतमानसः
शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति।।

नात्यश्नतस्तु योगोऽस्ति चैकान्तमनश्नतः
चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन।।

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा।।

અર્થાત્‌, “આ રીતે મનને નિરંતર ઈશ્વરના સ્વરૂપમાં લગાવીને સ્વતંત્ર મનવાળા યોગી મારામાં સ્થિત થઈ પરમાનંદની પરાકાષ્ઠારૂપ શાંતિ મેળવે છે.

હે અર્જુન! આ યોગ ન તો ખૂબ ખાનાર કે જરાય ન ખાનારને, ખૂબ જ ઊંઘણશી કે બહુ જાગનારને સિદ્ધ થતો નથી.

પરંતુ, યોગ્ય પ્રમાણમાં આહાર-વિહાર કરનારને, યથાયોગ્ય રીતે કર્મોમાં પ્રયત્ન કરનારને, તેમજ યથાયોગ્ય રીતે ઊંઘનાર-જાગનારને આ દુ:ખનાશક યોગ (સિદ્ધ) થાય છે.” (6.15-17)

જે લોકોએ ધ્યાનનો અભ્યાસ કર્યો છે, તેઓ ચોક્કસપણે જાણે છે કે તે માટે કેટલી મહેનત કરવી પડે છે! એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર કૂદવું તે મનનો સ્વભાવ છે અને તેને નિયંત્રિત કરી મનવાંચ્છિત સ્થાન પર સ્થિર કરવું ખરેખર મુશ્કેલ છે. આપણે માનીએ કે ન માનીએ, મનની સ્થિતિ ખાસ કરીને શરીરની સ્થિતિ પર નિર્ભર રહેતી હોય છે. જ્યાં સુધી શરીર સ્વસ્થ અને સક્ષમ નહિ હોય, ત્યાં સુધી મનને શાંત કરવું લગભગ અસંભવ છે. આ વાક્યમાં કોઈ અતિશયોક્તિ નથી.

ઉપરોક્ત શ્લોકમાં આપણા સ્થૂળ શરીરને સ્વસ્થ રાખવા માટેના નિયમો બતાવ્યા છે. શરીર માટે ખોરાક આવશ્યક છે, પરંતુ જો ખોરાક વધુ પ્રમાણમાં લેવામાં આવે અથવા ખોરાક બહુ ભારે હોય તો આપણા લોહીનો પ્રવાહ  તથા પ્રાણનો સંચાર પેટમાં જ રહેવાનો. પેટમાં લોહીનો ધસારો થવાથી મસ્તિષ્કને લોહી ઓછું મળવાથી તે જડ થઈ જાય છે. વધુ ખાવાથી નિષ્ઠાપૂર્વક માનસિક પ્રયત્ન ન થઈ શકે. આ બન્ને એકી સાથે ન ચાલી શકે. બીજી બાજુ ભૂખ્યો માણસ ધ્યાન ન કરી શકે અને જો મસ્તિષ્ક તંદુરસ્ત ન હોય તો આધ્યાત્મિક જીવન માટે આવશ્યક સૂક્ષ્મ ચિંતનમાં તે ક્યારેય સમર્થ ન થઈ શકે. સ્વામી વિવેકાનંદનું કહેવું છે, “ભૂખ્યા પેટે ધર્મ ન થાય. પહેલાં ભોજન, પછી ધર્મ (ભજન). ભગવાન ભૂખ્યા પાસે અન્ન રૂપે આવે છે.” ભગવાન બુદ્ધે કઠોર તપસ્યા બાદ આહાર બાબતે મધ્યમ માર્ગનો સ્વીકાર કરી, તેનો ઉપદેશ આપેલ. આ રીતે વધુ પડતી ઊંઘથી વ્યક્તિ આળસુ અને પ્રમાદી થઈ જાય છે. તેનાથી ઊલટું વધુ પડતા જાગરણથી આખો દિવસ ઊંઘ આવ્યા કરે છે અને કામમાં વિક્ષેપ ઊભો થાય છે. તેનાથી વ્યક્તિ ચીડિયા સ્વભાવની થઈ જાય છે તથા બીજાને માટે ક્ષોભનું કારણ બની જાય છે. નક્કી અને નિર્ધારિત સમય સુધી સૂવાથી મન-મસ્તિષ્કને આરામ તથા તાજગી મળે છે. પ્રમાણસર આહાર અને નિદ્રા જ નહિ, પરંતુ પ્રમાણસર કામ અને મનોરંજનનું પણ આપણા રોજબરોજના જીવનમાં મહત્ત્વ છે. તેનાથી ધ્યાનમાં કે જેની મદદથી આપણે આધ્યાત્મિક પ્રગતિ કરવા ઇચ્છીએ છીએ, તેમાં વિશેષ મદદ મળે છે. આપણે આ બધાનો લાભ ઉઠાવવો જોઈએ અને સાથોસાથ વિઘ્નોથી બચવું જોઈએ.

Total Views: 664

2 Comments

  1. Prafulchandra Nabalai Dave April 19, 2023 at 12:47 am - Reply

    Very useful knowlege for Meditation
    ધ્યાન માટે અત્યંત જરુરી જ્ઞાન,
    જરા પણ ચુક સમય બગાડે છે તે મારો અંગત અનુભવ છે.

  2. મહેન્દ્ર ગોરડીયા April 19, 2023 at 12:13 am - Reply

    સરસ રીતે સમજાવ્યું છે

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.