મહાપ્રયાણ

કાશ્મીરથી આચાર્ય બદરિકાશ્રમ તરફ ચાલ્યા. ઉત્તરાખંડનાં વિભિન્ન સ્થાનોના જિજ્ઞાસુઓ આચાર્યનાં દર્શન મેળવવા માટે બદરિકાશ્રમમાં એકત્રિત થયા.

આચાર્યે બધાને ધર્મનો ઉપદેશ  આપીને તૃપ્ત કર્યા. અહીં જ એમણે પોતાના જીવનનાં 32 વર્ષો પૂરાં કર્યાં.

બદરિકાશ્રમમાં થોડાક દિવસો રહીને આચાર્ય કેદારધામ તરફ ચાલ્યા. અહીં આચાર્ય હંમેશાં ધ્યાનમાં મગ્ન રહેતા હતા. ભોજન વગેરે બાબતમાં પણ તેઓ ઉદાસીન રહેવા લાગ્યા.

આચાર્યનું આ પૃથ્વી ઉપરનું કાર્ય પૂરું થઈ ચૂક્યું હતું. તેઓ ભગવાન શિવના અવતાર હતા. બ્રહ્માજીના નેતૃત્વમાં ઋષિ અને દેવતાઓ હવે એમને સ્વધામ લઈ જવા માટે ઉપસ્થિત થયા.

એમની પ્રાર્થના સાંભળીને શંકરે નિજધામ પાછા ફરવાનો નિશ્ચય કર્યો. ઇન્દ્ર અને વિષ્ણુ વગેરે દેવતાઓ એમનાં સ્તુતિગાન કરતાં કરતાં શંકરને પોતાના ધામમાં લઈ ગયા.

આચાર્ય શંકર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા મઠ

આચાર્યે સનાતન વૈદિક ધર્મના પ્રચાર-પ્રસાર માટે ભારતની ચાર દિશાઓમાં ચાર મઠની સ્થાપના કરી. એમણે દક્ષિણના  શૃંગેરી મઠના આચાર્યના પદ ઉપર સુરેશ્વરાચાર્યને પ્રતિષ્ઠિત કર્યા, પશ્ચિમમાં દ્વારકા મઠના આચાર્ય હસ્તામલકને બનાવ્યા, પૂર્વમાં ગોવર્ધન પીઠનું આચાર્યપદ પદ્મપાદને  આપ્યું તથા ઉત્તરના જ્યોતિર્મઠના આચાર્યના પદ પર તોટકાચાર્યને પ્રતિષ્ઠિત કર્યા.

આચાર્યે સંન્યાસી સંપ્રદાયને દસ નામના અંતર્ગતમાં વિભાજિત કર્યો અને આ ચાર મઠ દ્વારા એમના સંબંધનું નિર્ધારણ કર્યું.

શ્રી શંકરાચાર્યનો ઉપદેશ

૧) દુર્લભ મનુષ્ય-દેહ અને એમાંય પુરુષત્વને પામીને પણ જે સ્વાર્થી અને આળસુ બની જાય છે, એનાથી વધારે મૂર્ખ બીજો કોણ હશે?

૨) જે રીતે અંધારામાં પડેલી દોરીમાં સાપની કલ્પના કરી લેવામાં આવે છે તથા છીપને ચાંદીનો ટુકડો સમજી લેવામાં આવે છે, એ રીતે અજ્ઞાની પુરુષ દેહને જ આત્મા માની લેતો હોય છે.

૩) જે રીતે અંધકારનો નાશ પ્રકાશથી  જ થાય છે, એ રીતે અજ્ઞાનનો નાશ કેવળ જ્ઞાનથી થાય છે.

૪) જે શાસ્ત્રોનો જાણકાર હોય, કામના રહિત હોય, બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હોય, શાંત થઈ ગયેલ અગ્નિની જેમ શાંત હોય, કોઈ પણ કારણ વિના દયા કરનારો હોય, અને શરણમાં આવનારનો હિતેચ્છુ  હોય, તે જ સાચો ગુરુ બની શકે છે.

૫) મહાત્માઓનો સ્વભાવ જ હોય છે કે તેઓ પોતે જ બીજાઓનું ભલું કરવામાં પ્રવૃત્ત થાય છે. સૂર્યના પ્રચંડ તેજથી સંતૃપ્ત થયેલ પૃથ્વીને ચંદ્રમા પોતે જ શાંત કરી દે છે.

૬) પિતાના ઋણને પુત્ર પણ ચૂકવી શકે છે, પરંતુ ભવબંધનમાંથી કોઈ બીજું છોડાવી શકતું નથી. જે રીતે માથા ઉપર રાખેલ ભારને કોઈ બીજો લઈ શકે છે, પરંતુ ભૂખ-તરસ વગેરે દુઃખોને પોતે જ મટાડવાં પડે છે.

૭)  જે રોગી પથ્ય અને દવાનું સેવન કરે છે તે જ નીરોગી બની શકે છે. કોઈ બીજાને માટે કરેલાં કર્મોથી કોઈ પણ સ્વસ્થ બની શકતું નથી. એટલા માટે રોગ વગેરેની જેમ ભવબંધનની નિવૃત્તિ માટે વિદ્વાને પોતાની સંપૂર્ણ શક્તિ લગાવીને પ્રયત્નો કરવા જોઈએ.

૮) જો તું મોક્ષની ઇચ્છા રાખે છે તો ઝેર સમાન સંસારના ભોગોનો દૂરથી જ ત્યાગ કરી દે.

૯) આત્મા હંમેશાં આનંદસ્વરૂપ છે. એમાં દુઃખ ક્યારેય હોતું નથી.

૧૦) અજ્ઞાન, આળસ, અને નિદ્રા વગેરે તમસના ગુણો છે. આનાથી બંધાયેલો મનુષ્ય કંઈ સમજતો નથી.

૧૧) જીવના બંધન અને મુક્તિનું કારણ એનું મન જ છે.

૧૨) આ શરીરમાં જે ‘હુંપણું’ થઈ રહ્યું છે, જે સંપૂર્ણ રીતે દૂર ન થઈ જાય ત્યાં સુધી સાવધાનીપૂર્વક સાધના કરતા રહો.

૧૩) જે પ્રમાણે હાથમાંથી સીડી પર પડેલો દડો એક પગથિયેથી બીજા પગથિયા ઉપર પડતો પડતો ચાલ્યો જાય છે, એ જ પ્રમાણે મન જો સંસાર પ્રત્યે આસક્ત થઈ જાય, તો લગાતાર તેનું પતન થતું જાય છે.

૧૪) પોતાના સ્વરૂપમાં મનને સ્થિર કરીને અખંડ ઐશ્વર્યસંપન્ન આત્માનો સાક્ષાત્કાર કરો અને પોતાના મનુષ્ય-જન્મને સફળ કરો.

Total Views: 600

One Comment

  1. Ranachhodbhai April 12, 2023 at 11:51 pm - Reply

    good

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.