પરિવ્રાજક સ્વામી વિવેકાનંદે લગભગ આઠ મહિના અને તેમના અન્ય ગુરુભાઈઓએ ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં પરિભ્રમણ કર્યું હતું, એટલે કે રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં પગરણ ગુજરાતમાં ઘણા સમય પહેલાં થઈ ચૂક્યાં હતાં. એ સિવાય પુસ્તકો દ્વારા પણ શ્રીરામકૃષ્ણના જીવન-સંદેશના પ્રચાર-પ્રસારનું કાર્ય થઈ રહ્યું હતું. આને કારણે ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારો પર પણ સ્વામી વિવેકાનંદના વિચારો અને ઉપદેશોની ઊંડી અસર થાય તે સ્વાભાવિક છે.

મહાત્મા ગાંધી, કેવળરામ માવજીભાઈ દવે, ટી. એસ. અવિનાશીલિંગમ (કોઇમ્બતુર) વગેરેના જીવનમાં સ્વામીજીની ઊંડી છાપ જોવા મળે છે. ઉપરાંત, અન્ય એક સાહિત્યકાર પણ આ યાદીમાં સામેલ છે, કાકાસાહેબ કાલેલકરના નામથી સુવિખ્યાત દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર.

કાકાસાહેબનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં ૧ ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ થયો હતો. તેઓ સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક સુધારક, પત્રકાર વગેરે રૂપમાં બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. સ્વાતંત્ર્ય સેનાની તરીકે ગાંધીજી સાથે સત્યાગ્રહમાં જોડાઈને તેમણે દસેક વખત જેલવાસ ભોગવ્યો હતો. સામાજિક સુધારક તરીકે તેમણે ઘણાં પુસ્તકો અને લેખો લખ્યાં, જે અગિયાર ભાગોમાં પ્રકાશિત દળદાર પુસ્તક ‘કાકા કાલેલકર ગ્રંથાવલી’માં સમાવિષ્ટ છે.

બાળપણમાં તેમણે સતારાથી પુણે આવી ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ કર્યો. તેઓ મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમનું ખૂબ સારું પ્રભુત્વ હતું, તેથી મહાત્મા ગાંધી તેમને ‘સવાઈ ગુજરાતી’ કહેતા. ૧૯૬૪માં ભારત સરકારે તેમને ‘ભારતરત્ન’ પછીના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મવિભૂષણ’થી નવાજ્યા હતા. ત્યારબાદ ૧૯૬૫માં તેમના નિબંધસંગ્રહ ‘જીવનવ્યવસ્થા’ને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો. ૨૧ ઓગસ્ટ, ૧૯૮૧ના રોજ તેમના દુઃખદ નિધન બાદ ભારત સરકારે તેમની યાદમાં ૧૯૮૫માં એક ટપાલ ટિકિટ બહાર પાડી. આમ, ગુજરાતી સાહિત્યમાં તેમનું એક આગવું સ્થાન છે.

તેઓ ગાંધીજીના વિચારોને સમર્પિત સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં ઈ.સ. ૧૯૨૮થી ૧૯૩૫ સુધી કુલપતિ રહ્યા. ત્યારબાદ વેડછી (દક્ષિણ ગુજરાત) સ્થિત ગાંધી વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ તરીકે ઘણાં વર્ષો સુધી સેવારત રહ્યા. ઈ. સ. ૩-૪-૧૯૫૨થી ૨-૪-૧૯૬૪ દરમિયાન તેઓ સંસદ સભ્ય રહ્યા.

આમ, તેમનું જીવન અતિ વ્યસ્ત હોવા છતાં તેમણે ‘રખડવાનો આનંદ’, ‘હિમાલયનો પ્રવાસ’, ‘ગીતાદર્શન’, તેમજ હિન્દીમાં ‘સ્મરણયાત્રા’, ‘રાષ્ટ્રીય શિક્ષા કા આદર્શ’ વગેરે ઘણાં પુસ્તકો લખ્યાં. આ ઉપરાંત અંગ્રેજીમાં પણ કેટલાંક પુસ્તકો તેમણે લખ્યાં છે.

ખાસ કરીને, તેમના નિબંધોમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનો પ્રભાવ જોવા મળે છે. તેમના ‘આત્મવૃત્તાંત’ નિબંધમાં તેમણે લખ્યું છે કે તેઓ યુવાવસ્થામાં સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત થયા હતા. ‘ચરિત્ર સંકીર્તન’ નામના નિબંધમાં તેઓએ શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને માસ્ટર મહાશયનાં જીવનચરિત્રો લખ્યાં છે. તેઓ માસ્ટર મહાશયથી ખૂબ પ્રભાવિત થયા હતા.

તેમના ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકમાં તેઓ જણાવે છે: “ભગિની નિવેદિતાનું પુસ્તક ‘The Master as I Saw Him’ વાંચ્યું અને તેનાથી પ્રભાવિત થઈ, અન્ય પુસ્તકો તેમજ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ વાંચ્યું. તેથી મને માસ્ટર (શ્રીમ.) ને મળવાની ઇચ્છા થઈ.” આથી તેઓ કોલકાતા ગયા. બેલુર મઠમાં થોડા દિવસો રહ્યા. બેલુર મઠમાં ભોજનમાં ઘણા પ્રકારનાં શાક હતાં, જ્યારે ગુજરાતમાં માત્ર એક કે બે પ્રકારનાં શાક હોય. બંગાળમાં લોકો ભાત સાથે શાક ખાય છે કે શાક સાથે ભાત ખાય છે; તે સમજ ન પડી! આવી કેટલીક મજેદાર અને રમૂજી વાતો પણ લખી છે. આ ઉપરાંત બેલુર યાત્રાનું વર્ણન, કનખલ અને માસ્ટર મહાશય સાથે વાર્તાલાપનું વર્ણન પણ તેમણે આ પુસ્તકમાં લખ્યું છે.

૧૯૬૩માં તેઓ સ્વામીજીના શતાબ્દી સમારોહમાં રાજકોટ આવ્યા હતા. ત્યારબાદ ૧૯૬૬માં પણ જ્યારે સ્વામી આત્મસ્થાનંદજી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા ત્યારે ફરી વાર આવ્યા હતા અને તેમણે આશ્રમના પ્રાંગણમાં આયોજિત સભામાં સ્વામી વિવેકાનંદનો દેશના મહાન લોકો પર કેવો પ્રભાવ પડ્યો હતો, તે વિષે વાત કરી હતી. તેમનું આ સંબોધન લેખ સ્વરૂપે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સ્મરણિકા (સોવેનિયર)માં પ્રકાશિત થયું છે. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના માસિક મુખપત્ર ‘રામકૃષ્ણ જ્યોત’માં પણ આ લેખ પ્રકાશિત થયો છે. આમ, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ તેમજ સિસ્ટર નિવેદિતાનો કાકાસાહેબ પર ઊંડો પ્રભાવ પડ્યો હતો.

તેમનો એક લેખ છે ‘પ્રબુદ્ધ ભારતનું તીર્થોત્તમ’ જે વાંચવાથી આપણને ખ્યાલ આવે છે કે તેઓ સ્વામીજીથી કેટલા પ્રેરિત થયા હશે! ભારતનું સર્વશ્રેષ્ઠ તીર્થ છે—ગંગા, યમુના અને સરસ્વતીનું મિલન સ્થળ—પ્રયાગરાજ. પરંતુ અહીં તેઓ બીજા ઉત્તમ તીર્થની વાત કરે છે. તેઓ લખે છે, ‘હું જ્યારે મારી બાલ્યાવસ્થા અને યુવાની વિશે વિચારું છું ત્યારે મારા હૃદયમાં સ્વામી વિવેકાનંદે કેવો જાદુઈ પ્રભાવ પાડ્યો હતો, તેના સ્મરણથી આજે પણ ગદ્‌ગદ થઈ જાઉં છું. સ્વામીજીએ શિકાગો ધર્મસભામાં અને વિદેશોમાં સનાતન ધર્મનો ઝંડો લહેરાવ્યો. આપણે તો બ્રિટિશ સરકારના ગુલામ હતા અને આપણું આત્મગૌરવ હણાઈ ગયું હતું, તે વખતે સ્વામીજીના આદર્શોથી આપણે આપણું ગૌરવ પુનઃ પ્રાપ્ત કર્યું.’

તેઓ આગળ લખે છે, ‘અમારા બાળપણના સમયે શ્રદ્ધા અને બુદ્ધિવાદ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિને પ્રધાનતા આપવાવાળા સુધારકો અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો આંધળો વિરોધ કરી, પ્રાચીનકાળને પુનર્જીવિત કરવાનો વૃથા પ્રયત્ન કરવાવાળા સનાતની ઉદ્ધારકો વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો હતો. વિશેષ કરીને બંગાળ અને મહારાષ્ટ્રમાં આ સંઘર્ષ વધુ તીવ્રતાથી ચાલી રહ્યો હતો. પૂર્વ-પશ્ચિમ વચ્ચેનો વિવાદ તો હતો જ. એ સિવાય બ્રાહ્મસમાજ, આર્યસમાજ અને થિયોસોફી પોતપોતાની રીતે ધર્મજાગૃતિનું કાર્ય કરતા હતા. આ બધી પ્રવૃત્તિઓમાંથી ભવિષ્ય માટે પોષક તત્ત્વ એકત્ર કરીને અદ્વૈતનું સમન્વય-કાર્ય સ્વામી વિવેકાનંદે કર્યું.’

‘સ્વામીજીનું અદ્વૈત દાર્શનિક માત્ર ન હતું, તેમણે બધા સમન્વયકારી અદ્વૈતનું દાર્શનિક અને સામાજિક પ્રવર્તન પણ કર્યું.’ ‘Applied Religion, Practical Religion, Practical Spirituality.’ ‘તેમને હિંદુ ઉપરાંત, ઇસ્લામ અને ઈસાઈ ધર્મ પ્રત્યે પણ વિશેષ આદર હતો. તેમણે કોઈ ધર્મની ભર્ત્સના ન કરી પણ બધાના સમન્વયની વાત કરી.’

‘પરિવ્રાજકના રૂપમાં તેમણે દેશનું જે નિરીક્ષણ કર્યું, ભારતના ઇતિહાસનું જે રહસ્ય એમણે પ્રાપ્ત કર્યું અને સામાજિક આત્મચેતનાનો જે પરિચય તેમણે પોતાના મનમાં હંમેશાં કર્યો, તેના આધાર પર તેમણે સંન્યાસ આશ્રમને નવું રૂપ આપ્યું અને દેશભરમાં અનેક અદ્વૈત આશ્રમો અને સેવાશ્રમોની સ્થાપના કરી, સાંસ્કૃતિક ઉત્થાનના રચનાત્મક કાર્યની આધારશિલા રાખી.’

શા માટે સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, ‘શિવજ્ઞાને જીવસેવા’નો આદર્શ સ્થાપ્યો, તેનું કારણ કાકાસાહેબે બતાવ્યું છે. તેઓ હજી આગળ લખે છે: ‘….સ્વામીજી જો હજુ વધુ જીવ્યા હોત તો વેદાંત માટે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હોત. તેમના બધા પ્રયત્નો વ્યાપક શિક્ષણ દ્વારા જીવન-પરિવર્તન અને સાંસ્કૃતિક સંવર્ધનની દિશામાં અગ્રસર થયા હતા. તેમના આ ભગીરથ કાર્યનો કેટલોક અંશ ભગિની નિવેદિતાએ કર્યો હતો.’

કાકાસાહેબે સ્વામીજી અને ભગિની નિવેદિતાનાં જીવન વિષે કેટલું ગહન અધ્યયન કર્યું હશે..!

“…હું તો એમ માનું છું કે શ્રીરામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતા—આ ત્રણેય વિભૂતિઓનો ત્રિવેણીસંગમ જ પ્રબુદ્ધ ભારતનું (નવા ભારતનું) તીર્થોત્તમ પ્રયાગરાજ છે.” “સ્વામી વિવેકાનંદના યુગકાર્યને રાષ્ટ્રીયરૂપ પ્રદાન કરવા ભગિની નિવેદિતાની ઐતિહાસિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સેવા સહાયભૂત બની છે. કવિવર રવીન્દ્રનાથ, યોગીરાજ શ્રીઅરવિંદ અને મહાત્મા ગાંધી—આ ત્રણેયની જીવનદૃષ્ટિ અને તેમના યુગકાર્ય પર આજે પણ સ્વામી વિવેકાનંદનો પ્રભાવ કેટલો ઊંડો છે, જો એ જાણવાની ઇચ્છા હોય તો શ્રી રાજગોપાલાચારીનો ‘Religion of Future’ અને ડૉ. રાધાકૃષ્ણન્‌નો ‘The Religion We Need’ આ બંને સંક્ષિપ્ત નિબંધો વાંચી જવા જોઈએ.”

‘સ્વામીજીએ જે અભિનવ સંન્યાસ પરંપરા ચલાવી, જ્યાં સંન્યાસી માત્ર તપસ્યા કરે કે ઈશ્વરનું નામ લે, ધ્યાન કરે, એટલું જ નહિ, પરંતુ સાથે સાથે પોતે વિવિધ પ્રકારનાં સેવાકાર્યમાં જોડાય.’

આમ, કાકાસાહેબે સ્વામીજીએ શરૂ કરેલ નવીન સંન્યાસ-પરંપરાનું ખૂબ ગહન અધ્યયન કર્યું, અને તેથી જ સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા કેટલી વહેલી પ્રવિષ્ટ થઈ ચૂકી હતી અને ગુજરાતી સાહિત્યકારો પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનો કેટલો પ્રભાવ હતો!

Total Views: 503

One Comment

  1. Amit Kunadia April 14, 2023 at 2:37 am - Reply

    Wonderful article! Being acquainted with Kaka Saheb through his essays taught in school, revelation about his regard for Swamiji, Thakur and Sister Nivedita enhanced my respect for him.

    Thank you, Maharaj, for giving us such a wonderful article!

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.