શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક વિશિષ્ટ માનસિક ગઠન હતું. શ્રીરામકૃષ્ણની અંતર્દૃષ્ટિ એટલી ગહન હતી કે તેઓ પ્રત્યેક ભક્તના પૂર્વ જન્મ અને વર્તમાન જન્મના કર્મના પ્રવાહને સમજી શકતા અને આ પ્રવાહ કેવી રીતે એમના મનનું ગઠન કરે છે એ જાણી શકતા.

પૃથ્વી ઉપર 700 કરોડ લોકો છે. આટલી મોટી જનસંખ્યા હોવા છતાં પણ આપણા બધાની ફિંગરપ્રિન્ટ અને આંખના રેટિનાની પેટર્ન અનન્ય છે, માટે જ બાયોમેટ્રિકના સહારે આપણું આધારકાર્ડ બની શકે છે. ફિંગરપ્રિન્ટ કે રેટિના જેવી સામાન્ય શારીરિક સંરચનાઓ પણ જો અનન્ય હોય તો આપણા મગજની અદ્વિતીયતાની વાત જ શી કરવી! મગજમાં કરોડો કરોડો સાઈનેપ્સ હોય છે અને પ્રત્યેક વ્યક્તિના અનુભવ, શિક્ષણ, સામાજિક-પારિવારિક પરિસ્થિતિ, અને પૂર્વજન્મના સંસ્કારોના પરિણામે આ સાઈનેપ્સની પેટર્ન ગોઠવાઈ હોય છે.

જો બે જોડિયા ભાઈઓ પણ હોય, કે જેમના DNA સમાન હોય, તોપણ તમે જોશો કે એક ભાઈ સાધુ બને છે તો બીજો ભાઈ નોકરી કરે છે. હવે વિચારો કે 700 કરોડમાંની પ્રત્યેક વ્યક્તિના મનોવલણમાં કેટલું વૈવિધ્ય હશે?

અત્યાર સુધી એવું ચાલ્યું આવતું હતું કે જો કોઈ એક સંત-મહાપુરુષ એક માર્ગ ઉપર ચાલીને ઈશ્વરદર્શન કે આધ્યાત્મિક અનુભૂતિ મેળવતા—તો એ જ પથનો જયઘોષ કરીને પોતાના અનુયાયીઓને એ જ સાધનપદ્ધતિ, એ જ તપસ્યાપ્રણાલી ફરજિયાતપૂર્વક પાલન કરવાનું કહેતા. પરંતુ શ્રીરામકૃષ્ણ કહેતા કે જેમ સાધકો વિભિન્ન મનોવલણ ધરાવે છે એમ તેમના માટેની સાધનપ્રણાલી પણ એમની ક્ષમતા અનુસાર અનન્ય હોવી જોઈએ. શ્રીરામકૃષ્ણ કહે છે:

‘હેરત પમાડે એવાં દર્શનો બધાં થયાં છે. અખંડ સચ્ચિદાનંદ-દર્શન. એની અંદર જોઉં છું તો વચમાં વાડ કરેલી હોય એવા જાણે કે બે વિભાગ. એક બાજુએ કેદાર, ચુની, અને બીજા કેટલાય સાકારવાદી ભક્તો. એ વાડની બીજી બાજુએ લાલ બપોરિયા જેવી જ્યોતિ. એની વચ્ચે બેઠેલ નરેન્દ્ર; સમાધિ-મગ્ન. … કેદાર સાકારવાદી, છાનોમાનો જોઈને ધ્રૂજી ઊઠીને ત્યાંથી ભાગ્યો.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 50, અધ્યાય 3)

હવે પ્રત્યેક ભક્ત માટે ઠાકુરે એક વિશિષ્ટ કાર્ય નિશ્ચિત કર્યું હતું. જેમ કે શશી મહારાજ ઠાકુરની સેવાનો આદર્શ બતાવી ગયા. ઠાકુરની મહાસમાધિ બાદ વરાહનગર મઠમાં ત્યાગી શિષ્યોએ સંન્યાસ ગ્રહણ કર્યો એ સમયે નરેને શશી મહારાજની એકનિષ્ઠ સેવાનું સ્મરણ કરીને એમને ‘રામકૃષ્ણાનંદ’ નામ અર્પણ કર્યું હતું. (સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર, 114)

માસ્ટર મહાશય ઠાકુરના એકનિષ્ઠ અંતરંગ શિષ્ય હતા. ઠાકુરે એમને કામ આપ્યું હતું, એમના શબ્દોને લિપિબદ્ધ કરીને આધુનિક યુગના ભાગવતનું સર્જન કરવાનું. 1881માં માસ્ટર મહાશયે ઠાકુરનાં પ્રથમ વાર દર્શન કર્યાં હતાં. ત્યારથી લઈ 1886માં ઠાકુરની મહાસમાધિ સુધી માસ્ટર મહાશયે તેઓના શ્રીચરણસમીપ સ્થાન ગ્રહણ કરી તેઓના જ આશીર્વાદસહાયે તેઓની અમૃતમય વાણી તિથિ, વાર, નક્ષત્ર સહિત પોતાની ડાયરીમાં અંકિત કરી હતી.

ઠાકુરની મહાસમાધિનાં કેટલાંક વર્ષો બાદ ડાયરીની આ નોંધના આધારે માસ્ટર મહાશય ઠાકુરની વાણીનું સચોટ નિરૂપણ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના રૂપમાં ભક્તોના કલ્યાણ માટે પ્રકાશિત કરી યુગયુગાન્તર વ્યાપી એક મહાયજ્ઞ પ્રજ્જ્વલિત કરી ગયા છે.

પણ આ કથામૃત વાંચતાં આપણને એક આશ્ચર્યજનક કિસ્સો જાણવા મળશે. માસ્ટર મહાશય ચિવટપૂર્વક તિથિ, વાર, ગંગા ઉત્તરવાહિની છે કે દક્ષિણવાહિની, વાયરો કઈ દિશામાં વાઈ રહ્યો છે, ઠાકુર ક્યાં બેઠા છે, એમનું શ્રીમુખ કઈ દિશા તરફ છે, અને એમની સમક્ષ કોણ કોણ ભક્ત ઉપસ્થિત છે, તેની નોંધ કરે છે. આ જ માસ્ટર મહાશયની સામે ઠાકુર વારંવાર મહાવીર હનુમાનનું દૃષ્ટાંત આપી કહે છે:

‘ઈશ્વર-પ્રાપ્તિ થયે તેનું બહારનું ઐશ્વર્ય, તેનું જગતનું ઐશ્વર્ય ભુલાઈ જાય. ઈશ્વરને જોયા પછી તેનું ઐશ્વર્ય યાદ આવે નહિ. ઈશ્વરના આનંદમાં મગ્ન થયા પછી ભક્તને કોઈ ગણતરી રહે નહિ. નરેન્દ્રને જોયા પછી, તારું નામ શું, તારું ઘર ક્યાં એ બધું પૂછવાની મને જરૂર રહે નહિ. પૂછવાનો અવસર જ ક્યાં હોય? હનુમાનને એક જણે પૂછ્યું હતું કે આજ કઈ તિથિ? હનુમાને જવાબ આપ્યો કે ‘ભાઈ, હું વાર, તિથિ, નક્ષત્ર, એ બધું જરાય જાણતો નથી, હું તો એક માત્ર રામનું જ ચિંતન કરું છું.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 4, અધ્યાય 4)

પોતાના કથા-લિપિકાર સમક્ષ વારંવાર આ પ્રસંગ ઉત્થાપીને શું ઠાકુર કોઈ ગહન સંકેત આપી રહ્યા હતા, કે રમૂજપ્રિય ઠાકુર માસ્ટર મહાશયની આડકતરી રીતે મજાક ઉડાવી રહ્યા હતા? માસ્ટર મહાશય ઠાકુરનાં ત્રણ દર્શન બાદ જે દિવસે ચતુર્થ દર્શન માટે આવ્યા હતા એ દિવસે ઠાકુરે હસતાં હસતાં કહ્યું હતું કે જો એક દિવસ એક મોરને 4 વાગ્યે અફીણ ખવડાવવામાં આવે તો બીજે દિવસે બરાબર 4 વાગ્યે મોર ફરીથી અફીણ ખાવા માટે ઉપસ્થિત થઈ જાય. આમ, હસીમજાક ઠાકુર માટે અજાણી વાત ન હતી.

પરંતુ આપણને ખબર છે કે ઠાકુરની પ્રત્યેક વાત, પ્રત્યેક સંજ્ઞા આધ્યાત્મિક ઉપદેશથી ભરપૂર રહેતી. જે કથા-લિપિકાર અતિચિવટપૂર્વક તિથિ, વાર, નક્ષત્રનો હિસાબ રાખે છે એને જ તેઓ આડકતરી રીતે તિથિ, વાર, નક્ષત્રની સારહીનતા સમજાવી રહ્યા હતા.

આ જગતમાં આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ, ભલે એ અધમમાં અધમ ચોરી-ચપાટી હોય કે પવિત્રમાં પવિત્ર પૂજા-પાઠ અને લોક-કલ્યાણ હોય, પ્રત્યેક કર્મ છેવટે તો માયાના જગતમાં માયાની સાંકળથી બંધાયેલું છે.

ઠાકુર ત્રણ ચોરનું ઉદાહરણ આપે છે:

સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણેય ગુણો ચોર. એક માણસ જંગલને રસ્તે થઈને જઈ રહ્યો હતો, એટલામાં તેને ત્રણ ચોર મળ્યા. તેમણે તેને પકડીને તેનું જે કાંઈ હતું તે લૂંટી લીધું. પછી એક ચોર બોલ્યો, ‘હવે આને જીવતો રાખવો શા માટે?’ એમ કહીને તલવાર લઈને તેને મારી નાખવા આવ્યો. એટલે બીજો ચોર બોલ્યો, ‘ના રે ના, એને મારી નાખવો શું કરવા? એના હાથપગ બાંધીને મૂકી દો.’ … થોડીવાર પછી પેલા ત્રણ ચોરમાંથી એક જણ પાછો આવીને પેલા માણસને કહે છેઃ ‘ચાલો, હું તમારું બંધન ખોલી દઉં! … મારી સાથે સાથે આવો. હું તમને ધોરી રસ્તા પર ચડાવી દઉં.’ … એટલે પેલો મુસાફર ચોરને કહે, ‘ભાઈસાહેબ, તમે મારા ઉપર આટલો બધો ઉપકાર કર્યો, તો તમે પણ જરા સાથે મારા ઘર સુધી આવો ને.’ ચોરે કહ્યું, ‘ના, મારાથી ત્યાં ન અવાય. પોલીસને ખબર પડી જાય.’

આ સંસાર જ અરણ્ય. આ અરણ્યમાં સત્ત્વ, રજસ્, તમસ્ એ ત્રણે ગુણો રૂપી લૂંટારા જીવનું તત્ત્વજ્ઞાન લૂંટી લે. તમોગુણ જીવનો વિનાશ કરવા ઇચ્છે, રજોગુણ સંસારમાં બાંધે, પરંતુ સત્ત્વ-ગુણ રજસ્, તમસ્‌થી બચાવે. … વળી સત્ત્વગુણ જીવને સંસાર-બંધનથી મુક્ત કરે. પણ સત્ત્વગુણેય આખરે તો ચોર, તત્ત્વ-જ્ઞાન આપી શકે નહિ. પરંતુ એ પરમ-ધામમાં જવાના રસ્તા પર ચડાવી દે… જ્યાં બ્રહ્મ-જ્ઞાન ત્યાંથી તો સત્ત્વગુણ પણ ઘણેય દૂર. (શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ 15, અધ્યાય 8)

આમ, ભલે કર્મ સાત્ત્વિક હોય તોપણ એ આપણને બંધનમાં તો નાખે જ છે.

શ્રીરામકૃષ્ણના ચરણ સમીપ આસન ગ્રહણ કરી શ્રીરામકૃષ્ણની અમૃતમય વાણી લિપિબદ્ધ કરવી એથી વધુ પવિત્ર કર્મ શું હોઈ શકે? છતાં જીવનશેષે સાધક સાધનાનાં ઉચ્ચથી ઉચ્ચતર સોપાન સર કરી રહ્યો હોય ત્યારે અતિપવિત્ર કર્મ પણ એના માટે ભારરૂપ બની જાય છે.

એક સમય હતો જ્યારે શ્રીરામકૃષ્ણ સાધન-ઝંઝાવાતથી ઘેરાયેલ હતા. પોતાના તીવ્ર મુમુક્ષુત્વથી દોરાઈને સ્વબળે મા કાલીનાં દર્શન મેળવ્યા બાદ હિંદુ આધ્યાત્મિક પરંપરાની એક પછી એક શાખાઓના સિદ્ધ ગુરુઓ એક દૈવી પ્રેરણાથી દોરાઈને દક્ષિણેશ્વર પધારી ઠાકુરને પોતપોતાની સિદ્ધહસ્ત પરંપરામાં દીક્ષિત કરી રહ્યા હતા અને જતનપૂર્વક માર્ગદર્શન આપી પોતાની શાખામાં સિદ્ધિ અપાવવા માટે મદદરૂપ બની રહ્યા હતા. આ સિદ્ધ ગુરુઓની શૃંખલામાં એક હતાં ભૈરવી બ્રાહ્મણી.

તેઓએ તંત્રશાખાની બધી જ સાધનપ્રણાલીઓનું અનુષ્ઠાન ઠાકુર પાસે કરાવી એમને તંત્રવર્ણિત સિદ્ધિ તરફ દોર્યા હતા. પરિણામે બાળકવત્‌ ઠાકુરની સાથે એમનો માતૃભાવનો સંબંધ બંધાયો હતો. પરંતુ જ્યારે વિવાહ બાદ શ્રીમા શારદાદેવી કામારપુકુરમાં ઠાકુરની સાથે રહેવા આવ્યાં હતાં એ સમયે ઉપસ્થિત ભૈરવી બ્રાહ્મણી ઈર્ષ્યાથી પ્રેરાઈને શ્રીમાની સાથે સતત નારાજ રહેવા લાગ્યાં હતાં. એમને ભય હતો કે હવે ઠાકુર એમને ભૂલીને શ્રીમા પ્રતિ જ વધુ ધ્યાન આપશે. શ્રીમા પણ ભૈરવીથી ભયભીત રહેતાં હતાં.

હવે ઠાકુરે તો કહ્યું જ છે કે જો કોઈ એમનું પોતાનું અપમાન કરે તો કદાચ અપમાન કરનાર વ્યક્તિની બચવાની સંભાવના છે, પરંતુ જો કોઈ શ્રીમાનું અપમાન કરે તો ત્રણ લોકમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ પણ એને બચાવી શકે નહીં. એક દિવસ ભૈરવીનો હૃદયરામ સાથે ઝઘડો થયો. આ ક્ષણે જ એકાએક ભૈરવીની માયા ભંગ થઈ અને એમને સમજાયું કે ઠાકુરને માર્ગદર્શન આપવા માટે જેટલા દિવસ એમને રહેવાનું હતું એ દિવસો હવે સમાપ્ત થયા છે. હવે તો સમય છે સર્વસ્વ ત્યાગ કરી પોતાની સાધનાનાં અંતિમ શિખરો સર કરી પૂર્ણત્વ પ્રાપ્ત કરવાનો. તેઓએ ઠાકુરની વિદાય ગ્રહણ કરી કાશી પ્રસ્થાન કર્યું અને ત્યાં જ સાધન-ભજનમાં રત પોતાના અંતિમ દિવસો વિતાવ્યા. (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, ભાગ 1, અધ્યાય 17; શ્રીમા શારદાદેવી જીવન ચરિત્ર, પૃ.27)

મહાભારતના યુદ્ધના અંતે સમગ્ર રાજપાટ પોતાના ઉત્તરાધિકારીને સમર્પિત કરી પાંચ પાંડવો અને દ્રૌપદીએ સ્વર્ગારોહણની યાત્રા કરી હતી. માર્ગમાં સર્વપ્રથમ દ્રૌપદી અને ત્યાર બાદ ક્રમે નકુલ, સહદેવ, ભીમ, અને અર્જુન વિખૂટા પડતા ગયા. છેવટે માત્ર યુધિષ્ઠિર એક કૂતરા સહિત શિખર સુધી પહોંચ્યા હતા. જ્યારે એમને સદેહે સ્વર્ગમાં લઈ જવા માટે રથ ઉપસ્થિત થયો ત્યારે એમને કહેવામાં આવ્યું કે રથમાં કૂતરા માટે જગ્યા થશે નહીં. યુધિષ્ઠિરે ઉત્તર આપ્યો કે કૂતરો છેવટ સુધી એમનો સંગી રહ્યો છે અને એના વિના એ સ્વર્ગે જશે નહીં. આ વાત સાંભળી કૂતરાએ ધર્મરાજનું સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું કે આ યુધિષ્ઠિરની પરીક્ષા હતી. આ પરીક્ષામાં સફળ નીવડી તેઓ હવે સદેહે સ્વર્ગે જઈ શકે છે.

આમ, આપણાં પવિત્રમાં પવિત્ર કાર્યો કે ઘનિષ્ઠમાં ઘનિષ્ઠ સંબંધો પણ સ્વર્ગારોહણની આપણી યાત્રામાં વિખૂટાં પડતાં જવાનાં છે. અને છેવટ સુધી સાથે રહેશે માત્ર ધર્મ, માત્ર ઈશ્વર પ્રતિની આપણી પૂર્ણનિષ્ઠા.

Total Views: 571

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.