ધર્મચક્ર-પ્રવર્તન

સ્વામી વિવેકાનંદે કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, ‘કેમ, માએ તો આજે તને સઘળું બતાવી દીધુંને? પણ ચાવી મારા હાથમાં રહી. હવે તારે કામ કરવું પડશે. જ્યારે મારું કામ પૂરું થશે ત્યારે ફરીવાર ચાવીથી ખોલીશ.’ પછી એમણે નરેન્દ્રને શરીરને સંભાળવાનું અને સાથી સોબતીની બાબતમાં વધારે સાવધાની વર્તવાનું કહી દીધું. (યુગનાયક 1.181)

પરંતુ ધર્મચક્ર-પ્રવર્તનનું કાર્ય તો કાંઈ સહજ નથી. માનું કાર્ય કરવું કે શરીરની સંભાળ રાખવી! પરિવ્રાજક રૂપમાં ભારત-ભ્રમણ કરીને, ભારતીય સમસ્યાઓનું ચિંતન કરીને અને નિરાકરણ લાવીને સ્વામીજીએ અમેરિકા જઈ તેઓને ભારતીય આધ્યાત્મિકતાનો અમરવારસો ભેટમાં આપ્યો અને ત્યાંથી આધુનિક કાર્યપ્રણાલી, સંગઠનાત્મક નૈપુણ્ય, અને નાણાંકીય ભંડોળ એકત્ર કરીને ભારતમાં ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી. આ ભગીરથ કાર્ય પૂર્ણ કરતાં કરતાં તેઓનું સ્વાસ્થ્ય ભાંગી પડ્યું હતું.

જૂન, 1899માં સ્વામી વિવેકાનંદ વૈદ્ય અને ગુરુભાઈઓની સલાહ અનુસાર બીજી વાર વિદેશયાત્રાની સફરે નીકળ્યા. ઉદ્દેશ્ય હતો સ્વાસ્થ્યોદ્ધાર. પરંતુ શિવસ્વરૂપ યુગનાયક શું ક્યારેય કર્મહીન રહી શકે? એ સમયે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં જઈને એમણે વેદાંતનાં જે બીજ વાવ્યાં હતાં એ આજે વટવૃક્ષ બનીને આપણને અત્યાધુનિક ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સાહિત્ય-સંસ્કૃતિ અને વિશાળ યુનિવર્સિટીઓના રૂપમાં જોવા મળે છે. ફેબ્રુઆરીથી એપ્રિલ, 1900 દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં વેદાંત પ્રચાર કરવાના સમયે અંતરંગ ભક્તો અને સંન્યાસી ગુરુભાઈઓને લિખિત પત્રોમાં સ્વામીજી પોતાના શરીર-મન ઉપર કેવો ઝંઝાવાત વીતી રહ્યો હતો એનો ચિતાર આપે છે. આવો, ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’માં પ્રકાશિત આ પત્રોના કેટલાક અંશ આપણે વાંચીએ.

સ્વામીજીનો સંઘર્ષ

મારું શરીર બરાબર ચાલે છે. વાત એમ છે કે જ્યારે હું બહુ જ સાવચેતી લઉં છું ત્યારે માંદો પડું છું. હું રસોઈ કરું છું, જે આવે તે ખાઉં છું, દિવસ અને રાત કામ કરું છું અને હું સાજો સારો છું તથા ઘસઘસાટ ઊંઘ લઉં છું! (7.375)

મારી તબિયત આમ તો ઘણી સારી છે, પણ હજુ પહેલાં જેટલી શક્તિ નથી આવી. તે આવશે તેવી આશા રાખું છું. પણ એક નાની એવી બાબત માટે પણ કેટલી બધી મહેનત કરવી પડે છે! થોડા દિવસ માટે પણ મને આરામ અને શાંતિ મળે તો વધારે સારું. શિકાગોની બહેનો વચ્ચે મને તે મળશે તેવી આશા રાખું છું. વારુ, હું હંમેશાં કહું છું તેમ ‘જગદંબા’ બધું જાણે છે. ખરે, ‘માતાજી’ જ સઘળું બરાબર જાણે છે. છેલ્લાં બે વર્ષો ઘણાં જ ખરાબ ગયાં છે; હું કાયમ માનસિક પરિતાપમાં રહ્યા કર્યો છું. થોડે અંશે તે હવે દૂર થાય છે અને સારા દિવસો અને સારી પરિસ્થિતિની આશા રાખું છું. તમને, બહેનોને તેમજ માતાને અનેકાનેક આશીર્વાદ! બહેન મેરી! મારી કટુતાભરી અને સંઘર્ષોવાળી જિંદગીમાં તમે હંમેશાં મીઠો સૂર પૂર્યો છે. વળી તમારાં સત્કર્મોને કારણે તમારું જીવન ત્રાસદાયક વાતાવરણ સિવાયનું શરૂ થયું. હું તો જીવનમાં એક પળની પણ શાંતિ અનુભવી શકતો નથી. માનસિક રીતે મારું જીવન હંમેશાં સખત દબાણવાળું રહ્યું છે. પ્રભુ તમારું કલ્યાણ કરો! (7.376)

મારી તબિયત તેવી જ છે; વધારે ફેર પડતો નથી. કદાચ તે સુધરતી જાય છે, પણ ઘણી જ ખબર ન પડે તેવી રીતે. પરંતુ ઓકલેન્ડમાં બે વખત કર્યું તેમ હું મારો અવાજ ત્રણ હજાર માણસો સાંભળે તેટલો ઊંચો ચડાવી શકું છું અને બે કલાકના વ્યાખ્યાન પછી પણ સારી ઊંઘ મેળવું છું. (7.379)

હું કર્મ કરવા ઇચ્છતો નથી; શાંત રહીને આરામ લેવા માગું છું. હું સ્થળને અને કાળને જાણું છું, છતાં ભાગ્ય કે કર્મ મને સતત કાર્ય કરવા ધકેલે છે.

કતલખાને લઈ જવાતાં ઘેટાં જેવા આપણે છીએ. પીઠ પર ચાબુક પડે તો પણ ચાલતાં ચાલતાં તેઓ રસ્તામાં આવતું ઘાસ ઉતાવળે ઉતાવળે થોડુંક ચરી લે, તેવું જ આપણું પણ છે. દુઃખ, રોગ વગરેની શરૂઆત એ ભયરૂપ છે. આપણો જ ભય છે, આ બધું આપણું જ કર્મ છે. નુકસાન થઈ જશે એવી બીકમાં ને બીકમાં જ આપણે વધુ નુકસાન કરીએ છીએ. અનિષ્ટથી દૂર રહેવાના વધુ પડતા પ્રયત્નને પરિણામે જ આપણે તેના હાથમાં સપડાઈએ છીએ.

આપણી આસપાસ કેવા રેંજીપેંજી મૂર્ખાઓને એકઠા કરીએ છીએ! તે આપણું કંઈ જ ભલું કરતા નથી; ઊલટું જેનાથી આપણે દૂર રહેવા ઇચ્છીએ છીએ તે દુઃખ તરફ જ તે આપણને ખેંચી જાય છે ….

અહા! નિર્ભય બનવું, સાહસિક બનવું તથા કશાની પણ પરવા ન રાખવી એ કેટલું સારું છે! …. (7.380)

સાનફ્રાન્સિસ્કોમાં તબિયતને નકામી બગાડવાનો કશો અર્થ નથી. વળી ‘જો’ના પૂરતા ઉત્સાહ છતાં ચુંબકીય ઉપચાર કરનારથી મને હજુ ફાયદો થયો નથી; માત્ર ઉઝરડાને કારણે છાતી ઉપર થોડાં લાલ ચાઠાં થયાં છે! ભાષણો કરવાનું કામ મારે માટે હવે લગભગ બંધ થયું છે, એ અંગે વધુ દબાણથી કામ લેવું તે મોતને વહેલું લાવવા જેવું છે. હું અહીંથી જલદી નીકળી જવા માગું છું: મારી ટિકિટ માટેના પૈસા એકઠા કરું કે તરત જ! લોસ એન્જલસમાં મેળવ્યા હતા તે ત્રણસો ડોલર મારી પાસે છે. આવતે અઠવાડિયે અહીં ભાષણ આપીને પછી હું બંધ કરીશ. મઠ અને પૈસાની બાબતનો ભાર મારા પરથી જેટલો જલદી ઊતરે તેટલું સારું. (7.382)

તમે એક જ મિત્ર છો કે જેણે શ્રીરામકૃષ્ણ દેવને જીવનનું ધ્યેય બનાવ્યું છે; મારી તમારામાં જે શ્રદ્ધા છે તેનું આ રહસ્ય છે. બીજાઓ મને અંગત રીતે ચાહે છે. પણ તેમને સ્વપ્ને પણ ખ્યાલ નથી કે તેઓ મને જેને માટે ચાહે છે, તે શ્રીરામકૃષ્ણ છે. શ્રીરામકૃષ્ણ વિના તો હું માત્ર મૂર્ખાઈ ભરેલી, સ્વાર્થી ઊર્મિઓનો એક ઢગ છું. ગમે તેમ પણ હવે શું થશે અગર હવે આમ થવું જોઈએ તેનો વિચાર કરવો, તેવી ઇચ્છા રાખવી, એ માનસિક દબાણ અસહ્ય છે. હું આ જવાબદારી લેવા માટે યોગ્ય નથી; હું અધૂરો નીવડ્યો છું. મારે આ કામ છોડી દેવું જોઈએ. જો કામમાં જ કંઈ દમ ન હોય તો તે ભલે મરી જાય; જો તેમાં કંઈ સાર હશે તો મારા જેવા નબળા કાર્યકરોની રાહ જોવાની તેને જરૂર નહીં રહે. (7.383)

અફસોસ! બીમારી, દિલગીરી અને દુઃખ છેલ્લાં બે વર્ષથી મારાં સાથી બન્યાં છે. શરદને કહેજો કે હવે પછી હું વધારે વખત કામ કરવાનો નથી; પણ જે પોતાનું પેટ પૂરતું કમાવાને માટે પણ કામ ન કરે તેણે ભૂખે મરવાનું રહેશે. … જો મારાથી બનશે તો હું ત્યાં એક નાનું ઘર બંધાવીને મારાં વૃદ્ધ દાદીમા તથા માતાની સેવા કરીશ. દુષ્કર્મો કોઈને છૂટી જવા દેતાં નથી; ‘મા’ કોઈનો અપવાદ કરતી નથી. હું કબૂલ કરું છું કે મારાં કાર્યો ખોટાં થતાં હતાં. પણ ભાઈ! હવે તમે બધા સાધુઓ છો અને મહાન સંત છો તો કૃપા કરી ‘મા’ની પ્રાર્થના કરજો કે મારે આ બધી તકલીફ અને ભાર હવે વધારે વખત ઉઠાવવો ન પડે. હવે મારે થોડી શાંતિની જરૂર છે. કામ અને જવાબદારીનો બોજો ઉઠાવવાની હવે મારામાં વધારે શક્તિ નથી તેવું જણાય છે. જે થોડા દિવસને માટે જીવવાનું છે તેમાં આરામ અને શાંતિ માગું છું. જય ગુરુદેવનો! જય ગુરુદેવ! ….. વ્યાખ્યાનો કે તેવું કાંઈ હવે મારે જોઈતું નથી, કરવું નથી, કેવળ શાંતિ!…  (7.385)

…ખરેખર, મારે આરામની જરૂર છે. આ દરદને જ્ઞાનતંતુની નબળાઈ કહેવામાં આવે છે. આ જ્ઞાનતંતુનો રોગ જો એક વખત લાગુ પડ્યો તો વર્ષો સુધી તે ચાલે છે; પણ ત્રણ કે ચાર વર્ષના સંપૂર્ણ આરામ પછી તે મટી જાય છે. આ દેશ આ દર્દનું પિયર છે અને અહીં મને તે લાગુ પડ્યું છે. તો પણ તે કોઈ જીવલેણ દર્દ નથી; એટલું જ નહીં પણ માણસને તે લાંબું જિવાડે છે. મારે માટે તમે ચિંતા ન કરતા; હું તો ચલાવ્યે જઈશ. પણ દિલગીરી એટલે જ છે કે ગુરુદેવનું કામ આગળ વધતું નથી. મનમાં આટલો જ ખેદ છે કે તેમના કાર્યમાં હું કંઈ ફળીભૂત થયો નથી. હું તમને બધાને કેટલું ભાંડું છું અને કેવા કઠોર શબ્દો કહું છું! હું ખરાબમાં ખરાબ માણસ છું. આજે તેમની જન્મજયંતીના દિને તમારાં ચરણની રજ મારા માથા ઉપર મૂકો, એટલે મારું મન ફરી સ્થિર થઈ જશે. જય ગુરુદેવ! જય ગુરુદેવનો! તમે જ મારું એક માત્ર શરણું છો, તમે જ મારો એક માત્ર આશરો છો. હવે મારું મન સ્થિર છે, તેથી તમને કહું કે આ બધું છોડી દેવાની વૃત્તિ મારા મનની કાયમી સ્થિતિ છે. આ સિવાયની બીજી જે બધી વૃત્તિઓ આવે તે માત્ર રોગ છે, તેમ તમારે જાણવું. કૃપા કરી હવે મને લાંબો કાળ કામ કરવા ન દો. હવે થોડો કાળ હું શાંતિથી જપ-ધ્યાન કરવા માગું છું; બીજું કાંઈ નહીં. બીજું બધું ‘મા’ જાણે છે. જગન્માતાનો જય હો! (7.385)

કામથી માણસ કેટલો બધો થાકી જાય છે! મારી તબિયત તો ઠીક ઠીક ચાલે છે, પણ મન શાંત છે અને થોડો સમય થયાં તેવું રહે છે. બધી ચિંતા પ્રભુને સોંપી દેવાની હું મહેનત કરું છું. હું તો કેવળ કાર્યકર છું; મારું જીવનકાર્ય આજ્ઞાપાલન કરવાનું અને કામ કરવાનું છે. બાકી બધું ઈશ્વર જાણે.

सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज |
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ||

‘બધા ધર્મોનો પરિત્યાગ કરીને એક મારું શરણું લે; હું તને બધાં અનિષ્ટોમાંથી ઉગારીશ.’ (ભગવદ્‌ગીતા, ૧૮:૬૬)

હું તેનો સાક્ષાત્કાર કરવા ખૂબ મહેનત કરું છું. ઇચ્છું છું કે તેમ કરવાને હું જલદી શક્તિમાન થાઉં. (7.386)

આર્થિક દૃષ્ટિએ અહીં હું ખાસ સફળ થયો નથી, જો કે કંઈ તંગી પણ નથી. મને ખાતરી છે કે પરિસ્થિતિ રોજની માફક ચાલ્યા કરશે; અને ન ચાલે તો ય શું?

હું બધું ઈશ્વર પર છોડીને બેઠો છું. મઠમાંથી પત્ર હતો; તેમણે ગઈ કાલે ઉત્સવ ઊજવ્યો. પેસિફિકને રસ્તે હું જવા માગતો નથી. ક્યારે અને ક્યાં જઈશ તેની મને પરવા નથી; હવે તો સંપૂર્ણ રીતે ઉદાસીન બની ગયો છું. બધું ‘મા’ જાણે; એક મહાન પરિવર્તન – શાંતિનું – મારામાં આવી રહ્યું છે. હું જાણું છું કે ‘મા’ તે સંભાળી લેશે. હું સંન્યાસી તરીકે મૃત્યુને ભેટીશ. (7.387)

મારી તબિયત વિશે કહું તો મારી છાતી ઉપર કેટલાંક મોટાં મોટાં રાતાં ચાઠાંઓ નીકળ્યાં છે. પૂરા સાજા થવાની બાબતમાં તો આગળ ઉપર શું નીવડે છે તે તમને જણાવીશ. અલબત્ત, મારો કિસ્સો એવો છે કે પોતાની મેળે ઠેકાણે આવતાં સમય લાગશે.

… હું તો અહીં ‘સહન કરો કે ચૂપ રહો’ની યોજના અનુસરું છું અને અત્યાર સુધી તો તે ખરાબ નીવડી નથી. ત્રણ બહેનોમાંથી બીજી બહેન મિસિસ હેન્સબ્રો અહીં છે અને મને મદદ કરવા તે કામ, કામ ને કામ જ કર્યા કરે છે. પ્રભુ તેના હૃદયને આશિષ આપો. એ ત્રણે બહેનો ત્રણ દેવ-કન્યાઓ જેવી છે, નહીં? ક્યાંક ક્યાંક આવા આત્માઓ જોવાથી આ જીવનની બધી નિરર્થકતાનો બદલો મળી રહે છે. (7.379)

મારી તબિયત સુધરતી જાય છે અને આર્થિક રીતે પણ કંઈક ઠીક છે. મને પૂરો સંતોષ છે. તમારી માગણીનો ઉત્તર વધારે લોકોએ ન આપ્યો તેથી હું જરાય દુઃખી થયો નથી. હું જાણતો હતો કે તેઓ નહીં આપે. પણ તમારી મમતા માટે હું સર્વદા તમારો ઋણી છું. તમારા પર અને તમારા ઘરનાં સર્વ પર સઘળા આશીર્વાદ સદા હો! (7.390)

ભારતના લોકો ઉપરાંત બીજા ઘણા વિચારો મારે કરવાના છે, તે બાબતમાં તમે સાચાં છો; પણ મારી શક્તિને સર્વ રીતે આવરી લેતા કાર્ય – મારા ગુરુદેવના કાર્ય – આગળ તે બધાંને પાછળ રાખી દેવાં પડે.

આ ત્યાગ આનંદમય હોત તો સારું તેમ હું ઇચ્છું છું. પણ તેવું નથી અને સહજ રીતે જ તે મનુષ્યમાં ક્વચિત્ કડવાશ લાવી દે છે, કારણ મેરી, એટલો ખ્યાલ રાખજો કે આખરે હું હજી માણસ છું અને મારી જાતને હું પૂરેપૂરો ભૂલી જઈ ન શકું. કોઈક કાળે હું ભૂલી શકીશ, તેવી આશા સેવું છું. તે માટે પ્રાર્થના કરજો.

બેશક, મારા અંગેના કે બીજી કોઈ વિશેના મિસ મેક્લાઉડના, મિસ નોબેલના કે અન્ય કોઈના વિચારો માટે હું જવાબદાર હોઈ ન શકું, ખરું કે નહીં? તમે મને ટીકાઓથી મનમાં બળતો કદી જોયો નહીં હોય.

મારા વિશે કહું તો સતત પયર્ટનથી હું ઊલટો કંટાળી ગયો છું; માટે જ મારે ઘેર પાછા જવું છે અને શાંતિ મેળવવી છે. હું હવે વધારે કામ કરવા ઇચ્છતો નથી. મારો સ્વભાવ વિદ્યાવ્યાસંગીની પેઠે નિવૃત્તિનો છે, પણ મને તે કદી મળતી નથી. હવે જ્યારે હું થાકી અને ભાંગી ગયો છું, ત્યારે તે મળે તેવી પ્રાર્થના કરું છું. જ્યારે જ્યારે મિસિસ સેવિયર તરફથી તેના હિમાલયના નિવાસમાંથી મને પત્ર મળે છે, ત્યારે ત્યારે મને હિમાલય નાસી જવાનું મન થઈ આવે છે. આ ભાષણો કરવાના કામથી – નિરંતર ભટકવું, નવા ચહેરા જોવા અને વ્યાખ્યાનો આપવાં – એથી હું કંટાળ્યો છું. (7.391)

મારી તબિયત હવે ઘણી સારી છે અને વધારે શક્તિ આવતી જાય છે. કેટલીક વાર મને લાગે છે કે મુક્તિ હવે નજીક છે અને છેલ્લાં બે વર્ષનો મારો વ્યાધિ ઘણી રીતે બોધરૂપ નીવડ્યો છે. રોગ અને વિપત્તિ લાંબે ગાળે તો આપણું ભલું કરવા જ આવે છે, જો કે તે વખતે તો આપણે જાણે કે કાયમને માટે ડૂબી ગયા હોઈએ તેવું લાગે છે.

હું અનંત નીલ આસમાન છું; મારા પર વાદળાંઓ જામે છતાં હું તો તે અનંત નીલવર્ણ જ રહું છું.

જે શાંતિ મારો અને સહુનો કોઈનો મૂળ સ્વભાવ છે, તેનો આસ્વાદ લેવાનો હું યત્ન કરું છું. આ હાડચામનાં માળખાં જેવાં શરીરો અને સુખદુઃખનાં મૂર્ખ સ્વપ્નાંઓ: આ બધું શું છે?

મારાં સ્વપ્નાં વિલીન થતાં જાય છે. ૐ તત્સત્! (7.392)

વૃક્ષ બનીને બહાર આવવા માટે બીજે ભૂમિમાં દટાઈ મરવું જ પડે છે. છેલ્લાં બે વર્ષ ભૂગર્ભમાં સડવામાં ગયાં. મારે મૃત્યુ સામે ટક્કર ઝીલવી પડી ન હતી, છતાં તેનાથી સમગ્ર જીવનમાં અસાધારણ ક્રાંતિ થઈ છે. આવી એક ક્રાંતિ મને શ્રીરામકૃષ્ણદેવનાં ચરણમાં લઈ આવી અને બીજી મને અમેરિકા લઈ આવી.

આ વખતની ક્રાંતિ સૌથી મહાન છે. તે ચાલી ગઈ છે. હું એટલો શાંત પડી ગયો છું કે તેથી મને પણ નવાઈ લાગે છે! દરરોજ સવારસાંજ કામ કરું છું, ગમે ત્યારે ગમે તે ખાઈ શકું છું અને રાત્રે બાર વાગ્યે સૂઉં છું. પણ એવી સરસ ઊંઘ આવે છે કે કહેવાની વાત નહિ! આ પહેલાં કદી આવી ગાઢ નિદ્રા લેવાની શક્તિ મારામાં હતી નહિ. (7.394)

Total Views: 574

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.