(અદ્વૈત આશ્રમ દ્વારા બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે, એ અંશોનું ડૉ. ચેતનાબહેન માંડવિયાકૃત સંકલન અને ભાષાંતર અહીં પ્રસ્તુત છે. -સં.)

શ્રીમતી બુલ

૧૬, બોઝપાડા લેન, બાગબજાર, કલકત્તા
૮ માર્ચ, ૧૮૯૯ (બુધવારની સાંજ)

મારી સૌથી વહાલી નાની,

થોડીક ક્ષણો પહેલાં, ના, એક કલાક પહેલાં હું વિશ્વ અને ભારત વિશે એટલી હતાશ થઈ ગઈ હતી કે ચાની રાહ જોતાં જોતાં હું આડી પડીને ‘ધ માસ્ટર બિલ્ડર’ પુસ્તક વાંચવા લાગી. પણ હવે હું ચા પીઈને ખૂબ તાજગી અનુભવું છું અને ૪ થી ૫ નંગ બ્રેડની ઉપર માખણનો થર લગાવીને તમને લખવા બેઠી છું.

મારી તાજગીનું કારણ છે સ્વામીજી હમણાં અહીં છે; ફરી વખત મારી પાસે પિતા છે, જેમને મેં ૧૦ વર્ષની ઉંમર પહેલાં જ ગુમાવી દીધા હતા. સ્વામીજી ખરેખર શાંતિનું મૂર્તિમંત સ્વરૂપ છે. આટલી શાંતિ, આટલી મધુરતા, આટલું સામર્થ્ય!

ગઈકાલે સ્વામીજી ભારતના ખ્રિસ્તીકરણ વિશે વાત કરતા હતા. શું એ સાચી વાત છે કે ખ્રિસ્તી મિશનરીઓ ભારતમાં ‘જોઈન્ટ સ્ટોક’ કંપનીનું ગઠન કરીને બધા ધંધા-રોજગાર ખરીદી રહ્યા છે અને કામદારોને ધર્માન્તરણ કરવા માટે ફરજ પાડી રહ્યા છે? અરે, કેટલી શરમ અને કેટલી નિરાશાજનક વાત છે. ‘હે જિસસ, તારા નામે કેવા બધા ગોરખધંધા ચાલી રહ્યા છે!’ સ્વામીજી પૂછે છે, “જન-સામાન્યને આ મુસીબતમાંથી બચાવવા માટે આપણે શું કરવાની જરૂર છે? તેઓને રોટીની જરૂર છે! આપણે કેવી રીતે આપી શકીશું?” આ વિષય ઉપર સ્વામીજી બીજું ઘણું બોલ્યા.

જો ભારતીય જનસાધારણ અન્ય ધર્મ અપનાવી લે તોપણ ‘બધા ધર્મ સત્ય છે’ આ સિદ્ધાંત તેમને અધોગતિમાંથી ઉગારી લેશે. જો તેઓ પોતાની સંસ્કૃતિને જાળવીને રોટી અને સહાનુભૂતિ મેળવે તો ભલે તેઓ ખ્રિસ્તી ધર્માન્તરણ કરી લે. પરંતુ મને લાગે છે કે ધર્માન્તરણની કશી જરૂર નથી. નિશ્ચય આપણે એટલા તો યુવાનોને અગ્નિમંત્રથી દીક્ષિત કરી જ શકીએ કે જેથી તેઓ સર્વસ્વ ત્યાગ કરી વિશ્વ-કલ્યાણ માટે સમાનતાનો સંદેશ ફેલાવી શકે.

સ્વામીજીએ મને જ્યારથી ભાષણો આપવાનું કહ્યું, ત્યારથી હું અનુભવું છું કે હું એવા વ્યક્તિત્વના સાંનિધ્યમાં છું, જેઓ વિશ્વને પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે. ધીમે ધીમે વક્તૃત્વકલા તરફની મારી અભિરુચિ વધતી જાય છે. તે દ્વારા વિપુલસંખ્યક લોકો સમીપ પહોંચી શકાય છે.

સ્વામી સારદાનંદ ભંડોળ એકત્ર કરવા માટે મુંબઈ જવાના છે. મઠનું કામકાજ એ દરમિયાન સ્વામીજી પોતે સંભાળશે. ઘણા સંન્યાસીઓ-બ્રહ્મચારીઓ જુદાં જુદાં સ્થળોએ જવા લાગ્યા છે અને તેમાંના ઘણા છોકરાઓને ભિક્ષા માગવા માટે તૈયાર કરવા પડશે, કારણ કે મઠ પાસે તેમની જવાબદારી લેવા પૂરતી નાણાંકીય સગવડ નથી. હું જોઈ રહી છું કે સ્વામીજી પોતે તીવ્ર સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે. તેમની તથા યોગાનંદની બીમારી અધિક નાણાંકીય ભારરૂપ બની ગઈ છે. યોગાનંદ માટે રોજના ૧૦ રૂપિયાની જરૂરિયાત છે.

(સ્વામીજીના ગુરુભાઈ સ્વામી યોગાનંદ એ સમયે બીમાર હતા. 8 માર્ચે લખાયેલ આ પત્રના ટૂંક સમય બાદ, 28 માર્ચે તેઓ મહાસમાધિ-પ્રાપ્ત થયા હતા.)

સ્વામીજી ઇચ્છતા નથી કે પોતે જે કઠોર પરિસ્થિતિ-અનુભવોમાંથી પસાર થયા છે, તેમાંથી તેમના શિષ્યો પણ થાય. સ્વામીજીનું કાર્ય છે માનવ-નિર્માણ, પરંતુ તેઓ માને છે કે બેલુર મઠમાં સંન્યાસી થવા જોડાનાર યુવાનોને પૌષ્ટિક આહાર તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરાવીને આ કાર્ય સુચારુ રીતે સંપન્ન થઈ શકશે. નવાગત સંન્યાસીઓ જો વધુ પડતો સંઘર્ષ કરે તો તેઓ નિરાશામાં ડૂબી જઈ શકે એમ છે. અરે, આ વાત કેટલી સાચી છે! કેટલી ભયાનક સાચી છે! હું બેલુર મઠમાં સાધુઓની કેળવણી માટે અઠવાડિયામાં બે દિવસ જતી હતી. પરંતુ હવે ખર્ચાને કારણે એક જ દિવસ જઈશ.

(બેલુર મઠમાં એ સમયે નાણાંકીય અભાવ વર્તાઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં નવાગત સંન્યાસીઓ જો પરંપરાગત સંન્યાસીઓની જેમ ખાવા, પહેરવા, રહેવામાં કઠોરતા કરે તો તેમની કર્મદક્ષતા નબળી પડી જવાની સંભાવના હતી. માટે જ સ્વામી વિવેકાનંદની ઇચ્છા હતી કે થોડા ભંડોળની વ્યવસ્થા કરીને તેઓની સામાન્ય જીવન-જરૂરિયાતો પૂરી પાડવામાં આવે કે જેથી તેઓ પોતાનું મન સાધના અને કર્મયોગમાં લગાવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકે.)

અને આ બધી સમસ્યાઓની વચ્ચે પણ સ્વામીજીનું મન ભારતને સતાવતા પ્રશ્નોના નિરાકરણ માટે વિભિન્ન ઉપાયોનાં સારાં-નરસાં પાસાંનું ચિંતન એટલું ઝડપથી કરી રહ્યું હતું કે એમને અનુસરવું મારા માટે સંભવ જ નથી.

દાખલા તરીકે—લોકોને જરૂરી ખોરાક ઉપલબ્ધ કરાવવા કયા નવા ઉપાયો શોધવા જોઈએ? વસાહતો કેવી રીતે ઊભી કરવી જોઈએ અને મનુષ્ય-નિર્માણ (સ્વાસ્થ્ય-વર્ધન) માટે મકાઈ કઈ રીતે ઉગાડવી જોઈએ? પરંપરાગત ઉદ્યોગો માટે યુરોપ અને અમેરિકામાં બજાર કઈ રીતે ઊભું કરવું જોઈએ? વેપારની ખૂબીઓને (patent/trade secret) ખરીદવા માટેનું ભંડોળ કઈ રીતે ઊભું કરવું અને એ ખૂબીઓ જનબહુલને કેવી રીતે ઉપલબ્ધ કરાવવી? વગેરે.

આ બધાની વચ્ચે હું સ્વામીજીની કે બીજા કોઈની ચિંતા ન કરવાના તમારા મીઠા આદેશનું પાલન કેવી રીતે કરું?

મારી સૌથી પ્રિય નાની, વારંવાર પ્રેમપૂર્ણ આભાર સાથે, હું છું તમારી પ્રેમાળ પુત્રી,

માર્ગોટ.

 મિસ મેક્લાઉડ

૧૬, બોઝપાડા લેન, બાગ બજાર, કલકત્તા
૧૨ માર્ચ, ૧૮૯૯

ગઈ કાલે હું સ્વામીજીને મળી હતી. એક સંન્યાસી (બેલુર મઠના) મને સાંજે ચાર વાગ્યે મળવા આવ્યા હતા, જ્યારે મેં સ્વામીજીનો ઇન્ટરવ્યૂ લેવા (Awakened India) માટે ઇચ્છા જણાવી ત્યારે તેમણે મને હોડીમાં લઈ જવાની તૈયારી દર્શાવી. મને ઘેર પાછા આવવાની સરળતા રહે એ માટે સદાનંદ (સ્વામીજીના સંન્યાસી શિષ્ય) પણ સાથે આવ્યા હતા, જેથી પગપાળા પાછા આવવાની ખૂબ સરળતા રહી.

અમે ત્યાં (બેલુર મઠ) રાત્રે ૮ વાગ્યે પહોંચ્યાં. એક વૃક્ષની નીચે ધૂણી કરીને તેની પાસે રાજા (સ્વામીજી) બેઠેલા હતા. પરંતુ હું હોડીમાંથી બહાર સરળતાથી નીકળી શકી નહીં, તેથી તેઓ મને મળવા સારુ ત્યાં આવ્યા. આમ પણ મને લાગ્યું કે એક મહિલા માટે આટલું મોડું સંન્યાસીઓને મળવા જવું યોગ્ય નહોતું.

જ્યારે મેં તેમનો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે તેમણે કહ્યું, “માર્ગોટ, છેલ્લા ઘણા દિવસોથી હું અલ્પતમ ઘર્ષણ થાય એવા રસ્તાઓ વિશે વિચારી રહ્યો છું અને મને લાગે છે કે તે સ્પષ્ટ ભ્રમણા જ છે! આ હકીકત તુલનાત્મક છે. મારી વાત કરું તો એ દિશામાં હું ફરીથી વિચારવા માગતો નથી. વિશ્વનો ઇતિહાસ એ ગણ્યાગાંઠ્યા સંકલ્પશીલ મનુષ્યોનો ઇતિહાસ છે, અને જ્યારે મનુષ્ય દૃઢ અને સંકલ્પશીલ હોય છે, ત્યારે દુનિયા તેનાં ચરણોમાં જરૂર ઝૂકે છે. હું મારા આદર્શોમાં બાંધછોડ કરવા માગતો નથી. હું મારી રીતે કામ કરવા ઇચ્છું છું.”

મને શું લાગ્યું હશે અને મેં શું કહ્યું હશે, તેની તમે કલ્પના કરી શકો છો. તેમના આદર્શોને હું સમજી શકી છું. ખરેખર આ સંન્યાસીઓ માટેના સંઘની વાત છે. (ઈ.સ. ૧૮૯૭ના મે મહિનામાં સ્વામી વિવેકાનંદે ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી, જેમાં જોડાયેલા બ્રહ્મચારીઓ-સંન્યાસીઓની વાત સ્વામીજી કરી રહ્યા છે.) ગમે તે મનુષ્યોને આપવામાં આવતી છૂટની આ વાત નથી.

ત્યાર બાદ નજીકના વિસ્તારોમાં તથા સમગ્ર બંગાળમાં ફેલાઈ રહેલા પ્લેગ વિશે અમે ચર્ચા કરી. ચોક્કસ પ્લેગગ્રસ્ત વિસ્તારોમાંથી સેવા માટે બે-ત્રણ કાર્યકરોની માંગ આવી છે. (આ કાર્યકરો એટલે રામકૃષ્ણ મિશનમાં બ્રહ્મચારી તરીકે અને પછી સંન્યાસી તરીકે સમર્પિત થવા આવનાર યુવાનોની વાત છે.) તેમને મોકલવાની મેં રાજા (સ્વામીજી) ને વિનંતી કરી. તેમણે કહ્યું કે તેઓ એવા યુવાનોને મોકલશે, જે આ કાર્ય કરવા પૂરતી તત્પરતા બતાવશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પોતે શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિની ઉજવણી બાદ સમગ્ર બંગાળનો પ્રવાસ કરી, પ્લેગની અસરો વિશે લોકોને પૂરેપૂરા અવગત કરીને તેમને હમદર્દીનો અહેસાસ કરાવશે. મિશનમાં જોડાનાર એક યુવાને તો ત્યાં સુધી કહ્યું કે પ્લેગની મહામારી દરમિયાન સેવા કરતાં કરતાં પોતાના પ્રાણ ત્યાગીને આ સમગ્ર સેવાયજ્ઞનો આધારસ્તંભ બનવા પોતે ઇચ્છે છે!

મારા અવલોકનની વાત કરું તો ભવિષ્યની એક મહાન ચળવળ (રામકૃષ્ણ મિશનની સ્થાપનાનાં ૧૨૫ વર્ષ બાદ આજે સ્વામી વિવેકાનંદના એ સ્વપ્નને એક મહાન ચળવળના રૂપમાં પરિવર્તિત થતી આપણે સૌ જોઈ-અનુભવી રહ્યા છીએ.) એક મહાન પ્રણાલિના પાયારૂપ સ્તંભ બનવા માટે ઘણા યુવાન બ્રહ્મચારી-સંન્યાસીને પોતાના જીવનનું બલિદાન આપતાં હું જોઈ રહી છું; આ પાયાના પથ્થરો ઉપર ભવિષ્યના મિનારાઓ ચણાશે.

સ્વામીજીએ મને જણાવ્યું કે ગુજરાતમાંથી ૧૦૦૦ રૂપિયાનું દાન મળેલ છે. દક્ષિણેશ્વર તરફ (ગંગાના સામે કાંઠે-બેલુર મઠથી) દિશા-નિર્દેશ કરતાં તેમણે કહ્યું કે મા શારદાદેવી (શ્રીરામકૃષ્ણદેવનાં લીલા-સહધર્મિણી) તથા મારા નિવાસ માટે કાયમી રહેઠાણની વ્યવસ્થા કરવા માટેનાં ચોક્કસ પગલાં લેવાની તેમણે શરૂઆત કરી દીધી છે. આસપાસનાં ગામોમાંથી બાળકો આવી શિક્ષણ લઈ શકે તેવી શાળાની શરૂઆત હું કરું, તેવું તેઓ ઇચ્છે છે, જે માટે જરૂરી નિવાસસ્થાનની શોધ છે.

ત્યાર બાદ સ્વામીજીએ કહ્યું કે જૂન સુધી તેઓ ભારતમાં જ રહેવા માગે છે, કારણ કે ગરમ વાતાવરણ તેમની તબિયતને માફક આવે છે, એ પછી તેઓ પશ્ચિમના દેશોના પ્રવાસે જવાનું વિચારે છે.

તમારી પોતાની પુત્રી
માર્ગોટ

ત્યાર બાદ તેમણે કહ્યું, “મારું જીવન-કાર્ય રામકૃષ્ણ કે વેદાંતને સ્થાપિત કરવાનું નથી, પરંતુ હું લોકોમાં ‘મનુષ્ય’ તરીકેનું ગૌરવ સ્થાપિત કરવા માગું છું.” જ્યારે મેં તેમના આ જીવનકાર્યમાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી ત્યારે તેઓ બોલ્યા, “હું જાણું છું અને તેથી જ હું એલાર્મ-બેલ (ખતરાની ઘંટી) બજાવી રહ્યો છું.”

Total Views: 480

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.