કથાની શરૂઆત

સૌ પ્રથમ નારાયણ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ નરને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કર્યા પછી આ ‘જય’ નામની મહાભારતની કથાનો આરંભ કરવો જોઈએ.

એક દિવસ લોમહર્ષણના પુત્ર અને બધાં શાસ્ત્રોના જાણકાર ઉગ્રશ્રવા નૈમિષારણ્ય નામના પવિત્ર વનમાં આવ્યા. ત્યાં અનેક ઋષિઓ તપસ્યા કરવા રહેતા હતા. તેઓએ બહુ માનપૂર્વક ઉગ્રશ્રવાનું સ્વાગત કર્યું. તેમનાં સ્નાન અને ભોજન પછી તેમની વાતો સાંભળવા માટે બધાં આવીને બધા એક વૃક્ષ નીચે બેઠા. એક ઋષિએ ઉગ્રશ્રવાને પ્રશ્ન કર્યો, ‘મહારાજ, કૃપા કરીને આપ કહો કે આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો? આપે ક્યાં તપસ્યા કરી છે? આપના વિશે અમને જાણકારી આપવાની કૃપા કરો.’

ઋષિએ ઉત્તર આપ્યો, ‘મહર્ષિ વેદવ્યાસે મહાભારતની જે પરમ પવિત્ર અને અદ્‌ભુત કથાઓ લખી છે તે,  રાજા જનમેજયના સર્પ-યજ્ઞના સમયે વૈશમ્પાયનજીના શ્રીમુખે સાંભળવાની દુર્લભ તક મને મળી છે. ત્યારબાદ મેં વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરી. આ યાત્રા દરમિયાન હું તે ‘સમન્ત-પંચક’ સરોવર પાસે પણ રહ્યો, જ્યાં કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારત નામનું ભીષણ યુદ્ધ થયું હતું. હવે હું તમારા સૌની સાથે થોડો સમય પસાર કરવા અહીંયાં આવ્યો છું.

એક જ્ઞાની મહાપુરુષને પોતાની સાથે પામીને ઋષિઓ બહુ પ્રસન્ન હતા. બીજી તરફ તેઓ પણ વિવિધ પુરાણોમાંથી ઉચ્ચ આધ્યાત્મિક આદર્શોથી પરિપૂર્ણ અનેક પવિત્ર કથાઓ સંભળાવવા લાગ્યા. અંતમાં તેઓએ મહાભારતની કથા કહેવાની શરૂ કરી.

શરૂઆતમાં સંસારમાં બધે જ અંધકાર ફેલાયેલો હતો. ત્યારબાદ સૃષ્ટિનાં મૂળકારણરૂપ એક વિશાળ ઈંડાનો ઉદ્‌ભવ થયો. તે જ બધા ઉત્પન્ન થવાવાળા જીવોનું અનંત બીજ હતું. એ ઈંડામાંથી બધા પ્રાણીઓના સ્વામી પ્રજાપતિ અને મનુ, દક્ષ અને તેમના સાત પુત્રો, જોડિયા અશ્વિનીકુમારો, આદિત્યો તેમજ પૂર્વજોનો જન્મ થયો.

ત્યારબાદ પાંચ તત્ત્વો, વર્ષો, ઋતુઓ, મહિનાઓ, પખવાડિયાં, દિવસો અને રાત્રીઓની સૃષ્ટિ થઈ.

આ રીતે મનુષ્યો જે જાણે છે તે બધી વસ્તુઓ પ્રગટ થઈ.

ગણેશજીએ લિપિબદ્ધ કર્યું

પરાશરના પુત્ર વેદવ્યાસ બધા ઋષિઓમાં મહાન હતા. તેમણે આ બ્રહ્માંડનાં રહસ્યોને જાણી લીધાં હતાં અને પોતાના મનમાં મહાભારતની મહાન કથાની અનુભૂતિ કરી હતી. તેઓ મનુષ્યજાતિમાં આ કથાના પ્રચાર માટેના ઉપાયો વિશે વિચારવા લાગ્યા. સૃષ્ટિકર્તા બ્રહ્માજીનું ધ્યાન કરતાં બ્રહ્માજી વેદવ્યાસ સમક્ષ પ્રગટ થયા. વ્યાસજીએ તેમને પ્રણામ કર્યા અને હાથ જોડીને નિવેદન કરવા લાગ્યા:

‘પ્રભુ, મેં મારા મનમાં મહાભારત નામક મહાન ઇતિહાસને પ્રત્યક્ષ કર્યો છે. તેમાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, ક્ષય અને વિનાશ, ભય અને રોગ, જે છે અને જે નથી—એ બધાંનું વર્ણન છે. તેમાં વર્ણ-વ્યવસ્થા તથા તપસ્વીઓ માટેના નિયમોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને રાશિઓનું પણ વિવરણ આપવામાં આવ્યું છે. તેમાં પર્વતો, નદીઓ, સમુદ્રો, તીર્થો તેમજ સ્વર્ગ જેવાં નગરોની જાણકારી આપવામાં આવી છે. તેના દ્વારા વિવિધ જનજાતિઓ અને ભાષાઓ, યુદ્ધકલા અને પરમાત્માનાં વિભિન્ન રૂપોનું પણ જ્ઞાન મળે છે. એવી કોઈ વ્યક્તિ મારા ધ્યાનમાં નથી કે હું જે ઝડપે બોલું તે ઝડપે મારી આ કથાને સારી રીતે શબ્દોમાં લખી શકે.’

બ્રહ્માજી વ્યાસ ઉપર ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું, ‘તમે કહો છો કે તમે એક મહાકાવ્યની રચના કરી છે. ખૂબ સારું. તે જરૂર ભવ્ય અને અનુપમ હશે. તમે ગણેશજીનું આવાહન કરો અને તેમને આ કથા લિપિબદ્ધ કરવા માટે પ્રાર્થના કરો.’ આટલું કહીને બ્રહ્માજી અંતર્ધાન થઈ ગયા.

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.