(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. – સં.)
ધ્યાનની બધી જ પ્રણાલીઓમાં જપ અને પ્રાર્થનાનું બહુ જ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તો પણ જેમ મહર્ષિ પતંજલિ કહે છે, (પાતંજલ સૂત્ર ૧.૩૬) એ પણ સાચું છે કે કેટલાક લોકો જપની મદદ વિના પણ ઈશ્વરનું ધ્યાન કરી શકે છે, પરંતુ ભગવાનના નામનો જપ મોટા ભાગના લોકો માટે વધુ યોગ્ય સાધના-પદ્ધતિ મનાય છે. આવા સાધકો ધ્યાનની પ્રારંભિક તૈયારી પછી ધીમા ઉચ્ચારણ કરતાં કરતાં જપ કરી શકે છે. આ રીતે કરતાં કરતાં પછીથી નિ:શબ્દ માનસિક જપ થવા લાગે છે. નિરંતર જપ કરવાથી મન શાંત અને એકાગ્ર થઈ જાય છે અને અંતે ભગવાનના સાંનિધ્યનો અનુભવ થવા લાગે છે. આ અવસ્થામાં પરમ સત્તાનું ભાન રહ્યા કરે છે, ત્યારે ધ્યાન અથવા જપ જેવા કોઈ પણ પ્રયત્નની જરૂરિયાત રહેતી નથી. ફક્ત ભગવાનના સાંનિધ્યની શાંતિ તથા આનંદનો અનુભવ રહ્યા કરે છે, ત્યારે દેશ કે કાળનું ભાન નથી રહેતું. આ રીતે આપણે જોઈએ છીએ કે જપની મદદથી કેવી ઊંડી આધ્યાત્મિક અનુભૂતિ થઈ શકે છે. શ્રીકૃષ્ણ કહે છે, (ભગવદ્ ગીતા) “यज्ञानां जपयज्ञोऽस्मि”— અર્થાત્ ‘યજ્ઞોમાં હું જપયજ્ઞ છું.’
વેદાંતની સાધના-પરંપરા તેમજ યોગશાસ્ત્રમાં પણ જપનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. મંત્ર એ ભગવાનનો સાક્ષાત્કાર અથવા દિવ્ય-દર્શનની ફળશ્રુતિ રૂપે પ્રાપ્ત ભગવાનનું એક વિશેષ નામ હોય છે. એવા અનુભૂતિસંપન્ન ૠષિ મંત્રદ્રષ્ટા કહેવાય છે. આ મંત્રોને પ્રાપ્ત કરી, તેઓ તેનો પોતાના જીવનમાં સફળતાપૂર્વક ઉપયોગ કરે છે અને તેને પોતાના શિષ્યોને પ્રદાન કરે છે. આ શિષ્યો વારાફરતી આવનારી પેઢીઓને મંત્ર આપતા જાય છે. આ રીતે લાંબા સમય સુધી પ્રયોગના ફળ સ્વરૂપે આ મંત્રો અત્યંત શક્તિશાળી થઈ જાય છે. આવા પ્રભાવશાળી મંત્રોનો ઉપયોગ ભૂતકાળ તથા વર્તમાનકાળના સાધકો ઊંડી અનુભૂતિ માટે કરતા આવ્યા છે. તેથી આ મંત્રો પવિત્ર મનાય છે; તેમાં કોઈ આશ્ચર્ય નથી. કોઈ વ્યક્તિના ટેલિફોન નંબરની જેમ આના દ્વારા ભગવાનની સાથે સીધો સંપર્ક સ્થાપિત થઈ જાય છે. આ જપ-સાધનાનો આશ્રય લેવાવાળા સાધકોના જીવનમાં આ બાબતે ઘણાં પ્રમાણ મળે છે. સમર્થ ગુરુ દ્વારા અધિકારી શિષ્યને જ્યારે મંત્ર આપવામાં આવે છે, ત્યારે એક વિશેષ શક્તિ શિષ્યમાં આવે છે. આ શક્તિ પ્રભાવશાળી, સ્પષ્ટરૂપે બોધગમ્ય, વ્યક્તિગત અને ગોપનીય હોવા છતાં પણ રહસ્યમય નથી હોતી.
પ્રાર્થના મનને જપ-ધ્યાન માટે તૈયાર કરવામાં બહુ જ મદદરૂપ થાય છે. ઉદાત્ત ધાર્મિક સદ્ગ્રંથો, શાસ્ત્રો તથા સ્તોત્ર-પઠન, ભજનો, ચિંતન-મનન બધું જ પ્રાર્થના અંતર્ગત આવી જાય છે. આ સ્તુતિ, સ્તોત્ર, પ્રાર્થના વગેરે બધાં જ ધાર્મિક સાહિત્યનાં અભિન્ન અંગરૂપે મળી આવે છે. સાધકની આધ્યાત્મિક પ્રગતિની સાથે તેનામાં સ્વાભાવિક રૂપે પૂજા તથા પ્રાર્થનાના એક ભાવનો વિકાસ થાય છે; ભલે તે સૈદ્ધાંતિકરૂપે અદ્વૈતવાદી કેમ ન હોય! જ્યાં સુધી માણસને પોતપોતાની માનવીય દુર્બળતાનું ભાન છે, ત્યાં સુધી તે એક સગુણ-સાકાર ઈશ્વરની પૂજા તથા પ્રાર્થના કર્યા વિના ન રહી શકે. બહુ ઓછા લોકો હંમેશાં પોતાને સબળ અને સ્વતંત્ર અનુભવી શકે છે. ભગવાન જ એક માત્ર અચૂક શક્તિ છે, જેના પર આપણે ડગલે ને પગલે ભરોસો કરી શકીએ છીએ. નિર્બળ લોકો માટે એક ભગવાન જ હંમેશાં હાજરાહજૂર શક્તિનો સ્રોત છે. મુશ્કેલ પરીક્ષાઓ તથા પ્રચંડ વિપત્તિઓની ક્ષણે જેનાથી કોઈ પણ વ્યક્તિ બધી રીતે બચી ન શકે, ત્યારે ભગવાન જ એક માત્ર સત્તા છે, જેનો આપણે આશ્રય લઈ શકીએ છીએ અને લેવો જોઈએ.
આપણા સુખના સમયમાં પણ આપણે ભગવાનની ભક્તિ તથા પૂજા કરવાં જોઈએ. તેઓ આપણા સુખના પણ સાથી છે. જેવી રીતે એક સંતે ગાયું છે, “હે મા! હું તને ભૂલી જાઉં છું, પરંતુ તું મને ક્યારેય ભૂલતી નથી.”
આનો અર્થ એ છે કે, બાહ્ય પ્રવૃત્તિમાં અત્યંત વ્યસ્ત મનને શાંત કરવા માટે દરરોજ, નિરંતર, નિયમિત રૂપે અભ્યાસ જરૂરી છે. આ બહિર્મુખી પ્રવૃત્તિને રોકવી મુશ્કેલ હોવા છતાં પણ આપણે નિષ્ફળતા મળવા છતાં પ્રયત્ન કરતા જ જવાનું છે. સાહસિક અને મહેનતુ સાધકોને સફળતા મળે છે. સ્વામી વિવેકાનંદ કહે છે, “પવિત્રતા, ધૈર્ય અને મહેનતથી જ સફળતા મળે છે.” “સતત જાગૃતિ એ સ્વતંત્રતાની કિંમત છે.” અનુભૂતિના ઊંડાણરૂપી સકારાત્મક પ્રગતિ ઉપર આળસ વિના, નિયમિત સાધના દ્વારા પોતાની પક્કડ રાખવી એ આપણો હેતુ હોવો જોઈએ. સાધકો તરીકે આપણામાંથી મોટા ભાગના લોકોની એવી માન્યતા છે કે આધ્યાત્મિક સાધના આપણા આંતરિક જીવનને સમૃદ્ધ કરે છે, અને જીવનને ઊંડાણ પ્રદાન કરે છે. આપણે સ્વાધ્યાય, ધ્યાન, પૂજા વગેરે માટે આપણી દિનચર્યામાં સમય નક્કી રાખ્યો હોય છે. પરંતુ વચ્ચે વચ્ચે આપણી પ્રગતિનું મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ, જેથી આપણે શું છીએ અને શું કરવા ઇચ્છીએ છીએ—એ બન્નેનું અંતર જાણી શકીએ. ત્યાર બાદ આપણે વધુ મહેનત કરવી જોઈએ. આપણે આપણા મન ઉપર સતત દૃષ્ટિ રાખવી જોઈએ અને ચિત્તની વૃત્તિઓને સાચી દિશા આપવા ત્યાં સુધી પ્રયત્નશીલ રહેવું જોઈએ, જ્યાં સુધી તેનો અભ્યાસ ન થઈ જાય અને આપણે આપણી સામાન્ય પ્રવૃત્તિઓની વચ્ચે એવું કરી શકીએ તથા તેમાં આનંદનો અનુભવ કરી શકીએ. આ રીતે આપણે આપણા આંતરિક જીવનમાં એક એવી સર્જનાત્મક સ્થિતિ મેળવી શકીએ કે જ્યાં બધું જ આપણા માટે આધ્યાત્મિક દૃષ્ટિથી લાભદાયી હોવાનું દેખાવા માંડે. કોઈને કોઈ પ્રકારે આપણી મુલાકાત યોગ્ય લોકો સાથે થઈ જાય છે અને આપણને યોગ્ય કાર્ય મળી જાય તથા તીવ્ર સાધના માટે સમય મળી જાય છે, ત્યારે મનની એકાગ્રતા સ્વાભાવિક થઈ જાય છે.
વેદાંત દર્શન અદ્વૈત સિદ્ધાંતમાં સમાપ્ત થઈ જાય છે, પરંતુ વેદોમાં સગુણ-સાકાર ઈશ્વરની માન્યતાનાં પણ ઘણાં બધાં પ્રમાણ મળે છે. પુરાણો અને ત્યાર બાદના ધાર્મિક સાહિત્યમાં ભક્તિયોગનો પૂર્ણ વિકાસ થયો છે, જેને ભગવાનના અવતારના રૂપમાં મહાપુરુષો દ્વારા પ્રોત્સાહન મળ્યું છે. એક હિંદુ વ્યક્તિનો બધા વિષયોમાં મુખ્યત્વે આધ્યાત્મિક દૃષ્ટિકોણ રહેતો હોય છે અને તે એને અનુરૂપ વ્યવહાર કરે છે. તેથી તે ભક્તિયોગને પણ નિરાકાર, અનંતના સ્તર સુધી ઉન્નત કરી, તેને સર્વગ્રાહી બનાવી દે છે. તેના પરિણામે તે ભગવદ્-પ્રેમ અને આત્માનો મહિમા—બન્નેનું ગાન સમાન તન્મયતાથી કરી શકે છે. અમૃતબિંદુ ઉપનિષદમાં કહેવાયું છે કે,
सर्वभूताधिवासं च यद्भूतेषु वसत्यपि।।
सर्वानुग्राहकत्वेन तदस्म्यहं वासुदेवः॥
અર્થાત્ “જેમાં બધાં જ પ્રાણીઓ વાસ કરે છે તથા જે બધાનાં જ આશ્રય સ્વરૂપે બધાં જ પ્રાણીઓમાં નિવાસ કરે છે, તે વાસુદેવ હું જ છું.” હિંદુઓની પ્રાર્થનાઓ હંમેશાં મધુર અને ભક્તિપૂર્ણ હોય છે. પ્રાર્થના, ભજન તથા પ્રતીકોના યોગ્ય સદ્ઉપયોગથી સાધક ઉચ્ચતમ ભાવાવસ્થા—ત્યાં સુધી કે સમાધિ પણ પ્રાપ્ત કરી શકે છે. હિંદુ ધર્મ-પરંપરામાં આનાં ઘણાં પ્રમાણ મળી આવે છે. ફરીથી ‘ગીતા’ના છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈએ છીએ:
यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया।
यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति॥
सुखमात्यन्तिकं यत्तद्बुद्धिग्राह्यमतीन्द्रियम्।
वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः॥
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः।
यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते॥
तं विद्याद् दुःखसंयोगवियोगं योगसञ्ज्ञितम्।
स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा॥
અર્થાત્, જે સ્થિતિમાં યોગના અભ્યાસથી સંયમિત થયેલ ચિત્ત શાંત થઈ જાય છે, જે સ્થિતિમાં પરમેશ્વરના ધ્યાનથી શુદ્ધ થયેલ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતાં કરતાં સચ્ચિદાનંદઘન પરમાત્મામાં જ સંતુષ્ટ થઈ જાય છે. (૨૦)
તથા ઇન્દ્રિયોથી પર શુદ્ધ થયેલ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ કરવા યોગ્ય જે અનંત આનંદ છે, તેને જે સ્થિતિમાં અનુભવ કરે છે, તે સ્થિતિમાં સ્થિર થયેલ યોગી ભગવત્ સ્વરૂપથી ચલિત નથી થતો. (૨૧)
પરમેશ્વરની પ્રાપ્તિરૂપ જે લાભને પ્રાપ્ત કરી, તેનાથી વધુ અન્ય કોઈ પણ લાભ નથી, તેમાં સ્થિર થયેલ (યોગી) બહુ મોટા દુ:ખથી પણ ચલાયમાન નથી થતા. (૨૨)
અને જે દુ:ખરૂપ સંસારના સંયોગથી રહિત છે તથા જેનું નામ યોગ છે, તેને જાણવો જોઈએ. તે યોગને ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો તે આપણું કર્તવ્ય છે. (૨૩)
આ સંદર્ભે મને શ્રીચૈતન્યના શિષ્યોના વખતની એક વાર્તા યાદ આવી ગઈ. એક બ્રાહ્મણ હતો. તેની પત્ની કુટુંબ માટે વધુ ધન લાવવા માટે તેને નિરંતર તંગ કરતી રહેતી. તે સારાં કપડાં, વધુ ભોજન, છતનું સમારકામ વગેરેની માગણી કરતી હતી. પરંતુ, આ ભલો-ભોળો માણસ આવક વધારવાનો કોઈ પણ ઉપાય શોધી શકતો નહોતો. એક દિવસ એક પ્રસિદ્ધ સંત તેમના ગામમાં આવ્યા. નજીકમાં જ તેમનો ઉતારો હતો. તેમનાં દર્શને લોકો કોઈને કોઈ આશા સાથે જઈ રહ્યા હતા. આ જોઈને, તેની પત્નીએ ઉત્તેજિત થઈને કહ્યું, “સંતની પાસે જઈને કંઈ માગતા કેમ નથી કે જેથી આપણી સ્થિતિ સુધરે? તેમની પાસે કોઈ સિદ્ધિ હશે જ. લોકો તેમની પાસે જઈ રહ્યા છે…”
શરમથી મસ્તક નીચું કરતાં તેના પતિએ કહ્યું, “અરે! હું એવું કઈ રીતે કરી શકું? સાધુની પાસે તો જ્ઞાન-ભક્તિની પ્રાપ્તિ માટે જવું જોઈએ.” પણ તેની પત્નીએ તેનો પીછો ન છોડ્યો. અંતે એક દિવસ બ્રાહ્મણનું સ્વાભિમાન કંઈક ઓછું થઈ ગયું અને તે સાધુની પાસે જઈ બેસી ગયો, પણ ક્યાંય સુધી કંઈ બોલી શક્યો નહિ. અંતે સંતે પૂછ્યું, “સારું, ભાઈ તું કેમ આવ્યો છે? તારી પણ કોઈ મનની ઇચ્છા તો હશે?” બ્રાહ્મણે જવાબ આપ્યો,“પ્રભુ, મારી પત્નીને વિશ્વાસ છે કે આપ ચમત્કાર કરી શકો છો. શું આપની પાસે તે પારસમણિ છે, જેના સ્પર્શથી બધી વસ્તુઓ સોનાની થઈ જાય? હું તેના માટે આપની પાસે આવ્યો છું.” આટલું કહીને તેણે શરમથી પોતાનું માથું ઝુકાવી દીધું. સંતે જવાબ આપ્યો, “ઓહો! બસ, આટલી જ વાત છે? અરે! મેં કાલે જ આવો એક પથ્થર પેલા નાળામાં ફેંક્યો છે. શોધવાથી કદાચ તને તે મળી જાય.” ગરીબ બ્રાહ્મણે શોધ કરી તો તેને એક વિચિત્ર આકારનો રંગીન પથ્થર મળ્યો અને તેનું અનુમાન બરાબર નીકળ્યું કે આ જ પારસ પથ્થર હતો. ફરીથી સંત પાસે આવી, બેસીને એ પથ્થરને કુતૂહલપૂર્વક જોઈ રહ્યો. પછી તેણે સંત તરફ જોઈને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, “આપે આને ફેંકી દીધેલો, એનો અર્થ એ થયો કે આપની પાસે આનાથી પણ વધુ મૂલ્યવાન કંઈક છે, કૃપા કરીને મને તે આપો.” સંતે જવાબ આપ્યો, “હા, સાવ સાચું! અને તે છે ભગવાનનું નામ. હું તને તે આપીશ, પરંતુ તારી પત્નીને હજુ પણ ઘણી બધી ઇચ્છાઓ છે, તે તેના (ઈશ્વરાનુભૂતિ) માટે તૈયાર નથી, માટે આ પારસમણિ તેને આપી આવ.” બ્રાહ્મણે એમ જ કર્યું અને ગૃહત્યાગ કરી પરમ સંપત્તિની શોધમાં લાગી ગયો.
‘દુ:ખ-સંયોગ-વિયોગ’—આનો ખરો અર્થ શું છે? શું એવું કે યોગી નિર્મમ અને ઉદાસીન હોય છે? નહિ! તે દુ:ખનો અનુભવ એટલે નથી કરતા હોતા કે તેમનું મન ક્યાંક બીજે જ નિવાસ કરતું હોય છે. બાહ્યજગત તથા પોતાની જ અંદરના અંતર્જગત એટલે કે મનની સંવેદનાઓ તરફ તેમની પ્રતિક્રિયા સારી રીતે નિયંત્રિત થઈ ગઈ હોય છે. તેમનું શુદ્ધ-શાંત મન પોતાના આનંદ સ્વરૂપના અવલોકનમાં વ્યસ્ત રહે છે. તે આનંદ બાહ્યજગતથી નિરપેક્ષ છે. તે પ્રાકૃતિક આનંદ તથા પ્રસન્નતા છે, જે અતીન્દ્રિય અને મનથી પર હોવાથી સ્થાયી તથા યથાવત્ રહે છે. આ અવસ્થાને નિરપેક્ષ આનંદની બોધમય ચેતના કહી શકાય. યોગીના સ્વરૂપનો આ જ સાર છે. તે જાણે આંખો બંધ કરેલ અને અંતર્મુખી થઈ જાય છે, અને અતિચેતન જ્ઞાનના આનંદમાં પ્રતિષ્ઠિત રહે છે.
વેદાંતમાં આ સ્થિતિને સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માની અપરોક્ષ અનુભૂતિનું નામ આપેલ છે, જે યોગ્ય જ છે. પોતાના વાસ્તવિક પરમાત્મ-સ્વરૂપની અનુભૂતિ અને આસ્વાદનથી વધુ આનંદપ્રદ બીજું શું હોઈ શકે? આ અનિત્ય જગતના સુખ-દુ:ખની વેદનાથી રહિત પરમાનંદની અનુભૂતિના પ્રયત્નથી વધુ મહત્ત્વપૂર્ણ અને મહાન બીજું શું હોઈ શકે?
એવું કહેવાય છે કે આ અવસ્થા પ્રાપ્ત કર્યા બાદ એ સ્પષ્ટ દેખાય છે કે આ જગતમાં કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા કે અનુસરવા યોગ્ય નથી. આપણામાં હજુ એવી અભીપ્સાનો ઉદય નથી થયો, તેથી આપણને જીવનમાં ઘણી બધી વસ્તુઓ અને ઘણા બધા ‘હેતુઓ’ અનુસરવા યોગ્ય અને પ્રાપ્ત કરવા યોગ્ય લાગે છે. જ્યાં સુધી આપણને એવું લાગે, ત્યાં સુધી આપણે આપણી શોધમાં મંડ્યા રહેવું જોઈએ. પરંતુ એ ધ્યાનમાં રહે કે આપણે જ્ઞાનના નીચલા સ્તરમાં જ સંતોષ ન માની લઈએ. આપણે આગળ વધતું રહેવું જોઈએ, જેવી રીતે શ્રીરામકૃષ્ણદેવ પોતાના શિષ્યોને આગળ ધપવા પ્રોત્સાહન આપતા રહેતા. પારસમણિની વાર્તાના સંતની જેમ ધીરે ધીરે આપણે પણ બધાંથી મૂલ્યવાન વસ્તુમાં આપણી શ્રદ્ધા રાખવી જોઈએ. જો કોઈ પૂછે કે, “તમને એવું શું મળી ગયું છે કે તમે આ મૂલ્યવાન વસ્તુઓને ફેંકી રહ્યા છો?” તો આપણે આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપવા તૈયાર રહેવું જોઈએ. જ્યાં સુધી આપણે રસ્તા પર જ છીએ, ત્યાં સુધી આપણે હર્ષ અને શોકથી પ્રભાવિત થઈએ છીએ. પરંતુ સંસારના સ્વરૂપ અને પોતાના લક્ષ્યની સ્પષ્ટ ધારણા થયા પછી આપણે વધુ સહેલાઈથી અને મોટે ભાગે વાસ્તવિક સ્થિરતા પ્રાપ્ત કરી શકીએ છીએ. સંઘર્ષમાં રહેવા છતાં પણ આપણને આપણા ગંતવ્યનું જ્ઞાન રહ્યા કરે છે. પછીથી આપણે એવી સ્થિતિ મેળવી લઈએ છીએ કે જ્યાંથી આપણને કોઈ વિચલિત નથી કરી શકતું. આ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ.
આગળનાં પૃષ્ઠોમાં રામકૃષ્ણ-સંઘના વરિષ્ઠ સભ્યોએ આ અવસ્થાને પ્રાપ્ત કરવા માટેનાં ઘણાં બધાં ઉપાયો અને સૂચનો આપ્યાં છે. તેમનાં સૂચનો તેમના સંપર્કમાં આવનાર સાધકોની સમસ્યાઓ તથા સંઘર્ષના અનુભવો ઉપર આધારિત છે. અમને આશા છે કે વધતી જતી સંખ્યામાં ધ્યાનની સાધના પ્રત્યે આકર્ષિત થવાવાળા લોકો માટે આ સ્પષ્ટ ઉપદેશ માર્ગદર્શક પ્રકાશસ્તંભ તથા ધ્રુવતારકરૂપ સિદ્ધ થશે.
Your Content Goes Here