1 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં, જગત્‌ હિતાય ચ’રૂપી બેવડા આદર્શના પાયા ઉપર ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી. ત્યારથી લઈ આજ સુધીની 125 વર્ષની યાત્રા દરમિયાન રામકૃષ્ણ મિશને દેશ-વિદેશમાં આરોગ્ય, કેળવણી, ગ્રામ્યવિકાસ, તથા સાંસ્કૃતિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓરૂપી પવિત્ર ગંગા વહેવડાવી છે, જેમાં ડૂબકી મારીને અગણિત ભક્ત અને દરિદ્રનારાયણનાં જીવન  સમૂળગાં પરિવર્તન પામ્યાં છે.

1 મે, 2022ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ પૂજનીય સ્વામી સ્મરણાનંદજી મહારાજે સમગ્ર વર્ષ દરમિયાન ઊજવવામાં આવનાર સ્થાપના-ઉત્સવનો શુભારંભ કર્યો હતો, જેના સમાપ્તિ સમારોહનો દિવસ છે, 1 મે, 2023.

સ્વામી વિવેકાનંદ સહિત શ્રીરામકૃષ્ણના ત્યાગી શિષ્યોએ વરાહનગરમાં પ્રથમ મઠની સ્થાપના કરી હતી, જ્યાં તેમણે જપ-ધ્યાન, શાસ્ત્ર-આલોચના, તથા હાસ્ય-વિનોદમય અનેક પવિત્ર દિવસો વ્યતીત કર્યા હતા. આ શુભ ઉપલક્ષ્યે આવો, આપણે ઇતિહાસનાં પાનાં ઉલટાવી પ્રારંભના દિવસોની કેટલીક વિસ્મૃત યાદો તાજી કરીએ.

એ સમયે રામકૃષ્ણ સંઘના છઠ્ઠા પરમાધ્યક્ષ સ્વામી વિરજાનંદજી મહારાજ કોલેજમાં ભણતા યુવાન હતા. એમનું નામ હતું કાલીકૃષ્ણ. તેઓ શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય રામચંદ્ર દત્ત લિખિત ‘શ્રીરામકૃષ્ણદેવની જીવની’ પુસ્તક વાંચીને રામબાબુના સંપર્કમાં આવ્યા હતા. રામબાબુ કાંકુડગાછિમાં યોગોદ્યાનની સ્થાપના કરી ઠાકુરના ભસ્માવશેષની નિયમિત પૂજા કરતા હતા. તેઓ કાલીકૃષ્ણ તથા એમના મિત્રો સાથે કલાકોના કલાકો ઠાકુર વિશે વાતો કરતા રહેતા. રામબાબુ પ્રભાતફેરી કરતા. વહેલી સવારે ગેરુઆ વસ્ત્ર પરિહિત પોતાના શિષ્યો સહિત તેઓ કરતાલ વગાડતાં વગડતાં ‘મગન હૃદયે ભકત જાગે દયાલ નામ ગાને, રામકૃષ્ણ રામકૃષ્ણ નામ સુધા પાને’ કીર્તન ગાતા. રામબાબુએ સ્ટાર થિયેટરમાં ઠાકુરના અવતારત્વ સંબંધે ધારાવાહિક પ્રવચનો પણ આપ્યાં હતાં.

થોડા સમય બાદ કાલીકૃષ્ણને જાણવા મળ્યું કે તેમના એક શિક્ષક પણ ઠાકુરના જીવનકાળ દરમિયાન તેમની પાસે નિયમિત જતા હતા. એ શિક્ષક ધીર, શાંતભાવે અંગ્રેજી શીખવતા. આડી-અવળી એક પણ વાત કરતા નહીં. જ્યારે રસ્તા ઉપર જતા ત્યારે દૃષ્ટિ જમીન ઉપર રહેતી અને ‘મૌન પાલન કરો’ના સંકેતસમી એક આંગળી હોઠની ઉપર લગાવેલી રહેતી. નાસ્તાના સમયે જ્યાં અન્ય શિક્ષકો ભેગા મળી ગપ મારતા ત્યાં ન બેસીને ઉપલા માળે જઈ એકલા બેસતા. આ શિક્ષક જ થોડાં વર્ષ બાદ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની રચના કરવાના હતા અને હંમેશને માટે ‘માસ્ટર મહાશય’ના નામે અમર થઈ જવાના હતા.

કાલીકૃષ્ણ માસ્ટર મહાશયના ઘરે એમને મળવા ગયા. જોયું તો સંપૂર્ણ ભિન્ન સ્વરૂપ! ગંભીર ચહેરાને બદલે તેઓ સહાસ્ય વદને ચટાઈ ઉપર બેઠા છે. એમણે સ્નેહપૂર્વક કાલીકૃષ્ણને પાસે બેસાડ્યા અને શ્રીરામકૃષ્ણ વિશે અનેક વાતો કરી. કહ્યું કે, “ઠાકુર હતા કામિનીકાંચન ત્યાગી. એમને જો ઠીક ઠીક સમજવા હશે તો એમના કામિનીકાંચન-ત્યાગી શિષ્યોનો સંગ કરવો પડશે. વરાહનગર મઠમાં જા, જઈને જો, તેઓ કેવી રીતે રહે છે! ગૃહસ્થ ગમે તેટલા મહાન હોય, તેઓ ઠાકુરનો ભાવ ઠીક ઠીક પ્રદર્શિત કરી શકે નહીં.” સાથે જ કહ્યું કે સાધુનાં દર્શન માટે ખાલી હાથે જવું ઉચિત નથી. છેવટે એક પૈસાની પણ કોઈ વસ્તુ લઈ જવી.

થોડા દિવસો બાદ બે મિત્રો સહિત કાલીકૃષ્ણ ચાલ્યા વરાહનગર મઠ. તેઓ વર્ણન કરે છે: “ભરબપોરે ચાર માઈલ ચાલીને લગભગ એક વાગ્યે વરાહનગર મઠમાં હાજર થયો. એ સમયે બધા મોટા ઓરડામાં વિશ્રામ કરી રહ્યા હતા. જાગ્રત જ હતા. શશી મહારાજ, નિરંજન મહારાજ, મહાપુરુષ મહારાજ, બૂઢો ગોપાલ મહારાજ, યોગીન મહારાજ, લાટુ મહારાજ, ખોકા મહારાજ, સારદા મહારાજ, વગેરે બધા જ એ સમયે ઉપસ્થિત હતા. અમે પ્રણામ કર્યા પછી તેઓએ આદર કરીને અમને પાસે બેસાડ્યા અને પૂછ્યું—ક્યાંથી આવો છો? શું કરો છો? ક્યાં રહો છો? મઠ સંબંધે કેવી રીતે જાણ્યું? વગેરે. અમારી વાત સાંભળીને તેમને ખૂબ આનંદ થયો, અમને ખૂબ ઉત્સાહ આપ્યો.

“એમને જોઈને અમને એક નવી અનુભૂતિ થઈ. મનમાં થવા લાગ્યું, જગત છોડીને જાણે કે ક્યાંય આવ્યા છીએ. આ તો જૂનું બાવાજાળાંવાળું મકાન. ભાંગેલાં બારી-બારણાં. પરંતુ અહીં એક જમજમાટ આધ્યાત્મિક ભાવ ધમ ધમ કરે છે. સાધુઓના ચહેરા જાણે કે એક એક પ્રદીપ્ત અગ્નિશિખા. મઠમાં ખૂબ સામાન્ય વ્યવસ્થા હતી. જમીન ઉપર ચટાઈ પાથરી હતી, રાચરચીલા જેવું બીજું કંઈ હતું નહીં. દીવાલ ઉપર મા દુર્ગા, કાલી, ઈશુ ખ્રિસ્ત વગેરેના ફોટા હતા.”

(‘અતીતેર સ્મૃતિ’, પૃ. 22, ઉદ્‌બોધન કાર્યાલય)

સંન્યાસીઓને જોઈને કાલીકૃષ્ણને સમજાયું કે ઠાકુરનાં સાચાં સંતાનો કેવાં હોવાં જોઈએ. તેઓ કહે છે: “હવેથી અમે રજા મળતાં જ વરાહનગરમાં આવ-જા કરવા લાગ્યા. મઠ પ્રતિ અમારું આકર્ષણ અને સંન્યાસીઓ સાથેની ઘનિષ્ઠતા જેટલી વધવા લાગી એટલી જ કાંકુડગાછિમાં અમારી આવ-જા ઘટવા લાગી. આંખની શરમે હોય તો મહિનામાં એકાદ દિવસ ગયા.

“રામબાબુના વર્ણનથી અમારી એવી ધારણા બની હતી કે તેઓ જ ઠાકુરના સૌથી પ્રિયતમ ભક્ત હતા અને તેઓ જ ઠાકુરને સૌથી વધુ સમજ્યા હતા. તેઓ કહેતા, સંન્યાસી શિષ્યોનો ઠાકુર ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને નિષ્ઠા નથી, માટે જ તેઓ શિવ, દુર્ગા, કૃષ્ણ, કાલી, વગેરે દેવ-દેવીઓ તથા ઈશુ ખ્રિસ્ત, ચૈતન્ય, શંકરાચાર્ય વગેરે અવતારોની પૂજા કરે છે અને વેદાંત શાસ્ત્રનો અભ્યાસ કરે છે.”

(‘અતીતેર સ્મૃતિ’, પૃ. 23, ઉદ્‌બોધન કાર્યાલય)

અહંકાર નિર્મૂળ કરવો કેટલી અઘરી વાત છે! યુગાવતાર ઠાકુરના શિષ્યોમાંથી જ જો કોઈ એવો દાવો કરે કે અમે સંન્યાસી સંતાનો કરતાં વધુ શ્રેષ્ઠ છીએ, તો સામાન્ય સાધકની વાત જ શી? ઠાકુર કહેતા, કોલકાતામાં લોકો લાખો જપ કરે છે, ગણિકા પણ જપ કરી લે છે, પરંતુ એથી લાભ શું થયો?

સાધન-ભજનનો આધાર જ છે પંચભૂતના બનેલ નશ્વર શરીરની માયાનો ત્યાગ, પંચેન્દ્રિય દ્વારા થતા ભોગોનો ત્યાગ, તથા ‘હું’ સર્વ શ્રેષ્ઠ છું—એ ભાવનો ત્યાગ. જ્યારે ત્યાગ આરંભ થયો ત્યારે જ સાચા ધર્મજીવનનું અનુષ્ઠાન થયું. અવશ્ય, પૂર્ણ ત્યાગ એક જન્મમાં તો થવાનો નથી, આ તો છે જન્મજન્માંતરની યાત્રા. પણ એ યાત્રાનો આરંભ તો થવો જોઈએ—નહીં તો, મુખે ગમે તેટલી બડાઈ મારીએ, સાચો લાભ ક્યારેય થવાનો નથી.

ઘણા લોકો વારંવાર તીર્થયાત્રા કરતા રહે, દાન-દક્ષિણા આપતા રહે, વિધિવિધાન કે પૂજાપાઠ કરાવતા રહે, પણ સાથે સાથે જ દેખાડો કરવા માટે ટીલાં-ટપકાં કરે અને પોતાના ગુણ ગાતા ફરે.

સ્વામીજી કહે છે: “‘અહંભાવ’ છે આપણને શરીરરૂપી જેલમાં કેદ રાખનારી વજ્ર સમી દીવાલ. ‘હું આ કરું છું, હું પેલું કરું છું, હું તે કરું છું’ એમ માનીને આપણે બધી વસ્તુઓને આપણી પોતાની સાથે જોડી દઈએ છીએ. આ ક્ષુદ્ર ‘હું’ને છોડો. આપણામાં રહેલી આ શેતાનિયતનો નાશ કરો. ‘હું’ નહીં પણ ‘તું’ એમ કહો, હૃદયથી એને અનુભવો, તે અનુસાર જીવો.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૮)

આપણા હૃદયમાંથી ‘અહં’ ચાલ્યો જાય અને ‘ઈશ્વર’ અવતરિત થાય તો મનુષ્યમાં કેવું પરિવર્તન આવે એ કાલીકૃષ્ણ માસ્ટર મહાશય તથા ઠાકુરના સંન્યાસી શિષ્યોને જોઈને સમજ્યા હતા.

વરાહનગર મઠમાં સ્વામી વિવેકાનંદ તથા એમના ગુરુભાઈઓએ જે સાધન-ભજનની વહ્નિશિખા પ્રગટાવી હતી, એ જ છે આજનો રામકૃષ્ણ સંઘરૂપી વિશ્વવ્યાપી હોમાગ્નિ કે જેમાં પોતપોતાનો ‘અહં’ હોમીને કાલીકૃષ્ણ જેવા અનેક યુવાનો ધન્ય થઈ રહ્યા છે.

Total Views: 534

3 Comments

  1. Rasendra Adhvaryu May 9, 2023 at 2:56 pm - Reply

    કેટલું સાચું છે આ,રામકૃષ્ણ મઠ સ્વામીઓની સાથે સમય વિતાવતાં આ પ્રતીત થાય છે.

    “વરાહનગર મઠમાં સ્વામી વિવેકાનંદ તથા એમના ગુરુભાઈઓએ જે સાધન-ભજનની વહ્નિશિખા પ્રગટાવી હતી, એ જ છે આજનો રામકૃષ્ણ સંઘરૂપી વિશ્વવ્યાપી હોમાગ્નિ કે જેમાં પોતપોતાનો ‘અહં’ હોમીને કાલીકૃષ્ણ જેવા અનેક યુવાનો ધન્ય થઈ રહ્યા છે.”

  2. Pratish A Gandhi May 8, 2023 at 7:53 pm - Reply

    Do we have any record of swami ji real voice?

    • Swami Krishnasakhananda May 21, 2023 at 3:50 am - Reply

      no there is no voice recording of swami vivekananda. what you hear on social media is fake.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.