નર્મદા મૈયાનાં દર્શન કરતાં કરતાં પગદંડી પર પરિક્રમામાં આગળ વધતા હતા. સંધ્યા થવા જઈ રહી હતી. રાત્રિ-નિવાસ માટે કોઈ એક સ્થાન શોધી લેવું જરૂરી હતું. હવે આગળ કરજણ નદીનો નર્મદા નદી સાથે સંગમ હતો. તેથી આગળ કદાચ રસ્તો ન પણ હોય, માટે ડાબા હાથ તરફના ગાડવાળા રસ્તા તરફ બંને પરિક્રમાવાસી ગામ તરફ જવા નીકળી પડ્યા. માર્ગમાં એક બળદ ગાડાવાળા મળ્યા. તેઓ પણ ફક્ત ‘કોઈ આશ્રમ તો છે’ એથી વિશેષ કોઈ માહિતી આપી શક્યા નહીં. સાંજ પડવા આવી રહી હતી. કોઈ માણસો દેખાતા નહોતા અને રસ્તામાં ઘણા બધા ફાંટા હતા; ત્યાં એક આશ્રમનું બોર્ડ દેખાયું.
તેના નિશાન તરફ શોધતાં શોધતાં અંતે આશ્રમમાં આવી પહોંચ્યા. થોડી ઊંચાઈ પર સમથળ જમીન પર ખેતરોની વચ્ચે કરજણ નદી તરફ એક નાનો આશ્રમ હતો; જલારામ આશ્રમ. એક કુટિયા હતી અને બહાર બે ખાટલા હતા. તાજેતરમાં જ બનેલો એક સાધારણ આશ્રમ હતો, પરંતુ સુરેન્દ્રદાસ ત્યાગીજી મહારાજે પ્રેમથી બંને પરિક્રમાવાસીઓને આવકાર્યા તથા ચા પિવડાવી.
આશ્રમમાં એક અપૂર્વ શાંતિનો અનુભવ થયો. ચારે તરફ ખેતરો, ઉત્તર તરફ કરજણ નદી, ઇશાન તરફ નર્મદા સાથેના સંગમનાં પણ દર્શન થતાં હતાં. સંધ્યારાણી મૈયા અલૌકિક શોભાયમાન થતાં હતાં. રસોઈમાં થોડી સેવા આપી, સંધ્યા-ભજન કરી, અમૃત સમાન ભોજન ગ્રહણ કરી, ખુલ્લા આકાશમાં પૃથ્વી મૈયા પર સાધારણ પથારી લગાવીને નિદ્રા મૈયાની ગોદમાં પોઢી ગયા. પરોઢમાં ઊઠી નિત્યક્રમ પૂર્ણ કરી, ચા-પાણી પીને ‘નર્મદે હર…’ ના નાદ સાથે પરિક્રમામાં આગળ નીકળવાની તૈયારી જ કરી રહ્યા હતા ત્યારે સુરેન્દ્રદાસ ત્યાગીજી મહારાજે કરજણ નદીનું વહેણ જોઈને કહ્યું કે, ‘નર્મદા ડેમમાં પાણી છોડેલું હોવાથી અત્યારે કરજણ નદીમાં માથાડૂબ પાણી હશે, એટલે અત્યારે પાર કરી શકશો નહીં, થોડી વાર પછી પાર કરી શકાશે.’ રાહ જોતાં જોતાં સવારના 10:00 વાગી ગયા. પૂજ્ય મહારાજે કહ્યું, ‘હવે, બપોરનું ભોજન તૈયાર કરી લઈએ, બપોરનું ભોજન ગ્રહણ કરીને પછી જ નદી પાર કરજો.’ પ્રેમપૂર્વક બનાવેલ ભોજન ગ્રહણ કરી લગભગ 11:30 વાગે નર્મદા પરિક્રમામાં આગળ વધ્યા. કરજણ નદી સુધી પહોંચવા અને પાર કરવા માટે પૂજ્ય મહારાજે કેટકેટલી સૂચનાઓ આપી! ચારે તરફ ખેતરો જ ખેતરો, જાણે ખેતરોનું વિશાળ સરોવર! એ સરોવરમાં જાણે બધી સૂચનાઓ તો વહી ગઈ અને ખેતરોની કેડીઓના ગૂંચવાડામાં સપડાઈ ગયા. દયાળુ સ્વભાવના પૂજ્ય મહારાજને આની ગંધ આવી ગઈ હોય કે શ્રીમાએ પ્રેરણા કરી હોય, જે હોય તે પણ મહારાજે અમને લોકોને શોધી કાઢ્યા અને સાથે ચાલી કરજણ નદીને કિનારે ઊભા રહ્યા. નદીનાં વહેણમાં હજી પણ થોડી તીવ્રતા હતી. પૂજ્ય મહારાજે ત્યાં આવી ચઢેલા સ્થાનિક એક-બે લોકોને મદદ કરવાનું કહેતાં તેઓએ અમારો સામાન પોતાના માથે ચઢાવી નદીને પાર પહોંચાડી દીધો. પછી મહારાજે પણ થોડો સામાન પોતાના માથા ઉપર રાખી, પછી તેમની પાછળ પાછળ છાતીડૂબ પાણીમાં ‘આ બાજુ ચાલો, આ બાજુ ખાડો નથી’ એવાં સૂચનો કરતાં કરતાં ધીરે ધીરે કરજણ નદી પાર કરાવી દીધી! આવા શ્રીશ્રીમાના કૃપા-પાત્ર અત્યંત દયાળુ મહાત્માઓ પણ હોય છે! નર્મદે હર… નર્મદે હર…
નર્મદા પરિક્રમા દરમિયાન આવતા અત્યંત આંટીઘૂંટી અને વિઘ્નોવાળા અનેક પથોમાંથી આ એક પથ શ્રીશ્રીમાની કૃપાથી અનાયસે પાર કરી જવાથી, બંને સંતો કૃતાર્થતા અનુભવતા, શ્રીશ્રીમા નર્મદા નદીનાં દર્શન કરતાં કરતાં થોડી વાર ત્યાં જ બેસી રહ્યા.
આગળ સુખદેવ તીર્થ આવ્યું, ત્યાં રણછોડરાય વગેરેનાં દર્શન કરી, બપોરનો સમય હોવાથી મંદિરની પરસાળમાં થોડો વિશ્રામ કર્યો. ઘેઘૂર વૃક્ષોથી ઘેરાયેલ આ નાનુસુ પ્રાચીન મંદિર લાગતું હતું. પરસાળની એક બાજુ બ્રાહ્મણ પંડિતોના રહેવાના ઓરડાઓ હતા. થોડો તડકો ઓછો થતાં ભલા બ્રાહ્મણનો ચા-પ્રસાદ ગ્રહણ કરી, પરિક્રમામાં આગળ વધ્યા.
ચાલતાં ચાલતાં સંધ્યા થવા આવી હતી. હજુ કોટેશ્વર તીર્થ થોડું દૂર હતું. ઓરી ગામમાં બે-ચાર ભાવિકોના આગ્રહથી અતિથિશાળામાં આસન લગાવ્યું. પાછળથી ખબર પડી કે આ સ્થાન ગામના ચોરા જેવું હતું, નાછૂટકે બધી ચોવટ કાને પડવા લાગી. પરંતુ બંને પરિક્રમાવાસી સંતો તો પોતાની સંધ્યા-વંદનામાં મશગૂલ હતા. એક પોલીસ અધિકારીએ પણ અનાયાસે આ સંધ્યા-વંદના નિહાળીને આ સંતોને કોઈ જરૂરિયાત હોય, તો જણાવવા વિનંતી કરી. સંતોએ કોઈ ચીજવસ્તુની જરૂર નથી એવું કહેતાં આ સાહેબે તેમના ફોન નંબર આપીને સંતોને કહ્યું, ‘માર્ગમાં કોઈ મુશ્કેલી જણાય તો ફોન કરજો.’
Your Content Goes Here