(5 મે બુદ્ધ જયંતી છે. આ ઉપલક્ષે સ્વામી વિવેકાનંદે લખેલ ‘બૌદ્ધ ધર્મઃ ‘લાઈટ ઓફ એશિયા’નો ધર્મ’ નામક લેખમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. સંદર્ભ: સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 5.533 – સં.)
બુદ્ધ બીજા બધા માનવીઓ કરતાં અનેકગણા ઉચ્ચ હતા; બુદ્ધ એક એવા મનુષ્ય હતા કે જેમના વિશે તેમના મિત્રો કે શત્રુઓ પણ કદીય એમ નહીં કહી શકે કે તેમણે સહુના ભલાના હેતુ સિવાય એક શ્વાસ સરખોય લીધો હોય કે રોટલાનો એક ટુકડો પણ ખાધો હોય…
બુદ્ધે કદી આત્માના અન્ય લોક-ગમન વિશે ઉપદેશ આપ્યો નથી; માત્ર તેઓ માનતા કે જેમ સાગરનું એક મોજું ઉત્પન્ન થઈને શમી જાય છે અને પાછળના મોજાને માટે પોતાના વેગ સિવાય બીજું કંઈ મૂકી જતું નથી, તેમ એક આત્મા તેની પાછળના આત્માને માટે માત્ર પેલા મોજા જેવો છે. ઈશ્વર છે તેવો તેમણે કદી ઉપદેશ નહોતો કર્યો, તેમ જ ઈશ્વર નથી તેમ પણ તેમણે કદી કહ્યું નથી…
‘તેઓ પ્રથમ પયગમ્બર હતા. તેઓ કદી કોઈને ગાળો ન દેતા કે પોતે કોઈ વાતનું અભિમાન ન લેતા. ધર્મની બાબતમાં મોક્ષ મેળવવાનો પ્રયાસ આપણે પોતે જ કરવો, તેમ તેઓ માનતા.
બુદ્ધે પોતાની અંતિમ ઘડીએ કહ્યુંઃ ‘હું તમને શીખવી નહીં શકું કે કોઈ બીજું પણ શીખવી નહીં શકે. કોઈની ઉપર કોઈએ આધાર નહીં રાખવો. ધર્મ (મોક્ષ) માટે તમે પોતે જ પ્રયાસ કરો.’
તેઓ માણસ અને માણસ વચ્ચેની અથવા માણસ અને પશુ વચ્ચેની અસમાનતાનો વિરોધ કરતા. તેમનો ઉપદેશ એ હતો કે જીવો બધા એકસરખા છે. મદ્યનિષેધના સિદ્ધાંતનું સમર્થન કરનાર પ્રથમ માનવી તેઓ હતા. તે કહેતાઃ ‘સારું કરો અને સારા થાઓ.’ જો ઈશ્વર હશે તો સારા થવાથી તે તમને મળશે. જો ઈશ્વર નહીં હોય તો ય સારા થવું તે સારું જ છે. જેને જેટલું કષ્ટ પડે છે, તેને માટે તે પોતે જ દોષપાત્ર છે; પોતાના બધા સારા માટે પોતે જ પ્રશંસાપાત્ર છે.
‘ધર્મ માટેના પ્રચારકોને અસ્તિત્વમાં લાવનાર પ્રથમ તેઓ હતા. ભારતના કચડાયેલા લાખો મનુષ્યોના ઉદ્ધારક તરીકે તેઓ અવતર્યા, લોકો તેમનું તત્ત્વજ્ઞાન સમજી શક્યા નહીં, પરંતુ તેમણે એ માણસને અને તેના ઉપદેશને ઓળખ્યો, એટલે તેના અનુયાયી બન્યા.’
2 Comments
Leave A Comment
Your Content Goes Here
Vipaasana
I want to read more on the captioned subject
And Presicingly swamiji’s thoughts on Buddha &
on vipaaaana