‘ગુજરાતી સાહિત્યકારો પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ’ આ શૃંખલામાં ગત અંકોમાં આપણે કેટલાક સાહિત્યકારોની વાત કરી. આમાં એક ખૂબ જાણીતા એવા શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીનું નામ પણ સામેલ છે.
તા. ૩૦મી ડિસેમ્બર, ૧૮૮૭માં પવિત્ર નર્મદાના કિનારે વસેલ પ્રાચીન શહેર ભરૂચમાં તેમનો જન્મ થયો અને તા. ૮મી ફેબ્રુઆરી, ૧૯૭૧માં મુંબઈ ખાતે ૮૩ વર્ષની ઉંમરે તેમનું દુ:ખદ નિધન થયું. આ સમયગાળામાં તેમણે વિભિન્ન ક્ષેત્રે ખૂબ અગત્યનાં કાર્યો કર્યાં. શ્રી મુનશી ‘ઘનશ્યામ વ્યાસ’ના ઉપનામથી પણ લેખનકાર્ય કરતા.
તેઓ સાહિત્યકાર માત્ર હતા એટલું જ નહિ, સ્વાધીનતા સંગ્રામમાં પણ તેમનો બહુમૂલ્ય ફાળો હતો. સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલને પ્રેરિત કરી ઉત્સાહિત કરવામાં તેમનો મુખ્ય હાથ હતો.
જુનાગઢના દીવાન કે જે પાકિસ્તાન સાથે મળી જવાના હતા તે જૂનાગઢને ભારતમાં જ રહેવા દેવા માટે તેમણે સરદાર પટેલ સાથે પરામર્શ કરી ત્યાં મુંબઈથી આરઝી હકૂમતની ટુકડી મોકલી અને પોતે પણ જુનાગઢમાં રહ્યા અને જુનાગઢને પાકિસ્તાનમાં જતું બચાવી લીધું, અને પછી પોતે જુનાગઢના શાસનકર્તા તરીકે પણ સેવા બજાવી.
૧૯૩૭ થી ૧૯૪૦ સુધી તેઓ મુંબઈ રાજ્યના ગૃહમંત્રી રહ્યા. ૧૯૪૮માં તેઓએ હૈદ્રાબાદ સ્ટેટના ‘Agent General of India’ તરીકે સેવા બજાવી. તે સમયે હૈદ્રાબાદ સ્ટેટના નવાબ પણ પાકિસ્તાનમાં ભળવા માગતા હતા, પરંતુ શ્રી મુનશીજી અને સરદાર પટેલે કુનેહપૂર્વક તે રાજ્યને પણ બચાવી લીધું.
તેઓ ‘Member of Constitutional Assembly of India’ના પણ સભ્ય બન્યા અને પછી તેઓ સાંસદ પણ થયા અને ૧૯૫૨-૫૩ દરમિયાન તેમણે ‘Agriculture and Food Ministry’ના મંત્રીપદને પણ શોભાવ્યું.
૨ જૂન, ૧૯૫૨ થી ૯ જૂન, ૧૯૫૭ સુધી તેઓએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી. આમ માત્ર સ્વાધીનતા સંગ્રામ જ નહિ પરંતુ ભારતની તે સમયની રાજકીય પરિસ્થિતિમાં પણ તેમનું બહુ મોટું યોગદાન રહ્યું છે.
આ દરમિયાન તેમણે ૧૯૧૩માં ‘ગુર્જર સભા’ની સ્થાપના કરી તેમજ ૧૯૨૨માં ‘ગુજરાત સાહિત્ય સંસદ’ની સ્થાપના કરી, ૧૯૨૨માં જ ‘ગુજરાત’ નામક પત્રિકા શરૂ કરી. ૧૯૩૭ થી ૧૯૫૫ જેટલા દીર્ઘકાળ સુધી તેમણે એકલે હાથે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું સુકાન સંભાળ્યું.
૧૯૩૮માં વિશ્વપ્રસિદ્ધ ‘ભારતીય વિદ્યાભવન’ની સ્થાપના કરી, જેનાં હાલમાં કુલ ૧૧૯ કેન્દ્રો ભારતમાં અને ૭ કેન્દ્રો વિદેશમાં કાર્યરત છે. આ ઉપરાંત ૩૬૭ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ તેની સાથે સંલગ્ન છે.
બરોડા કૉલેજ (હાલની મ.સ.યુનિ.)માં અભ્યાસ દરમિયાન તે સમયના ત્યાંના પ્રિન્સિપાલ શ્રી અરવિંદે તેમને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવા પ્રેર્યા.
એક અદ્ભુત પરંપરાની વાત પણ અહીં ઉલ્લેખનીય છે. ભગિની નિવેદિતા સ્વામી વિવેકાનંદથી પ્રેરિત થયાં હતાં, શ્રી અરવિંદને નિવેદિતા પાસેથી પ્રેરણા મળી, શ્રી અરવિંદ પાસેથી શ્રી મુનશીજીને પ્રેરણા પ્રાપ્ત થઈ. મુનશીજી પાસેથી પ્રેરણા મેળવી અને તેમની સુપુત્રી પર સ્વામીજીના વિચારોની ઊંડી અસર પડી. એ સન્નારીએ દિલ્હીમાં સ્વામી રંગનાથાનંદજી મહારાજનાં પ્રવચનો સાંભળ્યાં. તેમની મંત્રદીક્ષા મઠ-મિશનના સાતમા પરમાધ્યક્ષ સ્વામી શંકરાનંદજી પાસે થઈ અને સંન્યાસ દીક્ષા શારદામઠનાં પ્રથમ પરમાધ્યક્ષા પ્રવ્રાજિકા ભારતીપ્રાણા પાસે થઈ હતી અને આમ તેઓ એક મહાન સંન્યાસિની પ્રવ્રાજિકા આત્મપ્રાણા બની ગયાં. તે પહેલાં ૧૯૫૨માં તેઓ સિસ્ટર નિવેદિતા ગર્લ્સ સ્કૂલમાં જોડાયાં અને ૧૯૫૩માં શારદામઠની સ્થાપના થઈ ત્યારથી તેઓએ ૧૩મી મે, ૨૦૧૮માં દેહત્યાગ કર્યો ત્યાં સુધી ૨૮ વર્ષ રામકૃષ્ણ-શારદા મિશનનાં સેક્રેટરી પણ રહ્યાં. ૧૯૭૩માં તેઓ શારદામઠનાં ટ્રસ્ટી બન્યાં. ૧૯૮૦માં તેમણે ‘સંવિત્’ નામનું સામયિક શરૂ કર્યું જે આજે પણ રામકૃષ્ણ મિશન, દિલ્હીથી પ્રકાશિત થઈ રહ્યું છે. આમ તેમનું પણ બહુ મોટું પ્રદાન રહ્યું છે. પણ પ્રવ્રાજિકા આત્મપ્રાણાનાં ખાસ કરીને બે અગત્યનાં પ્રદાન છે:
૧. તેમણે અંગ્રેજીમાં ‘Biography of Sister Nivedita – સિસ્ટર નિવેદિતાનું વિસ્તૃત જીવનચરિત્ર’ લખ્યું, જેને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો.
૨. તેમણે ૧૯૬૭માં, ૫ ખંડમાં ‘Complete Works of Sister Nivedita’નું લેખનકાર્ય કર્યું. આ ઉપરાંત પણ ઘણું લેખનકાર્ય કર્યું.
શ્રી કનૈયાલાલ મુનશીએ લખેલ નવલકથાઓ, જેવી કે ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’, ‘જય સોમનાથ’, ‘કૃષ્ણાવતાર’, ‘તપસ્વિની’, ‘પૃથ્વી વલ્લભ’ સમી અનેક ઐતિહાસિક નવલકથાઓ ખૂબ પ્રસિદ્ધ છે. શ્રી મુનશીના પ્રદાનને અનુલક્ષીને ભારત સરકારે તેમની સ્મૃતિમાં ૧૯૮૮માં ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે. ઉપરાંત એમ. એસ. યુનિ.એ બોય્ઝ હોસ્ટેલનું નામાભિધાન ‘શ્રી ક.મા.મુનશી હૉલ’ પણ કર્યું છે.
આમ શ્રી કનૈયાલાલ મુનશીનું દેશને માટે બહુ મોટું યોગદાન છે. ૮૪ વર્ષના જીવનકાળમાં તેમણે ધર્મ, દર્શન, સાહિત્ય, કલા, સંસ્કૃતિ, પત્રકારિતા, કેળવણી, પ્રશાસન વગેરે વિષયો પર વિદ્વત્તાની છાપ છોડી છે. આ બધાં ક્ષેત્રોમાં વિદ્વત્તા પ્રાપ્ત કરવા પાછળ સ્વામી વિવેકાનંદની પ્રેરણા હતી એવું અનુમાન સહેજે કરી શકાય અને એની સ્વીકૃતિ તેમણે પોતે જ આપી છે. તેઓ લખે છે:
‘મારી ઉંમરના બહુ જ થોડા લોકો સમજી શકશે કે વીસમી સદીના પહેલા દાયકામાં સ્વામી વિવેકાનંદનો મારા ઉપર કેટલો વિલક્ષણ પ્રભાવ પડ્યો હશે ! ત્યારે અમે મહાવિદ્યાલયના છાત્રો હતા. ત્યારે અમે માત્ર રાજનૈતિક જ નહિ, સાંસ્કૃતિક અને ધાર્મિક અનાદરની છાયામાં હતા, તેને અધીન હતા. પરંતુ જ્યારે અમે સ્વામીજીનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું ત્યારે અમારી આંખો ખૂલી ગઈ. આ પુસ્તકો વાંચવાથી અમને હિંદુ સંસ્કૃતિ અને ધર્મનું આધુનિક દૃષ્ટિકોણથી યથેષ્ટ જ્ઞાન પ્રાપ્ત થયું. યુરોપીય પુનરુત્થાનની જેમ ભારતીય પુનરુત્થાન કલાત્મક કે સાહિત્યિક માત્ર ન હતું, ન તો માત્ર ધાર્મિક આંદોલન હતું. એ આંદોલન વાસ્તવમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક હતું. કહેવાય છે કે એ સ્વામી વિવેકાનંદ જ હતા જેમણે અમને, વિશેષ કરીને યુવા પેઢીને પુનરુત્થાનનો સંદેશ આપ્યો.
અમે રામાયણ, મહાભારત તો વાંચ્યાં જ હતાં, પરંતુ સ્વામીજીના ગ્રંથોમાં અમે તેના સારાંશ વાંચ્યા ત્યારે અમને એક નવીન પ્રેરણા પ્રાપ્ત થઈ. યોગ અમારે માટે એક રહસ્યપૂર્ણ શબ્દ અને આશય હતો. પરંતુ અમે જ્યારે તેમનો કર્મયોગ અને રાજયોગ વાંચ્યો ત્યારે જ અમને તેના સાચા અર્થનું ભાન થયું. શ્રી અરવિંદ ઘોષે જ મને યોગસૂત્ર અને સ્વામીજીના ગ્રંથો વાંચવાની સલાહ આપી હતી. સ્વામીજી આપણને સંસ્કૃતિનાં મૂળ તત્ત્વો તરફ લઈ ગયા અને ઈશ્વરને આપણી સમક્ષ લાવ્યા. તેમના પ્રત્યેની અમારી શ્રદ્ધા કેવળ તેમણે કરેલાં કાર્યો માટે જ નહિ, પરંતુ તેમની રચનાઓ, તેમના વિચારોનું ચિંતન વગેરે અમારા માટે અમારી આધ્યાત્મિક આકાંક્ષાઓને પરિચાલિત કરવાનો એક અવસર છે. સ્વયં પ્રજ્જ્વલિત મશાલ જેવા તેમના વ્યક્તિત્વથી આપણે આપણા નાનાસા દીપકને ઉજાળીએ.’
એમની આવી ભાવનાથી આપણે સમજી શકીએ કે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી સ્વામીજીથી અતિ પ્રભાવિત થયા હતા. અને સ્વામીજીના વિચારોને લઈ ભારતમાતાના આવા અનેક સપૂતો આવ્યા અને સ્વામીજીના વિચારોને મૂર્ત સ્વરૂપ આપ્યું.
Your Content Goes Here