(ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.)
શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ
શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજનું ગુજરાત આગમન
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજનું તા. ૨૧ માર્ચના રોજ રાજકોટમાં આગમન થયું. તેઓએ તા. ૨૩ માર્ચના રોજ ૮૩ આધ્યાત્મિક જિજ્ઞાસુઓને મંત્રદીક્ષા પ્રદાન કરી. વળી તેઓએ પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન દ્વારકા અને સોમનાથ ખાતે દર્શનનો પણ લાભ લીધો.
‘સ્વામી આત્મસ્થાનંદ ભવન’નું ખાતમુહૂર્ત
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આશ્રમના પ્રાંગણમાં કાર્યાલય ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત તા. ૨૨ માર્ચના રોજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યાલયનું નામ ‘સ્વામી આત્મસ્થાનંદ ભવન’ રહેશે.
જાહેર સભાનું આયોજન
૨૩ માર્ચે સ્વામી સુહિતાનંદજી મહારાજની અધ્યક્ષતા અંતર્ગત ‘ગુજરાતમાં રામકૃષ્ણ મિશન’ વિષય પર જાહેર સભા યોજાઈ હતી અને અધ્યક્ષીય પ્રવચન બાદ તેમના વરદ હસ્તે ગુજરાતીમાં પ્રકાશિત ‘શ્રીશંકરાચાર્ય’ અને ‘હિન્દુ ધર્મની રૂપરેખા’ પુસ્તકોનું વિમોચન કરાયું હતું. સભામાં વિવિધ સંન્યાસીઓએ ગુજરાતનાં વિવિધ ક્ષેત્રમાં રામકૃષ્ણ ભાવધારાનો ઇતિહાસ, સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંતોની ગુજરાત યાત્રા તથા મિશનનાં સેવાકાર્યોની ઝાંખી આપી. રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ગુજરાતમાં રામકૃષ્ણ મિશનના ઇતિહાસ તથા પ્રવૃત્તિઓની ઝાંખી આપી તેમજ રાજકોટ આશ્રમની ભાવિ યોજનાઓની માહિતી આપી. રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદજીએ લીંબડીમાં રામકૃષ્ણ ભાવધારા પર માહિતી આપી, જ્યારે સ્વામી કૃષ્ણસખાનંદજીએ અમદાવાદમાં, સ્વામી પ્રણવાર્થાનંદજીએ વડોદરામાં, સ્વામી ધર્મપાલાનંદજીએ, પોરબંદરમાં તથા સ્વામી મેધજાનંદજીએ કચ્છમાં રામકૃષ્ણ ભાવધારાનાં ઇતિહાસ, પ્રચાર-પ્રસાર તથા સેવાકાર્યો અંગેની માહિતી આપી. ગુજરાત રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ પ્રચાર પરિષદના કન્વીનર શ્રી બકુલેશભાઈએ ગુજરાતમાં રામકૃષ્ણ ભાવધારાના ભક્તો દ્વારા સંચાલિત કેન્દ્રોની માહિતી આપી.
વાર્ષિક મહોત્સવની ઉજવણી
રાજકોટ આશ્રમના વાર્ષિક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૩ થી ૫ એપ્રિલ દરમિયાન ૯૨ વર્ષીય જાણીતા ‘માણભટ્ટ’ કલાકાર
શ્રી ધાર્મિકલાલ પંડ્યાના સંગીતમય ‘આખ્યાન’નું આયોજન કરાયું હતું. અને ૬ઠ્ઠી એપ્રિલે રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજે શ્રીરામચરિતમાનસ પર પ્રવચન આપ્યું હતું.
રામકૃષ્ણ મિશનની ૧૨૫ મી વર્ષગાંઠનું ઉજવણી
રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ૭ થી ૯ એપ્રિલ દરમિયાન ક્રમશ: ‘શ્રીરામકૃષ્ણ અને રામકૃષ્ણ મિશન’, ‘શ્રીમા શારદાદેવી અને રામકૃષ્ણ મિશન’ તથા ‘સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન’ વિષયો પર યોજાયેલ જાહેર સભામાં લોકપ્રિય ગુજરાતી લેખિકા સુશ્રી જ્યોતિબહેન થાનકી, જુનાગઢનાં શિક્ષણવિદ્ ડૉ. ચેતનાબહેન માંડવિયા; શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી મેધજાનંદજી તથા સ્વામી કૃષ્ણસખાનંદજીએ પોતાનાં વક્તવ્યો રજૂ કર્યાં. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી. રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસી સ્વામી નિર્વિકલ્પાનંદજીએ સભાની અધ્યક્ષતા કરી હતી.
વિશેષ સત્સંગ
તા. ૧૪, ૧૫, ૧૭ એપ્રિલે સાંજે ૬ થી ૭ દરમિયાન રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસી સ્વામી નિર્વિકલ્પાનંદજી મહારાજે ‘માઁ કી બાતેં ઔર વરિષ્ઠ સાધુઓ કે સંસ્મરણ’ વિષય પર પ્રવચન આપ્યાં હતાં.
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર
આશ્રમ પરિસરમાં 10 એપ્રિલે યોજાયેલ નિ:શુલ્ક નેત્રશિબિરમાં 102 દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરાઈ. પોરબંદર ખાતે ડો. કે. એ. ગરેજાની ઓજસ આંખની હોસ્પિટલમાં જરૂરતમંદ 45 દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યાં.
Your Content Goes Here