(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. સ્વામી અતુલાનંદજી (જેઓ ‘ગુરુદાસ મહારાજ’ તરીકે ઓળખાતા) અમેરિકાના રહેવાસી હતા. 1898માં તેઓ સ્વામી અભેદાનંદજીના સંપર્કમાં આવ્યા. તેમની પાસેથી જ તેમની બ્રહ્મચર્યની દીક્ષા અને સંન્યાસ દીક્ષા થઈ. જો કે તેમની મંત્રદીક્ષા શ્રીમા શારદાદેવી પાસે થઈ હતી. સ્વામી વિવેકાનંદજી, સ્વામી તુરીયાનંદજી વગેરે શ્રીરામકૃષ્ણદેવના બીજા ઘણા અંતરંગ શિષ્યોના પરિચયમાં આવવાનો લહાવો તેમને મળ્યો હતો. 1921માં તેઓ અમેરિકાથી ભારત આવી ગયા અને 1966માં 97 વર્ષની ઉંમરમાં મહાસમાધિ લીધી ત્યાં સુધી ભારતમાં જ રહીને પોતાના પુનિત સંતજીવન દ્વારા અસંખ્ય લોકોને પ્રેરિત કરતા રહ્યા. અનુવાદક શ્રી વિમલભાઈ વ. દવે, જેઓ મકરન્દભાઈના ભત્રીજા છે, મકરન્દભાઈ અને જાણીતાં સાહિત્યકાર કુન્દનિકા કાપડીઆ દ્વારા સંસ્થાપિત ‘નંદિગ્રામ’ આશ્રમના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તેમજ સ્વામીજીના સાહિત્યનો તથા વેદાંતનો એમને ઊંડો અભ્યાસ છે. -સં.)

અકસ્માત જેવું કશું હોય છે ખરું? જો હા, તો હું કહીશ કે વેદાંત પરંપરા સાથેનો મારો સંપર્ક થવો એ માત્ર ને માત્ર અકસ્માત જ હતો. અકસ્માતનાં બધાં જ લક્ષણો એમાં હતાં; કોઈ આયાસ વિના, કોઈ ઇચ્છા ન હોવા છતાં આ બન્યું. સભાનતાપૂર્વક તો દેખીતી રીતે મારે એની સાથે જાણે કશું લાગતું વળગતું જ ન હતું!

પરંતુ વાસ્તવમાં, ખાસ કરીને મારી બૌદ્ધિક જાગૃતિની ક્ષણોમાં હું અકસ્માતમાં માનતો નથી. હું માનું છું કે એક અણદીઠો સુકાની આ સંસારસમુદ્રમાં આપણી નાવને દોરે છે. આપણા હૃદયમાં સદા વિરાજમાન ‘એ’ આપણી કામનાઓના પવન અનુસાર આપણી જીવનનૌકા હંકારે છે. નાનાં-મોટાં વમળો આપણને વિચલિત કરે ત્યારે પણ એ સુકાનીનો સ્થિર હાથ તો આપણને આપણા હૃદયના અંતરતમમાં પડેલી આકાંક્ષાના માર્ગે જ દોરી રહે છે.

કેટલીક વખત આપણે નાનકડાં વમળોને આપણા જીવનની મુખ્ય ધારા માની લઈએ છીએ, અને જ્યારે આપણી નૌકા એ વમળોથી વિરુદ્ધ દિશામાં વળવા માંડે ત્યારે બળવો પોકારીએ છીએ, નિરાશ બની જઈએ છીએ. પરંતુ આપણો પેલો અણદીઠો સુકાની તો જરાયે વિચલિત થયા વિના આપણને આપણી મુખ્ય ધારામાં લઈ જ જાય છે.

કોઈ પણ સફળતાનું રહસ્ય અન્ય સર્વ આકર્ષણોનો ત્યાગ કરીને એક જ લક્ષ્ય માટે પુરુષાર્થ કરવામાં રહેલું છે. પરંતુ આપણું જીવન મોટે ભાગે આપણી ચેતનાના છીછરા, ઉપરછલ્લા પ્રવાહો અંગેનાં આયોજન અને ગણતરીઓમાં વેડફાઈ જાય છે, અને પછી આપણો ખાસ વિકાસ થઈ શકતો નથી. લક્ષ્ય જે હોય તે, બહુ થોડા લોકો લક્ષ્યપ્રાપ્તિ માટે જરૂરી ઊંડાણને સમજી શકે છે. વળી જેઓ જીવનના સાચા લક્ષ્યને સમજી શક્યા છે તેઓમાંથી પણ જૂજ લોકો વિધવિધ દિશાઓમાંથી આવતાં દુન્યવી, ક્ષણિક આકર્ષણોથી દૂર રહી શકે છે. આપણે તો જે હાથવગું છે, સહેલાઈથી મળી શકે એવું છે અને તાત્કાલિક સુખ આપે છે એને જ પકડ્યા કરીએ છીએ. અને આમ, આપણી સાચા લક્ષ્ય પ્રત્યેની યાત્રા ઢીલમાં મુકાયા કરે છે.

જ્યારે આપણને પેલા સતત જાગૃત માર્ગદર્શકની અનુભૂતિ થાય છે ત્યારે જ આપણે આપણી જાતને એના હાથમાં સોંપી નિશ્ચિંત બની શકીએ છીએ, આપણા તુચ્છ રાગ-દ્વેષને બાજુમાં મૂકી અનેકવિધ દિશાઓમાં ચાલતા આપણા અહંકારભર્યા દ્વંદ્વોમાંથી મુક્ત બની શકીએ છીએ. આ સર્વશક્તિમાન, સર્વજ્ઞ સાક્ષી સાથે સજગપણે સહકાર સાધવાનું બહુ ઓછા માટે શક્ય બને છે. પરંતુ એ ભલે આપણા અનુભવનો વિષય ન બને તોપણ જાણ્યે કે અજાણ્યે, વહેલા કે મોડા આપણી નૌકા એ યોગ્ય દિશામાં વાળતો જ રહે છે.

સ્વામીઓ સાથેના સંપર્ક દ્વારા મેં શીખેલો આ પહેલો વ્યાવહારિક પાઠ હતો. જો કે મને કંઈ આટલા વિસ્તારથી આવું સમજાવવામાં આવ્યું ન હતું. બહુ જ સાદા શબ્દોમાં મને કહેવાયું: ‘યોજના ન ઘડો. ‘મા’ ની ઇચ્છા અનુસાર જ થશે.’

પરંતુ આવા સાવ સાદા સૂચનને અનુસરવાનું કેટલું મુશ્કેલ હોય છે! છતાં હું કેવી રીતે સ્વામીઓને પ્રથમ મળ્યો એ વિશે અત્યારે વિચારું છું ત્યારે આ સૂચનમાં રહેલા સત્યને નકારી શકાતું નથી. મેં કોઈ આયોજન કર્યું ન હતું, મારી કોઈ યોજના ન હતી, પરંતુ ‘મા’ ની ઇચ્છા અનુસાર જ બધું થયું.

પરંતુ જરા થોભો! તો પછી શું આપણે હલેસાં બાજુમાં મૂકી આળસુ બની બેસી રહેવું અને જે થાય તે માત્ર થવા દેવું? બિલકુલ નહીં! આપણે તો આપણી તમામ તાકાતથી હલેસાં મારતાં ઝંપલાવવાનું જ છે. માત્ર એ જ જોવાનું કે આપણે પેલા સુકાનીએ વાળેલી દિશા વિરુદ્ધ હલેસાં નથી મારવાનાં, પરંતુ પૂરા બળથી હલેસાં મારતાં એને જ અનુસરવાનું છે. આ કેવું સહેલું લાગે છે! ‘મા’ને યોજના ઘડવા દો. માત્ર એને યાદ જ કરો!

એવું જણાય છે કે મૂળભૂત સત્યો હંમેશાં સાવ સરળ, ઘરગથ્થુ ભાષામાં, તદ્દન બિન-અલંકારિક રીતે મુકાતાં હોય છે. દાખલા તરીકે શ્રીરામકૃષ્ણના ઉપદેશો જુઓ. એનાથી સાદું કશું હોઈ શકે ખરું? પરંતુ આ સરળ ઉપદેશોના સંદર્ભમાં એમણે પોતે જ કહ્યું હતું: ‘જે હું તમને કહું છું એનો સોળમો ભાગ પણ તમે અનુસરશો તો એ તમારા માટે પૂરતું છે.’

સ્વામી અભેદાનંદજીનાં પ્રથમ દર્શન

હવે મૂળ વાત પર આવીએ. મિ. કોલ્વિલનું પ્રવચન પૂરું થયું અને હું હૉલની બહાર નીકળવા જ જતો હતો ત્યારે એક સાવ અજાણી વ્યક્તિ મારી પાસે આવી અને મને પૂછ્યું, ‘તમે સ્વામી વિવેકાનંદને સાંભળ્યા છે?’ મેં કહ્યું, ‘મને એ સદ્‌ભાગ્ય હજુ મળ્યું નથી, પરંતુ મેં એમનું ‘રાજયોગ’ પુસ્તક વાંચ્યું છે.’ એ અજાણી વ્યક્તિ કહે, ‘ઠીક છે, પરંતુ તેઓ મોટ મેમોરિયલ બિલ્ડિંગમાં દર રવિવારે ત્રણ વાગ્યે પ્રવચન આપવા આવે છે. તમે ત્યાં આવી શકો છો.’ મેં તે ભાઈનો આભાર માન્યો, પરંતુ મને એમના વિધાનની સત્યતા વિશે ત્યારે જ શંકા પડી, કેમ કે સ્વામી વિવેકાનંદ તો ભારત પાછા ફર્યા છે એવો મને ખ્યાલ હતો.

આમ છતાં, મોટ મેમોરિયલ બિલ્ડિંગમાં ત્યાર પછીના રવિવારે ૩ વાગ્યે હું પહોંચી ગયો. હૉલ એટલો મોટો ન હતો. લગભગ ૩૦૦ થી ૪૦૦ માણસો એમાં સમાઈ શકે. છતાં આખો હૉલ ભરાઈ ગયો ન હતો અને મને સહેલાઈથી એક બેઠક મળી ગઈ. મેં સ્વામીજીની ઘણી પ્રશંસા સાંભળી હતી અને એમના પુસ્તક ‘રાજયોગ’ની મારા પર ઘણી સારી અસર પડી હતી. આથી એમને સાંભળવાની મારી ઘણા લાંબા સમયથી ઇચ્છા હતી. ખૂબ જ ઉત્તેજનાપૂર્વક મેં એમના આગમનની રાહ જોવા માંડી.

બરોબર ત્રણ વાગ્યે એક સ્વામીએ હૉલમાં પ્રવેશ કર્યો. એમણે ભગવા રંગનો ઝભ્ભો તથા પાઘડી પહેર્યાં હતાં. તેઓ સીધા મંચ પર ગયા અને એક ક્ષણના પણ વિલંબ વિના પોતાનું પ્રવચન શરૂ કર્યું. ‘द्वा सुपर्णा सयुजा सखाया’ના મંત્રથી એમણે પ્રારંભ કર્યો, અને પછી એની અંગ્રેજીમાં સમજૂતી આપી. ‘સુંદર પાંખો ધરાવતાં બે પક્ષી એક જ વ્યક્તિત્વમાં રહે છે, તેઓમાંથી એક સ્વાદિષ્ટ ફળ આરોગે છે, તો મૌન રહીને બીજું પક્ષી એ જોયા કરે છે.’ ત્યાર બાદ તેમણે ઉપનિષદના આ સુંદર દૃષ્ટાંતનું ગૂઢ રહસ્ય સમજાવવાનું શરૂ કર્યું. પ્રવચન ખૂબ જ સ્પષ્ટ, સમજપૂર્ણ અને અસરકારક રહ્યું. પરંતુ એમના વક્તવ્યમાં એવી કોઈ અનેરી છટા ન હતી અને ભાગ્યે જ કોઈ હાવભાવ હતા. વેદાંતના તત્ત્વજ્ઞાનનું એ સાવ સીધું, તર્કબદ્ધ વિશ્લેષણ હતું. શાંત, ગૌરવપૂર્ણ રીતે અપાયેલું એ એક પ્રવચન હતું. એ પોતાના વિષયને બરાબર જાણતા હતા, એમનો સ્વર સ્પષ્ટ અને મધુર હતો.

સ્વામી ઊંચા, ટટ્ટાર, સોહામણા હતા. પરંતુ જાહેરસભાના વક્તા પાસે જે અપેક્ષા હોય એના પ્રમાણમાં એમનું વલણ થોડું અક્કડ હતું. પોતાની અસર જામે એ માટે કોઈ સભાન પ્રયાસ એમણે કર્યો નહીં. એમનું વક્તવ્ય સ્વાભાવિક અને પ્રામાણિક તો ખરું, પરંતુ અમેરિકન વક્તાઓમાં જે સહજતા અને શાલીનતા જોવા મળે છે તે એમનામાં ન હતી. દેખીતી રીતે સ્વામીને મંચ પરથી ભાષણ આપવાનો ખાસ અભ્યાસ ન હતો. જો કે તેઓ આમ છતાં સરસ વક્તવ્ય આપી શકતા હતા.

પ્રવચન પછી પ્રશ્નોત્તરી થઈ. બધા જ પ્રશ્નોના સ્વામીએ કોઈ પણ પ્રકારના ખચકાટ વિના સરસ ઉત્તર વાળ્યા. પછી તેઓ નીચે આવ્યા ત્યારે તેમને વ્યક્તિગત રીતે મળવા આતુર લોકો એમને ઘેરી વળ્યા.

હૉલના પાછળના ભાગમાં ઊભા રહીને મેં સ્વામીને શેરીમાં પસાર થતા જોયા. જે ભૂમિ પર વેદાંતનો જન્મ થયો હતો તે ભૂમિ પરથી આવેલા એક ગુરુ મને મળી ગયા એથી હું ખૂબ જ રાજી થયો. મારી અપેક્ષાઓ ખૂબ જ ઊંચી હતી, અને હું નિરાશ તો ન જ થયો પરંતુ સ્વામી વિવેકાનંદની અદ્‌ભુત વક્તા તરીકે જે ખ્યાતિ હતી એવું મને અહીં જણાયું નહીં. આ સ્વામી વક્તા તરીકે આટલા પ્રસિદ્ધ કેવી રીતે થઈ શક્યા હશે? એ વિશે વિચાર્યું ત્યારે આ વક્તા વિવેકાનંદ તો નહીં જ હોય એવી મને શંકા પડી. આથી હૉલના વ્યવસ્થાપક, જે ત્યાં પુસ્તક વિક્રેતાનું પણ કામ બજાવતા હતા એમને હું મળ્યો. ત્યારે મને ખબર પડી કે આ વક્તા શ્રીરામકૃષ્ણના એક અન્ય શિષ્ય સ્વામી અભેદાનંદ હતા. મેં પછી ત્યાંના બૂક સ્ટોલમાંથી ‘કર્મયોગ’ પુસ્તક ખરીદ્યું અને ઘરે પાછો ફર્યો.

બાહ્ય જીવનના ઝંઝાવાતો વચ્ચેથી મારી નૌકા ઈશ્વર પરમ શાંત, ગહન જળ પ્રતિ કેવી પૂરી સંભાળપૂર્વક દોરી જાય છે એ જોતાં હું આશ્ચર્યમુગ્ધ બન્યો. મને લાગ્યું કે સ્વામી અભેદાનંદમાં મને મારા આચાર્યની પ્રાપ્તિ થઈ છે અને એમના સૂચન તથા માર્ગદર્શન હેઠળ જો હું પૂરા હૃદયપૂર્વક પુરુષાર્થ કરીશ તો મારો આધ્યાત્મિક વિકાસ જરૂર સાધી શકીશ.

Total Views: 374

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.